25.12.18


ગાંઠ છૂટયાની વેળા!

બ્રેક અપ :

અપાર સંભાવનાઓનો જામ ઢોળાઇ જવાનું પેઈન 

જય વસાવડા

ચલો એક બાર ફિર સે અજનબી બન જાયે હમ દોંનો!


રિચાર્ડ બાક મોટા ગજાના પોએટિક ઇન્સ્પિરેશનલ રાઈટર. ૧૯૮૨માં એમની ચારસો એક પાનાની
સેમી ઓટોબાયોગ્રાફિલ કથા આવેલી. "બ્રિજ એક્રોસ ફોરએવર"  વાર્તામાં નાયક એક લેખક છે, અને એને સોલમેટની જેમ મળેલી રમણી લેસ્લી એકટ્રેસ છે. બેઉ વાતવાતમાં મૈત્રીથી મહોબ્બત સુધીના પડાવ વટાવતા વટાવતા નજીક તો આવે છે. પણ કમિટમેન્ટ ઇસ્યૂઝ છે, કોમ્પિટિબિલિટી કવેશ્ચન્સ છે. જે - તે વખતે સ્ત્રી લાગણી વરસાવે છે, ત્યારે કન્ફ્યુઝડ પુરૂષ એ ઝીલી નથી શક્તો.
સુંદર એટલી જ સમજદાર એવી નાયિકા એક પત્ર લખે છે. લવલેટર નહિ, લીવ-લેટર. રિચાર્ડ બાકની લેસ્લી લખે છે :
''વેસ્ટર્ન સિમ્ફની સંગીતની મૂળભૂત ઓળખ 'સોનાટા' ફોર્મમાં છે. જેમાં પહેલા એક્સપોઝિશન હોય : ધીમે ધીમે ઉપાડ થાય. વાદ્યો, રિધમ સેટ થાય, ધુનની લહેરખીઓનો આરંભ થાય.પછી ડેવલપમેન્ટ સ્ટેજ આવે જેમાં સૂર ઉપર-નીચે થાય, લય જોર પકડે અને ધ્વનિ એકમેકમાં ભળીને ફેલાતો જાય. છેલ્લે રિકેપિચ્યુલેશન આવે. કોમ્પલેક્સ સૂરાવલિઓ એના શિખર પર પહોંચે, એક મેચ્યોર મેમરી મેજીક બની હળવે હળવે શાંત થાય.
મોટા ભાગના સબંધોની શરૂઆત આકર્ષક અને રસપ્રદ હોય છે. સહજ મુલાકાતો થતી હોઈ ડિફેન્સના કવચ કે ગણત્રીની શતરંજ એમાં ઉમેરાતી નથી. નવીન એક્સપ્લોરેશનનો ચાર્મ ફન પેદા કરે છે. એક્સાઈટમેન્ટ પ્લેઝર આપે છે. ફુલો ખીલેલા હોય છે, એટલે કાંટા હોવા છતાં ઢંકાયેલા લાગે છે!
પણ આપણી વચ્ચે સમયની ન પૂરાય એવી ખાઈ વધતી જાય છે. જે અસુખ પેદા કરે છે. કદાચ તું બીજી બાબતો - વ્યક્તિઓને વધુ પ્રાધાન્ય આપે એમાં 'આપણો સમય' લિમિટેડ થતો જાય છે. પ્રામાણિકતા અને હિંમતથી કબૂલવું પડે કે આપણા સંબંધમાં એ ઉષ્મા નથી રહી. (ઉષ્મા ન રહે તો ગરિમા ન રહે. ક્રેઝ એન્ડ રિસ્પેક્ટનું ફિફ્ટી-ફિફ્ટી બેલેન્સ જ લવ પેદા કરે!)
એટલે હું ગમે તેટલું ઈચ્છું, હું આગળ નહિ વધી શકું.  મારે સ્વીકારવું પડે કે 'જૉય ઓફ કેરિંગ' કેવો હોય એ કોમ્યુનિકેટ તને કરવાના મારા પ્રયાસો નિષ્ફળ ગયા. તને એ કાળજી, ખેવના બંધન લાગવા લાગી.
ડિયર રિચાર્ડ, આ બધું તને પ્રેમથી, ધીમા સાદે ભીનાશથી લખું છું. પણ સોફ્ટ ટોનનો અર્થ એવો નથી કે, મારી ભીતર એનો ગુસ્સો નથી. એ ક્રોધ તો છે, હકીકત છે. પણ એટલે એનું રૂપાંતર આક્ષેપો, આરોપો અને ફોલ્ટફાઈન્ડિંગમાં કરવું નથી. હું એટલે આંતરખોજ કરી વધુ સમજણ કેળવવાનો પ્રયત્ન કરું છું.

મને તો ગૌરવ છે કે, આપણે મળ્યા, સાથે સમય વીતાવ્યો. એ એક દુર્લભ અને સરસ તક હતી એનો કમસેકમ મને તો અહેસાસ રહ્યો, અને જ્યારે સાથે હતા ત્યારે શ્રેષ્ઠ અને ઉત્તમ, પ્યોરેસ્ટ એન્ડ હાઇએસ્ટ લાગણીઓ એમાં રાખી.
આજે આ સંબંધનો અંત આવે છે, ત્યારે હું નિખાલસતાથી કહી શકું કે દુ:ખની સાથે આનંદ પણ છે કે તારો મને સ્પેશ્યલ કહેવાય એવો પરિચય થયો. આપણે સાથે જે સમય વીતાવ્યો એને કીમતી ખજાનાની જેમ હું જાળવીશ. મારો ય એ ગાળામાં વિકાસ થયો, કશુંક તારામાં મારે લીધે આવ્યું, તારી સાથે રહી ઘણું માણવા, જાણવા અને શીખવા મળ્યું. એકબીજાના સ્પર્શે  આપણે બેઉ બેહતર ઈન્સાન બન્યા.
મને અત્યારે ચેસની રમત પણ યાદ આવે છે. એ એવી રમત છે, જેમાં રમનારા બે હોય છે. પણ બે ય સતત માત્ર પોતાની બાજી ઉપર જ ફોકસ થઇ વિચારે છે. સામા તરફ એની ચાલનો જવાબ આપવા જેટલું જ ધ્યાન આપે છે! જેમ-જેમ રમત આગળ વધે છે, એમ સામસામો સંઘર્ષ વધે છે. ટૂકડે-ટૂકડે બેઉ પોતપોતાના સૈન્યને ગુમાવે છે, અને છેલ્લે એક ફસાય છે અને બીજા એને પરાજય માટે ક્યાંય હલીચલી ન શકે એમ મજબૂર કરે છે.
મને લાગે છે, તું લાઈફને ચેસ તરીકે નિહાળે છે. હું એને સોનાટા તરીકે જોઉં છું. અને આ તફાવતને લીધે કિંગ એન્ડ ક્વીન હારી ગયા છે, અને ગીત ખામોશ છે!
હું છતાં ય તારી મિત્ર છું, ને મને ખબર છે કે તું ય મારો મિત્ર છે. હું આ ઉંડા, કોમળ પ્રેમથી છલોછલ હૃદયે લખું છું. તને ય ખબર છે, તારા માટે કેટલી ચાહત અને માન છે. પણ એ સાથે જ એક કાયમી દર્દ પણ છે, કે આપણી વચ્ચે ઉજ્જવળ સંભાવનાઓ હતી, જે ખાસ અને સુંદર હતી એ આમ જ અધૂરી રહી, તક રોળાઇ ગઇ!''

કોઈ પણ જૂનો, સારો, ગાઢ સંબંધ તૂટે ત્યારે એના ઉઝરડાઅને ઉહંકારા તો નીકળે છે. બધાને કહી ન શકાય અને ભીતરથી સહી ન શકાય, એવો એક તબક્કો આવે છે રિલેશનનો. એમાં વિદાયની વેદના સાથે ખુદ પરની આશંકાઓના ગિલ્ટ ખતરનાક રીતે ઘેરી વળે છે.
દરેક બ્રેક અપ બાદ એવી લાગણી થાય કે આપણામાં કંઇક ખૂટે છે, અધૂરપ છે કે કશીક એલર્જીકારક નેગેટીવિટી છે, જેને સામી વ્યક્તિ જીરવી નથી શક્તી. પસંદ નથી કરતી. એવરી રિજેકશન લીડ્સ ટુ થોટ્સ ઓફ કરેકશન. અને સ્વભાવ ઝટ બદલતો નથી, એ બાબત વળી પેદા કરે ફ્રસ્ટ્રેશન! આપણી જ પર્સનાલિટીમાં આપણી જ ખુશીને ખતમ કરતું કોઈ વિષ હોય, એ વાસ્તવ સ્વીકારવા માટે ય સ્થિતપ્રજ્ઞાતા જોઇએ, જે કેળવવી સહેલી નથી. આપણે એ સ્વીકારી નથી શકતા કે બે વ્યક્તિ ક્વૉલિટી ઈન્ડિવિજ્યુઅલ્સ હોય એટલે 'ટુગેધર' રહી જ શકે, એવું થિઅરીમાં લાગતું હશે, પ્રેક્ટિકલમાં હોતું નથી.
કોઈપણ ડેપ્થવાળી રિલેશનશિપની મજા એ છે કે, એ આપણામાં કશુંક ઉમેરે છે. આપણી દુનિયા વિશેની સમજ અને અનુભવની શક્તિને વિસ્તારે છે.રેગ્યુલર રૂટિનની બહાર આપણને લઇ જાય છે, નવીન દ્રષ્ટિકોણ કે શોખના ચાર્મ સાથે. ફ્રેશનેસ હોય ત્યારે આ બદલાવ ગમે ય છે. 
એટલે સંબંધની સમાપ્તિ થાય, ત્યારે ફક્ત એક વ્યક્તિ જ જીવનમાંથી ખોવાઈ નથી જતી, આપણી  થોડીક સેલ્ફ પણ એના જવા સાથે ખોવાઈ જતી હોય છે, મૂરઝાઈને મરી જતી હોય છે!
પછી ઘણી વાર સંવેદનશીલ માણસ બીજી વારના સંબંધમાં ય પોતાની ફરતે પેલા રિજેક્શનના પીડાદાયક અનુભવનું રિપિટેશન ટાળવા અદ્રશ્ય દીવાલો ઊભી કરે! પ્રેમ અને ભરોસા જેવા શબ્દો એના માટે પછી અભિનય થઈ જાય, અનુભૂતિ નહિ! ઘણા જીદ્દી થઈ ફિક્સ ફોર્મેટમાં જીવે.....ઘણા સતત ગ્રોથ પામે - નવું શીખીને. અલ્ટીમેટલી, એક જ ઘટના તરફ બધાની રિએક્ટ કરવાની કેપેસિટી જુદી-જુદી હોવાની. કોઈક એવું માને કે, રિજેક્શન તો ઓક્સિજનની જેમ પાર્ટ ઓફ લાઈફ છે.કેટલાક કોચલું વળીને ખુદને કોસવાની સંતાપ-સફર પર નીકળી પડે.

એટલે જ છોડવાનું પણ શાસ્ત્ર હોવું જોઈએ.
વિચ્છેદના પણ વિધિવિધાન હોવા જોઈએ.
ગુડબાયની પણ રૂલબુક હોવી જોઈએ.
એન્ટ્રી જેટલી જ અગત્યની બાબત છે : એક્ઝિટ.
સમયસર ઉભા થવામાં એક કશીશ બચે છે, ધીમી ધીમી સુગંધ વીખેરતી.
તાજેતરમાં  ઈટાલીના  ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સાલ્વિનીની ટીવી હોસ્ટ ગર્લફ્રેન્ડ એલિઝાએ ઈન્સ્ટાગ્રામ પર બ્રેકઅપ એનાઉન્સ કરતી વખતે બેઉની એક સ્માઇલિંગ ઈન્ટીમેટ તસવીર મૂકી  અને સાથે ઈટાલીયન કવિ જીયો ઈવાનની આ પંક્તિઓ લખી :
'ઈટ્સ નૉટ વૉટ વી હેવ ગિવન ઈચ અધર,
બટ વોટ વી કુડ હેવ ગીવન ટુ 
ઈચ અધર ધેટ આઇ વિલ મિસ!'
અર્થાત
'મને એ બાબતો યાદ નહિ આવે કે જે આપણે એકબીજાને આપી,
પણ એની ઓછપ જરૂર આવશે જે આપણે એકબીજાને આપી શકતા હતા!''
બ્રેકઅપમાં પેઇન જેટલું ગમતાના જવાનું હોય છે, એટલું જ પેઇન  હોય છે આ અપાર સંભાવનાઓનો જામ ઢોળાઇ જવાનું પણ.


ફાસ્ટ ફોરવર્ડ

કૂછ યૂં લગતા હૈ, તેરે સાથ હી ગુઝરા વો ભી

હમને જો વક્ત, તેરે સાથ ગુઝારા હી નહીં!

(મખ્મૂર સઈદી)



ટિપ્પણીઓ નથી: