9.2.17

અતિથી માથે પડ: - દિલીપ રાવલ

 


અતિથી માથે પડ:
હસ તું હરદમ - દિલીપ રાવલ

ઈન્ટરકોમની રિંગ વાગી અને સિક્યોરિટી વાળો કહે...
'સરજી કઉનું જટકીયા પરિવાર મીલને આયે રહે'
મેં કહ્યું,
'તો મીલો... મીલો તમ તમારે...'
સામે બે ત્રણ સેકંડનો પોઝ જાય છે. પછી સિક્યુરિટીવાળો વોચમેન બોલે છે.
'અરે હમ મીલકે કા કરેંગે આપસે મીલને આયે રહે ! કહો તો છોડત હૈ વરના રવાના કરત હૈ.'


મન તો બહુ થયું કે 'રવાના કરી દે' આવું કહી દઉં, પણ મા બાપે આપેલા સંસ્કાર આડા આવ્યા અને 'અતિથિ દેવો ભવ:'ની પેલી ઉક્તિ પાછી યાદ આવી.
એટલે મેં કહ્યું, 'ભેજો ઉનકો... બોલના લીફટકે બાજુવાલા ફ્લેટ હૈ છે માલે પે.' 'ઠીક હૈ સાહબ...'

મારી પત્ની પન્નાની નાનપણની ફ્રેન્ડ ઉત્પત્તિ એના પતિ જતીન જાટકીયા અને પુત્ર ભદ્રાયુ સાથે મારા ઘરે જમવા આવવાના છે અને પન્ના એમને 'ખડા ડોસા' ખવડાવવાની છે.  'ખડા ડોસા' શું હશે? રામજાણે... 'પન્ના, આ લોકો આવી ગયા છે.' આવો ટહુકો કરીને મેં મારા વાળ સરખા કર્યા. પન્ના ખુશ થતી થતી અંદરથી આવી અને ગાવા લાગી.

'બચપન કે દિન ભુલા ન દેના... આજ હંસે કલ રૂલા ન દેના...
બચપનકે દિન ભી કયા દિન થે... ઉડતે ફિરતે તીતલી બનકે બચપન...
મેરે બચપન તું જા જા જવાની કો લે આ.
જા વે જા... તૈનું રબ દા પાસ્તા... જા વે જા તૈનું રબ દા પાસ્તા... 

'રબ દા વાસ્તા...' નું આ બાઈએ 'પાસ્તા' કરી નાંખ્યું
! હશે. આપણે શું ? આવી વિચારધારા ચાલતી હતી ત્યાં તો પન્ના અંદરથી નાના નાના છોલેલાં કાંદા મૂકેલા બહુ બધા પડીયા એક ટ્રેમાં સજાવીને લઈ આવી અને ઘરની બહાર નીકળીને લીફ્ટથી મારા મેઈનડોર સુધીના રસ્તામાં બેઉ સાઈડ પર એ પાડિયા ગોઠવવા લાગી. આ શું ...?
અને જે રિઝન મળ્યું એ સાંભળીને મારું બ્રહ્માંડ ફરીથી હલી ગયું.


ઉત્પત્તિ
ને સ્કૂલ ડેઝમાં કાંદા બહુ ભાવતા એટલે ડબ્બામાં કાંદા લઈ આવતી. માત્ર કાંદા અને કાચ્ચા કાંદા ખાતી. બાળપણમાં જાંબુ, કરમદા, આમલી કે ગટાગટ એવું બધું ખાધાનું યાદ છે... લીલી વરીયાળી પણ ક્યાંક ક્યાંક સ્મરણમાં છે, પણ કાંદા...? કાચ્ચા કાંદા ને એ પણ નકરા કાંદા કોઈ ખાય ? ઉત્પત્તિ ખાય...
એક વાર ઈતિહાસના પિરિયડમાં શિવાજી મહારાજે અફઝલ ખાનને કઈ રીતે માર્યો એનો પાઠ 'જોષી સર' ભણાવી રહ્યા'તા અને બધાંની આંખમાં પાણી હતા, ઈન્ક્લુડિંગ 'જોષી સર' ! જોષી સરને એ વાતનું આશ્ર્ચર્ય હતું કે   'વિર-રસ' ના પાઠના પઠનમાં 'કરુણ-રસ' સાંભળતા હોય એમ બધાંની આંખમાં પાણી કેમ છે? શાને માટે છે? પછી રહસ્યોદ્ઘાટન થયું કે 'રીસેસ પડે' એ પહેલાં જ કકડીને ભૂખ લાગી ગઈ એટલે
ઉત્પત્તિ બેંચની નીચે બેસીને, ડબ્બો ખોલીને કાચ્ચો કાંદો ખાઈ રહી'તી !

અને
એટલે
પન્ના
એ લીફ્ટથી લઈને અમારા મેઈનડોર સુધી કાંદા ગોઠવી દીધા હતા. નોર્મલી કોઈના સ્વાગતમાં આપણે ફૂલો બિછાવીએ... વરસાવીએ. અહીંયા કંઈ નહિ ને કાંદા! પાછી ગાતી જાય "બહારો કાંદા પથરાવો... મેરા મહેદોસ્ત આયા હૈ... મેરા મહેદોસ્ત આયા હૈ... આ મહેદોસ્ત શું એવો બાળસહજ પ્રશ્ર્ન મને પણ થયો તો પન્ના કહે... મહેબૂબ કી જગહ મહેદોસ્ત... વો ગજલ કા મીટર સાચવને કે લિયે ઐસા કરના પડતા હૈ !

પછી મારો હાથ પકડીને ખેંચીને
એ મને અંદર તાણી ગઈ :
'કિતને સાલોં કે બાદ મીલુંગી ઉસે... ફોન પે બાંતે હોતી હૈં...
ચહેરા યાદ નહીં... ફરિયાદ નહીં. આઝાદ નહીં... અમદાવાદ નહીં. '
બોલીને ખડા ડોસાની તૈયારી કરવા એ અંદર જતી રહી. દસેક મિનિટ વિતી ગઈ. પણ ન તો બારણે ટકોરા પડ્યા કે
ન તો બેલ વાગી. મારાથી રહેવાયું નહી અને સિક્યુરિટીવાળાને ઈન્ટરકોમ લગાવીને પૂછ્યું તો ખબર પડી કે એ લોકો તો ક્યારના મારા ફ્લેટમાં આવવા નીકળી ગયા. ને મને ધ્રાસ્કો પડ્યો. નીકળી ગયા તો ગયા ક્યાં? અહિંયા નથી પહોંચ્યા તો ક્યાં પહોંચી ગયા હશે?

હું રોકિંગ ચેરમાં વિચારો
ને અને ચેરને ઠેસ મારતો ગોઠવાઈ ગયો. પંદર વીસ મિનિટ થઈ ગઈ. મને આટલો અજંપો થઈ રહ્યો છે અને પન્નાનું રુંવાડું યે ફરકતું નથી? મેં પન્નાને કહ્યું 'તારી ફ્રેન્ડને ફોન લગાવ...'
પન્ના :  'પહોંચ જાયેગી... આપ ચિંતા મત કરો બાબુ... કંહી રૂક ગઈ હોગી બીચમે... આપકી ફીક્રકો ધુએ મેં ઉડા દો... મૈં અભી અગરબત્તી લાતી હું.'
આટલું બોલીને રફીનું ગીત પોતાના 'શારદા' જેવા અવાજોમાં ગાતી ગાતી એ જતી રહી : 'હર ફ્રીક્ર કો ધુંએમેં ઉડા'તા ચલા ગયા... મેં જિંદગીકા સાથ નીભાતા ચલા ગયા...


હું ફરી પાછો વિચારોમાં ગરકાવ થઈ ગયો. 'બીચમેં કહી રૂક ગઈ હોગી!' એટલે...? સિક્યુરિટી કેબિનથી મારા ફ્લેટ સુધી પંહોચવામાં મેક્સિમમ પાંચ મિનિટ લાગે. લીફ્ટનો દરવાજો કોઈએ ખુલ્લો રાખી દીધો હોય તો બીજી ત્રણ મિનિટ એડ થાય... પણ આટલી બધી વાર!? અને જે રીતનો આ પરિવાર છે એ ક્યાંય પણ રોકાય નહીં એ જ બધાંના હિતમાં છે !

ત્યાં અંદરથી 'મુત્તુકોડી કવ્વાડી હડા... આપડી પોડે પોડે પોડે... જેવા બે ત્રણ મદ્રાસી ગીત ગાતી ગાતી હાથમાં પ્લેટ અને એમાં વાળીને ઊભો કરેલો ઢોસો લઈને પન્ના આવી.
નોર્મલી આડો પીરસાતો ડોસો એણે ઊભો કરી દીધો. અને નામ આપ્યું 'ખડા ડોસા' ! ઢોસો મદ્રાસી વાનગી એટલે સાઉથના ગીતો ગાવાના... છોલે ભતુરે બનાવે ત્યારે, 'યે દેશ હૈ વિર જવાનોકા અલબેલોંકા મસ્તાનોકા' અને દાળઢોકળી બનાવે ત્યારે 'મારો હાથ ઝાલીને લઈ જશે, મુજ શત્રુઓ જ સ્વજન સુધી' ! અને બોલતી જાય... 'જીસ પ્રદેશકાં મંજન હો. (એ વ્યંજન કહેવા માગે છે) ઉસી પ્રદેશકા ગાના ગાઓ તો માહોલ બનતા હૈ...'

ત્યાં તો દરવાજે બેલ વાગ્યો. કી-હોલમાંથી જોયું તો એકદમ વિખરાયેલા વાળવાળા, ઘાંઘા થઈ ગયેલા મારા પાડોશી પંચાતનું પોટલું મંગળભાઈ. મેં દરવાજો ખોલ્યો અને એમને પૂછ્યું "શું થયું મંગળભાઈ ? કેમ આમ બઘવાઈ ગયેલા લાગો છો?" પછી ખબર પડી. 'લિફટ કે બાજુવાલા ફલેટ' આવું સિક્યુરિટીવાળાએ કહીને મોકલેલા પન્નાના પરોણા લિફટની ડાબી બાજુના અમારા ફલેટને બદલે જમણામાં જતા રહ્યા અને મંગળના મગજની બધી નસો ખેંચી નાખી ! ત્રણે ભૂખ્યા થયા'તા તે મંગળનું કિચન વાપરીને બટાટાની કાતળી કરીને પણ ખાઈ લીધી. મંગળ ખૂબ સમજાવતો રહ્યો કે હું "રાવલ નથી 'મંગળ' છું..મારી વાઈફ પન્ના નથી -અરે મારી વાઈફ જ નથી ! " તો પણ એ લોકો મંગળનું માન્યા નહિ અને પન્ના "ભૌ કરવા" ક્યાંક છુપાઈ ગઈ હશે એવું વિચારીને આખું ઘર ફેંદી નાખ્યું. મેં  મંગળની માફી માગી ને એમને ત્યાંથી ઉત્પત્તિ પરિવારને બોલાવવા ત્યાં પહોંચ્યો. મારી ઓળખાણ આપતાં જ જીન્સ અને ટોપ પહેરેલી બૉયકટ વાળવાળી પૌરુષસભર અવાજવાળી એ સ્ત્રી મને જીજાજી જીજાજી કરતી વળગી પડી... મેં એને આજીજી પર આજીજી કરી તો પણ એ જીજાજીને છોડતી જ નહોતી !  એનો સ્ત્રૈણ અવાજવાળો પતિ જતીન જાટકિયા હાથ જોડીને આંખોથી મારી માફી માંગતો હોય એમ લાગ્યું. એના અત્યંત પાતળા, હાડપિંજર જેવા દીકરા ભદ્રાયુએ મને નમસ્તે કર્યું પછી આ લશ્કરને હું મારે ઘરે લઈ આવ્યો.

અમેરિકા શોધ્યા બાદ કોલંબસની આંખોમાં જે ચમક, જે તેજલિસોટો સર્જાયો હશે એવો જ ઉત્સાહ ઉત્પત્તિની આંખમાં
મારા મેઈનડોર સુધીના રસ્તામાં બેઉ સાઈડ પર ગોઠવેલા કાંદા જોઈને વર્તાયો, કાંદા ઊંચકીને તરત જ એ ચાવવા માંડી. એ બધાની પાછળ હું મારા ફલેટમાં  ડરતાં ડરતાં પ્રવેશ્યો. મનમાં ફડકો હતો કે પન્ના ક્યાંય સંતાઈ ન ગઈ હોય તો સારું...પેલું "ભૌ " કરવા માટે ! જો એવું થયું તો મારા ફલેટની દશા પણ મંગળના ફલેટની જેમ બગડી જશે. મેં મનોમન જલારામ બાપાને યાદ કર્યા. ત્યાં તો બેડરૂમમાંથી પન્ના પ્રગટી. ક્યાંકથી કોઈકનું માંગી લાવેલું સ્કૂલનું પીનાફોર્મ, અંદર વ્હાઈટ શર્ટ, બૂટ મોજાં અને અદ્ધર વાળેલા લાલ રિબિન નાખેલા બે ચોટલા વાળેલી પન્નાએ બે હાથ ફેલાવીને લગભગ રા...ડ પાડી, "ઉત્તુડી...!" સામે બાહુપાશ ફેલાવીને ઉત્પત્તિએ "પન્નુડી... !" નો પોકાર કર્યો, અને દસ ફૂટના અંતરમાં પણ બન્ને સ્લો મોશનની એક્ટિંગ કરતાં કરતાં હીરો-હિરોઈનની જેમ એકબીજાની સામે દોડીને ભેટ્યા, ગોળ ગોળ ફર્યા અને પછી અચાનક હાથ જોડીને આંખ બંધ કરીને ચોરસ સ્વરમાં ગાવા માંડ્યા. (સૂરમાં હોય તો 'કોરસ'... નહિ તો 'ચોરસ' જ).

મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો
શિશુને ઉરમાં લ્યો લ્યો દયામય,મંગલ મંદિર ખોલો...

ફરી એક વાર મારી નજર જતીન જાટકિયા પર પડી અને ફરી એક વાર એણે લાચારીભરી આંખથી મારી માફી માંગી. મારા મનમાં એના માટે એક જ ભાવ જાગ્યો; 'સહાનુભૂતિનો'!

ત્યાં તો પેલો, ઉત્પત્તિનો રાજકુમાર ભદ્રાયુ આવ્યો અને મને કહે
"અંકલ, ફું હું તમારું વોફરૂમ યુઝ કરી ફકું?"
મને કંઈ સમજાયું  નહિ તો ય એમનેમ હા પાડી અને એ દોડીને બાથરૂમ તરફ ગયો. જતીન જાટકિયાએ સ્પષ્ટીકરણ કર્યું , " અમારા ભદ્રાયુને સ...શ... અને ષનો પ્રોબ્લેમ છે. (જે નોર્મલી મોટા ભાગના ગુજરાતીઓને હોય છે) અમારો ભદ્રાયુ સ...શ... અને ષની જગ્યાએ હંમેશાં 'ફ' બોલે છે. એટલે તમારે ફમજી જવાનું...! "

ત્યાં તો વોફરૂમમાંથી (આઈ મીન વૉશરૂમમાંથી) વીર ભદ્રાયુ બહાર આવીને કહેવા લાગ્યો, "થેંક્ યુ ફો મચ અંકલ તમારું વોફરૂમ ફુપર્બ છે. ફુ મફત ટાઈલ્ફ લગાડી છે. અંદર બેફી રહેવાનું જ મન થાય. તમારો ટેફ્ટ ફોલિડ છે !"

હું જતીનની સામે જોઉં ત્યાં તો ભદ્રાયુએ પન્નાને પૂછ્યું "માફી ફીકિંગ રોપ છે?"
મને કાંઈ પલ્લે પડ્યું નહી- શેની માફી માંગે છે આ ?
પછી ફોડ પડ્યો કે એ કહેવા માંગી રહ્યો છે. "માસી, સ્કીપિંગ રોપ છે?
  મેં ખભા ઉલાળ્યા પણ પન્ના 'અભી લાઈ મેરા બચ્ચા... ડેરા સચ્ચા... બહોત અચ્છા...' બોલતી બોલતી અંદર દોડી ગઈ. મને પન્નાના આ કાફિયામાં એકનો ઉમેરો કરવાનું મન થયું... 'અકલ કા કચ્ચા.'

"હું પણ હમણાં આવી... તમે જીજાજીને કંપની આપો. સાઢુભાઈ, સાઢુભાઈ વાતે વળગો" આવું કંઈ ઘોઘરા અવાજે બોલીને પન્નાના નકશેદમ પર 'ઉત્ત્પત્તી' પણ સરકી ગઈ. હું અને મારો પરાણે બની બેઠેલો સાઢુભાઈ સોફા પર ગોઠવાયા કે એણે  શરૂ કર્યું . "બોલો બીજું?

અરે, હજુ પહેલાના આઘાતમાંથી બહાર નથી આવ્યો ત્યાં બીજું શું હોય? (આવું હું માત્ર વિચારું છું અને કહું છું)
 "ના તમે ફરમાવો. "
અને એ સ્રૈણ અવાજવાળો પુરુષ શરૂ થઈ ગયો. "આપણી તો ચાર ટેક્સીઓ ફરે છે સાહેબ મુંબઈમાં... પણ આપણી ટેક્સી એટલે આપણી ટેક્સી... સાહેબ પેસેન્જરની સગવડ માટે આપણે એક માટલું પણ ટેક્સીમાં રાખ્યું છે. સાથે એક પવાલું અને પિત્તળનો ડોયો... આપણે તો ટેક્સીમાં 'ભલે પધાર્યા'નું પગલૂછણિયું પણ રાખ્યું છે. આપણી ટેક્સી એટલે આપણે આપણી ટેક્સી... સાહેબ... એકોએક દેવી દેવતાના ફોટા ટેક્સીમાં રાખ્યા છે... શંકર ભગવાન, ગણપતિ બાપા, જલારામ બાપા, સાંઈબાબા, અંબે મા, સીતારામ, બાપા સીતારામ, ખોડિયાર મા, મેલડી મા, રાંદલ મા, સત્યનારાયણ ભગવાન... અને ઈશુ ખ્રિસ્ત અને ગુરુનાનક પણ છે અને 'મક્કા મદીના'નો ફોટો પણ છે. આપણે માટે બધાં સરખા... સાહેબ. આપણી ટેક્સી એટલે આપણી ટેક્સી...

મને થયું,  'ભલે પધાર્યા'ના પગલૂછણિયા, માટલું, ડોયો, તેત્રીસ કરોડ દેવતાઓમાંથી અમુક પર્સન્ટેજ ભગવાનના ફોટા... આ બધા પછી પેસેન્જરને બેસવા માટે જગ્યા કયાં બચતી હશે ? મારા વિચારોને વેગ મળે એ પહેલાં તો જતીનીયાએ આગળ ચલાવ્યું...  "અરે સાહેબ, પેસેન્જર જેવો દરવાજો ખોલે એટલે આપણે એના સ્વાગતમાં એના મોઢામાં એક ગોળનું દડબું મૂકીએ અને ગાઈએ..." આટલું બોલીને શમશાદ બેગમનો અવાજ બેસી ગયો હોય એવા અવાજમાં
ગાવા માંડ્યો .

"કેસરીયા બાલમા હો જી..
પધારો મા....રે દેશ.. 
પધારો મા........રે દેશ...
'મા' અને 'રે' ને એટલું તાણીને ગાતો હતો કે મને થયું કે આને કોઇ 'મારે' નહિ તો સારું.

ભદ્રાયુને દોરડા આપ્યા કે ઉત્ત્પત્તી શરૂ થઇ ગઈ. 'અમારો ભદુ એક્સરસાઈઝ નિયમિત કરે... ટાઈમ થાય એટલે શરૂ જ થઈ જાય. અમારો ભદુ એટલે અમારો ભદુ...'
ભદ્રાયુ દોરડા કૂદવા માંડ્યો અને એની આગળ પાછળ ઊભા રહીને જતીન, ઉત્ત્પત્તી અને પન્ના જાતજાતની સેલ્ફીઓ લઈને આ યાદગાર ક્ષણને કચકડે કંડારવા માંડ્યા. હું મનોમન ભગવાનને પ્રાર્થના કરતો હતો કે આ લપ જલદી જાય તો સારું. ત્યાં સરોવરમાસાનો ઉપરના ફલેટમાંથી ઇન્ટરકોમ આવ્યો. "રાવલ સાહેબ, તમારે ત્યાં જે મહેમાન આવ્યા છે ને એના ખટારાએ મારી ગાડીને ઘસરકો કર્યો છે. ડંટીંગ પેંટિંગના પાંત્રીસસો રૂપિયા મોકલી આપજો નહીં તો તમારી ગાડી પર તવેથો ઘસી નાખીશ..._

પધારો મ્હારે દેસ રે... (હોસ્પિટલમાં)-અશોક દવે


પધારો મ્હારે દેસ રે... (હોસ્પિટલમાં)
અશોક દવે

આજ સુધી જગતનો એકેય મુલાકાતી એવો નથી પાક્યો કે , '' આ તો જસ્ટ... આ બાજુથી નીકળ્યા ' તા , તે મેં ' કુ... હાલો , એક આંટો મારતા જાંઇ... '' એવા ભાવથી હૉસ્પિટલમાં  અંદર જઇ આવે!

અંદર ગયા પછી પણ, પૅઇન્ટિંગ્સના ઍક્ઝિબિશનમાં લટાર મારવા નીકળ્યા હો ને એમાં કમરની પાછળ બન્ને હાથોની આંટી ભરાવીને હળવે હળવે એક એક ચિત્ર પાસેથી પસાર થતા હો , એવું અહીં દરેક દર્દીને ખાટલેથી પસાર થવાતું નથી !
મુલાકાતી તરીકે તમને પ્રદર્શન કેવું લાગ્યું , એની નોંધ લખવાની હોય એમ અહીં , ' ઓહ વાઉ... આઠ નંબરના પલંગ પર સુવડાવેલા દર્દીને જોઇને ખૂબ ઇમ્પ્રેસ થઇ જવાયું... બન્ને પગ ઉંચા અને ઊંધા લટકાવ્યા હોવા છતાં એના ચેહરા ઉપર કાંઈક ઉપાડવાનો લેશમાત્ર ભાર કે વેદના નહોતી. ઈશ્વર કરે , દરેક હૉસ્પિટલના ખાટલે-ખાટલે આવા દર્દીઓ હોય ! 'એવું ના કહેવાય !

દુનિયાની આ એક જ જગ્યા એવી છે , જ્યાં આવનાર મેહમાનોનું કોઈ સ્વાગત થતું નથી.  ડૉક્ટરો કે નર્સો આપણને જોઇને , '' ઓહોહો... તમે અહીં ક્યાંથી ? આવો , આવો આવો...! '' એમ ત્રણ વાર બોલતા નથી. ઑન ધ કોન્ટ્રારી , "આવ્યા છો તો હવે મરવાના થયા છો " એવા હાવભાવ એ લોકોના મોંઢા ઉપર જોવા મળે છે ! અલબત્ત, કેટલીકવાર તો મહીં ગયા પછી જીવતા ય બહાર અવાય છે!

આટલે દૂરથી આટલો ટ્રાફિક વીંધતા વીંધતા આપણે હોસ્પિટલે પહોંચ્યા હોઇએ છતાં , ત્યાં ચા કે નાસ્તા-પાણીનો ય આપણો કોઈ ભાવ પૂછતું નથી. હજી તો તમે પહોંચ્યા હો અને રીસેપ્શન-કાઉન્ટર પર પર્મેનૅન્ટ મોંઢા ચઢાવીને બેઠેલી કાળીભઠ્ઠ નર્સને સંપૂર્ણ વિવેક-વિનયથી પૂછો , ' બેન (આવીઓને તો પહેલેથી ' બેન ' જ કહી દેવી સારી !) '... મંગળાફોઇને કયા રૂ મમાં દાખલ કર્યા છે ?

કબુલ કે આપણી ફોઈ એની ય ફોઈ ભલે ન થતી હોય , છતાં કાળુડીએ સ્માઇલ સાથે જવાબ તો આપવો જોઇએ ને?  એને બદલે , આપણે એની પાછળ ચીટીયો ભર્યો હોય એવી તોછડાઈથી જવાબ આપશે , ' ક્યાઆઆ રે... ? યાં કોઈ મંગલા-ફંગલા ફોઇ નંઇ હે...  રૂ મ નંબર બતાઓ. '

હૉસ્પિટલમાં એક વોર્ડમાંથી બીજામાં જવા માટે એ લોકોએ રીક્ષાની ફૅસિલિટી આપવી ના જોઈએ ?
ખરેખર તો એવું હોવું જોઈએ કે વૉર્ડબોય સ્ટ્રેચર ખાલી લઇને જતો હોય તો આપણે એની ઉપર લાંબા થઇને સુઇ જવાનું ને આપણો વોર્ડ આવે ત્યારે મીટર મુજબ, સ્ટ્રેચરનું ભાડું ચૂકવી ઉતરી જવાનું !


વૅકેશનમાં લોકો હિલ-સ્ટેશન્સ જાય છે ને કેટલાક હૉસ્પિટલમાં દાખલ થાય છે ને વૅકેશન ઊભું કરે છે. હિલ-સ્ટેશનમાં વાઈફ સાથે જવાનું હોય છે , જ્યારે હોસ્પિટલમાં ઘણું સમજાવીએ તો ય એ સાથે દાખલ થતી નથી. ભ ' ઇ , સુખમાં સહુ સાથ આપે...! આ તો એક વાત થાય છે !!


હૉસ્પિટલોમાં સૌથી વધુ કોમેડી આઈસીયૂમાં થતી હોય છે. બહાર ઊભેલાઓના મોંઢા જોવા જેવા હોય છે , કેમ જાણે અંદર સૂતેલો પતી ગયો હોય , એવા હાવભાવ સાથે બહાર દર્દીઓ અદબ વાળીને ઊભા હોય ! બોલવાનું પણ ધીમા છપછપ અવાજે ,
''...  અંદર કોઈને જવા દેતા નથી... એક એક જઇ આવવાનું ને એક મિનિટમાં પાછા આવી જવાનું ! ''

એક મિનિટમાં પાછા આવી જવામાં ય આપણા લોકોના મોંઢા ચડે. બાજુના પલંગમાં એને હુવડાવી દીધો હોય તો મોંઢા ન ચઢે !

આમે ય , ' ઇન્ટેન્સિવ કૅર યુનિટ ' બધી રીતે મોંઘુ પડતું હોય છે. રિબાયેલા સગાઓ એને ' ઍક્સપૅન્સિવ કૅર યુનિટ ' પણ કહે છે. આ યુનિટની બહાર ખબર કાઢવા આવનારા બધાને ખબર કાઢતા આવડે , એ જરૂરી નથી. મોટા ભાગનાનો સવાલ કોમન હોય છે ,
' ક્યારે કાઢવાના છે ?'
એમનો મતલબ , આઈસીયૂમાંથી ક્યારે કાઢવાના છે, એવો હોય , પણ... આવો સવાલ સાંભળીને અંદર સૂતેલાનો બાપ તો બહાર જ ડચકું ખાઈ લે કે નહિ ?

હોસ્પિટલ એક જ એવી જગ્યા છે , જ્યાં ' પોઝિટીવ ' નો અર્થ ' ખરાબ ' થાય છે ! ' તમારો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે... ' એ સમાચાર પોઝિટીવ ન કહેવાય !

જય વસાવડા : અનંત વિરાટમાં જે મળ્યું એની મોજ માણતાંમાણતાં બાકીની લીલા મુગ્ધભાવે નિહાળ્યા કરો

માલિક બનવાને બદલે  મુગ્ધતાથી આનંદ માણો.

અનુભૂતિઓ અને આત્મનિરીક્ષણ બાબતે ક્રેઝી બનો.

સ્પેક્ટ્રોમી-જય વસાવડા

 

 

ચિહ્નો કોઈ વિરામના એમાં મળ્યાં નહિ,
કોણે લખી આ જિંદગીને વ્યાકરણ વિના!

(ઉદયન ઠક્કર)

 

કયામત સે કયામત તક.
યાદ છે, હિન્દી સિનેમાની તાસીર બદલાવી દેનારી આ ફિલ્મ? બ્લોકબસ્ટર હતી. એ ફિલ્મનું દિગ્દર્શન કરેલું મન્સૂર ખાને. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર દાયકાઓ રાજ કરનારા દિગ્ગજોમાં એક નાસિર હુસેનનો યુવાન દીકરો. આમીરનો કઝીન. મન્સૂરને પૈસાની કમી હતી નહિ. અને અનલાઈક ફિલ્મી કિડ્સ, એ અમેરિકામાં  એમ.આઈ.ટી.માં સાયન્સ ભણેલો ! 


પણ વર્ષો પહેલા મન્સૂર ખાને ફિલ્મ ઈન્ડસ્ટ્રી જ નહિ, મુંબઈ શહેર પણ છોડી દીધું ! મન્સૂર વર્ષોથી તામિલનાડુના હિલ સ્ટેશન કૂન્નૂરમાં એના બેકગ્રાઉન્ડના પ્રમાણમાં નાનકડા રળિયામણા મકાનમાં પરિવાર સાથે રહે છે, અને ખેતી કરે છે ! નીલગિરિની પર્વતમાળા પાસે ચીઝ બનાવે છે. એક નાનકડું પુસ્તક 'થર્ડ કર્વ' બનાવીને વિદ્યાર્થીઓમાં વહેંચ્યું હતું. જેમાં ચમકદમક અને માત્ર આર્થિક વિકાસ પાછળની આંધળી દોટ સામે સાયન્ટિફીક સમીક્ષા સાથે લાલબત્તી હતી. મન્સૂર કહે છે કે ''ફિલ્મોમાં ક્યાંક મને લાગ્યું હતું કે હું સેકન્ડહેન્ડ બની ગયો છું. કોઈના આઇડિયાથી ઈન્સ્પાયર થાઉં છું કે પછી અન્ય કોઈ (પ્રેક્ષકો-વિતરકો-સ્ટાર્સ)ને કેવું લાગશે એ વિચાર્યા કરું છું. પણ પ્રકૃતિ સાથે ખેતી કરવી એ ફર્સ્ટહેન્ડ એક્ટિવિટી છે. ઓરિજીનલ ક્રિએટીવિટી. બધો આનંદ મૂકીને ઉતરેલી કઢી જેવા મોં રાખી ફકીર બની જવું એમ નહિ. પણ સુખસગવડોથી જીવતાં જીવતાં એટલું ધ્યાન જાગૃત બનીને ગાંધીજીની જેમ રાખવું કે આપણી તૃષ્ણા બેહિસાબ, બેસુમાર છે. પણ આ ધરતી, પર્યાવરણ જે આપે છે એ મર્યાદિત છે!''

 

એકચ્યુઅલી મહાવીર સ્વામીએ આવી જ વાત કરેલી કંઈક.
એક ડિફરન્ટ મોડર્ન પરસ્પેક્ટિવથી વિચારો.


મહેલોમાં રહેતા કસાયેલા શરીરવાળા યોદ્ધા રાજપુત્ર મહાવીર 'બી વન વિથ નેચર' થવા માટે ચૂપચાપ બધું રજવાડું છોડી એક્ઝિટ લઈ ગયા. નેચરલ મીન્સ નેચરલ, એટલે વસ્ત્રો પણ નહિ, આભૂષણોનો ઠાઠઠઠારો નહિ. જીવદયા અને અહિંસા એટલે કે ઓછામાં ઓછું મેળવવાનું. કશુંક છીનવી લેવું કે જરૂરથી વધુ ભોગવવું એ ય હિંસા છે. કુદરતના કાનૂનમાં ક્યાંય પરિગ્રહ એટલે કબજો, સંગ્રહ, માલિકીભાવનું પઝેશન પ્લસ ગ્રીડ નથી. માટે અપરિગ્રહમાં રહેવાનું. કોઈ જીવજંતુને પણ નડવાનું નહિ. કોઈ યંત્રના ઉપયોગ વિના (જેમ કે પૈડાંવાળો રથ) કે પશુની એનર્જી (જેમ કે, ઘોડો-બળદ) ચૂસ્યા વિના માત્ર ચાલીને જ જેટલો થાય એટલો વિહાર કરવાનો. સૂર્યાસ્ત ઢળે ને પંખીઓ જેમ માળામાં આવીને સૂઈ જ જાય એમ અંધારું થાય એટલે ભોજન એ પહેલાં જ કરીને જંપી જવાનું. અજવાળાં સમયે ઉઠી જવા માટે! એન્વાયર્નમેન્ટ કન્સર્નની રીતે કહો તો મિનિમમ રિસોર્સીઝ એટલે મિનિમમ ફૂટપ્રિન્ટસ. સ્પિરિચ્યુઅલ એંગલથી કહો તો ઓછામાં ઓછું કર્મબંધન.

હિન્દુ ઋષિઓ આ લાઈફ સ્ટાઈલને બ્રહ્મચર્ય કહેતા. જી ના. આ શબ્દને કમરની નીચે આવેલા પ્રજનનઅંગની તાળાબંધી સાથે કોઈ સંબંધ નથી. મહાભારતમાં એકથી વધુ સ્ત્રીઓના પ્રિયતમ કૃષ્ણ પણ પોતાને બ્રહ્મચારી ગણાવે છે. ઉપનિષદ મુજબ બ્રહ્મચર્ય એટલે નેચરલ ઈકો ફ્રેન્ડલી લાઈફ સ્ટાઈલ. ખપ પૂરતું જ લેવાનું. સહજભાવે જીવવાનું. જે મનમાં હોય એ પારદર્શકતાથી પ્રગટ કરવાનું. સમય-સંજોગો સાથે વધુ પડતા પ્રતિકારનો સ્ટ્રેસ ભોગવ્યા વિના પાણીની જેમ રંગ-ગંધ-આકારહીન બનીને વહેતા જવાનું. ઉમળકો થાય અને પરસ્પરની સંમતિ હોય તો પ્રેમ-સમાગમ પણ ! બ્રહ્મચર્ય એટલે બ્રહ્મ (અદ્રશ્ય ચૈતન્ય / પ્રાકૃતિક પ્રાણઊર્જા)ના ઈશારે એને અનુકૂળ થઈ જીવવું તે !


ભારતીય સાધુ જીવનમાં એટલે જ એક જગ્યાએ જ પડયા પાથર્યા રહેવાની ના હતી. સાધુ તો ચલતા ભલા. એને ભિક્ષા માંગવાનો અધિકાર હતો. કારણ કે, પેટની રોટી તો જીવન ટકાવવા જોઈએ. પણ એમાં વધુ પડતો રસ કે મનગમતી પસંદની ફરમાઈશ ભળવા લાગે તો એ ભોગવવા કોઈની ગુલામી કરવી પડે. અને એમાં આત્માની સ્વતંત્રતા રહે નહિ.  જો સતત બીજા પર આધારિત જ રહેવાનું થાય, તો લાલસા વધતી જાય. એને સારું લગાડવા માટે આપણે ખોટું કરતાં શીખવું પડે. તો ચિત્ત નિર્ભયપણે મૌલિક વિચારો કરી ન શકે. તો અંદરની સંવેદનશીલતા ગૂંગળાઈ જાય. ફીલિંગ શુદ્ધ ન રહે. શિશુસુલભ યાને ચાઈલ્ડલાઈક વિસ્મય ખોવાઈ જાય. અને તો નેચર સાથેની, પરમ સાથેની મૌન કનેક્ટિવિટીના સિગ્નલ ખોરવાઈ જાય.

માટે અપેક્ષા વિના અજાણ્યા પાસેથી રેન્ડમ ભિક્ષા લેવાની. એમાં વાસી બાજરાનો રોટલો ય મળે અને તાજી મીઠાઈના ચોસલાં. જે મળે તે હરિ ઈચ્છા કરી જીવન કૃષ્ણાર્પણ કરતાં રહેવાનું. ભોગવવાનું ખરું, પણ માંગવાનું નહિ. ઈશ્વરના ઈશારે જીવન છોડી દેવાનું. એ આંગળી પકડીને ચલાવે કે વ્હાલથી તેડીને ખભે બેસાડે. જે ગમે જગદ્ગુરુદેવ જગદીશને...

આવતીકાલની ફિકર કરવાવાળો ભગવાન છે. નદીના જળમાં ડૂબકી મારીને ન્હાવ, બાલટી ભરીને ઘેર લઈ જાવ, ખોબો ભરીને પીવો - પણ આખી નદી ઘરની તિજોરીમાં સમાશે? બધું જ પાણી કોઈ રોકેટોક નહિ તો ય પી શકાશે ?
એમ આ અનંત વિરાટમાં જે મળ્યું એની મોજ માણતાંમાણતાં બાકીની લીલા મુગ્ધભાવે નિહાળ્યા કરવાની. આ વૃત્તિ કેળવાય તો કપડાના રંગ બદલાવી દીક્ષા લેવાની જરૃર નથી. પોતાનું કર્મ હસતાં હસતાં કરતાં જવાનું. ફિકર કરશે નરસિંહનો શામળિયો, મોરારિબાપુનો રામ, કબીરનો માલિક, સેઈન્ટ વેલેન્ટાઈનનો જીસસ, જલાલુદ્દીન રૃમીનો અલ્લાહ, સમ્રાટ અશોકનો બુદ્ધ!

પ્રેક્ટિકલી, તદ્દન સૂફી-સાધુ ન થઈ શકાય એ ય સ્વાભાવિક છે. પણ થોડા હોશમાં તો જીવી શકાય ને ? બહારના કોલાહલને મ્યૂટ કરીને નિરાંતની નવીનતા માણવાનો સમય તો કાઢી શકાય ને ? ભક્તિ- બંદગીના નામે વૈભવી ઉત્સવો કરવાને બદલે થોડુંક પ્રભુના પયગંબર બાળકોની નવી પેઢી માટે, આસપાસની સૃષ્ટિ માટે તો કરી શકાય ને !


પણ એ માટે ઘેટાંની જેમ જ્ઞાતિ , ધર્મ, રાજકીય પક્ષો કે પૈસા માટે કંપનીઓને ત્યાં ગીરવે મૂકેલું ચાપલૂસ મગજ છોડાવવું પડે. પુનરપિ જન્મમ્, પુનરપિ મરણમ્ જેવો આ ચકરાવો ફર્યા જ કરે છે. આખી જિંદગી શું પેટ્રોલ પંપે ફ્યુઅલ પુરાવવામાં અને રેસ્ટોરાંના ટેબલ પર આપેલા ઓર્ડરની વેઇટ કરવામાં જ પૂરી કરવાની છે ? નવી કાર, નવો બંગલો, નવો મોબાઇલ, નવી પાર્ટી, નવો ડ્રેસ, નવા ઘરેણાં બસ એના સપનાની પાછળ હાંફળી ખુલ્લી જીભમાંથી લાળ ટપકાવતા દોડયા કરવું એ જ લાઇફ છે?

સ્ટોપ. એન્ડ થિંક. બધાં વ્હાઇટ કોલર જોબ / પ્રેસ્ટિજની કઠપૂતળીઓ થતા જાય છે. આપણે કોઈ મહાન લડાઈ નથી લડવી. ધર્મ - જ્ઞાતિ , સંસ્કૃતિ ને પરંપરાના છૂટકિયા અહંકાર માટે ટોળામાં ભેગા થઈ નારાબાજી કે ભાંગફોડ કરવી એને આપણે વીરતા માનીએ છીએ. આપણી લાઇફમાં ઢળતી સાંજની એકલતા જોડે રૂટિન બોરિંગનેસને લીધે આવતા ડિપ્રેશનનો કંટાળો આપણે મહારોગની કંગાળ પીડા માનીએ છીએ. આપણે ઉછરીએ છીએ બસ ટી.વી. મોબાઇલના હાથમાં. ઉપર-ઉપરથી સિવિલાઇઝ્ડ દેખાતી સોસાયટીમાં અંદરથી તો બધા ભૂખ્યા રાની પશુ છે. હિંસામાંથી એમને કિક લાગે છે ! ગાંધી એમને ડલ લાગે છે અને જો આ વિષચક્ર સામે વિપ્લવ કરવા જાવ, તો  વિદ્રોહને ઉપરવાળા તો ઠીક, નીચેવાળા જ ખતમ કરી નાખશે. કારણ કે, એમનું મૃગજળિયું ઘેન સચ્ચાઈના તાપમાં વીખેરાઈ જાય, એ એમને ગમતું નથી ! એટલે 'મારે સામો પ્રહાર કરી મળતા બદલાનો આનંદ નથી જોતો, પણ સામાને બદલવાના પરિવર્તનનો સંતોષ જોઈએ છે.' એવું માની જીવતા ગાંધીએ મરવું પડે છે, હડધૂત થવું પડે છે.

૧૯૯૯માં એક ફિલ્મ આવેલી 'ઇન્સ્ટિન્ક્ટ'. લાજવાબ, અદભુત ફિલ્મ હતી. ફિલ્મ પૂરી થાય ને વિચારો શરૂ થાય એવી ! એક અમેરિકન નૃવંશશાસ્ત્રી જંગલોનો અભ્યાસ કરવા આફ્રિકા જાય છે. વર્ષો સુધી ગાયબ થઈ જાય છે. મળે છે ત્યારે એક ગોરિલ્લાના જૂથ સાથે રહેતો હોય છે અને માણસોના ખૂન કરી નાખે છે (પછીથી પ્રગટ થાય છે રહસ્ય કે જેમના ખૂન થયા એ ગેરકાનૂની શિકારીઓ હતા) બાદમાં એ તદ્દન મૌન થઈ જાય છે. એક કરિયર બનાવવા માટે ઉત્સાહી એવો મનોવિજ્ઞાની એમનો લીગલ રિસર્ચ કરી ફેમસ થઈ જવાની ઝંખનાથી પરમિશન લઈને આવે છે...
એન્થની હોપકિન્સે જેનું પાત્ર બેનમૂન રીતે ભજવેલું એવો જંગલી પાગલ ગણાયેલો વૃદ્ધ પ્રોફેસર કહે છે કે, 'આ દુનિયા ટેકર્સે ભ્રષ્ટ કરી છે. યુગો પહેલાં પૃથ્વી પર જીવન શરૂ થયું ત્યારે માણસ જંગલી પ્રાણીઓ જોડે રહેતો હતો, એટલે આટલી પ્રગતિ કરી શક્યો. એ મૂળિયાના જોરે ! હજારો વર્ષો પહેલાં હન્ટર્સને પ્લાન્ટર્સ હતા એ ખતરારૂપ નહોતા. કારણ કે એ જરૂર પૂરતો જ શિકાર કરતા કે વાવેતર કરતા. પોતાની જરૂરિયાતથી આગળ એમની કોઈ મહત્ત્વકાંક્ષા નહોતી. માટે એ લડતા, પણ કોઈ (રાજ્ય કે ધર્મ ખાતર) યુદ્ધ કરી બીજાને લડાવતા નહિ. એમની હિંસા પોતાના સર્વાઇવલ, ડિફેન્સ પૂરતી હતી. શિકાર કે ખેતી પણ પોતાની ભૂખ મિટાવવા માટે.

પણ પછી આવ્યા ટેકર્સ. જે માનવજાતના બની બેઠેલા ભગવાનો થઈ ગયા, ધરતીની માલિકી એમણે બથાવી પાડી. એ ટેકર્સ એટલે વેપારી વૃત્તિવાળા. ઓથોરિટી જમાવવામાં આનંદ આવે તેવા. એમણે બધું બગાડી નાખ્યું. હું કેમેરા લઈને ગોરિલાઓ પાસે જતો તો એ ભડકતા. કારણ કે એમને મશીન સામે વાંધો હતો. પછી એમણે મને એમનો ગણી લીધો. માણસોએ નુકસાન પહોંચાડયું ને પોતાના ચુકાદા આપી મને ગુનેગાર ઠેરવ્યો પણ પ્રાણીઓએ સાચવીને રાખ્યો. એ આક્રમણ કરતા, પણ સ્વરક્ષણ અને ભક્ષણ પૂરતું. એમની ઇચ્છાઓ અસંખ્ય નહોતી, જિંદગી સિમ્પલ હતી. પ્રકૃતિ એમનું ઘર હતું પ્રોપર્ટી નહોતી,  એટલે એ મારું ધ્યાન રાખતા એમાં મને ફેમિલીનો મીનિંગ સમજાયો. કોઈ કશું બોલે નહિ, પણ આપણી સામે કાળજીથી જોવે એ એમની હાજરીનો ખામોશ અહેસાસ છે અને એને જ કહેવાય સ્વજન!''

રોમાંચક ઘટનાઓ વચ્ચે મિસ્ટર નેચર જેવા પ્રોફેસર પેલા યુવા સાઇકિયાટ્રિસ્ટને સમજાવે છે કે, માણસની મૂળભત નબળાઈ છે : કન્ટ્રોલ. દરેકને બીજા પર કાબૂ મેળવીને ગ્રેટ કે રિચ બની જવું છે. એમાંથી ખટપટ, જૂઠ, ઇર્ષા, અપરાધ જન્મે છે. ફ્રીડમના ડ્રીમ જોતો માણસ પણ બીજાને કન્ટ્રોલ કરવા મથતો રહે છે! કારની સ્પીડ કે એસીનુ ટેમ્પરેચર કે ટીવીનું વોલ્યુમ- બધા કંટ્રોલ આંગળીના ટેરવે રાખી એ પોતાને 'બોસ' સમજે છે. પછી એના આ લોભને થોભ નથી એટલે એને 'ડ્રીમ ઓફ ફ્રીડમ' ગમતું નથી.

ડાયરેક્ટર 'ઇન્સ્ટિંક્ટ'માં બે-ત્રણ અગત્યની વાતો વાર્તામાં ગૂંથીને આપણને કહે છે.


એક, આઝાદી અસંભવ નથી પણ સામે દેખાતી વાડને ઓળંગીને વાઇલ્ડ કૂદકો મારવાની આગ અંદર ભભૂકવી જોઈએ. અને એ પોતાની અંદરથી ઉઠવી જોઈએ. પારકી સલાહને લીધે ખુદનું જીવન જીવી ન શકાય.


બે, આપણે બધા જ કોઈને કોઈ ઇલ્યુઝન (ભ્રમણા)ના ગુલામ છીએ. બહાર જે મહોરું પહેરીએ તે, અંદરથી ચાલાક, ગણત્રીબાજ છીએ. કોઈને કેવું લાગશે એ વિચારીને જાતને અને સામેવાળાને છેતરીએ છીએ. બધું પ્રોગ્રામ્ડ કેલ્ક્યુલેશન છે. સફળતા માટે જીહજૂરી, ઘૂસણખોરી, પંચાત, કૂથલી, કોને શું સારું લાગશે જેનાથી આપણને કશોક ફાયદો થાય એમ માનીને સતત જીવવાના નામે માત્ર જીવવાનું નાટક જ કરતા રહીએ છીએ! યસ, આપણી અંદરના અસલી અવાજને ઘોંટીને આપણે સમાજ, ધર્મ, પરંપરા, દેશના ચોકઠામાં જાતને ફિટ કરીએ છીએ.


માનો કે થોડે અંશે એ અનિવાર્ય ગણો તો ય એટલિસ્ટ, એવું થાય છે એનું અંદરથી ભાન તો હોવું જોઈએ ને?
તો થોડુંક ટોલરન્સ આવશે. બીજાનો સ્વીકાર થશે.


રીડર બિરાદરોને થશે કે તો શું મન્સૂર કે મહાવીરને જેમ બધું છોડી જંગલમાં કે પહાડો પર જતા રહીએ? વેલ, એ ય ત્યારે થાય જ્યારે એ બંનેની જેમ સુખસગવડોથી પહેલા પૂરા ધરાઈ ગયા હો. (બંને સંપન્ન પરિવારના ફરજંદ હતા !) અંદર અધૂરપ હશે, તો આવું પલાયન બનાવટી ને તકલાદી નીવડશે.


બુદ્ધના મધ્યમ માર્ગે એવું કહી શકાય કે 'ફેક નીડ્સ'થી દૂર રહો.
જીવન મસ્તીથી રસભરપૂર માણો પણ કોઈના માર્કેટિંગ રોબોટ બનીને નહિ. ખુદની મરજીથી.
મોંઘી કાર લો, તો ય જરૂર વગર એ વાપર્યા ન કરો. પગે ચાલવાની કે કોઈકના બાઇકની પાછળ બેસી જવાની સાહજિકતા કેળવો.
ફોર્માલિટી ઘટાડશો, તો નોબિલીટી વધશે!
બહુ બધો સંગ્રહ-પરિગ્રહ ન કરો.
તબીબી- શૈક્ષણિક- પારિવારિક જરૂરિયાતોથી વધુ પ્લાનિંગ ન કરો.
સેક્સ, ડાન્સ, મ્યુઝિક, એન્ટરટેઇનમેન્ટ, ટ્રાવેલિંગ બધું જ માણો, પણ ડિટેચ્ડ રહીને.ગીતામાં કહ્યું છે, એમ મમત્વના એટેચમેન્ટને ઘટાડીને.
આપણી પહેલાં ય આ ભોગવિલાસ હતા, ને આપણા પછી ય રહેશે. માટે મુગ્ધતાથી આનંદ માણો પણ એના માલિક બનવામાં જીવન બરબાદ ન કરો.
વસ્તુઓ કે વ્યક્તિઓને બદલે અનુભૂતિઓ અને આત્મનિરીક્ષણ બાબતે ક્રેઝી બનીએ.


એક્ચ્યુઅલી ફ્રીડમ બાબતે આપણે કોન્ફિડન્ટ નથી ડરપોક છીએ. લિવ ધેટ સેફ્ટી મોડ.


રિમેમ્બર, પૈસો કમાવો પડશે આવું લખવા- વિચારવા- ફિલ્મ બનાવવા- બૂક છપાવવા- જીવવા માટે ય. પણ પૈસો જેટલો વાપર્યો એટલો જ આપણો છે. સાચવ્યો એ તો પારકો છે. આપણે ખોટા કેરટેકર તરીકે એના લોહીઉકાળા કરતા રહ્યા !

 

તમને અંદરથી અફસોસ છે કે કશુંક ખરેખર ગમતું હતું એ કરવાનું રહી ગયું !
મરતા પહેલા એ કરવું છે?
તો ક્યારે મરવાનું થશે, એની ગેરન્ટી નથી.
સ્ટાર્ટ ઇટ ટુડે!

 

ફાસ્ટ ફોરવર્ડ :
'પ્રેમનો વિરુદ્ધાર્થી શબ્દ શું?'

પ્રેમનો વિરુદ્ધાર્થી શબ્દ છે ભય !
(ગાંધીજીના ગ્રાન્ડ ડોટર તારા ગાંધી ભટ્ટાચાર્યજી)