14.2.10

ઉમર ઘટે ઈચ્છાશક્તિથી

" જો હું દોડવા નાં જાઉં તો જમતો નથી અને સુતો નથી. "
૭૨ વર્ષના પ્રસિદ્ધ કાર્ડિયોલોજીસ્ટ ડૉ આશિષ રોય આજે મંગળવાર થી શનિવાર  સુધી રોજ સવારે બાર કિલોમીટર દોડે છે અને રવિવારે......... ૨૪ કિલોમીટર દોડે છે !

૫૦ વર્ષે ડૉ આશિષ રોય નું   વજન વધતું હતું અને બ્લડપ્રેશર અને ડાયાબીટીસ દાખલ થઇ ચુક્યા હતા. આવે સમયે એમણે દોડવાનું શરૂ કર્યું અને આજે તો મેરેથોનમાં પોતાના નામે વિક્રમો ધરાવે છે. ૫૫ થી વધુ વયના જૂથમાં  ૪૨ કિલોમીટરનો માર્ગ સૌથી વધુ  ઝડપ થી પુરો કર્યો હોય તો તે ડૉ આશિષ રોય છે! એમણે ૩ કલાક ૧૦ મીનીટમાં આ અંતર પસાર કાર્ય હતું.

૭૨ વર્ષના આ કાર્ડિયોલોજિસ્ટ કહે  છે કે તમારા માં દ્રઢ ઇચ્છાશક્તિ હોય તો ઉમર ક્યારેય આડી આવતી નથી. એ પોતે દર વર્ષે આશરે ચાર થી છ મેરેથોન માં ભાગ લે છે.

એ આગ્રહ પૂર્વક કહે છે કે જેમ તમે બ્રશ કરો છો, મોઢું ધુઓ છો, અને ભોજન લો છો એ જ રીતે માણસે આ કસરત કરવી જોઈએ. આના અભાવે અમેરિકા કરતા ભારતમાં પાંચ ગણા હાર્ટ-અટેક થાય છે .
દરેક વ્યક્તિ પાતળી, ચુસ્ત, અને સુંદર બનવા ઈચ્છે છે, એણે આ ત્રણેય વસ્તુ મેળવવા માટે દોડવું જોઈએ.

અમેરિકામાં દર વર્ષે ૫૦૦ જેટલી મેરેથોન યોજાય છે. લોકો એમાં ફિટનેસ જાળવવા ભાગ લેતા હોય છે. હવે મેરેથોન એ માત્ર યુવાઓ માટેની દોડ નથી , પરંતુ વૃધ્ધોની પણ દોડ છે.૧૯૯૬ ની બોસ્ટન મેરેથોનમાં ૪૦ હજાર લોકોએ ભાગ લીધો હતો, જેમાં ડૉ આશિષ રોય એકમાત્ર ભારતીય હતા. અને એ પોતાના ગ્રૂપમાં ત્રીજા ક્રમે આવ્યા હતા.

ડૉ આશિષ રોય કહે છે કે તમારા સ્વપ્નોને ઉમર સાથે કોઈ નિસ્બત નથી.   

[આજકાલ- પ્રીતિ શાહ /ગુજરાત સમાચાર રવિપૂર્તિ]

ટિપ્પણીઓ નથી: