20.10.16

શિશિર રામાવત: ક્રિએટિવ લિવિંગ બિયોન્ડ ફિઅર-ડર કે આગે જીત હૈ


 




છેલ્લે તમે કયારે

ભરપૂર પ્રસન્નતા અનુભવી હતી?

ટેક ઓફ : શિશિર રામાવત

'ઈફ અ મોર લાઈકેબલ રાઈટર ધેન ગિલ્બર્ટ ઈઝ કરન્ટલી ઈન પ્રિન્ટ, આઈ હેવન્ટ ફાઉન્ડ હિમ ઓર હર.'
'બિગ મેજિક' નામના પુસ્તકના બેક-કવર પર લેખિકા એલિઝાબેથ ગિલ્બર્ટના વખાણમાં આ શબ્દો લખાયા છે.  તમને આ વાત યથાતથ સ્વીકારી લેવાનું મન થશે, જો તમે એલિઝાબેથ ગિલ્બર્ટના અઠંગ ચાહક હશો તો.
૪૭ વર્ષીય એલિઝાબેથ ગિલ્બર્ટ નામનાં આ અમેરિકન લેખિકા ફિક્શન અને નોન-ફિક્શન બન્ને લખે છે. આઠ વર્ષ પહેલાં પ્રકાશિત થયેલા એમના 'ઈટ પ્રે લવ'નામના આત્મકથનાત્મક પુસ્તકને ચકિત્ થઈ જવાય એવી સફળતા મળી હતી. લગભગ પોણાચાર વર્ષ સુધી આ પુસ્તક એકધારું 'ધ ન્યુ યોર્ક ટાઈમ્સ'ના બેસ્ટસેલર લિસ્ટમાં રહ્યું હતું. પીડાદાયી ડિવોર્સ પછી વેેરવિખેર થઈ ગયેલી જિંદગીને થાળે પાડવાની આશામાં એલિઝાબેથે ઈટાલી, ભારત અને ઈન્ડોનેશિયામાં વારાફરતી ચાર-ચાર મહિના ગાળ્યા હતા. (આ આખા વર્ષની ટૂર એના પ્રકાશકે સ્પોન્સર કરી હતી, બોલો.) આ એક વર્ષમાં શું શું બન્યું એનો જબરદસ્ત રસાળ અહેવાલ 'ઈટ પ્રે લવ' પુસ્તકમાં છે. હોલિવૂડે આદત મુજબ તેના પરથી ફિલ્મ બનાવી કાઢી. જોકે જુલિયા રોબર્ટ્સ અને જેવિઅર બર્ડેમ જેવા ટોપ સ્ટાર્સ હોવા છતાં ફિલ્મે પુસ્તક જેવી જમાવટ ન કરી. પુસ્તકની સફળતા એટલી પ્રચંડ હતી કે, કમર્શિયલ ધોરણે 'ઈટ પ્રે લવ' ટૂર્સનું આયોજન થવા લાગ્યું. એમાં એલિઝાબેથે ઈટલી-ઈન્ડિયા-ઈન્ડોનેશિયામાં જે-જે સ્થળોએ સમય વીતાવ્યો હતો ત્યાં પ્રવાસીઓને લઈ જવામાં આવતા!  
આજે એલિઝાબેથ ગિલ્બર્ટના લેેટેસ્ટ નોન-ફિક્શન પુસ્તક 'બિગ મેજિક'ની વાત કરવી છે. ટેગલાઈન છે - 'ક્રિએટિવ લિવિંગ બિયોન્ડ ફિઅર'. ક્રિએટિવિટી અથવા સર્જનાત્મકતા એટલે એક્ઝેટલી શું? ક્રિયેટિવિટી કેવી રીતે પેદા થાય? કેવી રીતે આવે? ક્રિયેટિવિટી શું એકલા લેખકો, કવિઓ, ચિત્રકારો, અક્ટરો, ટૂંકમાં કલાના ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોની જાગીર છે? બીજા લોકોને તેની સાથે કંઈ લેવાદેવા નથી? કલાકારો જેને પ્રેરણા-પ્રેરણા કરતા હોય છે તે પ્રેરણા શું છે? પ્રેરણા કેમ આવ-જા, આવ-જા કર્યા કરે છે? પગ વાળીને એક જગ્યાએ શાંતિથી બેસતી કેમ નથી?
માણસનું અંતરમન અને રહસ્યમય પ્રેરણા - આ બે વચ્ચેનો સંબંધ એ જ ક્રિયેટિવિટી. આવી વ્યાખ્યા બાંધીને એલિઝાબેથ એક ઉદાહરણ ટાંકે છે. ચાલીસ વર્ષની એક મહિલા છે. આમ તો એની લાઈફ સરસ ગોઠવાયેલી છે, પણ મનમાં ઉમંગ નથી, પ્રસન્નતા નથી. બધું રૂટિન બની ગયું છે. આનંદપૂર્વક જીવવાને બદલે પોતે જાણે સમયની સાથે પોતે ઘસાડાયા કરતી હોય એવું એને લાગ્યા કરે છે. એ વિચારવા બેઠી કે છેલ્લે મેં કયારે સાચા અર્થમાં પ્રસન્નતા અનુભવી હતી? મનને બહુ ખોતરતાં જવાબ મળ્યોઃ હું ટીનેજર હતી અને આઈસ-સ્કેટિંગ કરવા જતી હતી છેક ત્યારે મેં સો ટકા પ્યોર અને મન-હૃદયને છલકાવી નાંખે એવી પ્રસન્નતા અનુભવી હતી! આ જવાબથી ખુદ મહિલા ચોંકી ગઈ. સ્કેટિંગ કરવાનું બંધ કર્યું તે વાતને તો દાયકાઓ વીતી ગયા છે. તો શું તે પછીનાં આટલાં વર્ષોમાં મેં જીવવાનો તીવ્રતમ આનંદ માણ્યો જ નથી?
મનમાં બીજો સવાલ જાગ્યોઃ શું મને હજુ પણ સ્કેટિંગમાંથી પહેલાં જેટલો જ આનંદ મળે તે શકય છે? મહિલાએ નવેસરથી આઈસ-સ્કેટિંગ શીખવાનો નિર્ણય કર્યો. નવા સ્કેટ્સ ખરીદ્યા, એક જગ્યાએ મેમ્બર બની ગઈ, કોચ રાખ્યો. મનના એક ખૂણામાંથી અવાજ આવતો હતો કે, આ શું ગાંડપણ માંડયું છે? આધેડ ઉંમરે તું હવે સ્કેટિંગ શીખીશ? નાની-નાની નવ-દસની વર્ષની છોકરીઓની વચ્ચે તું ભૂંડી નહીં લાગે? મહિલાએ આ અવાજની અવગણના કરી. એણે સ્કેટિંગ શીખવાનું શરૂ કરી દીધું. સવારે વહેલી ઊઠીને ઘરનાં કામ પતાવી નાંખે. પછી ઓફિસ જતાં પહેલાં સ્કેટિંગકલાસ પહોંચી જાય ને પછી બરફ પર લસર્યા કરે. એને ભાન થયું કે, સ્કેટિંગમાંથી એને આજની તારીખેય પહેલાં જેેટલો જ આનંદ મળે છે. અરે, પહેલાં કરતાંય વધારે આનંદ મળે છે! સ્કેટિંગ કરતી વખતે એ જીવંત બની જતી, એ ખીલી ઊઠતી, સઘળી ચિંતા ને સ્ટ્રેસ ભૂલી જતી. સ્કેટિંગ કરતી વખતે એને લાગતું કે, મારા જીવનમાં જવાબદારીઓ અને બીબાંઢાળ કામકાજ સિવાય પણ કશુંક છે જેના લીધે હું, હું બની શકું છું. એના દિલમાં નક્કરપણે એવી લાગણી જાગતી કે હું મારી લાઈફ સાથે કશુંક અર્થપૂર્ણ કરી રહી છું.
મહિલાને કંઈ આઈસ-સ્કેટિંગમાં ચેમ્પિયન નહોતું બનવું. એને કંઈ ગાંડાની જેમ પ્રેક્ટિસ કરીને જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લેવાના ધખારા નહોતા. એને તો બસ, કોઈ પણ પ્રકારનું પ્રેશર લીધા વિના સ્કેટિંગનો આનંદ માણવો હતો. બન્યું એવું કે, સ્કેટિંગને લીધે એનો સુષુપ્ત જીવનરસ જાગ્રત થઈ ગયો જેની પોઝિટિવ અસર એના સંબંધો તેમજ કરિઅર પર પડી.
બસ, આ જ છે ક્રિયેટિવ જીવન. ક્રિયેટિવ જીવન એટલે વધારે સુખી, વધારે રસમય, વધારે વિશાળ અને વધારે ઈન્ટરેસ્ટિંગ જીવન. એક જમાનામાં તમને હારમોનિયમ શીખવાનો શોખ હતો. તમે પદ્ધતિસર રાગ-રાગિણી શીખવાનું શરૂ કરેલું. તમે રંગ ને પીંછી લઈને ચિત્રકામ કરવા બેસી જતા ને તેમાં કલાકોના કલાકો કાઢી નાંખતા હતા. તમે ડેકોરેશન માટેના હાઈકલાસ શો-પીસ બનાવતા હતા. તમે એક સમયે સરસ બેડમિન્ટન રમતા. તમને લખવાનો શોખ હતો ને તમે એક પુસ્તક લખવાનું પ્લાનિંગ પણ કરી નાંખેલું. આ બધી એવી એક્ટિવિટીઝ હતી જે કરવામાં તમને દિવ્ય આનંદ આવતો હતો. ઈવન આજે એ બધું યાદ આવે છે તો રોમાંચિત થઈ જવાય છે. તો પછી કેમ બધું બંધ કરી નાંખ્યું? કેમ એમાં આગળ વધી ન શકાયું? શું રોકી રાખે છે તમનેે? જવાબ એ છે કે ક્રિયેટિવ જીવન જીવવામાં આપણને જાતજાતના ડર લાગતા હોય છે. જેમ કે આપણને થાય કે -
- મારામાં પૂરતી ટેલેન્ટ નહીં હોય તો? 
- લોકો મારા પર હસશે તો? ગેરસમજ કરશે તો? બિલકુલ નોંધ જ નહીં લે તો? 
- ક્રિયેટિવિટીમાંથી બે પૈસા મળવાના ન હોય તો શું કામ ખોટી માથાકૂટ કરવી? 
- ઓલરેડી કેટલાય ગાયકો-સંગીતકારો-ચિત્રકારો-લેખકો-ખેલાડીઓ અદ્ભુત કામ કરી રહ્યા છે. હું કંઈ એમના કરતાં ચડિયાતું કામ થોડો કરી શકવાનો?
- મારા આઈડિયા કોઈ ચોરી લેશે તો? 
- હું જે કરવા માગું છું એનાથી કોઈના જીવન પર પ્રભાવ પડવાનો ન હોય તો મતલબ શો છે મજૂરી કરવાનો?
- આ બધું કરવા માટે શિસ્ત જોઈએ. મારામાં કયાં શિસ્તનું નામોનિશાન છે? 
- મેં કયાં ટ્રેનિંગ લીધી છે? ટ્રેનિંગ વગર તો શું થઈ શકે?     
- આ બધું કરવાથી મારા પરિવારના લોકો નારાજ થશે તો? ચીડાશે તો?
- મારું બેસ્ટ કામ તો ઓલરેડી થઈ ગયું છે. આના કરતાં વધારે સારું બીજું શંુ કરવાનો? 
- હું વન-હિટ-વંડર બનીને રહી જઈશ તો? 
- હું વન-હિટ-વંડર પણ નહીં બની શકું તો?
આવા તો અસંખ્ય પ્રકારના ડર હોઈ શકે છે. અમિતાભ બચ્ચન કહે છે કે, આજની તારીખે ય નવી ફિલ્મના શૂટિંગના પહેલા દિવસે હું નર્વસ હોઉં છું. મને થાય કે, શોટ બરાબર નહીં આપી શકું તો? લતા મંગેશકરે કબૂલ્યું છે કે, હું ગીત રેકોર્ડ કરવા માઈક્રોફોન સામે ઊભી રહું છું ત્યારે દર વખતે મારા પેટમાં પતંગિયાં ઊડતાં હોય છે. જો અમિતાભ બચ્ચન અને લતા મંગેશકર જેવાં લેજન્ડ્સને આટલી ઊંચાઈ પર પહોંચ્યા પછી પણ ડર લાગતો હોય, તો બીજાઓની શી વાત કરવી.
આપણા સૌનો અનુભવ છે કે, કોઈ નવો પ્રોજેકટ શરૂ કરવાના હોઈએ ત્યારે મનના એક ખૂણે ડર, શંકા અને ચિંતા ઉત્પાત મચાવવાનું શરૂ કરી દે છે. કામ બરાબર નહીં થાય તો? તૈયારી ને આવડત ઓછાં તો નહીં પડેને? ટાઈમ પર પૂરો નહીં થાય તો? એલિઝાબેથ ગિલ્બર્ટને ડર અને ક્રિયેટિવિટી કન્જોઈન્ડ ટ્વિન્સ જેવાં લાગે છે.
બન્ને એકમેકથી જોડાયેલાં. અમુક અંગ-ઉપાંગ બન્નેમાં કોમન. લેખિકાએ તો ડર માટે રીતસર એક લાંબી વેલકમ સ્પીચ તૈયાર કરી છે. નવો પ્રોજેકટ શરૂ કરવાનો હોય ત્યારે એ ડરને મનોમન કહે છેઃ
'ડિયેરેસ્ટ ડર, જો, હું અને ક્રિએટિવિટી, સાથે રોડટ્રિપ પર નીકળવાનાં છીએ.
હું માની લઉં છું કે તું પણ અમારી સાથે જોઈન થઈ જ જઈશ.
હું કશુંક સરસ કામ કરવાની હોઉં બરાબર ત્યારે જ હો-હોનો દેકારો કરીને મને ગભરાવી મૂકવાની મોટી જવાબદારી તને સોંપવામાં આવી છે ને આ જવાબદારી પૂરી કરવા માટે જીવ રેડી દઈશ તે ય હું જાણું છું.
ભલે. હું તો આ રોડટ્રિપ દરમિયાન મારંુ કામ કરવાની જ છું. શું છે મારું કામ?
પુષ્કળ મહેનત કરવી અને ફોકસ્ડ રહેવું.
મારી સાથે ક્રિએટિવિટી પણ એનું કામ કરશે. એનું કામ શું છે?
ઉત્સાહ અને ઉમંગ ટકાવી રાખવા.
તું પરિવારનો હિસ્સો છે એટલે તારું માન જરૂર રાખીશ. તને તારું કામ કરવા દઈશ. કારમાં આપણા ત્રણેય માટે પૂરતી મોકળાશ છે એટલે તને બેસવાની જગ્યા દઈશ, પણ એક વાત કાન ખોલીને સાંભળી લે.
આખા રસ્તે તમામ નિર્ણયો તો હું અને ક્રિયેટિવિટી જ લઈશું.
કયા રસ્તે જવું, કયાં હોલ્ટ લેવો, કયાંથી બાયપાસ લઈને ફંટાઈ જવું, કયાંથી યુ-ટર્ન મારવો, કારમાં એસી કેટલું તેજ રાખવું - આ બધું માત્ર અને માત્ર હું અને ક્રિયેટિવિટી નક્કી કરીશું. તારે સૂચન પણ નહીં કરવાનું. રોડ-મેપ શું, એફએમ રેડિયોને પણ હાથ નહીં લગાડવાનો. કારનું સ્ટિયરિંગ હાથમાં લેવાનું તો વિચારવાનું પણ નહી, સમજ્યો?'
- ને પછી લેખિકા, ક્રિયેટિવિટી અને ડર એકસાથે પ્રવાસ પર નીકળી પડે. પ્રવાસ (એટલે કે પ્રોજેક્ટ)નું પરિણામ ધાર્યું હતું એવું જ મળે છે, ધાર્યા કરતાંય વધારે સુંદર મળે કે તદ્દન વાહિયાત મળે એ પછીની વાત છે, પણ પ્રવાસ રોમાંચક અને ઘટનાપ્રચુર પુરવાર થશે એ તો નક્કી છે. સો વાતની એક વાત એ કે, મનગમતું કામ કરવા માગતા હોઈએ ત્યારે ડરના વશમાં થવાનું નથી. એનો સંગાથ અપ્રિય જરૂર લાગે તો લાગે. જો ડર સાથે પ્રવાસ કરતા નહીં શીખીએ તો કયારેય કોઈ સરસ સ્થળે પહોંચી નહીં શકીએ. લાઈફમાં કયારેય કોઈ ઈન્ટરેસ્ટિંગ કામ કરી નહીં શકીએ. ડર કે આગે જીત હૈ, યાદ છેને?
__._,_.___






ટિપ્પણીઓ નથી: