1.7.12

ખાડો જોઈને રોકાઈ ન જશો ( મોહમ્મદ માંકડ - કેલિડોસ્કોપ)
ખાડા પછી સારો રસ્તો આવશે જ એવી શ્રદ્ધા રાખનારને એવો રસ્તો જરૂર મળે છે. 
આવા કપરા સમયે, હિંમત હારવાના બદલે માણસે, લથડતા પગે પણ, ચાલવાનું ચાલુ રાખવું જોઈએ. જિંદગીની કિતાબના હવે પછીનાં પાનાંમાં શું લખ્યું હશે એ કોણ જાણી શકે છે? 
                                  અડાબીડ અંધકારમાં પણ ધ્રૂજતા પગે, ડગુમગુ ચાલતા રહેવું જોઈએ

જિંદગીનો રસ્તો સીધી સડક જેવો નથી. તેમાં ખાડા આવે છે અને ક્યારેક તો મોટી ખાઈ પણ આવે છે. 
મોટા ભાગના માણસો સામે આવેલ ખાડો જોઈને મૂંઝાઈ જાય છે અને અટકી જાય છે. આ અટકી જવાનું જુદાં જુદાં કારણસર હોય છે. વિદ્યાર્થીને પરીક્ષામાં સફળતા મળતી નથી, પ્રેમમાં નિષ્ફળતા મળે છે, લગ્નજીવન ભાંગી પડે છે, પ્રિયજનનું મૃત્યુ થાય છે ત્યારે માણસને એમ લાગે છે કે હવે જીવવા જેવું રહ્યું નથી. આવા સમયે મોટા ભાગના માણસો આપઘાત કરે છે. આપઘાત ન કરનારા ગંભીર માંદગીમાં પટકાય છે. શરાબ કે ડ્રગ્સના આદી બને છે અને પોતે જ પોતાની જિંદગી ટૂંકાવી નાખે છે.

પરંતુ, ખાડા પછી સારો રસ્તો આવશે જ એવી શ્રદ્ધા રાખનારને એવો રસ્તો જરૂર મળે છે.  આવા કપરા સમયે, હિંમત હારવાના બદલે માણસે, લથડતા પગે પણ, ચાલવાનું ચાલુ રાખવું જોઈએ.

મારી પોતાની જિંદગીમાં આવેલ ખાડાની થોડી વાત કરું છું. જેથી વાચકને ખાતરી થશે કે હું જે લખું છું એ ‘પરોપદેશ પાંડિત્યમ્’ નથી. 


અમારી પાસે જમીન ઘણી હતી. મારી તબિયત બહુ સારી રહેતી નહોતી. મારાં માતા-પિતાની ઇચ્છા હું પાળિયાદમાં જ રહું એવી હતી. એટલે મેં ખેતીવાડીના સ્નાતક (ગ્રેજ્યુએટ) થવાનું નક્કી કર્યું હતું, પરંતુ સંજોગો એવા ઊભા થયા કે કોલેજની પરીક્ષામાં પાસ થવા છતાં હું આણંદની એગ્રિકલ્ચર કોલેજમાં એડમિશન ન મેળવી શક્યો, કારણ કે અમારી કોલેજમાં એક ટર્મમાં પાંસઠ દિવસની હાજરી જરૂરી હતી. એગ્રિકલ્ચર કોલેજમાં પંચાશી દિવસની હાજરી જરૂરી હતી. મારું સપનું રોળાઈ ગયું હતું. મને બહુ આઘાત લાગ્યો હતો. આગળ અભ્યાસ કરવા માટે મારે નાછૂટકે બહાઉદ્દીન કોલેજમાં અભ્યાસ કરવાનું ચાલુ રાખવું પડયું હતું.

પરંતુ, કોલેજમાં હતો એ દિવસોમાં જ મારી પહેલી વાર્તા ‘રહેસાતાં જીવન’ માતબર માસિક ‘અખંડ આનંદ’માં છપાઈ હતી. ખાડો પૂરો થયો હતો. ફરી સારો રસ્તો આવ્યો હતો. ત્યાર પછીના દિવસોમાં મારો એક વાર્તાસંગ્રહ પ્રગટ થયો હતો. પ્રતિષ્ઠિત માસિકો અને સાપ્તાહિકમાં મારી વાર્તાઓ પ્રગટ થતી હતી અને વાર્તાકાર હોવાને કારણે મને ‘ફૂલછાબ’માં નોકરી મળી ગઈ હતી. મારાં લગ્ન થઈ ગયાં હતાં. જિંદગી લીલીછમ્મ બની ગઈ હતી.
 

પરંતુ, ફરી મોટો ખાડો આવ્યો હતો. ‘ફૂલછાબ’ની નોકરી છોડીને મારે પાળિયાદ પાછા આવવું પડયું હતું. એ નોકરી કેમ છોડી એની વાત મેં અગાઉ ક્યાંય કરી નથી અને હવે કરવાની ઇચ્છા નથી, કારણ કે એની
સાથે સંકળાયેલી વ્યક્તિઓ અત્યારે હયાત નથી. એ દિવસો અમારા માટે બહુ કપરા હતા. સૌરાષ્ટ્રનું અલગ રાજ્ય થયું હતું. અને ઢેબરભાઈ (ઉછરંગરાય ઢેબર) એના મુખ્યમંત્રી બન્યા હતા. અને એમણે ભારતનાં બીજાં રાજ્યોમાં ન થયો હોય એવો જમીન સુધારણાનો કાયદો કર્યો હતોઃ ‘વાવે એની જમીન’
એ કાયદાને કારણે તાલુકદારોનું હાકેમપણું ચાલ્યું ગયું હતું. મારા પિતા દરબારોના (તાલુકદારોના) કારભારી હતા. એમનો કારોબાર ચાલ્યો ગયો હતો. દરબારો દરબારો જ રહ્યા નહોતા પછી એમનો કારોબાર કરવાની જરૂર જ ક્યાં હતી. આમ છતાં, થોડો સમય એ કારોબાર ચાલુ રહ્યો હતો પણ પછી પૂરો થયો હતો.
 

એ વખતે અમારી પાસે જમીન હતી. રોકડ રકમ પણ હતી, પરંતુ દુકાળ પડયો હતો. (જેને લોકો ઢેબરિયો કાળ કહેતા હતા) અને અમારે ત્યાં ગાયો, ભેંસો,બળદ પૂરાં એકાવન ઢોર હતાં અને મારા પિતા દુષ્કાળના વખતમાં ઢોર વેચવા માટે તૈયાર નહોતા. એ માનતા હતા કે એ ઢોર વહેલું કે મોડું કસાઈ વાડે જ જાય. પોતાની માન્યતામાં એ બહુ મક્કમ હતા અને દુષ્કાળ પૂરો થયો ત્યારે પૂરાં એકાવન ઢોર જીવતાં રહ્યાં હતાં. (માત્ર એક બળદ કંબોડી એટલે કેન્સર થવાથી ત્યાર પછી મરી ગયો હતો).
 

એ દિવસો મારા માટે અંધકારમય હતા. ‘ફૂલછાબ’ની નોકરી છોડવાનો અફસોસ રાતદિવસ રહેતો હતો. શું કરવું એ સૂઝતું નહોતું.
 

પરંતુ ફરી વાર્તાકાર તરીકેની મારી નામના અને ‘વાર્તા સંગ્રહે’ મને મદદ કરી. મને બોટાદ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી મળી ગઈ. એટલું જ નહીં એ વખતના જિલ્લા શિક્ષણાધિકારી છેલભાઈ ઓઝા સાથે એવા સંબંધો બંધાયા કે એ નોકરી મને ‘ફૂલછાબ’ની નોકરીમાં મળતાં પગાર કરતાં અડધો પગાર મળતો હોવા છતાં, આનંદદાયક લાગી હતી, કારણ કે મારું ગામ પાળિયાદ બોટાદથી માત્ર ચૌદ-પંદર કિલોમીટર જ દૂર હતું અને મારાં માતા-પિતાને હું આર્થિક રીતે મદદરૂપ થઈ શકું તેમ હતો. અલબત્ત, મારે મિત્રો પાસેથી પૈસા ઉછીના લેવા પડતા હતા અને દેણું થઈ જતું હતું, પરંતુ વાર્તાઓ લખવાનું ચાલુ હતું અને મારી પત્નીની હૂંફ હતી. ક્યારેય કોઈ વસ્તુની માંગણી એ કરતી નહોતી કે બીજી સ્ત્રીઓની જેમ પૈસા સંઘરતી નહોતી. મને કમાવાની હિંમત હતી એટલે દેણાંની બહુ ફિકર નહોતી. એ દિવસો, મારી જિંદગીના બહુ સુખી દિવસો હતા. એ દિવસોમાં જ મારા બીજા બે વાર્તા સંગ્રહો પ્રગટ થયા હતા અને મને પ્રતિષ્ઠા અપાવનાર લઘુનવલ ‘કાયર’ પ્રસિદ્ધ થઈ હતી. 


શિક્ષક તરીકે અગિયાર વર્ષથી વધારે સમય મેં સરકારી હાઈસ્કૂલમાં નોકરી કરી, પરંતુ ફરી એ નોકરી છોડવી પડી. મારા માટે ‘ફ્રેન્ડ એન્ડ ગાઈડ’ એવા મિત્ર ભૂપત વડોદરિયાએ ‘તુષાર’ નામનું માસિક શરૂ કરવાનો વિચાર કર્યો હતો. એ વખતે એ ‘ફૂલછાબ’ના તંત્રી હતા એટલે ‘તુષાર’ના તંત્રી તરીકે એ રહી શકે તેમ નહોતા. હાઈસ્કૂલની અને સરકારી નોકરીમાં હું ઠરીઠામ થયો હતો, પરંતુ વડોદરિયાએ એ વખતના સૌરાષ્ટ્ર રાજ્યના શિક્ષણાધિકારી ડી. એલ શર્મા પાસેથી મને એક વર્ષની રજા અપાવવાનું વચન આપ્યું અને ‘તુષાર’ બરાબર જામે પછી જ કાયમી નોકરી છોડવી એમ નક્કી કર્યું. એટલે હું બોટાદ છોડી રાજકોટ ગયો, પરંતુ સંજોગો એવા ઊભા થયા કે મારા મિત્ર કશું કરી શક્યા નહીં.‘તુષાર’ એક વર્ષ ચાલ્યું. એ સારું ચાલતું હતું, પરંતુ આર્થિક મુશ્કેલીને કારણે છેવટે એ બંધ કરવું પડયું અને રાજકોટ છોડીને મેં સુરેન્દ્રનગર જવાનું નક્કી કર્યું.
 

સુરેન્દ્રનગર જવાનું કારણ મારા પ્રકાશક મિત્રે આશરે મને દર મહિને સો રૂપિયા આપવાની ઓફર કરી હતી. મારે એમને બે પૂરા કદની નવલકથાઓ અને એક સંગ્રહ થાય એટલી વાર્તાઓ લખી આપવાની હતી. અને મને કોઈ તકલીફ પડે તો મારા મિત્ર વસંતભાઈ દોશી મને સુરેન્દ્રનગરની ખાનગી હાઈસ્કૂલમાં નોકરી અપાવી શકે તેમ હતા. ઉપરાંત બીજી પણ ઘણી રીતે મદદ કરવા તૈયાર હતા.
 


સુરેન્દ્રનગરમાં હું અઢાર વર્ષ રહ્યો. એ સમયમાં ભોગવેલી આર્થિક મુશ્કેલીની વાત બહુ લાંબી છે, પરંતુ સુરેન્દ્રનગરમાં મેં ગાળેલો સમય લેખક તરીકેનો સૌથી ફળદાયી સમય હતો. અને એ સમયમાં મારી પત્નીએ મને જે હૂંફ આપી એનું વર્ણન કરવા માટે શબ્દો ઓછા પડે એમ છે. કલમના ખોળે માથું મૂકીને ‘હું તારા ખોળે છું’ એવું કશું કહ્યા વિના કે આંખમાં ઝળઝળિયાં વિના એ સમય પસાર થઈ ગયો. એનું કારણ મારી પત્ની અને મારા મિત્રોની હૂંફ હતી.
 

શરૂઆતમાં બે વર્ષ તો બધું ઠીક ચાલ્યું, પરંતુ બે અઢી વર્ષ પછી મિત્ર આશરની આર્થિક પરિસ્થિતિમાં જ ફેરફાર થતાં એ મને એડવાન્સ રૂપિયા મોકલી શકે તેમ નહોતા. મને મદદ કરવા માટે એ એમનાં પુસ્તકોના પ્રિન્ટર યશવંતભાઈ બુટાલા પાસે પ્રાંતિજ મને એ લઈ ગયા. ત્યાં મને રહેવાનું સારું મકાન અને પગાર મળે તેમ હતું. પુસ્તકોના પ્રૂફરીડર તરીકે અને એવી બીજી કામગીરી મારે કરવાની હતી પણ સુરેન્દ્રનગર છોડતાં જીવ ચાલતો નહોતો. કશું નક્કી કર્યા વિના જ હું અમદાવાદ ઈશ્વર પેટલીકરને મળ્યો અને પ્રાંતિજની વાત કરી. ‘સ્ત્રી’ સાપ્તાહિકમાં કશું લખવા મળે એવી વિનંતી કરી, પરંતુ એમણે સામો પ્રશ્ન કર્યો, “પ્રૂફરીડરનું કામ તમને ગમે છે? તમે સારા લેખક છો, પ્રૂફરીડરનું કામ કરીને જિંદગીનો સમય બગાડવાને બદલે સુરેન્દ્રનગરમાં શિક્ષકની નોકરી સ્વીકારો. ‘સ્ત્રી’માં લખશો તો એમાં જ બંધાઈ જશો. તમારા જેવા લેખક માટે એ કામ નકામું છે.”
 

આર્થિક મુશ્કેલી એટલી બધી હતી કે ન પૂછો વાત. સારો લેખક હોઉં કે ન હોઉં સામે માત્ર અંધકાર હતો. એ અંધકારમાં લખવું કેમ? અને કુટુંબનું ભરણપોષણ કરવું કેમ?
 

પરંતુ, ફરી સામે આવેલ વિશાળ ખાડો પૂરો થયો. મને ‘ગોવર્ધનરામ ત્રિપાઠી’ ફેલોશિપ મળી. છ મહિના સુધી દર મહિને મને રૂપિયા પાંચસો મળવાના હતા. એ ફેલોશિપ અને રૂપિયા મહત્ત્વના હતા એથીયે વિશેષ એણે મને આપેલી આત્મશ્રદ્ધા મહત્ત્વની હતી. મને ખાતરી થઈ ગઈ કે ખાડો ગમે એવડો મોટો કે લાંબો હોય એક વાર તો એ પૂરો થાય જ છે.
 

ત્યાર પછી જીવનમાં ઘણા સારા માઠા પ્રસંગો બન્યા. ઘણા ખાડા આવ્યા. પગ ધ્રૂજી જાય એવું ઘણું બન્યું, પરંતુ મેં ધ્રૂજતા પગે પણ ચાલવાનું ચાલુ રાખ્યું અને એક પછી એક ખાડો પૂરો થતો રહ્યો એટલું જ નહીં, નવાં નવાં શિખરો ઉપર હું ચઢતો રહ્યો. મારે લેખક તરીકે જીવવું હતું અને લેખક તરીકે જીવવા માટે હું સક્ષમ બનતો રહ્યો. લેખક હોવાનો આનંદ અને સંતોષ મને મળતા રહ્યા.
 

આ લેખ લખવાનું શરૂ કર્યું ત્યારે જે નહોતું બન્યું એ આ લેખ પૂરો કરતાં પહેલાં બની ગયું છે. મારા જીવનમાં ફરી કસોટી આવી છે. ચોરાશીમું વર્ષ પૂરું થવા આવ્યું છે ત્યારે જેણે જીવનભર સાથે રહીને મને હૂંફ આપી છે તે અચાનક જ આ દુનિયા છોડી ગઈ છે. મારા જીવનમાં આવેલી આ ખાઈ, આ ખીણ એવી છે કે એમાંથી કદાચ હું બહાર નીકળી જ નહીં શકું એમ લાગે છે. મારી તબિયત બગડી છે. જીવનના આ આખરી દિવસો અંધકારમય લાગે છે. અને જે લોકો આપઘાત કરે છે એમને એ વખતે એવું જ લાગતું હશે, પરંતુ જિંદગીના પાછળના બનાવો પર નજર કરતાં વળી એવું થાય છે કે કદાચ એવું ન પણ હોય. જિંદગીની કિતાબના હવે પછીનાં પાનાંમાં શું લખ્યું હશે એ કોણ જાણી શકે છે? અડાબીડ અંધકારમાં પણ ધ્રૂજતા પગે, ડગુમગુ ચાલતા રહેવું જોઈએ એમ મને લાગે છે. અને મારા સૌ વાચક મિત્રોને પણ કહીશ કે 

તમારા જીવનમાં ગમે તેવો ખાડો કે ખાઈ આવે 
ચાલતા રહેજો. 
તમારી જિંદગીને 
તમારા હાથે ટૂંકાવશો નહીં.

 ( મોહમ્મદ માંકડ - કેલિડોસ્કોપ)
  

ટિપ્પણીઓ નથી: