4.2.17

બાલ કૈસા હૈ, જનાબ કા...?-અશોક દવે


                      બાલ કૈસા હૈ, જનાબ કા...?

                           અશોક દવે

સ્વિત્ઝર્લેન્ડના આલ્પ્સ પર્વતની ધાર ઉપર બેઠો બેઠો વારાફરતી પગ હલાવતો હું વિશ્વનો નજારો જોતો હોઉં , એમ શ્રી ગણેશ હેર કટિંગ સલૂનમાં બાંકડાની ધાર પર મારો વારો આવે એની રાહ જોતો બેઠો હતો. ત્યાં બર્ફીલા પહાડો દેખાય ને અહીં સલૂનમાં કાળા વાળના ઢગલા દેખાય એટલો જ ફરક!

રાહ જોતો માણસ બહુ અકળાયેલો હોય , એમ નવરો બેઠો હું મારી આગળના ગ્રાહકના ગાલ પર ફરતા અસ્ત્રાનો છોલાવાનો ધ્વનિ સાંભળીને ગણત્રી મૂકતો હતો કે , હવેના ૩૪-લસરકા પછી આપણો વારો! ' કભી તો લહેર આયેગી... ' ના જોર ઉપર મને ય શ્રધ્ધા હતી કે , સાતમા નંબરનો ગ્રાહક પતે પછી મારો જ વારો છે.

અમેરિકાના પ્રેસિડેન્ટ ડૉનાલ્ડ ટ્રમ્પ અને મારો આ પ્લસ પોઈન્ટ છે. અમે બન્ને વિચારીએ ખૂબ ઊંચું!  ઊંચુ વિચારવા જેવા અઘરા કામો આવે ત્યારે હું હંમેશા અમારા ફ્લેટની ટેરેસ ઉપર જતો રહું છું. (હું ખોટો હોઉં તો મને ટોકવો!) અર્થાત , મારે ટેરેસ પર જવાનું થતું જ નથી!


સલૂનદારોની કોઈપણ લડાઈમાં સાથે અરીસો હોય , હોય ને હોય જ! દુશ્મનને ફટકાર્યા પછી , પાછળથી બરોબર ફટકારાયો છે કે નહિ , એ બતાવવા ય એની બોચી પાછળ અરીસો ધરે !

ફ્રેન્કલી , મને તો વાળંદ ટેબલ પર પડેલા હજામતના તમામ સાધનોને એક વાર અડી જોવાનું બહુ મન થાય. વાળંદ જોતો ન હોય ત્યારે હવામાં કટકટકટકટકટ કાતર ઘુમાવી જોઉં , એ લોકો દાઢી કરી લીધા પછી પોમરેનિયન કૂતરાના વાળ જેવું ફૂમતું પાવડરમાં ઝબોળીને આપણા ચીરાયેલા ગાલ ઉપર ફેરવે છે , તેમ હું પણ સફેદ રંગનું એ મનલુભાવન ફૂમતું ગાલને અડાડી જોઉં અને છાનોમાનો એક વાર મારા ફેસ પર ફૂવારો ય મારી લઉં. શીખ્યા હોઇએ , તો કોક વખત કામ આવે!

નાઇ મિત્રનો મોબાઈલ રણક્યો એટલે એ ઇંગ્લિશમાં ' એક્સક્યૂઝ મી ' કહીને દુકાનની બહાર ગયો , એ તકનો લાભ લઇને મેં હાથમાં અસ્ત્રો લીધો અને હવામાં કટકટકટ ફેરવતો હતો , એ જ વખતે કોઈ ગ્રાહક આવ્યો. મારા હાથમાં અસ્ત્રો જોઈને રોફથી સીટ પર બેસતા મને પૂછ્યું , '' કેટલી વાર લાગે એમ છે... ? મારે બાલ-દાઢી બન્ને કરાવવાના છે... એન્ડ યૂ... અસ્ત્રામાં બ્લેડ નવી નાંખજે. '' 

'' ભ ' ઇ... હું... કોઇ... હેરકટિંગવાળો... ''

'' અરે ભ ' ઇ , જલ્દી સાબુ ચોપડ ને... તું જે હોય તે... ને આ અસ્ત્રો આઘો મૂક..! ''
એ તો ભલો સલૂન માલિક પાછો આવ્યો અને ચોખવટ કરી કે , એ ભાઈ અમારા કારીગર નથી... કારીગર જેવા લાગે છે , પણ ઘરાક છે. શાંતિ રાખો , હવે તમને જ લઈ લઉં છું. ''
મારી પર્સનાલિટીની એ ખૂબી છે કે , દેખાવમાં હું હેરકટિંગ સલૂનના કારીગર જેવો ય લાગતો હોવાથી મને કદી નોકરીની તકલીફ નહિ રહેવાની !
સલૂનોમાં મને ત્યાં પડેલા છાપાં અને મેગેઝીનો વાંચવા ગમતા નથી... જેને ઉપાડો , એમાંથી વાળ નીકળે. (એ ય પુરુષોના!)

એક સલૂનમાં તો મેં ' રાસાયણિક ખાતર બનાવવાના સરળ ઉપાયો ' નામનું પુસ્તક પડેલું જોયું. આ પુસ્તકની આ વ્યવસાયમાં શી જરૂર પડે , એની મને ચિંતા તો થઈ.

હું કદી સલૂનમાં મારા વારાની રાહ જોતા બેઠા પછી જે પાટ ઉપર બેઠો હોઉં , ત્યાં મારા હાથ અડાડતો નથી. મને ખબર છે કે , લોકો કાનમાં દિવાસળી ફેરવીને ત્યાં લૂછે છે !  યસ. હું બેસું એવી રીતે જ્યાં સામેના અરીસામાં મારો ચહેરો દેખાતો હોય. મેં જોયું છે કે , વાળ ન કપાવતો હોઉં , ત્યારે હું બહુ હેન્ડસમ લાગતો હોઉં છું. નવરો બેઠો મને ને મને સ્માઈલો ય આપું. હસતા ચહેરા મને બહુ ગમે !
 
કહેવાય છે કે , સૌથી વધુ એકાગ્ર મન લશ્કરમાં સૈનિકનું અને સલૂનમાં નાઇનું હોય છે. એ બન્નેનું શરસંધાન કદી ખાલી જતું નથી અને જાય ત્યારે કોઈ નવાણીયો કૂટાઈ જાય છે. ગ્રાહકની બોચી પર અસ્ત્રો ફેરવવાથી માંડીને એની જીવપ્યારી મૂછોને કાપતી વખતે ખેડુત ખેતરમાં દાતરડા વડે કાટમકાટી કરે , એવી નાઇ કરી શકતો નથી. અહીં તો કોઈ કુશળ સોની ગળાની ચેઇન બનાવતો હોય એવું ઝીણકું કામ ઉપાડવાનું હોય છે. આ તો ઠીક છે , વાંકડી મૂછોના જમાના ગયા અને ઊપલો હોઠ ઢાંકે , એવી બંધ ગેરેજના દરવાજા સમી મૂછો આવી , પણ એને ય નીચેથી ધારદાર કાપવી પડે છે. જાતકના મ્હોમાં એકે ય વાળ ઘુસવો ન જોઈએ.

કેટલાક સલૂનદારો દાઢી બનાવતી વેળાએ ઘરાકની હડપચી ચીપટી ભરાવીને પકડે છે , તો કેટલાક રોમશત્રુઓ (રોમશત્રુ એટલે નાઇ..  આપણે નથી કહેતા , '' એ સાંભળીને એના રોમેરોમ ઊભા થઈ ગયા... એટલે કે માથાના વાળ ઊભા થઈ ગયા... એ રોમનો શત્રૂ   એટલે ઇંગ્લેન્ડ નહિ...! '')  ગ્રાહકના નાકમાં કાતર ભરાવીને કટકટ કરતી ઉત્તમ કળાનું પ્રદર્શન કરે છે , જેમાં વિરાટ કૌશલ્યની જરૂરત પડે છે. આ તબક્કે છીંક ન આવવી જોઈએ-  ગ્રાહકને ય નહિ  ને નાઇને પણ નહિ !

જ્યારે હું સ્વામી વિવેકાનંદને વાંચતો ત્યારે સ્વાવલંબનના અનેક નિર્ણયો મેં લીધા હતા , એમાં વળી રવીન્દ્રનાથ ટાગોરની પંક્તિ ઉમેરાઈ કે , ' તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે... હોઓઓઓ , એકલો જાને રે...! ' આ સ્વાવલંબન હું જાતહજામત માટે સમજ્યો હતો. કૉલેજકાળમાં અનેક વર્ષો સુધી મારા વાળ પણ હું જાતે કાપતો. હાથ તો એવો સરસ બેસી ગયેલો કે , બે-ચાર વર્ષોમાં તો બહારના ઓર્ડરો પણ આવવા માંડયા , પણ એ તરફ હું ધ્યાન આપતો નહતો !

ભારતદેશમાં પોતાના વાળ પોતે કાપે , એવા આજ સુધી બે જ મહામાનવીઓ થયા છે , એમાંના પહેલા મહાત્મા ગાંધી...

ટિપ્પણીઓ નથી: