28.12.15

પરમઆનંદમાં રહેવા માણસે કેવા ગુણો કેળવવા પડે ?


»   બીજાને બદલવાની મથામણો કરવાને બદલે એ પોતાને બદલવાની મથામણમાં મશગુલ રહે છે.

»   એ બીજાઓ જેવાં છે એવાં જ એમને સ્વીકારી શકે છે.

»   એ સમજે છે કે પોતાની રીતે દરેક જણ સાચો હોય છે.

»   દરેક બાબતમાં જતું કરવાનું એણે શીખી લીધું છે.

»   કોઇ પણ સંબંધમાં કોઇ પણ અપેક્ષા રાખ્યા સિવાય, " આપવાના આનંદ"  ખાતર આપવાનું એને આવડી ગયું છે.     

»   એને ખબર પડી ગઈ છે કે આપણે જે કંઈ કરીએ છીએ એ આપણી પોતાની જ શાંતિ અને આનંદ માટે કરતાં હોઈએ છીએ.

»   પોતે કેટલો બુદ્ધિશાળી છે એ દુનિયા સમક્ષ સાબિત કરતાં રહેવાનું એણે છોડી દીધું છે.

»   પોતે જે કંઈ કરે છે એ માટે અન્યોની મંજુરી કે સમર્થન મેળવવાની જરૂર એને વર્તાતી નથી.

»   અન્યો સાથે પોતાની સરખામણી કરતાં રહેવાની વૃત્તિમાંથી એને મુક્તિ મળી ગઈ છે.

»   એણે પોતાની જાત સાથે સંપૂર્ણ સુલેહ સાધી લીધી છે.

»   "ઈચ્છાઓ" અને "જરૂરીયાતો" વચ્ચેનો તફાવત સમજી લઇ "ઈચ્છાઓ" ને ભૂલી જતાં એને આવડી ગયું છે.   

»   ભૌતિક વસ્તુઓ સાથે સુખને સાંકળવાની આદતથી એણે છુટકારો મેળવી લીધો છે.      







19.12.15

જીવન્મુક્તિ ઇચ્છતા સાધકોએ પાળવાના બંધનો






(પુસ્તક :અનંત તરફ દોટ , લેખક :અ. લ. ભાગવત, ગજાનન બુક ડેપો )

પરમેશ્વરે તમને સંસારમાં જે સ્થિતિમા મુક્યા છે તે સ્થિતિ તમારા જીવનને પોષક છે એવો ભાવ સેવતા રહો.

ભૂતકાળને સંભારશો નહી , ભવિષ્યકાળ માટે ઉદાસીન રહેજો. ફક્ત વર્તમાનકાળનો વિચાર કરવા પ્રયત્ન કરો.
ભૂતકાળની વાત સંભારવાથી મન બેચેન બને છે. ભવિષ્યની ચિંતા ભયાનક રોગ છે.

રાગ-દ્વેષ વગેરે ભાવનો નાશ કર્યા વગર મન શુદ્ધ બનતું નથી, અને અશુદ્ધ મનમાં પરમાત્માનું પ્રતિબીંબ પડતું નથી.

દુઃખ , ભોગ વિ. પ્રારબ્ધ નું ફળ હોવાથી તે ભોગવ્યા સિવાય તેનો નાશ થવાનો નથી. આપણું દુઃખ આપણે જ ભોગવીને પૂરું કરવું જોઈએ, તેનો ભોગ મુલતવી રાખી શકાય નહી. પરમેશ્વરની પ્રાર્થના કરીને તેની પાસેથી સુખની યાચના કરશો નહિ. તેમ કરવાથી તમારી જીવદશા ઓછી થવાને બદલે વધારે બળવાન બનશે.

બીજાનું સુખ જોઈને દિલગીર થશો નહિ.  એ સુખી લોકો તમારું જ સ્વરૂપ છે એમ જ માનો. એના વૈભવ  અને સુખની પાછળ દુઃખ પણ છે એ ભૂલશો નહિ. દુઃખ વગરનું સુખ ફક્ત જીવન્મુક્ત લોકો ને જ પ્રાપ્ત થાય છે.

સર્વ ભૂત પ્રાણીમાં આત્મા છે એમ તમે માનો છો માટે સર્વ ઉપર દયા રાખો. તેમના દુઃખમાં સહભાગી બનો અને મારું જીવન લોકોને ઉપયોગી થવા માટે છે, એવો ભાવ મનમાં રાખો. આ ભાવમાં રહેવાથી તમારો અહંકાર વિશ્વ વ્યાપી થશે અને તમારાથી કશું જ જુદું નથી એવો તમને અનુભવ થશે. એને જ કહેવાય જીવન્મુક્તિ.

આ જગત મા આપણે બહુ જ થોડો વખત રહેવાના છીએ , એ વિચાર હમેશા નજર સામે રાખવો. ધર્મશાળામા ઉતરેલો મુસાફર તે ધર્મશાળાનો મોહ રાખતો નથી. તે પ્રમાણે આ જગત વિષે મોહ રાખશો નહી.

તમારી રહેણી કરણી તદ્દન સાદી રાખો. ભારે કિમતના કપડા પહેરી લોકોમા ફરવું, સ્વાદિષ્ટ પદાર્થોનું અને પકવાનોનું હમેશા સેવન કરવું અને પોતાનો વૈભવ લોકોને બતાવવો એ અજ્ઞાની માણસના લક્ષણો છે.

કુટુંબ ની પ્રત્યેક વ્યક્તિ પરમાત્મા જ છે. તેમના નામ અને સ્વરૂપ તરફ તમારી દ્રષ્ટિ રાખી તેમને તુચ્છ ગણશો તો તમે પૂર્ણ અજ્ઞાની છો. માતા,પિતા, ગુરુ અને અતિથિને દેવતુલ્ય ગણવા.  સાક્ષાતકારી મહાત્માઓએ લખેલા ગ્રન્થો વાંચવા. જીવન્મુક્ત મહાત્માઓને મુખેથી નીકળેલો એક શબ્દ પણ કિંમતી છે. 

તમે જેટલું ઓછું બોલશો, એટલું તમારું મન વધુ શાંતિ અનુભવશે અને બળવાન બનશે. કામ જેટલું જ બોલવું એને મૌન વ્રત જ કહેવાય.

સમાજમાં વધારે ભળવું નહી. સિનેમા કે શૃંગારી વાંચન થી દુર રહેવું. શ્રીમંત અને નાસ્તિક લોકોની સોબત કરવી નહિ. શ્રીમંત લોકોના સંગથી ભોગની ઈચ્છા પ્રબળ થાય છે અને નાસ્તિક લોકોની સોબતમા આપણે પણ ઈશ્વરના અસ્તિત્વ વિષે શંકાશીલ બનીએ છીએ. 

અજાણ્યાઓ પર અગણિત ઉપકાર / દાન કરતાં રહો. અનેક વ્યક્તિઓના આશીર્વાદ એક બળવાન શક્તિ નિર્માણ કરે છે અને તે આશીર્વાદ સફળ થાય છે. અલબત્ત , દાન-ધર્મ કરવામાં અહંકારની વૃત્તિ છોડી દેવી કારણ કે તમે જે સંપત્તિનું દાન કર્યું છે તે તો ઈશ્વરની માલિકીની છે.

પશુ પક્ષી વિ મૂંગા જીવો પણ તમારું જ સ્વરૂપ છે એમ સમજી તેમના પર પ્રેમ રાખો.

માળા પકડી રામ-રામ બોલવા કરતાં " આ જગતમાં બધે રામ  ભરેલા છે " એવી ભાવના સેવી દુનિયામા ફરવું એ શ્રેષ્ઠ સાધના છે.

ઈશ્વરની પ્રાર્થના કરવાથી જીવદશા વધુ બળવાન થાય છે અને માનવી જીવન્મુક્તિ પ્રાપ્ત કરી શકતો નથી. જ્યાં સુધી જગત સત્ય લાગે છે ત્યાં સુધી જ ઈશ્વરોપાસના નું મહત્વ છે. જગદ્ભ્રમ ઉડી ગયો એટલે એમાંની વસ્તુ અને ભાવ એ બધું અસ્ત થઈ જાય છે અને જગતની કલ્પના પણ ખલાસ થાય છે. જગતને અભાવે એનો સર્જક એ શબ્દ પણ ખોટો છે. જ્ઞાનાવસ્થામાં કોણે, કોની અને શા માટે પ્રાર્થના કરવી જોઈએ ?
સંન્યાસના ચાર પ્રકારો માં પરમહંસની અવસ્થા સર્વશ્રેષ્ઠ ગણાય છે.  પરમહંસ બ્રહ્મચિંતન પણ કરતો નથી, કારણ કે એ બ્રહ્મસ્વરૂપ સાથે એકરૂપ થયો હોવાથી ધ્યેય નામની વસ્તુ જ રહેતી નથી અને ધ્યેયના અભાવે ધ્યાન નો પણ નાશ થઇ એ બંનેનું અધિષ્ઠાન જ સિલક રહે છે.   
સંસાર ભ્રમ છે તેથી એ ભ્રમમાંથી ધ્યાન ખેંચી લઇ  સંસારમાં રહેવું હિતાવહ છે. સાધકે સંસારમાં નિર્મોહી બની રહેવું અને સંસાર પ્રત્યે ઉદાસીનતા કેળવવી. બાહ્ય જગતનું પ્રતિબિંબ મનમાં પડતું હોવાથી આપણને વિશ્વનું ભાન થાય છે અને જીવદશા વધુ બળવાન થાય છે, માટે સાધકોએ બને ત્યાં સુધી એકાંતવાસ સેવવો. એકાંતવાસ એટલે જગત જોડે બહુ સંબંધ ન રાખવો. મનમાં ક્ષણે ક્ષણે ઉમટતાં જગતનાં પ્રતિબિંબ ઓછા કરવાં એ જ ખરો એકાંતવાસ.