19.3.12

ઘડપણ એક સૌગાદ

A gift, called, Old Age

[ આ લખનાર મહિલા છે એ સિવાય અન્ય કોઇ માહિતી  ઉપલબ્ધ નથી ]

મને ખાતરી થઇ છે કે
ઘડપણ એક સૌગાદ છે..

જિંદગીમાં પહેલી વાર એવું લાગે છે કે
હંમેશા જેવી બનવાની ઈચ્છા હતી 
 એવી વ્યક્તિ  હું  હવે  બની છું  !  હા, ક્યારેક મને
મારૂં શરીર , મારી કરચલીઓ , મારી આંખો જોઈને નિરાશા થાય છે. 
મારા આયનામાં રહેતો પેલો  ( બિલકુલ મારા પપ્પા જેવો લાગતો  !)
ઘરડા માણસ  જોઈને મને ઘણી વખત આંચકો લાગે છે ! 
પણ એ અકળામણ લાંબી ચાલતી નથી ...

મારાં અનન્ય મિત્રો , રોમાંચક જિંદગી અને પ્રેમાળ કુટુંબ ની સરખામણીમાં;
ઓછા વ્હાઈટ વાળ કે ફાંદ વગરનું પેટ મને ઓછા આકર્ષક લાગે છે !

ઉમર વધતી ગઈ છે તેમ તેમ ,
હું મારી જાત સાથે વધુ ઉદાર બનતો ગયો છું,
અને હવે બહુ ઓછી વખત એનો ટીકાકાર હોઉં છું.

હવે હું મારો પોતાનો શ્રેષ્ઠ મિત્ર બની ગયો છું.
એક વધારાનું બિસ્કીટ ખાઈ લઉં ત્યારે,
કે મારી પથારી વ્યવસ્થિત તૈયાર ના કરૂં ત્યારે,
કે ઘરની બહાર મુકવા પેલો એકદમ ક્રિએટીવ, સિમેન્ટની બનેલો પોઠીયો લઇ આવું ત્યારે ય (! )
હું મારી જાત પર ગુસ્સે થતો નથી.
ઉજવણીનો મને અધિકાર છે.
અવ્યવસ્થિતતાનો અને વેડફાટ નો પણ .

વ્હાઇટ વાળ સાથે આવતી મોટી આઝાદીને સમજી શકે
એ પહેલાં જ મારાં ઘણાં મિત્રોને મેં આ દુનિયામાંથી અકાળે - અચાનક વિદાય લેતાં જોયા છે.
પરોઢ ના ચાર વાગ્યા સુધી હું કમ્પ્યુટર પર બેઠો રહું
કે કંઈ વાંચતો રહું એમાં કોઈનું કશું લુંટાઈ જવાનું નથી.
હવે પચાસ ના કે સાઠ ના દાયકાની મસ્ત તરજો સાંભળતા સાંભળતા
નાચવાનું મન થશે તો હું નાચી લઈશ...
અને એ સાંભળતા સાંભળતા કોઇ યાદ આવી જશે તો રડી પણ લઈશ.

મારા શરીર પર (ભલે લબડતો હોય એવો) સ્વિમ-સૂટ પહેરીને
હું દરિયા કિનારે ચાલીશ
અને મન થશે તો દરિયાની લહેરોમાં બિન્ધાસ્ત ડૂબકી પણ મારી લઈશ.
ભલેને પોતની જાતને ધનકુબેર માનતા લોકો મારી તરફ દયામણી નજરે જોઈ રહે...
એ લોકો પણ એક દિવસ બૂઢઢા થવાના જ છે !

મને ખબર છે હું થોડો ભૂલકણો થઈ ગયો છું !
પણ આમ જુઓ તો જિંદગી ની ઘણી બાબતો ભૂલી જવામાં જ મઝા છે !
અને યાદ રાખવી જ પડે એવી વાતો હું યાદ રાખું જ છું !

કબૂલ, જિંદગીમાં ઘણી વાર મારૂં દિલ તૂટ્યું છે.
તમારૂં પ્રિયજન ગુમાવી દો ત્યારે,
કોઇ બાળકને પીડાતું જુઓ ત્યારે,
કે પછી કોઈના વ્હાલસોયા શ્વાનને કાર ટક્કર મારી દે
ત્યારે દિલને ધક્કો તો લાગે જ ને ?
પણ હ્રદય પરના આવા આઘાતો જ આપણને શક્તિ , સમજણ અને સહાનુભૂતિ આપે છે.

કદી ઘવાયું ના હોય એવું હ્રદય તો વપરાયા વગરનું, ખામીભરેલું હ્રદય કહેવાય ! 
અપૂર્ણ હોવાનો આનંદ શું છે એ એને કદી ખબર નહિ પડે ...

જિંદગી એટલી લાંબી મળે કે તમે તમારા વાળ સોનેરી થતાં જુઓ તો તમારી જાતને ભાગ્યશાળી માનજો ! 

તમારા યૌવનસભર અટ્ટહાસ્યોને તમારા ચહેરા પરની કરચલીઓમાં હંમેશને માટે અંકિત થવા દેજો. ઉમર વધતી જાય એમ જિંદગી પ્રત્યે વધુ ને વધુ હકારાત્મક થવું સહેલું થઇ પડે છે.
બીજા શું વિચારશે એની ફિકર ઓછી થતી જાય છે...
તમે હવે ક્યારેય તમને પોતાને આરોપીના પીંજરામાં પુરતાં નથી.
 ખોટા હોવાનો પણ તમને અધિકાર મળે છે !

એટલે સાચું કહું તો ઘરડાં થવું મને ગમે છે.
એણે મને મુક્ત કર્યો છે.
એક વ્યક્તિ તરીકે હું મને બહુ પસંદ કરૂં છું !
મને ખબર છે હું અમરપટો લખાવીને આવ્યો નથી.
પણ છું ત્યાં સુધી,
શું થઇ શક્યું હોત કે શું થશે એની ચિંતા કરવામાં મારો સમય જરાય નહીં વેડફું.  

અને હા, જો મન થશે તો દરરોજ આઇસ્ક્રીમ ખાઇશ !

ટિપ્પણીઓ નથી: