16.2.10

કુંભકર્ણને ક્લોરોફોર્મ-- મનુ ખોખાણી
અમદાવાદ માં “દાસ” ના ખમણ લેવા જઈએ ત્યારે ત્યાં મનુ ખોખાણી ની સાંપ્રત સમસ્યાઓ પર લખાયેલી સુંદર રચનાઓ જોવા મળે છે. ઘેર જઈને શાંતિથી વાંચવી હોય તો એ કવિતાનું પેમ્ફલેટ પણ તમને આપવા માં આવશે. અહી એ રીતે વાંચવા મળેલી રચના રજૂ કરી છે.


કુંભકર્ણને ક્લોરોફોર્મ
બંધાઇ જાય એ ગંધાઇ જાય એ ન્યાયે
પરિવર્તન આવકાર્ય હોય,
પણ જાતને ભુલાવી દે એવું પરિવર્તન સ્વીકાર્ય ન જ હોય
વીતેલી સદીમાં ટેકનોલોજીએ આવા પરિવર્તનના બારે મેઘ ખાંગા કરી નાંખ્યા છે
રૂપિયાની લાયમાં માનવીના રૂદિયાનો વીંટો વળી ગયો છે
સંસ્કૃતિ અને ખાનદાનીનો ઉલાળીયો થઇ ગયો છે
ચીકન ગુનિયાની માફક
માનવીના સંસ્કારના એક એક સાંધા જકડાઇ ગયા છે
એને સિદ્વિનું સાલિયાણું બાંધી લેવું છે
પ્રાસિદ્વિનો શામિયાણો બાંધી લેવો છે
સિદ્વિવિનાયકના દર્શનમાત્રથી સિદ્વિના સપના સાકાર કરી લેવા છે
માનવીને હવે પદ,પૈસો,પ્રતિષ્ઠા જોઇએ છેઃ
કોઇપણ ભોગે, કોઇપણ રસ્તે..
જાણે કુંભકર્ણને ક્લોરોફોર્મ અપાઇ ગયું છે..
પરિણામ ? ?
મરદાનગી ર્કામામાં આવતી જાયછે
લાગણીને લકવો થઇ ગયો છે
માનવીય સંબંધોને રોજે-રોજ ડાયાલિસીસ પર લઇ જવા પડે છે
સગપણમાં હવે ગળપણ નથી
સંબંધો હવે સુગર-ફ્રી થઇ ગયા છે
 સુપર-પાવર ની હાયવોયમાં માનવી ઉપર-પાવર ને ભુલતો જાય છે
પથ્થર એટલા દેવ માને છે
માનવીને પથ્થર માને છે
આપણે પ્રકૃતિને પ્રેમ નથી કરતા
પ્રકૃતિ જોડે છીનાળવા કરીએ છીએ
ઘણા થોથાં ઉથ્લાવ્યા છતાં માનવી હજુ ગોથાં ખાય છે
પૈસાની હોડમાં માનવી આજે પાસબુક અને પાસપોર્ટથી મપાય છે
પૈસાની આવી ઘેલછા હોય એ ધરતી પર
પાડોશી બોમ્બ ના ફોડે તો શું નાળિયેર ફોડે ????
આજે પણ સીતાના હરણ થાય છે
દ્રોપદીના ચીરહરણ થાય છે
સંતોષીમા ના દેશમાં અસંતોષની આગ ભડકે બળે છે
કલ્પવૃક્ષો સુકાઇ ગયાં છે
કામધેનુઓ વસુકી ગઇ છે
મહંમદ બેગડાને ઝેર ચડતું નહોતું...
આપણને ઉતરતું નથી
માણસ તલવારને પાણી પાય છે
જીભને ઝેર પાય છે
ઠેરઠેર - ઘેર ઘેર મંદોદરીની પીડા અને દશરથની મજબુરી જોવા મળે છે
છતાં..
કમ્પ્યુટરને કંકુનો ચાંલ્લો કરતી પ્રજામાંથી
હજુ ગળગુથીના સંસ્કાર લુપ્ત થયાં નથી
ફીલગુડ હો ના હો 
દિલગુડ બનાવીએ તો પથ્થરમાંથી પીપળો જરૂર ફુટશે
તેથી જ કહીએ છીએ કે ..
વિશ્વ્વ એક બને
માનવી નેક બને
સબ સંપન્ન હો
સબ પ્રસન્ન હો
------- મનુ ખોખાણી

ટિપ્પણીઓ નથી: