17.3.18

ઓટોગ્રાફ પ્લીઝ ! (અશોક દવે)



ઓટોગ્રાફ પ્લીઝ !

અશોક દવે




કવિ-લેખકોનો આ પ્રોબ્લેમ છે. બૅન્કમાં ચૅક વટાવવા ગયા હોય ને ત્યાંનો ક્લાર્ક એમની પાસે સહી કરાવે,એમાં કવિ 'ઑટોગ્રાફ' સમજે અને ચૅકની પાછળ મૅસેજ 'બૅસ્ટ વિશીઝ'... લખીને સ્માઇલ સાથે પાછો આપે !!
તારી ભલી થાય ચમના, કઇ કમાણી ઉપર તું એને ઑટોગ્રાફ સમજી બેઠો છું ? પેલો તારી સામે ઊંચું ય જોતો નથી ને તું એને ચાહક સમજીને તારો મોબાઇલ તૈયાર રાખીને ઊભો છે કે, 'હમણાં સૅલ્ફી પડાવવો પડશે... ઓહ, કેટલાને ના પાડીએ ?!!!'

નવેનવા કલાકાર કે સાહિત્યકાર એવા રીહર્સલો રોજ કરે કે, 'ક્યાંક ફંક્શન-બંક્શનમાં ગયા હોઇએ અને વાચકોના ટોળેટોળા આપણને વળગી પડે, ત્યારે હાવભાવ કેવા ગંભીર રાખવા, સૅલ્ફી કેવી રીતે પડાવવી, મૅસેજમાં શું લખવું......આપણી પૅન વાચકના હાથમાં રહી ન જાય, એનો ખ્યાલ કેવી રીતે રાખવો.....ફોટોગ્રાફરો ઉપસ્થિત હોય ત્યારે કઇ બ્રાન્ડના સ્માઇલો આપવા !!!


સૅલિબ્રિટીઓ ઑટોગ્રાફ્સ આપતી વખતે-'ઑટોગ્રાફ્સ આપવા અમને બહુ ગમતા નથી', એવા સ્થિર કચકડાંના મોંઢાં રાખે, એ સ્ટાઈલ અજમાવવાની કોશિશ સાવ નવેનવા સાહિત્યકારે પણ કરી જોઈ હતી-
પહેલી વાર કોઈએ ઓટોગ્રાફ માંગ્યા ત્યારે.

એક સમારંભમાં એક સુંદર યુવતી એનો ઑટોગ્રાફ લેવા આવી. માંગે અને તરત આપી દઇએ તો જરા ચીપ લાગે, એટલે નાનો અમથો 'પો' પાડવા એણે મોંઢું સ્થિર કરીને કહી દીધું,

''સૉરી... હું હસ્તાક્ષર નથી આપતો...!''

પેલી એનીય મા નીકળી.
ડૂંગળીના દડાને બચકું ભરતી હોય એવું કાચેકાચું હસીને જતા જતા બોલી,
''ઓ હીરો... હું ઑટોગ્રાફ લેવા નથી આવી... તમારી પૅન પડી ગઇ'તી, તે પાછી આપવા આવી'તી...!''
એમાં તો યુવતી અને પૅન બન્ને ગયા !!

સાવ નવા કલાકાર કે સાહિત્યકાર પાસે કોઇ ગેરસમજથી ચાહક એનો ઑટોગ્રાફ લેવા ગયો અને નૉટ-પૅન ધર્યા... ભ'ઇને ઑટોગ્રાફ આપવાનો કોઇ અનુભવ ન હોય, એમાં તો હલવઇ જાય અને સામું પૂછે, 
''ક્યાં  સહીઓ કરવાની છે...?'' 

પેલાને સમજણ તો પડી જાય અને ઘડીભર પસ્તાવો પણ થાય (!), પણ સમય સાચવીને એ કહી દે, 
''બસ જી... આપનો ચાહક છું... ઑટોગ્રાફ આપશો ?''
જરા ધૂંધવાઇ જઇને આવડો આ પેલાની સામે દયામય ભાવમુદ્રાથી જોશે, પછી નૉટ-પૅનની સામે જોશે અને ભારે ચીવટથી લખશે,

''મોદી હરિશકુમાર જશવંતલાલ-સોજીત્રાવાળા''.... 

અને મૅસેજમાં લખ્યું હોય, 

'સ.દ. પોતે'!!!


પેલો લેખકશ્રીનો મૅસેજ જોવા મુંડી નીચી કરે એ જ ક્ષણે ઝાટકા સાથે ઊંચી કરી નાંખે.....
''...આ...આઆ...આ શું ? ઓ સૉરી, તો તમે... સાહિર લુધિયાનવીજી નથીઇઇઇ...? ઓહ, મોંઢે શીળીના ચાઠાં જોયા, એટલે મને એમ કે તમે સાહિર સાહેબ છો... સૉરી !''
એટલું કહીને,  ઘટનાસ્થળે પાનું ફાડી, ડૂચો કરી ત્યાં જ નાંખીને જતો રહે !

વર્ષો પહેલા ફિલ્મ 'ક્રાંતિ'ના ગોરેગાંવ પાસે તુલસી-લૅક ખાતે શૂટિંગમાં શશી કપૂરને મળવાનું થયું હતું. મારી સાથે પત્ની હતી. શશી કપૂરની ફ્લૅમબૉયન્ટ સ્ટાઇલ હતી, ખુલ્લા સ્માઇલ સાથે હથેળી મસળતો મસળતો બોલતો આવે, ''હાય... આઈ ઍમ શશી કપૂર...'' એમ કહીને અમારી સામે આંખ મારી હાથ મિલાવ્યા. વાઇફે એનો ઑટોગ્રાફ તો લીધો પણ એ એને યાદ નથી રહ્યો... 'આંખ મારી' એ બખૂબી યાદ રહી ગયું છે. એ પછી તો એ અડધા ગુજરાતને કહી ચૂકી છે કે, 

''સસી કપૂરે મને આંયખ માયરી...!''

 એનો ઘા રૂઝવવા ઘેર આવ્યા પછી મેં એને આજ સુધી બે કરોડ આંખો મારી આપી હશે, પણ એની એને  કિંમત હોય ?


હા. વાઇફ મારા ઑટોગ્રાફ્સ ભૂલ્યા વિના દર પંદર દિવસે માંગે છે, ચૅકબૂકમાં સાઇન કરાવવા !

 





ટિપ્પણીઓ નથી: