8.8.19

LIVE- જીવનને બરાબર જીવો. (મોહમ્મદ માંકડ)

LIVE.
જીવનને બરાબર જીવો.

મોહમ્મદ માંકડથોર્ન્ટન વાઈલ્ડરના એક નાટક ‘અવર ટાઉન’માં એક યુવાન સ્ત્રી એકાએક મૃત્યુ પામે છે, પરંતુ મૃત્યુ થયા પછી તેને તેના જીવનનો એક દિવસ જીવવાની એક તક ફરી આપવામાં આવે છે. એ યુવાન સ્ત્રી પોતાની વીસમી વર્ષગાંઠનો દિવસ પસંદ કરે છે. એ દિવસ તેને પૂરેપૂરી તીવ્રતાથી જીવી લેવાની, જાણી લેવાની ઝંખના હોય છે. બધું જ જોઈ લેવાની, જાણી લેવાની અને માણી લેવાની ઉત્કટ ઈચ્છા હોય છે.

પરંતુ તેને એ જોઇને અફસોસ છે કે જે ઉત્કટતા એ પોતે અનુભવતી હતી એવી કોઈ ઉત્કટતા તેના કુટુંબીજનો અનુભવતા નહોતા. કુટુંબીજનોમાં એ અંગેની કોઈ સમજણ જ નહોતી. તેના સગાંવહાલાં અને કુટુંબીઓ એમની જિંદગીના દિવસને બેફિકરાઈથી વેડફી રહ્યાં હતાં. એને જિંદગી જીવવાનો એક દિવસ જ મળ્યો હતો એટલે જિંદગી વિશે એને જે અનુભૂતિ થતી હતી એવી અનુભૂતિ બીજાઓને સ્વાભાવિક રીતે થતી જ નહોતી. આખરે વિશાળ ધરતી સામે જોઈને અફસોસથી બોલી ઊઠે છેઃ “ ઓ સુંદર ધરતી, ઓ પૃથ્વી! તું કેટલી અદ્ભુત છે! કેટલી ભરપૂર છે! પરંતુ ત્યાં જીવનાર કયો મનુષ્ય તારા સૌંદર્યને જોઈ શકે છે! આહ! જીવન જીવવું તે કેટલું રહસ્યમય અને ભર્યું ભર્યું છે, પરંતુ માણસને તેની ક્યાં ખબર છે?! અને આ ભરપૂર જિંદગીમાંથી આખરે તે ખાલી હાથે જ વિદાય લે છે.”

આ નાટકથી આપણને અહેસાસ થાય છે કે લાખો-કરોડો માણસો પોતાનું જીવન આમ જ વેડફી રહ્યા છે. એકવીસમી સદીમાં માણસે સમજવા જેવો કોઈ શબ્દ હોય તો તે છે LIVE. જીવનને બરાબર જીવવું, અનુભવવું, તેના પ્રત્યે સજાગ રહેવું અને જીવનનો જે સ્વાભાવિક ક્રમ છે તે પ્રમાણે હરેક પળ કે ક્ષણને જીવવી.

આમ તો આ શબ્દ સામાાન્ય લાગે છે, પરંતુ એકવીસમી સદીમાં આપણે સૌ કદાચ ઘણું ઉતાવળિયું, અધકચરું જીવન જીવી રહ્યા છીએ એ જોતાં એમ લાગે છે કે હવે પછી આ શબ્દ LIVE કદાચ સૌથી ઉપયોગી શબ્દ થઈ પડશે. આજે આપણે એટલા ઉતાવળમાં હોઈએ છીએ કે જિંદગીને જીવવાના બદલે કદાચ ભાગમભાગ જ કરી રહ્યા છીએ. જીવન જીવવું એટલે ખાવું પીવું અને અસ્તિત્વ ટકાવી રાખવું એટલો જ એનો અર્થ નથી, પરંતુ એનો અર્થ ઘણો વિશાળ છે. 
જોન ગાર્ડનરે પણ તેના એક લેખમાં આવો જ પ્રશ્ન કર્યો છે કે એકવીસમી સદીમાં જીવનારને સાચી શિખામણનો એક શબ્દ કહેવાનો હોય તો તમે એ કયો શબ્દ કહેશો?
તેણે અનેક માણસોને, અનેક મિત્રોને, કાર્યક્રમો અને સંમેલનોમાં જુદી જુદી રીતે પૂછીને જુદા-જુદા શબ્દો જાણ્યા પછી અગત્યનો શબ્દ પસંદ કર્યો : 
LIVE.
જીવનને બરાબર જીવો.

પરંતુ આ LIVE એટલે શું?
એક એવી અસ્પષ્ટ રેખા દોરી શકાય કે જેની ઉપર માણસ હોય ત્યારે તેને પોતે જીવંત હોય એમ લાગે છે. એ રેખાની નીચે જયારે એ ડૂબેલો હોય ત્યારે માત્ર શ્વાસના ટેકે નાશવંત શરીરને એ ટકાવી રાખતો  હોવાનું અનુભવે છે.

સ્ટુઅર્ટ ચેઈઝે કેટલીક અવસ્થાઓ બતાવી છે જેમાં માણસને પોતે ‘જીવે છે’નો અનુભવ થાય છે અને બીજી કેટલીક અવસ્થાઓમાં એને ફક્ત  ‘હોય છે’ એવો અનુભવ થાય છે.

જ્યારે તમે કશુંક સર્જનાત્મક કામ કરો છો ત્યારે તમે તમારી જિંદગી જીવો છો. જ્યારે તમે લખો છો, ચિત્રકામ કરો છો, મકાન બનાવો છો અને એ કામને તમે ચાહો છો ત્યારે તમે જીવંત હો છો.

જ્યારે તમે પર્વત સામે ઊભા રહો છો કે પર્વત ઉપર ચડવાનો પ્રયત્ન કરો છો, સમુદ્ર સામે નજર કરો છો અને તારાઓ તમારા હૃદયના ધબકારા સાથે મળી જાય છે, કુદરત સાથે તમે ઓતપ્રોત થઈ જાવ છો ત્યારે તમે જિંદગીને તમારામાં દોડતી અનુભવો છો.

પ્રેમ એ જીવ છે. જ્યારે તમે નિસ્વાર્થ અને નિખાલસ પ્રેમ કરો છો કે નિખાલસ પ્રેમ પામો છો ત્યારે તમે જીવનને પામી શકો છો.

વેદના એ પણ જિંદગીનું રૂપ છે. જ્યારે તમને દુઃખનો ખટકો લાગે છે ત્યારે તમારા લોહીમાં જિંદગી ધબકવા લાગે છે.

જ્યારે તમને કકડીને ભૂખ લાગે છે અને પછી ખાવાનું શરૂ કરો છો અને તરસ લાગ્યા પછી તમારા હોઠને પાણીનો સ્પર્શ થાય છે ત્યારે તમે જિંદગીનો સ્વાદ માણી શકો છો.

દિવસ આખાના કામ પછી જ્યારે તમે ઊંઘમાં પડો છો ત્યારે તમે જિંદગીના ઝરામાં ડૂબકી મારો છો એ તમને નવી તાજગી આપે છે, નવું જીવન આપે છે.

જ્યારે તમે દિલ ખોલીને હસો છો ત્યારે તમારા અણુએ અણુમાં જિંદગી ખીલી ઊઠે છે અને તમે જીવંત હોવાનો અનુભવ કરો છો.

ભૂખ વિના જમવાનું, તરસ વિના પીવાનું આદતના જોરે ઊંઘવાનું માણસના પ્રાણને હરીલે છે.

જ્યારે તમે કામના આનંદને બદલે નિરર્થક વેઠ કરતા હોવાનું અનુભવતા હો, પરાણે દાઢી કરતા હોકે કપડાં બદલતા હો અને એમાં તમને કોઈ રસ ન હોય ત્યારે તમે મૃત થતા જાવ છો.

જ્યારે તમે ક્રોધ કરો છો, ઈર્ષા કરો છો, લોભ કરો છો ત્યારે એક અંધારી ખાઈમાં પ્રવેશ કરો છો અને જીવનથી તમે દૂર ખસતા જાવ છો.

એકની એક વસ્તુઓ, ચહેરાઓ, શહેરો, દીવાલો, શેરીઓ માણસની સંવેદનાને બુઠ્ઠી કરી નાંખે છે અને જીવન સાથેનો એનો સંપર્ક તૂટતો જાય છે.

અનેક ચિત્ર-વિચિત્ર પરિસ્થિતિ માનવીના જીવનમાં આવે છે. વ્યક્તિ કોઈ એક જ સ્થિતિમાં હંમેશાં રહી શક્તી નથી. સંસારી મનુષ્ય હજારો પરિસ્થિતિઓથી ઘેરાયેલો રહે છે, પણ એણે સપાટીથી ઉપર તરતા રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ, એમાં જ જીવંત રહેવાનો એ અનુભવ કરી શકે છે.

મને લાગે છે કે એકવીસમી સદીમાં ઉતાવળિયું અને અધકચરું જીવન જીવતા લોકો માટે સામાન્ય લાગતો શબ્દ ‘LIVE હવે પછી કદાચ સૌથી અગત્યનો શબ્દ થઈ પડશે.

MOHAMMED MANKAD

ટિપ્પણીઓ નથી: