9.10.11

તમારો એન્ટિ વાઈરસ કોણ છે? 

મુકેશ મોદી
 સ્મોલ સત્ય / કળશ /દિવ્ય ભાસ્કર


 
જ્યાં અને સૌથી મોટો ચમત્કાર તો એ છે કે ઘરે પાછા આવીને મેં કોઈ બીજાને નહીં,
પોતાને જ પાછો આવેલો જોયો.
- હિંદી કવિ કુંવર નારાયણ


જ્યાં જશો, જેટલા પ્રકારના માણસોને મળશો, જેટલી એમની વાતો સાંભળશો એટલા વાઈરસોના શિકાર જાણે-અજાણે બનતા રહેશો. એટલે સુંદર સવાર આવા અસંખ્ય વાઈરસોને કારણે તપતપતી બપોર અને ચૂંથાઈ ગયેલી સાંજમાં રૂપાંતરિત થાય છે. ઉપરની કવિતામાં કુંવર નારાયણ કહે છે એમ જેવા ગયા હતા એવા ગડીબંધ, અકબંધ ઘરે પાછા આવવાનું અશકય બની ગયું છે અને મજબૂરીની મજબૂરી એ છે કે આપણે હિમાલય જઈ શકતા નથી! રહેવાનું તો છે આ કાંતિભાઈ, શાંતિભાઈઓ, રમાબેનો અને શમાબેનોની વચ્ચે જ.

ફિલસૂફ જે. કૃષ્ણમૂર્તિ કહેતા કે you exist only in relationship. હીંચકે એકલા બેઠા છો ત્યારે તમે છો પણ તમે નથી. અને બાય ધ વે, આપણે ખરેખર એકલા હોઈએ છીએ ખરા? સવાલ જ નથી. ટોળાંઓના ટોળાંઓ શ્વસી રહ્યા હોય છે આપણા શ્વાસમાં.
હનુમાન ચાલીસા કે ધ્યાન કે યોગ કે મંદિરનો ઘંટારવ કર્યા પછી શાંતિ જેવું સાલ્લું કંઈક લાગે તો છે પણ એ શાંતિની પ્રયોગશાળા છે. ધ્યાન કરીને ઊભા થયા પછી ચા કડવી હોય તો કડવાશ વ્યાપે છે? જો હા તો ધ્યાનનો પિરિયડ પૂરો થયો અને હવે શરુ થાય છે ખરાખરીનો ખેલ.

વિશ્વ વાઈરસ શ્વસે છે, વિશ્વ વાઈરસ વહન કરે છે, વિશ્વ વાઈરસ ફેલાવે છે... અને એ વાઈરસ ભિન્ન ભિન્ન સ્વરૂપે આવે છે: ધર્મરૂપે, શિખામણોરૂપે, પુસ્તકકારે, લાગણીરૂપે... અને મજાની વાત તો એ છે કે આપણે આ વાઈરસને ચાલક ચલાણી ક્યા ઘેરની જેમ પુન: વિશ્વમાં ફેલાવીએ છીએ.
અંગ્રેજીમાં લખતા દિવંગત ભારતીય કવિ નિસિમ ઇઝેકલે લખ્યું છે એમ 'corrupted by the world, I corrupt the world.'
વિશ્વ દ્વારા હું ભ્રષ્ટ થાઉં છું અને બદલામાં ભ્રષ્ટ કરું છું વિશ્વને. ઈઝેકલનું થવું એટલે આપણું વાઈરસવાળું થવું અને વાઈરસગ્રસ્ત કરવું.

જેમ કમ્પ્યૂટરમાં વાઈરસોની ભરમાર છે એમ આપણા જીવનમાં પણ કંઈક એવું જ છે. કમ્પ્યૂટરના વાઈરસો કમ્પ્યૂટરને કરપ્ટ કરે છે, હેન્ગ કરે છે, લોચા મરાવે છે અને ક્યારેક તો સાવ ઠપ્પ.
બસ, ડિટ્ટો જ્યારે વિશ્વ અને વિશ્વના વાઈરસો આપણામાં પ્રવેશી જાય છે ત્યારે કંઈક આવું જ થાય છે. કમ્પ્યૂટરનાં ક્લિનિકો છે અને આપણાં? યહીં સે મઝે કી બાત શુરુ હોતી હૈ. આપણાં ક્લિનિકો ક્યા? પુસ્તકો? ધર્મગુરુઓ? મિત્રો? મોજ-મજાના સાધનો? સેક્સ? ઈડિયટ બોક્સ? સંસ્કારો?

કહે છે કે પુસ્તકો શ્રેષ્ઠ શાતા આપવાનું કાર્ય કરે છે. વાત આંશિક રીતે સત્યથી નજીક છે. ચવાયેલા ગુરુઓની વાતો સાંભળવા કરતાં ચવાયેલાં પુસ્તકો ઓછા વાઈરસપ્રદ છે. પણ એક પુસ્તક આમ કહેશે, બીજું તેમ. જેવો લેખક એવો એનો દ્રષ્ટિકોણ અને લેખક પણ આ વિશ્વમાં શ્વસતો જીવ છે, બાબા રણછોડદાસ!

એટલે એ પણ ઈઝેકલ કહે છે એમ corrupted by the world and corrupting the worldના વિષચક્રમાં ફસાયેલો જીવડો જ છે. કોઈ ગેરંટી નથી કે તમે વાંચેલાં પુસ્તકો કે વાંચી રહેલાં કવિઓ-લેખકો ખરેખર એન્ટિ વાઈરસનું કામ કરી રહ્યાં હોય.
નાઉ ઓવર ટુ ધર્મ એન્ડ ધર્મગુરુઓ. વાઈરસગ્રસ્ત માણસ સદીઓથી એન્ટિવાઈરસ તરીકે ધર્મમ્ શરણમ્ ગચ્છામિની દશામાં જીવ્યો છે. ત્રસ્ત અને ગ્રસ્ત કાળા માથાંના ધોળા થઈ ગયેલા વાળવાળા માનવીને લાગે છે કે ધર્મ અને ધર્મગુરુઓ એના જીવનમાં પ્રવેશેલા વાઈરસનો ખાત્મો બોલાવી દેશે... પછી એ હેન્ગ નહીં થાય અને એવું કામ કરશે એવું કામ કરશે કે નોટો અને શાંતિનો વરસાદ વરસશે.

કાર્લ માકર્સ અદ્ભુત વાત કહી ગયો. ધર્મ અફીણ છે અને તમારે સમૂહોને, સમાજોને, ભીડને એક તાંતણે ઊંઘતી રાખવી હોય, મદહોશ રાખવી હોય તો એ ટોળાઓને ધર્મરૂપી અફીણને રવાડે ચડાવી દો...
મિત્રો એન્ટિ વાઈરસ બની શકે? આ વાતમાં દમ છે. આપણી વાઈરસવાળી વાતના પરિપ્રેક્ષ્યમાં મિત્રની નવી વ્યાખ્યા કરવી પડશે. મિત્ર એ કે જે વાઈરસ ન ફેલાવે. મિત્ર એ કે જે એન્ટિ વાઈરસ ન બની શકે તો ચાલશે, પણ તમે જે છો, જેવા છો એવા સ્વીકારી તમને તમારી રીતે વાઈરસ પ્રૂફ બનવામાં મદદ કરે...

થોરોના શબ્દોમાં કહીએ તો એવા મિત્રો જે માને છે કે મિત્ર માટે સારામાં સારું એટલું જ કરી શકું કે એનો મિત્ર રહી શકું. હવે એવા મિત્રો ક્યાંથી લાવવા? અને મિત્રો એટલે મિત્રો, એમાં 'સાચા' મિત્રો એવું વિશેષણ લગાવવાની જરૂર ખરી? મિત્રો સાથેની ગોષ્ઠિમાં જાણે અજાણે એક મજબૂત એન્ટિ વાઈરસ તમે સ્વયં બનાવી રહ્યા હો છો... એવો એન્ટિ વાઈરસ કે જે તમને વિશ્વથી અને વિશ્વના વાઈરસોથી સુરક્ષિત રાખે. મિત્રો એન્ટિ વાઈરસ બની શકે છે, જો...

અને સેક્સ? કાર્લ માકર્સ માત્ર ધર્મને જ અફીણ નહોતો ગણતો... સેક્સ પણ એ જ ક્રમમાં મૂકી શકાય. છુટવા માટે, ભાગવા માટે, ભૂલી જવા માટે કાં તો દારૂ પીઓ, સંપ્રદાયવાળા કહેવાતા ધર્મ અને ધર્મવાળા કહેવાતા અધ્યાત્મ અથવા અધ્યાત્મવાળા કહેવાતા ઈશ્વરલાલને શરણે જાઓ અથવા સેક્સમાં મગન હો કે હરિ કે ગુન ગાવ...

તાત્વિક રીતે બધું એક જ છે, એક જ છે, અને એક જ છે અને ટીવી જેવો ખતરનાક વાઈરસ કોઈ નથી. એક ઇડિયટ બોક્સમાંથી સોથી વધારે વાઈરસો ચેનલો સ્વરૂપે ૨૪ બાય ૭ કલાક મારો ચલાવી રહ્યા છે. મને તો ઘણીવાર ટીવી બંધ હોય ત્યારે પણ મારા ટીવીવાળા રૂમમાં આ વાયરસો ઘૂમતા, ભટકતા, ભટકાતા, વાઈબ્રેટ થતા દેખાય છે, મચ્છરોની જેમ. આ કદાચ મારો ચિત્તભ્રમ હોઈ શકે છે પણ કરડેલા વાઈરસોના ચાંઠા તમને બતાવી શકું છું...

કૈસી મજબૂરી હૈ યે હાય! જેને આપણે એન્ટિ વાઈરસ માનીએ છીએ એ જ વાઈરસ? તમારો એન્ટિ વાઈરસ કોણ છે? કોણ છે જે તમે જેવા છો એવા સુરક્ષિત રાખી શકે? કોણ છે જે તમને અકબંધ, ગડીબંધ સાચવી શકે? સવાલો કરવા સહેલા છે અને જવાબો મેળવવા એટલા જ અઘરા. મજાની વાત તો એ છે કે મારી પાસે સવાલો છે, જવાબો નથી અને મને રેડીમેડ જવાબોમાં રસ પણ નથી.

કોણે કહ્યું હતું કે quality questions create quality life? જેણે પણ કહ્યું છે સત્ય જ કહ્યું છે. પ્રશ્નો ગુણવત્તાવાળા હશે તો જવાબો જ્યારે મળશે ત્યારે ચીલાચાલુ, આલતુ-ફાલતુ, રૂઢિઓના વાયુ વિસર્જનથી ગંધાતા નહીં જ હોય... એ હશે ગુણવત્તાસભર... એ હશે ખરું એન્ટિ વાઈરસ? તમારો એન્ટિ વાઈરસ કોણ છે?'લાસ્ટ બટ નોટ ધ લસ્ટિ: 'થ્રી ઇડિયટ્સ' ફિલ્મમાં વાઇરસ (બોમન ઇરાની) વાઇરસ છે કે એન્ટિ વાઇરસ?

ટિપ્પણીઓ નથી: