10.7.10

આહારમાં વિવેક-દાદાવાણી- એપ્રિલ ૨૦૧૦

આહારમાં વિવેક
લેખ ને સન્ક્ષિપ્ત માં મુકવા માટે આવશ્યક ગોઠવણી કરી છે. મૂળ લેખ વાંચવા દાદાવાણી લીક પર ક્લિક કરવી.  
જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાને
અધ્યાત્મ વિજ્ઞાનની દ્ષ્ટિએ વાસ્તવિકતાની રજૂઆત કરી
ઘણી બધી અણસમજણો દૂર કરી આપી છે

પ્રશ્નકર્તા : બધામાં જીવ છે, વનસ્પતિમાં પણ જીવ છે, ઇંડાંમાં પણ જીવ છે તો પછી ખાવા-પીવાની બાબતમાં સંસારી માણસને ક્યાં સુધી વિવેક રાખવા માટે તમે સજેસ્ટ (સૂચન) કરો છો ?

દાદાશ્રી : જે ખવાય છે એ બધા જીવ છે. જીવ વગરની અજીવ વસ્તુ કોઇ ખાઇ શકાય નહીં. જાનવરેય અજીવ ના ખાય. ગાય-ભેંસ કોઇ અજીવ ના ખાય. જે એક-એક ઇન્દ્રિયના જીવ છે એ, અને જે આમ હાલતાં-ચાલતાં નથી, ત્રાસ પામતાં નથી, તે તમે ખાજો, કહે છે.

જે ખોરાક ખઇએ એ, જે જીવ આપણાથી ત્રાસ ના પામે તે ખોરાક, તે જીવની હિંસા કરવી આપણે. ત્રાસ પામનારા જીવોને અડશો નહીં અને મારશો નહીં. ફક્ત આ ઘઉં છે, બાજરી છે, ચોખા છે એ બધા ત્રાસ પામતા નથી એ તમને છોડશે.

આપણને ઘઉં, ચોખા, દૂધી, આ શાકભાજી એ બધું ખાવાનો અધિકાર છે, કારણ કે એકેન્દ્રિય જીવ છે. આ એકેન્દ્રિય જીવો ખાવાની છૂટ આપી છે. માણસને ખોરાક ખાધા વગર છૂટકો જ નથી. અને એ જીવહિંસાની ખોટ તો માણસને અવશ્ય જાય છે. એને ખઇને તમે જે કાંઇ ભગવાન તરફનો અધ્યાત્મ માર્ગ કરો તેનાથી એમની ગતિ ઊંચી જાય. એટલે આ બધો ગોઠવાયેલો ક્રમ છે.

આહારમાં ઊંચામાં ઊંચો આહાર કયો ? એકેન્દ્રિય જીવોનો ! બે ઇન્દ્રિયથી ઉપરના જીવોના આહારનો જેને મોક્ષે જવું છે એને અધિકાર નથી.
સહુથી સારામાં સારંુ ફળાહારી જીવન હોય. ફળાહારી, ફળો (ફ્રૂટ્સ) ઉપર માણસ જીવતો હોય તો એની સમજવાની શક્તિ બહુ જ જબરજસ્ત હોય


હવે ભગવાન શું કહેવા માગે છે કે પહેલાં મનુષ્યોને સાચવો. હા, એ બાઉન્ડ્રી શીખો કે મનુષ્યોને તો મન-વચન-કાયાથી કિંચિત્માત્ર દુઃખ ના દેવું. પછી પંચેન્દ્રિય જીવો ગાય, ભેંસ, મરઘાં, બકરાં એ બધાં જે છે, તેમની મનુષ્યો કરતાં થોડી ઘણી ઓછી પણ એમની કાળજી રાખવી. એમને દુઃખ ના થાય એવી કાળજી રાખવી. એટલે અહીં સુધી સાચવવાનું છે, મનુષ્ય સિવાયના પંચેન્દ્રિય જીવોને પણ એ સેકન્ડરી સ્ટેજમાં. પછી ત્રીજા સ્ટેજમાં શું આવે ? બે ઇન્દ્રિયથી ઉપરના જીવોને સાચવવાનું.બે ઇન્દ્રિયથી આગળનાં બધા જીવો ત્રસ જીવો કહેવાય. ત્રસ એટલે ત્રાસ પામી જાય !પ્રશ્નકર્તા:પર્યુષણના આઠ દિવસ લીલોતરી ન ખાય એમાં કંઇ ફરક પડે ?

દાદાશ્રી : લીલોતરી તો એવું છેને, લીલોતરી પર જીવો બેસે એ જીવાત શરીરમાં જાય, શરીરને નુકસાન કરે છે અને શરીરને નુકસાન થાય એટલે ધર્મ થાય નહીં અને દોષ બેસે પાછો, જીવાતની હિંસાનો દોષ તો બેસેને ! શરીરને નુકસાન થાય ને દોષ બન્ને જોડે થાય.

પ્રશ્નકર્તા : ડુંગળી, લસણ એ બધું કેમ નહીં ખાવું ?

દાદાશ્રી : તમારે સંસારમાં જો રહેવું હોય અને સંસારમાં જો તમને પોતાની ઉગ્રતા બહુ ના ગમતી હોય, ક્રોધ ના ગમતો હોય તો આ અમુક વસ્તુઓ, ડુંગળી છે, લસણ છે એવી જે ઇમોશનલ કરનારી વસ્તુઓ ના ખાવ. કારણ કે એ ડુંગળી, લસણ હિંસક છે. માણસને ક્રોધી બનાવે છે અને ક્રોધ થાય એટલે સામાને દુઃખ થાય.

અને સંસારમાં તારે રહેવું છે એટલે તમને જો કદિ અજાગૃતિ રહેતી હોય તો આ શક્કરિયાં છે, બટાકા છે તે કંદમૂળ ના ખાવ. ભગવાને કહેલું કે આ વસ્તુ હિતકારી નથી. બીજું મળતું હોય તો પછી બટાકાથી પેટ ભરવાને કંઇ કારણ નથી. બટાકાનો, કંદમૂળનો શોખ ના હોવો જોઇએ. વખતે કોઇ કારણસર ખાવું પડે એ વાત જુદી છે પણ શોખ ના હોવો જોઇએ. મહીં પરમાણુ ગયા એટલે અસર થયા કરશે. આ દેહ, બૉડી જ પરમાણુનું બંધાયેલું છે. એટલે ભગવાને કહ્યું કે પરમાણુના બંધાયેલામાં જાગૃતિ રાખજો.

આ જે કંદમૂળ છે તે આવરણને વધારનારંુ છે, માટે ના પાડી છે. બાકી જીવની કંઇ પડી નથી. ગરીબ પ્રજાને માટે [બટાકા] કામના છે. પણ જે સાધનસંપન્ન છે, જેમને ખાવા-પીવાનું સુંદર રીતે મળે છે, તેને ની જરૂરિયાત નથી. આ બધા સંતો પેલા હિમાલયમાં જંગલમાં રહે છે તે બધા કંદમૂળ ખાઇને રહેને ! એટલે કંદમૂળ માટે આપણાથી અવળું ના બોલાય. બાકી બટાકા ખાવામાં કોઇ જગ્યાએ પાપ નથી. પણ તમને નુકસાન શું થશે ? કે મગજની સ્થૂળતા આવશે, જાડી બુદ્ધિ થઇ જશે. કંદમૂળમાં સૂક્ષ્મ જીવો બહુ છે, નર્યું જીવનો જ ભંડાર છે. તેથી કંદમૂળથી જડતા આવે, એ કષાય ઉત્પન્ન થાય.

મોક્ષને માટે જાગૃતિ આવે, એટલા માટે કંદમૂળનો ત્યાગ કરવાનો છે. ત્યારે એ જાગૃતિનો ઉપયોગ લોકોએ સંસારમાં કર્યો.

ગમે તેટલો બાહ્ય ત્યાગ આ લોકો કરે પણ ત્યાગમાં વિષમતા આવે તો (પોતાની) ભૂલ ના દેખાય, પણ ત્યાગમાં સમતા આવે તો (પોતાની) ભૂલ દેખાય. સાધુ વહોરવા ગયા હોય પણ એમાં એકાદ બટાકો દેખાઇ જાય તો વિષમતા થઇ જાય, તો ભૂલ શી રીતે દેખાય ?

ત્યાગમાં સમતા રહેવી જોઇએ. સમતા ક્યારેય પણ ના છોડાય. ત્યાગમાં સમતા રહે તો 'એ' મોક્ષે લઇ જનાર છે. ત્યાગ તો સમતા વધારવા માટે છે અને જો સમતા ના રહે તો એ ત્યાગ એ ત્યાગ નથી.

ભગવાને ત્યાગીઓનોય મોક્ષ ના કહ્યો ને ગૃહસ્થીઓનોય મોક્ષ ના કહ્યો. એક માણસને ચાનો ત્યાગ નથી અને એ ચા ગ્રહણ કરે છે, તો એ ગ્રહણ કરવાનો અહંકાર કરે છે. જ્યારે બીજો ચાનો ત્યાગ કરે છે અને ચા ગ્રહણ કરતો નથી, તો એ ત્યાગ કરવાનો અહંકાર કરે છે. આ બંને જે કરે છે એ ઇગોઇઝમ છે અને ઇગોઇઝમ છે ત્યાં સુધી મોક્ષમાર્ગ નથી.

જ્ઞાનીને ત્યાગાત્યાગ સંભવે જ નહીં. તીર્થંકરે કહેલું જેવા સંયોગ હોયને, તે પ્રમાણે વર્તે. વિકલ્પ ના કરે કે હવે આમ કરંુ, કારણ કે કર્તા નથી. એટલે શું થાય ? કે જે બની આવે સહેજમાં, તે પ્રમાણે જ વર્તે, બીજી કશી ભાંજગડ નહીં. ભગવાનેય દોષ ના કાઢી શકે. કારણ કે એ તો પોતે કર્તા નથી બિલકુલેય, સંપૂર્ણ અકર્તાભાવ. એ તો સહેજાસહેજ જે બને તે પ્રમાણે જ રહે. ના મળે તોય વાંધો નહીં, મળે તોય વાંધો નહીં.

પ્રશ્નકર્તા : તો પણ આમ રાત્રિભોજન તો ન જ કરવું જોઇએ ને ?

દાદાશ્રી : રાત્રિભોજન જો ન કરાય તો એ ઉત્તમ વસ્તુ છે. એ સારી દ્ષ્ટિ છે. ધર્મને ને એને લેવા દેવા નથી. આ તો ધર્મમાં ઘાલેલું, એનું કારણ શું ? કે જેમ શરીરની શુદ્ધિ હોય એટલું ધર્મમાં આગળ વધે. એ હિસાબે ધર્મમાં ઘાલેલું. બાકી ધર્મમાં કંઇ એની જરૂર નથી પણ શરીરની શુદ્ધિ માટે સારામાં સારી વસ્તુ છે એ.

પ્રશ્નકર્તા : દહીં તો ખાઇ શકીએ. તો આ દહીંમાં જે જીવો છે એ અને ઇંડાના જીવમાં ફેર શો છે ? દહીં ખાવામાં વાંધો નહીં અને ઇંડું ખાવામાં વાંધો શું ?

દાદાશ્રી : એવું છે, દહીં ખાવામાં જે જીવ છે એ બધા એકેન્દ્રિય જીવો છે. અને ઇંડાંમાં જે જીવ છે તે પંચેન્દ્રિય જીવ છે, ત્યારે ભગવાને શું કહ્યું હતું કે તમે એકેન્દ્રિય જીવ બધા ખાજો, કારણ કે જીવ વગર તો બીજો ખોરાક છે જ નહીં.

પ્રશ્નકર્તા : પણ દૂધ તો વાછરડા માટે કુદરતે મૂક્યું છે, આપણા માટે નથી મૂક્યું.

દાદાશ્રી : વાત જ ખોટી છે. એ તો જંગલી ગાયો ને જંગલી ભેંસો હતીને, તેને પાડું ધાવે, તે બધું દૂધ પી જાય. અને આપણે ત્યાં તો આપણા લોકો ગાયને ખવડાવીને પોષે છે. એટલે વાછરડાને ધવડાવવાનુંય ખરંુ અને આપણે બધાએ દૂધ લેવાનુંય ખરંુ. અને તે આદિ-અનાદિથી આ વ્યવહાર ચાલુ છે. અને ગાયને વધારે પોષણ આપેને, તો ગાય તો ૧૫-૧૫ રતલ દૂધ આપે છે. કારણ કે એને ખવડાવવાનું, જેવું સરસ ખવડાવીએ એટલું એનું દૂધ નોર્મલ જોઇએ તેના કરતા ઘણું વધારે હોય. એવી રીતે લેવાનું અને બચ્ચાને ભૂખ્યું મારશો નહીં.

પ્રશ્નકર્તા : તાવ આવ્યો, ગૂમડું થયું, પાક્યું, પછી આ જંતુઓ મહીં મારી નાખવાની દવા આપે, તે લેવાય કે નહીં ?

દાદાશ્રી : જંતુની ચિંતા કરવાની નહીં, અમુક લોકો સિવાય બીજાં જંતુની ચિંતા કરતા જ નથી. જંતુની ચિંતા ના કરશો.

પ્રશ્નકર્તા : પેટમાં કૃમિ થયા હોય ને એને દવા ના આપે તો પેલું છોકરંુ મરી જાય.

દાદાશ્રી : એને દવા એવી પાવ કે મહીં કૃમિ કશું રહે જ નહીં. એ કરવાનું જ છે. ભગવાને આવી હિંસા પાળવા માટે કહ્યું જ નથી.

પ્રશ્નકર્તા : હવે આત્મસાધના માટે શરીરને સારંુ રાખવાનું. હવે એને સારંુ રાખતા, જો જીવને હાનિ થાય તો એ કરવું કે ના કરવું ?

દાદાશ્રી : તમારે શરીર સાચવવું છે, એવા જો તમે ભાવ કરવા જશો તો સાધના ઓછી થશે. જો પૂરી સાધના કરવી હોય તો શરીરનું તમારે ધ્યાન નહીં રાખવાનું. શરીર તો એનું બધું લઇને આવેલંુ છે. બધી જ જાતની સાચવણી લઇને આવેલું છે અને તમારે એમાં કશો ડખો કરવાની જરૂર નથી. તમે આત્મસાધનામાં પૂરાં પડી જાવ, હંડ્રેડ પરસેન્ટ. ને આ બીજું બધું કમ્પ્લીટ છેે. તેથી હું કહું છું ને, કે ભૂતકાળ વહી ગયો, ભવિષ્યકાળ 'વ્યવસ્થિત'ના તાબામાં છે એટલે વર્તમાનમાં વર્તો !
છતાં અમે શું કહીએ છીએ કે જે દેહે જ્ઞાની પુરુષ ઓળખ્યા એને મિત્ર સમાન માનજો. આ દવાઓ હિંસક હોય તો તેય પણ કરજો ને શરીરને સાચવજો. કારણ કે લાભાલાભનો વેપાર છે આ. આ શરીર જો બે વર્ષ ટક્યું વધારે, તો આ દેહ જ્ઞાની પુરુષને ઓળખ્યા છે, તો બે વર્ષમાં કંઇનું કંઇ કામ કાઢી નાખશે. અને એક બાજુ હિંસા બાબતમાં ખોટ જશે, તો એના કરતાં આ વીસ ગણી કમાણી છે. તો વીસમાંથી ઓગણીસ તો આપણે ઘેર રહ્યા. એટલે લાભાલાભનો વેપાર છે.

ટિપ્પણીઓ નથી: