30.8.11

વિથ-લવ વન કેન લિવ ઈવન વિધાઉટ હેપ્પીનેસ-દોસ્તોયવસ્કી

માઉન્ટ આબુમાં બ્રહ્નકુમારીની સંસ્થાના જે આધ્યાત્મિક વડા હતા તે દાદી જાનકીને મળવા હું ભાગ્યશાળી થયો છું. તેમણે કહેલું કે જીવનની ફિલસૂફી બહુ ઊંડી નથી. તમને દરેક વ્યક્તિ પ્રત્યે કમ્પેશન-કરુણા હોવી જોઈએ અથૉત્ પ્રેમ હોવો જોઈએ. કોઈ બીજો જીવ દુ:ખી હોય તો તેને પ્રેમ આપવો જોઈએ.

કોઇમ્બતુરના ઈશા ફાઉન્ડેશનવાળા સદ્ગુરુ જગ્ગી વાસુદેવે કહેલું કે જગતમાં કે ભારતમાં યુદ્ધ હોય કે ન હોય, પણ આપણે ડરેલા રહીએ છીએ. દુ:ખથી ભાગીએ છીએ. તમારા મનમાંથી બીજા માટેનો ધિક્કાર કાઢી નાખો એટલે તમામ સમસ્યા ઊકલી જાય છે. પ્રેમનું જ સામ્રાજ્ય ફેલાવા દો.

એક જમાનો હતો જ્યારે ‘રામરાજ્ય’ હતું કારણ કે બધા એકબીજાને ચાહતા હતા. જે માણસ પાસે થોડુંક વધુ હોય તો તે જેની પાસે નથી હોતું તેને આપતો અને જો કંઈ ન હોય તો પછી પ્રેમ આપતો. ‘રામરાજ્ય’ માત્ર અયોધ્યામાં જ નથી હોતું જ્યાં પ્રેમ હોય છે ત્યાં ‘રામરાજ્ય’ છે.

માનવી માટે આજે પ્રેમની સૌથી વધુ જરૂર છે. એટલા માટે કે જે પ્રેમાળ હોય અને પ્રેમ આપતો હોય તે જ સતત ઊંચો થતો જાય છે. પ્રેમ તમને કોઈ પણ ચીજ હાંસલ કરવાનું કૌવત બક્ષે છે. પ્રેમ તમને હરેક અવરોધો કે કેલેમિટઝિ કે આવી પડેલાં દુ:ખોનો સામનો કરવાની શક્તિ આપે છે. આખરે માનવીને શું જોઈએ છે?

‘એ ટાઈમ ટુ બી ફ્રી’ નામના પુસ્તકના લેખક જે. બી. ડબ્લ્યુ કોવરે કહ્યું છે કે

આપણે જેમ જેમ આધ્યાત્મિક રીતે વિકસતા જઈએ છીએ તેમ તેમ આપણે બીજાઓને અનકંડિશનલ લવ આપતાં શીખીએ છીએ. પ્રેમમાં કોઈ બંધન ન ખપે. લેતી દેતી ન ખપે. શરતો ન ખપે.


ચેતનાની ક્ષણે, કાંતિ ભટ્ટ

1 ટિપ્પણી:

અજ્ઞાત કહ્યું...

ખુબજ રસપ્રદ