24.10.11

ફ્રોમ બોસ વિથ લવ...

ફ્રોમ બોસ વિથ લવ...

ડિયર પિલ્લઈ,
તમે આજે તમારી મમ્મીને દવાખાને બતાવવા લઇ જવાના હોવાથી રજા લીધી હતી. મેં બપોરે તમારા ઘેર ફોન કર્યો ત્યારે તમારા પૂજ્ય માતુશ્રીએ ફોન ઉપાડ્યો હતો અને અમે લોકોએ પંદર મિનીટ સુધી આડીઅવળી વાતો કરી હતી. ઘણો મળતાવડો સ્વભાવ છે એમનો. એમની પાસેથી તમે ટાઈ બાઈ પહેરીને તૈયાર થઈને કોઈ કંપનીમાં ઇન્ટરવ્યુ આપવા ગયા હશો એવી માહિતી મળી હતી. તો તમને આ જોબ સર્ચ મુબારક. અને હા, યુનિયન રેમેડીના એચઆરમાંથી  મિસ. રીતુનો ફોન આવ્યો હતો. તમારી સ્માર્ટનેસથી તો એ ઈમ્પ્રેસ હતાં, પણ તમે કરંટ સેલરી બાર હજારને બદલે સોળ હજાર કહી હતી એટલે એણે મને ક્રોસ ચેક કરવા ફોન કર્યો હતો. બાય ધ વે એ રીતુ મારી ક્લાસમેટ હતી, એમ.બી.એ.માં !
તો પિલ્લાઈ, ઓલ ધ બેસ્ટ ફોર જોબ સર્ચ.
લી. તારો બાજ નજર (હવે એક્સ) બોસ
========================================
 
ફ્રોમ : બોસ
ટુ : ઓલ કોપી કેટ્સ
ગયા મહિને આપણાં ફ્લોરના ઝેરોક્સ મશીન પરથી લગભગ આઠ હજાર કોપી ઝેરોક્સ નીકળી છે. આમ વીકલી એવરેજ બે હજાર ઝેરોક્સ થઇ. પણ મઝાની વાત એ છે કે ગયા જુલાઈ મહિનાના ત્રીજા અઠવાડિયા દરમિયાન જ્યારે હું ફોરેન ટુર પર હતો એ અઠવાડિયામાં બે વાર મશીન ગરમ થઈને બગડી ગયું હતું. અને એ અઠવાડિયામાં જ લગભગ ચાર હજાર ઝેરોક્સ નીકળી છે. આ અંગે કંપનીના હિતેચ્છુ કર્મચારીએ (એને ચમચો કહી ન બોલાવવો) મારું ધ્યાન દોર્યું છે. તો કંપનીના ઝેરોક્સ મશીનને તમારા પૂજ્ય પિતાજીની મિલકત સમજી વાપરવાનું બંધ કરવા નમ્ર વિનંતી. આ મંથ એન્ડમાં હું નવા પ્રોજેક્ટ માટે બહાર જઉં તે દરમિયાન જો આ ટ્રેન્ડ ચાલુ રહેશે તો ઈન્ટરનેટ એનેબલ્ડ  સીસી ટીવી કેમેરા મૂકતા કંપની અચકાશે નહિ, અને આમ થવાથી તમે મફત ઝેરોક્સ કાઢવા સિવાય બીજું શું શું નહિ કરી શકો તે મારે તમને કહેવાની જરૂર છે ?
લી. શેરલોક બોસ

 

 

 


ટિપ્પણીઓ નથી: