30.3.20

મોહ : પ્રકૃતિનું વશીકરણ (ભાણદેવ)

ઉપનિષદ અમૃત - ભાણદેવ

મોહની ઘટનામાં શારીરિક અને માનસિક, એમ બંને ભૂમિકા પર પ્રક્રિયા થાય છે.
જ્યારે અંધ આવેગનું આક્રમણ થાય ત્યારે શરીરની અંત:સ્ત્રાવી ગ્રંથિઓ એક વિશિષ્ટ પ્રકારનો સ્ત્રાવ છોડે છે. આ સ્ત્રાવ લોહીમાં ભળે છે. લોહીમાં ભળીને તે મગજ સુધી પહોંચે છે. આ સ્ત્રાવમાં એક એવો ગુણધર્મ છે કે જે મગજના વિવેક સંબંધી કેન્દ્રને શિથિલ કરી નાખે છે, અને આવેગના કેન્દ્રને ઉત્તેજિત કરે છે. જેમ દારૂ વિવેકને મંદ અને આવેગને ઉત્તેજિત કરે છે, તેમ આ અંત:સ્ત્રાવી રસ પણ દારૂનું જ કાર્ય કરે છે.

શારીરિક પાસાંની જેમ મોહનું માનસિક પાસું પણ છે. અંધ આવેગો પોતાના તીવ્ર મનોમય વેગ દ્વારા વિવેકને દાબી દે છે આવેગરૂપી આંધીથી વિવેકનો પ્રકાશ ઝાંખો પડી જાય છે. આમ શારીરિક અને મનોમય, બંને ભૂમિકા પર મોહની ઘટના સાથે થાય છે, તેથી મોહનું જોર વધુ પ્રબળ બને છે.

અંધ આવેગનો ભોગ પૂરો થાય એટલે મૂર્છાની શારીરિક માનસિક પ્રક્રિયા બંધ પડે છે. કારણકે તેનું કાર્ય તત્કાલ પૂરતું હોય છે. આમ બને એટલે વ્યક્તિ પુન: વિવેક પ્રાપ્ત કરે છે, પરંતુ ઘણું મોડું થયું હોય છે.

મોહની પ્રક્રિયાનો એક ભાગ એ પણ છે કે વિષયમાં જે ન હોય તેવાં સૌંદર્ય,આનંદ, આકર્ષકતા આદિ તત્ત્વોનું તેમાં કાલ્પનિક આરોપણ કરવામાં આવે છે. આ આરોપિત આકર્ષકતા તત્કાલીન હોય છે, અને વિષયભોગ પછી તુરત ચાલી જાય છે તેથી જ ભોગ્ય વસ્તુ ભોગ પહેલાં જેટલી સુંદર અને આકર્ષક લાગે છે, તેટલી સુંદર અને આકર્ષક તે પછી લાગતી નથી. તેથી જ અંધ આવેગનો દરેક ભોગ નિરાશા જ આપે છે. આ ઘટના પણ મોહ ની પ્રક્રિયાનો જ ભાગ છે.


આમ મોહ ની ઘટના પ્રકૃતિ દ્વારા પ્રયોજાતો એક વશીકરણ કીમિયો છે, પ્રકૃતિની સંમોહન વિદ્યા છે. મોહ માનવને ભોગમાં ધકેલે છે,અને ભોગમાં જકડી રાખે છે.

કામના કેમ કદી તૃપ્ત થતી નથી

કોઇ ઘડામાં તળિયે કાણું હોય, અને ઉપરથી સતત પાણી રેડવામાં આવે તો પણ તે કદી ભરાતો નથી. તેવો કાણો ઘડો સદા ખાલી જ રહે છે, એવું  કામના નું છે કે તે કદી તૃપ્ત થતી નથી. કામનાના સ્વરૂપમાં એવું શું છે કે તે કદી તૃપ્ત થતી નથી?

કામના સર્વદા સુખની કામના હોય છે, દુ:ખની કામના કોઇ સેવતું નથી. કુંતાજીની વાત જુદી છે! આમ કામના એટલે સુખની કામના. સુખની કામનાના સ્વરૂપને સમજવા માટે આપણે સુખનાં સ્વરૂપને સમજવું જોઇએ.

આનંદ એટલે સ્વરૂપનો આનંદ. સ્વરૂપત: આત્મા સચ્ચિદાનંદ છે, તેથી આત્મા સ્વરૂપત: આનંદપૂર્ણ છે. આત્મા વિષયોના ભોગ દ્વારા જે પામે તે આનંદ નથી. આત્મા પોતાના સ્વરૂપમાં અવસ્થિત હોય ત્યારે સ્વરૂપત: જે છે તે આનંદ છે. દુ:ખ એટલે આનંદનો અભાવ. જ્યારે ચિત્તમાં આત્માના આનંદનો અંશ કે પ્રતિબિંબ પહોંચે નહીં ત્યારે ચિત્તમાં એક પ્રકારની વ્યાકુળતા ઊઠે છે. આ વ્યાકુળતા તે જ દુ:ખ છે. આત્માના આનંદના અભાવમાં ચિત્ત જે ખાલીપો અનુભવે છે. તે જ દુ:ખનો અનુભવ છે. સુખ એટલે આત્માના આનંદનું ચિત્તમાં પડેલું પ્રતિબિંબ. જ્યારે વ્યક્તિ અનુકૂળ વિષયનો ઉપભોગ કરે છે, ત્યારે તેનું ચિત્ત તે ભોગમાં તન્મય થઇ જાય છે. આ તન્મયતાને કારણે ચિત્ત ક્ષણવાર વૃત્તિમુક્ત બની જાય છે. વિષયભોગની તન્મયતા ચિત્તને થોડી ક્ષણો માટે વૃત્તિમુક્ત બનાવી દે છે. ચિત્તની વૃત્તિમુક્ત અવસ્થા દરમિયાન ચિત્તમાં પડેલું આત્માના આનંદનું પ્રતિબિંબ તે જ સુખ છે. આમ સુખ પ્રત્યે અને તેથી વિષયોપભોગ પ્રત્યે અપાર આકર્ષણ રહે છે, તેનું કારણ એ છે કે સુખમાં આત્માના આનંદનું પ્રતિબિંબ પડે છે જેનું પ્રતિબિંબ પણ આટલું તીવ્ર આકર્ષક હોય, તે આત્માનંદ કેટલો ઉન્નત, કેટલો પ્રેમાસ્પદ અને મહાન હશે! તૈત્તિરીયોપનિષદની બ્રહ્માનંદવલ્લીના આઠમા અનુવાકમાં આનંદની મીમાંસા કરવામાં આવી છે. ઋષિ કહે છે કે એક સર્વોચ્ચ માનુષ આનંદ કરતાં બ્રહ્માનંદ (આત્માનંદ) ૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ગણો વધુ તીવ્ર આનંદ છે. માનુષ આનંદ એટલે પૃથ્વી પરનું સર્વોચ્ચ સુખ અને બ્રહ્માનંદ એટલે આત્માનો સ્વરૂપગત આનંદ. આમ સુખ એટલે  આત્માનંદનું ક્ષણિક અને આંશિક પ્રતિબિંબ. આનંદ એટલે સ્વરૂપગત આનંદ. દુ:ખ એટલે આનંદનો અભાવ.

સુખ એટલે આનંદનો આભાસ.

સુખની શોધ વસ્તુત: સુખની શોધ નથી, આત્માનંદની શોધ છે. દુ:ખમુક્તિનો પ્રયત્ન પણ વસ્તુત: આત્માનંદની પ્રાપ્તિ માટેની નિષેધાત્મક વ્યાકુળતા છે. દુ:ખમાં પ્રતિકૂળ પરિસ્થિતિમાંથી મુક્ત થઇને આત્માનંદ સુધી પહોંચવાનો પ્રયત્ન છે. સુખમાં વિષયોના ભોગ દ્વારા આત્માનંદ પામવાનો પ્રયત્ન છે. પરંતુ વિષયોના ભોગ દ્વારા આત્માનંદ મળી શકે? પ્રતિબિંબમાં બિંબને શોધવાના, પામવાના પ્રયત્નો સહસ્ત્રવર્ષ સુધી અગણિતવાર કરીએ તો પણ તે મળી શકે? મહારાજ યયાતિએ તેવો પ્રયત્ન કર્યો છે. મહારાજ યયાતિએ જ નહીં, પૃથ્વી પર કરોડો, અબજો મનુષ્યોએ તેવો પ્રયત્ન કરી જોયો છે કોઇનો પ્રયત્ન સફળ થયો નથી. કરોડો માનવો કરોડો વર્ષો સુધી કરોડોવાર પ્રયત્ન કરે તો પણ વિષયના ઉપભોગમાં આત્માનંદને પામી શકાય તેમ નથી. યયાતિ મહારાજ તો એક દૃષ્ટાંતરૂપ છે, પ્રતિનિધિરૂપ છે. આ પૃથ્વી કરોડો યયાતિઓથી ભરેલી છે.  વિષયાનંદનો પ્રારંભ પણ છે, અને તેથી અંત પણ છે. વિષયાનંદ માત્ર ભોગકાળમાં અનુભવાય છે. વિષયાનંદ બ્રહ્માનંદની જેમ શાશ્ર્વત નથી, પણ ક્ષણિક છે.

બ્રહ્માનંદમાં ભોક્તા, ભોગ અને ભોગ્ય-ની ત્રિપુટી નથી. આત્મા કોઇ પણ ભોગસામગ્રી કે ભોગ વિના સ્વરૂપત: જ આનંદપૂર્ણ છે. વિષયાનંદમાં ભોક્તા, ભોગ અને ભોગ્યની ત્રિપુટી હોય જ છે. સ્થૂળ કે સૂક્ષ્મ, કોઇ પણ ભોગ સામગ્રી વિના વિષયાનંદ નિષ્પન્ન થતો જ નથી.
બ્રહ્માનંદ અસલ છે, તે અન્ય કોઇ આનંદનું પરિણામ કે પ્રતિબિંબ નથી. વિષયાનંદ પ્રતિબિંબ છે, આભાસ છે. વિષયાનંદ બ્રહ્માનંદનું પ્રતિબિંબ કે આભાસ છે. બ્રહ્માનંદ એકસ્વરૂપ છે બ્રહ્માનંદના પ્રકારો ન હોઇ શકે વિષયાનંદ અનેકવિધ છે, બહુરૂપી છે ભોગસામગ્રીને અનુરૂપ વિષયાનંદનું સ્વરૂપ હોય છે.બ્રહ્માનંદમાં થોડો, વધુ, ઘટતો, વધતો તેવી કક્ષા હોતી નથી. વિષયાનંદ થોડો, વધુ, ઘટતો કે વધતો હોય છે. વિષયાનંદ સતત સમરૂપ નથી, સતત પરિવર્તનશીલ છે. બ્રહ્માનંદ પૂર્ણ છે, વિષયાનંદ આંશિક છે.બ્રહ્માનંદને પરિણામે બ્રહ્માનંદ જ છે. વિષયાનંદને પરિણામે દુ:ખ આવે છે.બ્રહ્માનંદ સદા સફળ અને સદા કૃતાર્થ જ હોય છે. વિષયાનંદ સદા નિષ્ફળ અને સદા અકૃતાર્થ જ હોય છે, તેથી વિષયાનંદને અંતે નિરાશા જ હાથ લાગે છે. બ્રહ્માનંદ અને વિષયાનંદ સહોદર નથી. બંનેનું સ્વરૂપ જ ભિન્ન છે, પોત જ ભિન્ન છે. બંને વચ્ચે માત્ર પ્રમાણની જ ભિન્નતા નથી, સ્વરૂપની ભિન્નતા પણ છે.સ્વરૂપની સમજ સ્પષ્ટ બને, તે હેતુથી આ તુલના કરી છે, વસ્તુત: બ્રહ્માનંદ અને વિષયાનંદની તુલના જ ન હોય.

ઇચ્છામુક્તિનો માર્ગ

ઇચ્છાઓ-કામનાઓની તૃપ્તિ શક્ય જ નથી, તેથી આપણી પાસે એક જ વિકલ્પ છે- ઇચ્છાઓમાંથી મુક્તિ. તેથી હવે આપણી પાસે પ્રશ્ર્ન છે કે ઇચ્છામુક્તિનો માર્ગ કયો? ઉપાય શું?

મહારાજ યયાતિની અનુભવગાથામાં આ પ્રશ્ર્નનો ઉત્તર છે :- ચિત્તને વિષયોમાંથી પાછું વાળીને પરબ્રહ્મ પરમાત્મામાં જોડવું. પ્રતિબિંબ છોડીને બિંબ તરફ પાછા વળવું, આભાસ છોડીને અસલ તરફ પાછા ફરવું, ભોગ છોડીને ભગવાન તરફ પાછા ફરવું, તે જ ઇચ્છામુક્તિનો એક માત્ર માર્ગ છે. જેને ભોગ દ્વારા કદી તૃપ્ત ન કરી શકાય તે કામનાનો ત્યાગ કરવો તે જ માર્ગ છે, તે જ ઉપાય છે. અને કામનાઓના ત્યાગનો ઉપાય છે. ચિત્ત ને ભોગોમાંથી પાછું વાળીને ભગવાનમાં જોડવું. જેણે અસલી સૂર્યને જોયો તે જળમાં પ્રતિબિંબિત સૂર્ય પ્રત્યે આકર્ષિત થશે નહીં.

કામનાઓના ત્યાગનો ઉપાય ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં બતાવે છે, તે પણ આજ છે :
"જીવ વિષયોના ભોગનો ત્યાગ કરે તો તેના વિષયો ટળી જાય છે, પરંતુ વિષયોમાં રસ રહી જાય છે. પરબ્રહ્મ પરમાત્માના દર્શનથી આ રસ પણ ટળી જાય છે. "
અહીં ભગવાન શ્રી કૃષ્ણ કામનાઓના ત્યાગ માટે બે ઉપાયો દર્શાવે છે

૧. વિષયભોગનો ત્યાગ કરવો, મનોમય ભોગ અર્થાત વિષયચિંતનનો પણ ત્યાગ કરવો. વિષયોના ભોગનો ત્યાગ, તે કામનાઓના ત્યાગનું એક અનિવાર્ય સોપાન છે. વિષયોના ભોગ અને ચિંતન ચાલુ રાખીને વિષયોની કામનાઓનો ત્યાગ કોઇ કરી શકે નહીં.

૨. ચિત્તને પરમાત્મામાં જોડવું. વિષયો અને વિષયોની આત્યંતિક નિવૃત્તિ તો પરમાત્માને પામવાથી જ (પરં દૃષ્ટવા) થાય છે. પરમ રસને પામવાથી જે ક્ષુલ્લક રસો ટળી જાય, હીરાને પામવાથી જેમ કોડીઓ છૂટી જાય તેમ પરમને પામવાથી વિષયોની કામનાઓ પણ ટળી જાય છે.

મહારાજ યયાતિ દીર્ઘ અનુભવને અંતે અને પરિતાપ પૂર્વક કહે છે -

"
વિષયોના ભોગથી નિરાશા અને પરિતાપ સિવાય કંઇ મળતું નથી તેથી, હે મનુના પુત્રો! વિષયોના ભોગથી વિરામ પામો અને સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મામાં તમારા ચિત્તને જોડો."

મહારાજ યયાતિની અનુભવગાથા દ્વારા ભગવાન વ્યાસનો આ સંદેશ છે.

ઉપસંહાર

ભોગ દ્વારા યોગમાં જવાની ભ્રામક વિચારધારા પણ વાતાવરણમમાં વહેતી થઇ છે. ભોગોને ભોગવીને ભોગમાંથી મુક્ત થવાની કલ્પના પણ ઘણાંના મનમાં હોય છે. ભોગમાર્ગને ઉચિત ઠરાવવાની યુક્તિઓ ચાર્વાકથી આજ સુધી અનવરતસ્વરૂપે અપાતી જ રહી છે. વર્તમાનકાળમાં તો ભોગવાદનો પુરસ્કાર કરવાની જાણે દોડ જ શરૂ થઇ છે. આ સમયે ભગવાન વ્યાસનું આ દર્શન અને મહારાજ યયાતિની અનુભવગાથા આપણને સૌને ઉચિત દિશાનિર્દેશ આપે છે.
સત્ય કદી જૂનું થતું નથી. યુગધર્મ બદલાય છે, પરંતુ સનાતન સત્ય કદી બદલાતાં નથી. ભોગની વ્યર્થતા અને યોગની સાર્થકતા, તે યુગધર્મ નથી, પણ સનાતન સત્ય છે.આ જ સત્ય મહારાજ ભર્તુહરિએ વૈરાગ્ય શતકમાં પણ અભિવ્યક્ત કર્યું છે

"
ભોગો ભોગવાયા નથી, અમે જ ભોગવાઇ ગયા છીએ. તપ તપાયું નથી, અમે જ તપ્ત થઇ ગયા છીએ. કાળ પસાર થયો નથી, અમે જ કાળના પ્રવાહમાં પસાર થઇ ગયા છીએ. તૃષ્ણા ર્જીણ થઇ નથી, પણ અમે જ ર્જીણ થઇ ગયા છીએ."

દીર્ઘકાલીન અને અગણિત ભોગોને અંતે શું હાથમાં લાગે છે,તે વિશે મહારાજ યયાતિએ જે કહ્યું છે, તે જ હકીકત મહારાજ ભર્તુહરિ પણ કહી રહ્યા છે.જે બીજાના અનુભવ દ્વારા સમજી શકે, તે ડાહ્યો માનવ છે, જે પોતાના અનુભવ દ્વારા સમજી શકે તે સામાન્ય માનવ છે, પરંતુ જે પોતાના કે અન્યના કોઇના અનુભવ દ્વારા સમજી ન શકે તે મૂર્ખ માનવ છે.


(નવમ સ્કંધ પરિપૂર્ણ) 

1 ટિપ્પણી:

Virendra Parikh કહ્યું...

ગમ્યું .