16.8.17

પરાણે પુણ્ય કરવાનું પુણ્ય(હસ તું હરદમ - દિલીપ રાવલ)

પરાણે પુણ્ય કરવાનું પુણ્ય
હસ તું હરદમ - દિલીપ રાવલ


સવારના ચાર વાગ્યામાં 'મહેન્દ્ર કપૂર'ના અવાજમાં ગીત સંભળાયું. 'ઓ શંકર મેરે, કબ હોંગે દર્શન તેરે...' ક તો પ્રાત:કાળની નીરવ શાંતિ અને મહેન્દ્ર કપૂર સાહેબનો બુલંદ અવાજ, તમારી નીંદરને બાય બાય કહેવા માટે કાફી હતું. થોડી વાર વાગીને ગીત બંધ થઈ ગયું. એટલે મેં પાછું ઓશીકું માથે દાબ્યું ને 'બાય બાય' કહીને ઝાંપા સુધી જતી રહેલી નીંદરને પાછી બોલાવવાનો પ્રયત્ન કર્યો. એ આવી પણ ખરી ને માંડ 'આંખડી ઘેરાણી' ત્યાં તો

'શિવજી બિહાને ચલે પાલકી સજાય કે... ભભૂતી લગાય કે હાય...' ગાજ્યું ! ભલે  હેમંતકુમારનો મૃદુ સ્વર હતો, પણ સવાર સવારમાં તો એ ય કાનમાં વાગ્યો જ. અને પેલી નીંદર !   'હવે નહિ બોલાવતો હં...' કહીને આજના દિવસ પૂરતી ફાઈનલ એક્ઝિટ કરી ગઈ.

'શિવજી બિહાને ચલે પાલકી સજાય કે...' થોડી વાર રહીને પાછું શરૂ થયું અને ખબર પડી કે આ તો પન્નાના મોબાઈલનો રિંગટોન છે.
ભ્રષ્ટ નેતાઓ જેટલી સરળતાથી અને ઝડપથી પક્ષ અને પાટલી બદલે એટલી સરળતાથી અને ઝડપથી અમારી  પન્ના પોતાના રિંગટોન બદલ્યા કરે છે ! જન્માષ્ટમીને દિવસે આખો દિવસ એના મોબાઈલની આ રિંગ વાગતી રહી : 'ઓ ક્રિષ્ના, યુ આર ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન ઑફ ધિસ વર્લ્ડ. બાંસુરી સે તુને પ્રેમ સંદેશા દિયા હૈ મોહના...'
કૃષ્ણ ભગવાન પરનાં આટઆટલાં સરસ ગીતો છોડીને આવા વાહિયાત ગીત પર પસંદગી  !

બોળચોથને દિવસે તો 'ગાય હમારી મૈયા હે... બૈલજી ઉનકે સૈંયા હૈ...' આવું ભોજપુરી ગીત ક્યાંકથી શોધી લાવી અને આખો દિવસ એટલું વગાડ્યું કે રોટલો ને મગ ગળેથી નીચે જ ના ઊતર્યાં ! નાગપાંચમને દિવસે કુલેર ચોળી ચોળીને કુલેરવાળા હાથે મોબાઈલમાં આંગળી કરતી જાય ને ગીત શોધતી જાય. છેવટે એને નાગપાંચમને એનહાંસ કરનારું ગીત મળ્યું.
'તૂ ક્યા બીન બજાયેગા, મૈં તેરી બજાઉંગી પુંગી
મૈં નાગીન હૂં, બદલા લુંગી... બદલા લુંગી... બદલા લુંગી...!'

મેં એને કહ્યું કે આ કોલર-ટ્યુન અને રિંગટોન વાતે વાતે બદલવાનો શું મતલબ છે? તો મને કહે

'જીસ દિન જીસ કા માતમ હોતા હૈ... (એ માહાત્મ્ય કહેવા માંગે છે) ઉસ દિન ઉસ કા નામ સુમીરન કાન મેં પડે તો ભગવાન કો અચ્છા લગતા હૈ. પુણ્ય કે ખાતે મેં આપ કી ક્રેડિટ બઢતી હૈ બાબુ.'

તો આવી પરાણે પુણ્ય કરાવનારી પન્નાએ મને સવાર સવારમાં એના જુદા જુદા બે મોબાઈલમાં રાખેલા શંકરદાદાનાં બે ફિલ્મી ગીતથી ઉઠાડ્યો. નવરાવી ધોવરાવીને... તૈયાર કરીને ચા-કોફી પીધા વગર અમારા એરિયાના 'મુક્તેશ્ર્વર મહાદેવના મંદિરે' મહાદેવને જળ ચડાવવા એ મને
લઈ ગઈ. 'જલ્દી પહોંચેંગે તો ગીરદી કમ મિલેગી...' એવું એનું લોજિક. નીચે સોસાયટીના પ્રાંગણમાં આવીને છઠ્ઠા માળે રહેતાં સમુદ્રામાસીને છેક નીચેથી સવારના સાડાચાર વાગ્યામાં પન્ના બૂમ પાડવા માંડી:   'સમુદ્રા... મૌ...સી...ઓ સમુદ્રા મૌસી....' મેં એને અટકાવવાની કોશિશ કરી,  'પન્ના, શું સવાર સવારમાં બૂમાબૂમ કરે છે? ઈન્ટરકોમ કર... ફોન કર... આવી રીતે કંઈ બૂમ પાડીને બોલાવાય?'

પન્ના ઉવાચ... 'ટેક્નોલોજી કે જમાને મેં હમ અપની સંસ્કૃતિ ઔર અપની પરંપરા વિસરતે જાતે હૈં બાબુ... હમ પહેલે કે જમાને મેં ઐસે હી અપને દોસ્તો કો બુલાયા કરતે થે ના...?' મેરી કોશિશ હૈ મૈં ઈસ મરતી પરંપરા કો, અપને કલ્ચર કો બચાઉં.' હવે બૂમ પાડીને તમે કોઈને છ્ઠ્ઠા માળેથી નીચે બોલાવો આમાં કયું કલ્ચર આવ્યું એ સમજાય એ પહેલાં તો પન્નાએ  બીજી બૂમ પાડી. 'સરોવર... મૌ સા...જી... ચલો જલ્દી... વરના મંદિર મેં ભીડ બઢ જાયેગી...'

સમુદ્રામાસીની બારી ખૂલે એ પહેલાં તો હર્ષદભાઈ હાથીની બારી ખૂલી, ને અંધારામાં કશું દેખાયું નહિ એટલે એટલી જ જોરથી બૂમ પાડીને બોલ્યા. 'વોચમેન, સોસાયટી મેં સે ભીખારન કો બહાર નિકાલો...!!!'

ત્યાં સમુદ્રામાસી બારીએ ડોકાયાં. 'પન્ના ઊભા રહો... આતી હૂં... તમેરે મૌસા હાજતે ગયે હૈં ઔર મુજે જો ચાંદલા કરને કા હૈ વો ટોઈલેટ કી દીવાલ પે ચોંટાડ્યા હૈ. હમેરે વોહ નિકલેંગે તભી તો ચાંદલા ચોડ પાઉંગી.'

'ઠીક હૈ... આઓ મૌસી.' હમ ઈન્તઝાર કરેંગે તેરા કરામત તક (કયામત) ખુદા કરે કે કરામત હો ઔર તૂ આયે... રોશનસાહેબની આ અદ્ભુત તરજની વાટ લગાડીને પન્ના સોસાયટીની ટાંકી પર બેસી ગઈ. ને મને પણ બેસડવાનો ઈશારો કર્યો. હું બેઠો અને એણે મને ઈશારો કર્યો. 'વક્ત ગંવાતે નહિ હૈ... મૌસી-મૌસા આતે હૈં તબ તક મહાદેવજી કી ધૂન ગાતે હૈ...' હું
કંઈક બોલવા જાઉં એ પહેલા તો એ તાળીઓ પાડતી શરૂ થઈ ગઈ. 'ઓમ નમ: શિવાય... ઓમ નમ: શિવાય... ઓમ નમ: શિવાય... ઓમ નમ: શિવાય...' પાછી મને ઈશારો કર્યો કે તમે પણ સાથે જોડાઓ. હું તો શરમ નો માર્યો ખાલી હોઠ ફફડાવતો  રહ્યો,  પણ  એની આ ધૂનથી આખી સોસાયટીની બારીઓમાં લાઈટ થઈ ગઈ !

ત્યાં તો પેલો ટોઈલેટમાં ચોંટાડેલો ચાંદલો પાછો પોતાના મસ્તિષ્ક પર ચોંટાડીને સમુદ્રામાસી ને સરોવરમાસા આવી ગયા.  જેમ જેમ અમે ચારેય  'ઓમ નમ: શિવાય...' 'ઓમ નમ: સિવાય' ગાતાં ગાતાં પ્રભાત ફેરીની જેમ 'મુક્તેશ્ર્વર મહાદેવ' તરફ પ્રયાણ કરવા લાગ્યા તેમ તેમ  રસ્તામાં આવતી દરેક સોસાયટીની બારીઓની લાઈટ થવા માંડી !

લોકોની ઊંઘ બગાડીને કયું પુણ્ય એકઠું કરવું છે આ બાઈને
એ જ મને તો સમજાતું નહોતું, ત્યાં અચાનક એક બંગલા પાસે સમુદ્રામાસી અટક્યા અને સરોવરમાસાને વાડ ઠેકીને અંદર ઊગેલા બીલીના ઝાડમાંથી એકસો આઠ બીલીપત્ર તોડી આવવાની વરદી આપી ! 'હા-ના હા-ના' કરતા સરોવરમાસા એ આખરે હુકમ ને તાબે થવું જ પડ્યું. પણ વાડ ઠેકવા જતાં ક વિચિત્ર બોદા અવાજ સાથે  'ઓલી પાર' પડ્યા. થોડી જ વારમાં જોરથી બે જુદા જુદા અવાજમાં 'વઉ વઉ વઉ ' ટાઈપનો તીણો... અને 'ભઉ ભઉ ભઉ' ટાઈપનો ઘોઘરો કૂતરાઓનો અવાજ આવવા લાગ્યો , અને અમારા શરીરમાંથી ભય નું લખલખું પસાર થઈ ગયું....આ 'ભઉ ભઉ' અને 'વઉ વઉ' ની વચ્ચે 'ઓ બાપ રે... અરે કોઇ બચાવો ... અરે જવા દો બાપલા...' ટાઈપનો જે ત્રીજો અવાજ હતો એ સરોવરમાસાનો હતો !!!

માંડ બહાર કૂદીને આવેલા સરોવર માસાના વિખરાયેલા વાળ, કોણીએથી નીકળતું લોહી અને પૃષ્ઠ ભાગેથી ફાટેલું પેંટ જોઈને '
દિલસોજી... એંકઝાઈટી... હસવું... ' જેવા મિશ્ર ભાવો મને ઘેરી વળ્યા. પણ માસાના દીદાર પણ પળ વાર પણ ધ્યાન આપ્યા વગર પન્ના અને સમુદ્રામાસીએ એમના હાથમાંથી બીલીપત્રની થેલી ઝૂંટવી લીધી, અને   બીલીપત્ર ગણવા માંડ્યા. થોડી વારમાં જ ગણાઈ રહ્યા એટલે માસી બરાડ્યા,

'અરે આ તો નેવું જ છે.' 'બીજા અઢાર જોઈશે... જાઓ લઈ આવો !!!'ટિપ્પણીઓ નથી: