13.5.10

family/ કદર
ઘણા વખત પહેલા ઈ-મેઈલમાં આ કવિતા વાંચવા મળી ત્યારે ખુબ જ સ્પર્શી ગઈ હતી. હમણા-હમણાં એનો અનુવાદ કરવા ઈચ્છતો હતો પરંતુ કવિતા મારી પાસે સચવાયેલી ન હતી.. એટલે જયારે એક મિત્રના ઇનબોક્સમા એને જોઈ કે તરત મને ફોરવર્ડ કરી દીધી ! લાગે છે કે કવિતામાં જે વાત કહેવાઈ છે એ મને ખુબ જ લાગુ પડે છે. બહાર હોઈએ ત્યારે સારૂં વર્તન કરવું સહેલું છે, પણ ઘરના સ્વજનોને પણ એ જ માન, આદર અને અટેન્શન આપવા વધારે મહત્વના છે.

F A M I L Y/ કદર

એક અજાણ્યા સાથે સાવ અચાનક હું અથડાઈ ગઈ
તરત મેં કહ્યું , ઓહ સોરી, મારી ભૂલ થઇ ગઈ.

એણે પણ કહ્યું  વાંક મારો હતો,
હું તમારી તરફ બેધ્યાન હતો

અમે બંને આમ વ્યવહારમાં વિનયી રહ્યા
અને ગુડબાય કહી હસી છુટા પડ્યા

પણ ઘરે તમે જોજો સાવ જુદી વાત હોય છે
નાના મોટા સાથે વર્તનની અલગ ભાત હોય છે

સાંજે જયારે હું રસોડામાં મશગુલ હતી  
મને સરત ના રહી કે કોઈ ખુશ્બો આસપાસ તરતી હતી

અચાનક જયારે હું પાછળ વળી ,
ચુપચાપ ઉભેલા દીકરા સાથે  ભટકાઈ પડી 

હવે આઘો ખસ કહી હું છંછેડાઈ ગઈ
એના અણઘડપણાથી અકળાઈ ગઈ

ચાલ્યો ગયો ભગ્ન-હ્રદય થઇ
મને ખબર ના પડી મારાથી કેવી ભૂલ થઇ

રાતે જયારે મેં નિદ્રાધીન થવા ઈચ્છયું     
ઈશ્વરે એમના નાના અવાજમાં મને કહ્યું ,

સાવ અજાણ્યા સાથે તું વિનય વ્યવહાર ચૂકતી નથી
પણ જેમને ચાહે છે સ્વજનોને તો માણસ ગણતી નથી  !

અત્યારે ઉભી થા ને તારા રસોડામાં જો 
ત્યાં દરવાજા પાસે તને મળશે સુવાસિત પુષ્પો

તારા દીકરાએ તારા માટે ચૂંટ્યા'તા ખાસ
ગુલાબ, જુહી, મોગરો ને પારીજાત.

ચુપચાપ એટલે ઉભો'તો કે તને ચમકાવી દે
તે ક્યાં જોયા એના આંસુ જયારે તે કહ્યું આઘો ખસ , જગ્યા કરી દે

આટલું સાંભળતા મને મારી લઘુતા નો એહસાસ થયો
ને મારી આંખોમાંથી અશ્રુનો ધોધ વહ્યો

હું ધીમે થી ઉભી થઇ ને એના પલંગ સુધી પહોંચી
કહ્યું , તારા પુષ્પોની સુગંધ છેક હવે મારા સુધી પહોંચી

દીકરા, મારા માટે તું આટલા બધા ફૂલો લાવ્યો  ?
એની આંખો હસી, હા મા , તારા માટે સ્તો હું બધાં ચૂંટી લાવ્યો
 
મેં ફૂલો જોયાં ને મને થયુંકેવાં સુંદર !
જાણે મા નો ચહેરોવ્હાલનો સમન્દર   !

મેં કહ્યું , દીકરા સાંજે તને નાસીપાસ કર્યો                                                                                  
દીલગીર છું,  મારા વર્તન થી તને ઉદાસ કર્યો 

એણે કહ્યું , ઓહ મોમ ! વાત જવા દે 
હું છુ તારો - એટલું મને કહેવા દે

મેં કહ્યું,  દીકરા હું પણ તને ચાહું છુ
તારા પ્રેમની ખુશ્બોમાં મ્હાલું  છું .     

ટિપ્પણીઓ નથી: