10.5.15

બડી બેચેન રહતી હૈં કિતાબેં- અભિમન્યુ મોદી


ટિન્ડરબોક્સ- અભિમન્યુ મોદી

 ગુલઝારની આ પ્રખ્યાત નઝમ કોન્સન્ટ્રેશનથી વાંચો.
કિતાબેં ઝાંકતી હૈ બંદ અલમારી કે
શીશોં સે
બડી હસરત સે તકતી હૈ
મહિનોં અબ મુલાકાતે નહીં હોતી
જો શામે ઉનકી સોબત મેં કટા કરતી થી, અબ અક્સર
ગુઝર જાતી હૈ કમ્પ્યૂટર કે પરદો પર,
બડી બેચેન રહતી હૈં કિતાબેં
ઉન્હેં અબ નીંદ મેં ચલને કી આદત હો ગઈ હૈૈ.
ઝબાં પર જાયકા આતા થા, જો સફા પલટને કા,
અબ ઉંગલી ક્લિક કરને સે બસ એક ઝબકી ગુઝરતી હૈ.
બહોત કુછ તહ-બ-તહ ખૂલતા ચલા જાતા હૈ પરદે પર
કિતાબોં સે જો ઝ્યાદતી રાબતા થા વો કટ ગયા હૈ.
કભી સીને પે રખ કે લેટ જાતે થે,
કભી ગોદી મેં લેતે થે,
કભી ઘૂટનોં કો અપને રહલ કી સુરત
બના કર,
નીમ સજદે મેં પઢા કરતે થે,
છુતે થે ઝભી સે
વો સારા ઇલ્મ તો મિલતા રહેેગા આઇંદા ભી,
મગર વો જો કિતાબોં મેં મિલા કરતે થે
સુખે ફૂલ ઔર મહકે હુએ રુક્કે,
કિતાબે માંગને ગીરને ઉઠાને કે બહાને રિસ્તે બનતે થે
ઉનકા ક્યા હોગા.
આહા, આફરિન. બુકનું પેજ ફેરવવા માટે હોઠે આંગળી અડાડીયે અને એનો જે જાયકો આવે અને એની મજા આંગળીથી ક્લિકમાં મળવાની? ચોરીછૂપીથી જોઈ રહેતી કોઈ આંખો સાથે બે-ત્રણ પુસ્તકોની લેવડદેવડ વીસ-ત્રીસ પેઢીઓના ફોર્મેશનમાં પરિણમે! બુકની તાકાત તો જુવો! પુસ્તકચોરો ગયા અને હાર્ડ બાઉન્ડ પુસ્તકો પણ ધીમી તો ધીમી, પણ ઓટમાં છે. એની ભરતીનો જમાનો ગયો.
સદીઓ વીતતી ગઈ. મનુષ્યને ગુફાચિત્રો દોરવામાં ફાવટ આવી ગઈ. ચિત્રો નાનાં થતાં ગયાં અને સરવાળે અક્ષરોમાં પલટાયાં. પેપીરસની છાલમાં પુસ્તકનો નાજુક જન્મ થયો. જમાનાઓ બદલાયા, સદીઓ પટકાતી ગઈ. સમય છૂટતો ગયો. જાતિઓ વિલોપ થઈ, અસ્તિત્વમાં આવી, પણ પુસ્તકો અડીખમ રહ્યાં. ના, એમ નહીં, પુસ્તકો જ આખા વિશ્વની કાયાપલટનું નિમિત્ત અને સબૂત બનતાં રહ્યાં. બ્રિટનથી બાર્બાડોસા અને સિંધથી સુદાન સુધી, રૂસથી રોમાનિયા અને પનામાથી પંજાબ સુધી પુસ્તકો રાજ કરતાં આવ્યાં છે, કર્યું છે. આખેઆખી સંસ્કૃતિને પલોટી છે, બુકે તો દરેક દેશના ઇતિહાસને સાચવીને બતાવ્યો છે.
માણસને જીવવા માટેની સૌથી મહત્ત્વની અને પાયાની જરૂરિયાત જો રોટી, કપડાં અને મકાન જ ગણાતી હોય તો આપણા અને આદિમાનવો-પ્રાણીઓમાં ફર્ક શું? આપણે બીજા જીવો કરતાં કઈ બાબતે જુદા પડીએ છીએ? બુદ્ધિથી અને બુદ્ધિનું એક્સટેશન કમ એક્સપ્રેશન એટલે બુક્સ, પુસ્તકો. પુસ્તકોએ હાલના બુદ્ધિચાતુર્યથી ભરપૂર માણસ બનવાની પ્રોસેસ-ઉત્ક્રાંતિમાં જે પ્રત્યક્ષ અને પરોક્ષ ડાયનોસોરે-ફાળો આપ્યો છે એ બદલાતા જતા DNA પણ નથી આપ્યો. શબ્દો જ બોલવા, સાંભળવા, જોવા, વર્ણન કરવાનું ડેવલપ કરતાં ગયા અને આપણે ભગવાન, દેવો, દાનવો, મહાભારત, રામાયણ, ઓડીસી, બાઇબલ, કુરાન જેવી મહાગાથાઓ કે ધર્મગ્રંથો પણ પુસ્તકના રૂપમાં જોયા. પુસ્તક ન હોત તો ભગવાન મળત?
આ બધી વાત આજે કરવાનું એટલા માટે થયું કે આવતી કાલે વર્લ્ડ બુક-ડે છે અને ઇલેક્ટ્રોનિક વાવાઝોડા સામે પુસ્તકોનો ગઢ હવે અડીખમ નથી દેેખાતો. માટે આવતી કાલના 'વર્લ્ડ બુક એન્ડ કોપીરાઇટ ડે' નિમિત્તે જોરશોરથી ચિલ્લાવું પડે છે કે સારી બુક્સ વાંચો. પુસ્તકોને થોડાં તો પોતીકાં બનાવો. લાઇબે્રરીની ખાલી હવા ટચસ્ક્રીન સામે હાર માનતી જાય છે. વાંચવાનું છાપાંની હેડલાઇન, કોલેજ, ક્લાસીસના મટીરિયલ, લીથા, બેન્કની પાસબુક, બિઝનેસ ચેનલના શેરના આંકડા અને વોટ્સ એપિયન સુપરફિશિયલ મેસેજ પૂરતું મહદંશે સીમિત થઈ ગયું છે અને તેને વાંચવાનું કહી શકાય, વાંચન નહીં.
વાંચન અને સારા, લાંબા, ખુશખુશાલ, સ્વસ્થ જીવનને સીધો સંબંધ છે એવું ફક્ત વિજ્ઞાાન જ નહીં, ઇતિહાસ પણ કહે છે. માટે વિરાટવાચકો, તમે આ લેખ અહીં સુધી વાંચ્યો હોય મતલબ તમે સાવ નથી વાંચતા એવું તો નથી જ, પણ જોઈએ એવું અને હોવું જોઈએ એટલું પણ નથી વંચાતું. માટે, વેકેશન પડી ગયું છે. ઉનાળો અને કેરી ફુલ ફોર્મમાં છે. ત્યાં સુધી એટલું વિચારો કે તકિયા નીચે મોબાઇલ મૂકીને સૂઈ જતાં આપણે છેલ્લે ક્યારે છાતી ઉપર બુક રાખી ચાલુ લાઇટે સૂઈ ગયાનું યાદ છે?