18.2.10

 
'દાસ' ના દહીંવાળા સ્વાદિષ્ટ ખમણ સાથે વાંચવા મળેલી શ્રી મનુ ખોકાણી ની અન્ય જોરદાર રચના
બંબાખાનામાં આગ લાગી છે
બારે મેઘ ખાંગા થયા હોય
એવા વિકાસ ની હરણફાળનાં વધામણાં વચ્ચે
અફસોસ એક જ છે
કે
એ વિકાસની આંગળીએ આવ્યે જતી વિકૃતિઓની આપણને ચિંતા રહી નથી.
વિકૃતિઓ ખટકે એવી વિચારસરણી જ કોમામાં આવી ગઈ છે
જાણે બંબાખાનામાં જ આગ લાગી છે
પરિણામે......
સમાજનો એક ભાગ વૈતરા કરે છે
બીજો પેંતરા કરે છે
આલતુ-ફાલતું-પાલતું માણસોથી રાજકારણ ઉભરાય છે
સરહદે આતંકવાદીઓ માટે ઇનકમિંગ ફ્રી છે
બળાત્કારના સાક્ષાત્કાર
અને
આપઘાતના આઘાત
રોજિંદી ઘટના છે
લોભીયા હોય ત્યાં ધુતારાને પોતાના યોગક્ષેમ માટે વીમાની જરૂર નથી રહી
ટેક્સ-ફ્રી ઇન્કમ
અને
સેક્સ-ફ્રી લાઈફની ખેવના છે
સેક્સ અને સેન્સેક્સની બોલબાલા છે
માનવી આજે ભગવાનને માને છે
પણ
ભગવાનનું માનતો નથી
સંપત્તિ આવતા ઘરનો સંપ પતી જાય છે
મોટાભાગનાનાં મગજ તપેલા રહે છે
જો કે તપેલા ખાલી જ હોય છે
વસ્ત્રોનો ઉપયોગ ઘટતો જાય છે
શસ્ત્રોનો ઉપયોગ વધતો જાય છે
માણસ જીભનો છુટ્ટો,
વહેવારમાં જુઠ્ઠો અને
વર્તનમાં બુઠ્ઠો થતો જાય છે
કાયદેસર કરતાં ફાયદેસર કરવામાં જ સૌને રસ છે
બારબાળાઓ પર પ્રતિબંધ
અને
ફેશન ફેરના નગ્નનાચ પર તાળીઓ પડે છે
બાળદિન ઉજવાય છે
દીન બાળ ઠેબા ખાય છે
ખુદને ખરાબ કહેવાની હિંમત નથી,
તેથી સૌ કહે છે જમાનો 'ખરાબ' છે
છતાં
ગાંધીગીરી નો વધતો વ્યાપ જોતા 
લાગે છે કે હજુ જગત જીવવા જેવુંતો છે જ.તેથી એટલુંજ કહીએ કે........
ગાઓ સ્નેહની સરગમ
દુર થઇ જશે સારે ગમ
અને જિંદગીની પળેપળ બની રહશે દિવાળી.

મનુ ખોકાણી

ટિપ્પણીઓ નથી: