18.10.16

કાજલ ઓઝા - વૈદ્ય : જિંદગીના પાંચ દાયકા પૂરા થાય ત્યારે એક સ્ત્રી શું વિચારે !




પાંચ દાયકાનો પ્રવાસ: ઉછેરનું પંચામૃત
(કથા કોલાજ - કાજલ ઓઝા - વૈદ્ય)

નામ : કાજલ ઓઝા વૈદ્ય
સ્થળ : અમદાવાદ
સમય : ૨૯ સપ્ટેમ્બર, ૨૦૧૬
ઉંમર : ૫૦ વર્ષ

આજે મને પચાસ વર્ષ પૂરાં થાય છે.
જિંદગીના પાંચ દાયકા પૂરા થાય ત્યારે એક સ્ત્રી શું વિચારે...
એવો વિચાર મને આવે છે!


જિંદગીના પાંચ દાયકાનો પ્રવાસ બહુ ઉબડખાબડ રહ્યો. ક્યારેક મોરપીંછની સુંવાળપ હતી તો ક્યારેક બાવળના કાંટા અડવાણા પગમાં પેસી ગયા. લોહી નીકળ્યું ને સુંવાળપનો નશો પણ માણ્યો ! સ્નેહ, તિરસ્કાર, સંબંધો, અધૂરપ, સવાલો, શરમ, સમસ્યાઓ, સમજ, સગવડ, ઈર્ષ્યા, અકળામણ, શ્રદ્ધા, સફળતામાંથી કોઈ રોલર-કોસ્ટરની જેમ પસાર થઈ છું...સેપિયા ફોટોગ્રાફ્સથી શરૂ કરીને ડિજિટલ દુનિયા સુધીનો પ્રવાસ કર્યો છે. બદલાતા સમયને જોયો છે મેં ! સમય સાથે બદલાતા મન, મોસમ અને માણસો પણ જોયા છે. પહેલાં આ જોઈને ભીતર પણ કંઈ બદલાતું, ક્યારેક બદલવાનો સંઘર્ષ કરતી તો ક્યારેક બદલાવ અટકાવવા માટે ઝઝૂમતી. હવે એવું નથી થતું. બદલાવને જોઈ શકું છું, પણ હું નહીં બદલાઉં એવું સમજાયું છે.

...જ્યાં ઊભી છું ત્યાંથી પાછળ ફરીને જોઉં છું તો એક નાનકડી છોકરી દેખાય છે. ઉંમર લગભગ પાંચ વર્ષ. 

પત્રકાર પિતા અને એમ.એ.બી.એડ. થઈને શિક્ષકની નોકરી છોડીને ગૃહિણી બની ગયેલી માની દીકરી...માનો સ્વભાવ ક્રોધી છે. નોકરી છોડ્યાનો અફસોસ એને કોરી ખાય છે. સતત સ્વતંત્ર હોવાના વિચારો સાથે ભણેલી, એ સ્ત્રી - ઈલા નાગરજી નાયક હવે ઈલા દિગંત ઓઝા છે, પરંતુ એની આર્થિક સ્વતંત્રતા ખૂંચવાઈ ગયાનો અભાવ એને એટલો પીડે છે કે એ પોતાનો બધો ગુસ્સો દીકરી પર ઉતારે છે. કદાચ, એવું હોય કે એના મનમાં દીકરાની ઝંખના એટલી તીવ્રતર હતી કે દીકરીના જન્મ પછી બીજા સંતાનને જન્મ નહીં આપવાનો પતિનો નિર્ણય પણ એને માટે ક્રોધનું કારણ બન્યો હોય ! પાંચ વર્ષની છોકરી આ સમજી નથી શક્તી, પણ એને એટલું ચોક્કસ સમજાય છે કે એની મા, એના મામાના દીકરાઓ સાથે જે રીતે વર્તે છે એ રીતે, એટલા સ્નેહથી કે એટલા ઉત્સાહથી પોતાની સાથે વર્તતી નથી...બીજી તરફ એ પાંચ વર્ષની છોકરીના પિતા સ્વમાની, સ્વતંત્ર અને સંનિષ્ઠ પત્રકાર છે. એમની હાજરી ઘરમાં ઓછી હોય છે, પણ જયારે હોય છે ત્યારે એ સપૂર્ણપણે દીકરીના જ હોય છે! ઓછા સમયમાંથી પણ જ્યારે સમય વહેંચાય ત્યારે કદાચ માને દીકરી પ્રત્યે અણગમો થતો હશે ? નાગર પિતા અને અનાવિલ મા, પાંચ વર્ષની એ છોકરીના ઉછેરમાં વિચિત્ર અને મિક્સ સિગ્નલ છે. એક તરફ અપાર સ્નેહ, પારાવાર સ્વતંત્રતા, વાંચનનો આગ્રહ અને દીકરી-દીકરા વચ્ચે તફાવત નહીં હોવાના એ લાડ અને સમજદારીપૂર્ણ ઉછેરની મજા, તો બીજી તરફ ભયાનક ડિસિપ્લિન, વિના કારણ ગુસ્સો, મારપીટ અને ફ્રસ્ટ્રેશનથી ભરપૂર મહેણાં..."સાલા નાગરડાં કહીને મા જ્યારે ફટકારે ત્યારે છોકરીને એવું સમજાતું નહીં કે એને કયા કારણસર માર પડે છે!

પાંચ વર્ષની એ છોકરીને એનાં દાદા-દાદીનો આશરો પણ હતો અને અફેક્શન પણ ખૂબ હતું. સંગીત અને ચિત્રકળામાં રસ ધરાવતા દાદાજી (બાલચંદ્ર નાનુભાઈ ઓઝા)એ બહુ નાની ઉંમરે સંગીત અને ચિત્રનું શિક્ષણ આપ્યું. નાગર હોવાને કારણે કદાચ કલા થોડી ઘણી ડી.એન.એ.માં પણ હશે જ. સાથે જ દાદી (શશીલેખા ઓઝા)એ સંસ્કૃતના શ્ર્લોકો અને રામાયણ, મહાભારતની વાર્તાઓ કહી. ધર્મ અને અધ્યાત્મ જુદા છે એ સમજ દાદાજીએ આપી, બહુ નાની ઉંમરે. દાદીનો કર્મકાંડમાં પ્રચંડ વિશ્ર્વાસ. અમુક સ્તોત્ર વગર નાહવાનું પૂરું ન થાય, અમુક પાઠ વિના જમે નહીં, વર્ષના ત્રણસો પાંસઠ દિવસમાંથી અઢીસો દિવસ ઉપવાસ કરે. મનોબળ અખૂટ. એમને એક્સિડન્ટ થયો અને થાપાનું હાડકું ભાંગી ગયેલું ત્યારે ડૉક્ટર્સે કહેલું કે હવે ઊભાં નહીં થઈ શકે. દાદી ઊભાં થયાં અને અમદાવાદની એચ.એલ. કોમર્સ કૉલેજથી ચાલીને સમર્થેશ્ર્વર મહાદેવ જતાં ! શરીરે દૂબળાં, પાંચ ફૂટ કરતાં ઓછી હાઈટ, રંગે ઘઉંવર્ણા અને નાની ઉંમરે લગ્ન થઈ ગયેલાં પણ એ જમાનામાં અંગ્રેજી મેડમ રાખીને અંગ્રેજી ભણેલાં. ઈંગ્લિશ બોલતી અને ધર્મમાં, કર્મકાંડમાં અંધશ્રદ્ધાની હદે ખૂંપી ગયેલી સ્ત્રીનું આ કોમ્બિનેશન હવે, બહુ રસપ્રદ લાગે છે !

દાદાજી ભાગ્યે જ ઉપવાસ કરે. કલાકો અગાસીમાં બેસીને ગાયત્રી મંત્ર કરે. ખાવાનો સખત શોખ. વરસાદ પડે એટલે એમને ભજિયાં અચૂક યાદ આવે. મારાં દાદા-દાદી મારી માને 'તમે' કહેતા, "નાગરડાં ! 

(
દાદાજી) છ ફૂટથી વધુ હાઈટ, પોપટ જેવું નાક, વેલબિલ્ટ શરીર, ફિટનેસ એટલી કે સિતોતેર વર્ષની ઉંમર સુધી અમદાવાદમાં સાઇકલ પર જ ફરતા. ખાદી પહેરતા. ઓછું બોલતા. મારી મા બેફામ મારે ત્યારે પણ એને કંઈ ન કહેતા, પરંતુ 'હે રામ - હે રામ...' નો જાપ કરતા, મારા દાદાજી જ્યારે આંટા મારતા ત્યારે એમને કેટલી પીડા થતી હશે એ મને પચાસ વર્ષે સમજાય છે. મારી મા મને મારે ત્યારે દાદી ઉપવાસ કરતાં પણ આ બધાની અસર મારી મા ઉપર ભાગ્યે જ થતી. હું બહુ રડું કે ઉશ્કેરાઈને સામી થાઉં ત્યારે દાદાજી કહેતા, "ચાલ, હિંચકે બેસીને કાંઈ ગાઈએ. અથવા કાગળ અને પેન લઈ આવતા, "તને તારી જૂની સ્કૂલ યાદ છે ? તને જેલ બગીચો યાદ છે ? દોરી બતાવ તો... ને હું મારની પીડા, અપમાન કે ગુસ્સો ભૂલીને મારાં પ્રિય ગીતો ગાવા લાગતી અથવા ચિત્રો દોરવા લાગતી. વ્હોટ અ વૅ ઓફ ડાઇવર્ટિંગ નેગેટિવ એનર્જી! 

આમ જોવા જઈએ તો, આ કોકટેઇલ હવે રસપ્રદ લાગે છે. પચાસ વર્ષની ઉંમરે જ્યારે પાછી વળીને જોઉં છું ત્યારે લાગે છે કે આ સૌએ મારા વ્યક્તિત્વમાં થોડું ઘણું કોન્ટ્રિબ્યુટ કર્યું છે. "મોનજી રૂદર મારી માના દાદાજી. બાળ વિધવા દીકરીને આજથી સવાસો વર્ષ પહેલા પુન:લગ્ન કરાવનાર એ મહાન વિભૂતિની ગ્રાન્ડ ડોટરને પુત્રી સામે શો વિરોધ હોઈ શકે એવો સવાલ હવે થાય છે... હવે વિચારું છું ત્યારે સમજાય છે કે અત્યંત વ્યસ્ત રહેતા પતિ, ખૂબ બધા મહેમાનો, છીનવાયેલી આર્થિક સ્વતંત્રતાની સાથે સાથે નિષ્ઠાવાન પત્રકારની પત્ની હોવાને કારણે સતત અનુભવવી પડતી આર્થિક અસલામતી અને પુત્ર સંતાનના અભાવે મારી માને કડવી કરી નાખી હતી. સતત બદલાતાં ઘરો અને ગામ વચ્ચે મને તો સેન્સ ઑફ બિલોન્ગીગ ન જ મળી પણ, એનેય જિંદગી અટવાઈ ગયેલી લાગી હશે. એક નિષ્ઠાવાન, સ્વમાની માણસની મુફલિસી એે પોતેે કદાચ ગર્વ સાથે જીવી નાખે પણ એનો પરિવાર-ખાસ કરીને પત્ની દરેક વખતે એ મુફલિસી માણે જ એવું જરૂરી નથી, એ વાત આજે સમજાય છે. વચ્ચેના એક ગાળામાં એનો વાંક લાગતો હતો મને, હવે જ્યારે એ નથી ત્યારે...હું વાનપ્રસ્થમાં પ્રવેશી રહી છું ત્યારે, કડવાશોને સંઘરવાને બદલે એ છેક સુધી મને ન ચાહી શકી અથવા અમે કોઈ નોર્મલ મા-દીકરીની જેમ ન જીવી શક્યાં એ વિશેનો પાતળો અફસોસ બચ્યો છે, બીજું કઈ નહીં ! 

મારા પિતા - એમને હું 'બાપુ' કહેતી. એમનો ઉછેર એમનાં મામા-મામીએ કરેલો. એમના પિતા, મારા દાદાજીએ આખી જિંદગી કોઈ કમાણી ન કરી એ વિશે મારા પિતાને ઘણી કડવાશ હતી. મારા પિતાના મામા એટલે રવીન્દ્ર મહેતા, બધા એમને 'લહેરી મામા' કહેતા. હતા પણ લહેરી ! બે ભાણાઓને અને બહેન-બનેવીને આખી જિંદગી પોસ્યા, સાથે રાખ્યા. સલામ એ પત્ની (બાલાદેવી)ને કે જેણે કદીયે એ વિશેનો વિરોધ પ્રગટ ન કર્યો. 

બધા કહે છે હું મારી બે ફોઈઓ જેવી છું. સ્વમાની, સ્પષ્ટ અને બુદ્ધિશાળી ! રવીન્દ્ર મહેતાની દીકરીઓ, સગી બહેનો નહીં પણ એક ઘરમાં મોટા થયા એટલે સગાં ભાઈ-બહેન જેવો પ્રેમ. મારાં એક ફોઈ, બિંદી મહેતા, નિરમા યુનિવર્સિટીમાં લેક્ચરર છે. મારાં બીજા ફોઈ રાધા મહેતા, ટ્રાવેલ બિઝનેસમાં છે. એ બંનેના સૌંદર્યની અને ટેસ્ટની બહુ ઊંડી અસર રહી મારા પર. ગ્રેઇસ કોને કહેવાય એની સમજ હું સમજણી થઈ એ પહેલાં આવી ગયેલી...બંને ફોઈઓ એસ્થેટિક છે. સમજદાર પણ. ખૂબ કાળજી કરે ને સમય આવે તતડાવી નાખે. ઓછું, સસ્તું, હલકું કે ખોટું ચલાવે નહીં, ને બીજાને એવું આપે પણ નહીં. એ પણ એમના પિતાને 'બાપુ' કહેતા. આ ઉછેર લહેરી મામાનો હશે!

હું પાંચ વર્ષની હતી ને મારા બાપુ એમના મામા સાથે 'અજિતવિલા' (મુંબઈમાં લેબરનમ રોડ પર)ની અગાશીમાં શરાબ પીતા હતા. મેં પૂછ્યું, 'શું પીઓ છો ?' મારા પિતા જવાબ આપે તે પહેલા લહેરી મામાએ જવાબ આપ્યો, 'દારૂ'. મેં કહ્યું, 'મારે પણ પીવો છે'. લહેરી મામાએ કહ્યું, 'તું અઢાર વર્ષની થાય ત્યારે'. મેં કહ્યું, 'એવું કેમ ?'. એમણે જવાબ આપ્યો, "તું પહેલા ધોરણમાં ભણે છે, તને અત્યારે ચોથાનું ગણિત ભણાવીએ તો આવડે ? તું અત્યારે ટ્રાઇસિકલ ચલાવે છે, સ્કૂટર આપીએ તો ચલાવી શકે ? એમણે હસીને ઉમેર્યું, "જે ઉંમરે જે કામ થાય ને, એ જ ઉંમરે કરાય. લહેરી મામાએ મારા બાપુને આપેલો ઉછેર એમણે મને આપ્યો ને મેં એ જ ઉછેર તથાગતને આપવાનો પ્રયત્ન કર્યો છે. 

પચાસ વર્ષ જિંદગીમાં ઘણું બદલી નાખતાં હોય છે. આપણે માતા-પિતા બની ગયાં હોઈએ છીએ. આપણાં સંતાનો એમની ટીનએજ પૂરી કરી ચૂક્યાં હોય છે. ખોવાનું, મેળવવાનું, પામવાનું, ગુમાવવાનું, સંઘરવાનું અને છોડવાનું, ફરિયાદ, અફસોસ, અભાવ, અસુખ અને અધૂરપ...બધું જ લગભગ પૂરું થવા આવ્યું હોય છે. હસ્તરેખા અને જ્યોતિષીઓમાંથી વિશ્ર્વાસ ઊઠવા લાગ્યો હોય છે. સારપ-સચ્ચાઈ-નિષ્ઠા અને સ્નેહમાં શ્રદ્ધા વધતી જાય છે. મિત્રો, સગાંઓ કરતાં વધુ મહત્ત્વના બનતા જાય છે. સફળતાનો, સંતોષનો, સમજદારીનો એક એક ધોળો વાળ જેમ ફૂટતો જાય તેમ તેમ આપણે પણ શાંત થતા જઈએ છીએ. જેની સાથેના હિસાબ-ક્તિાબ વર્ષોવર્ષ ઉધાર્યા હોય એ એકાઉન્ટ અચાનક જ ક્લોઝ કરવાની વિરક્તિ કોણ જાણે ક્યાંથી, ભીંતમાં ઊગતા પીપળાની જેમ ઊગવા લાગે છે. વ્યક્તિ તરીકે જીવતા હોઈએ એમાંથી માણસ તરીકે જીવવાની ઈચ્છા બળવાન થતી જાય છે.

મને આવું બધું થાય છે...

આજે જ્યારે નિર્ભયતાથી જાહેરમાં જે કહેવું હોય તે કહી શકું છું, જે લખવું હોય તે લખી શકું છું. પુછાયેલા પ્રશ્ર્નોના તદ્દન સહજતાથી જવાબો આપી શકું છું ત્યારે સમજાય છે કે નિષ્ઠાવાન પત્રકાર પિતાના ડી.એન.એ.ની સાથે સાથે મોનજી રૂદર પણ મારામાં વહે તો છે જ. આપણે સ્વીકારીએ કે નહીં પણ આપણાં મૂળ, આપણાં ઓરિજીનને નકારી શક્તા નથી. ઉછેરની કેટલીક બાબતો આપણી અંદર બીજની જેમ રોપાય છે અને સમય સાથે એનું વૃક્ષ બની જાય છે ત્યારે એના ફળ તોડતી વખતે વિચાર આવે કે બાળપણમાં, સ્કૂલમાં, પરિવારમાં આ બીજ જો કોઈએ ન રોપ્યું હોત તો આજે આપણે જે છીએ તે હોત ખરા? 
 
કેટલીક વાર આપણાં ઉછેરને આપણી જિંદગીની ઘણી બધી બાબતો માટે આપણા વડીલોને જવાબદાર ઠેરવીએ છીએ. આપણને લાગે છે કે આપણી સાથે જે કંઈ થયું એમાંની ઘણી બાબતો માટે આપણાં માતા-પિતા, એમણે કરેલા કેટલાક નિર્ણયો કે આપણી જિંદગીમાં એમની ઈન્ફ્લ્યુએન્સને કારણે ઘણી સમસ્યાઓ ઊભી થઈ છે. આ દુનિયાના ઘણાં લોકો પોતાના ઉછેર વિશે ફરિયાદ કરતા જોવા મળે છે, "માતા-પિતાએ આમ ન કર્યું હોત... આવું કહેવું સરળ છે પણ સમજવું જરૂરી એ છે કે એ સમય અને પરિસ્થિતિ અનુસાર દુનિયાના દરેક માતા-પિતા ઉત્તમ જ ઉછેર આપવાનો પ્રયાસ કરે છે. મોટાભાગના માતા-પિતાની સમજ એમના સંતાનના સુખ, સારી કારકિર્દી અને સલામતીની આસપાસ જ ગોઠવાયેલી હોય છે. સંતાન મોટું થાય, સમજણું થાય, હોશિયાર થાય પછી એના માતા-પિતા વિશે જજમેન્ટલ થવાની હોશિયારી પ્રવેશે છે...આપણે બધા આવા, કારણ વગરના જજમેન્ટલ અને હોશિયાર માણસો થઈ ગયા છીએ. 

આજે મારા માતા-પિતા વિશે હું જજમેન્ટલ થાઉં છું, ક્યારેક...મારી મા એ મારા પહેલા લગ્ન તૂટ્યા ત્યારે કહેલું, "અમે એને નહી રાખીએ. મારા કાકા, ભૂષણ ઓઝા મને એમની સાથે અમદાવાદ લઈ આવેલા. મારા માતા-પિતા દિલ્હી રહેતા. હું અમદાવાદ રહી. દૂરદર્શનમાં છુટક કામો કર્યાં, કોઈને આસિસ્ટ કર્યાં, ફ્રીલાન્સના અનેક નાના-મોટા કામો કર્યાં ત્યારે આર્થિક સંકડામણ ભયાનક હતી. નોકરી નહોતી અને આવનારા દિવસો વિશે કોઈ સ્પષ્ટતા પણ નહોતી જ...એ વખતે સેલ્સ ઈન્ડિયામાં નોકરી મળી. ઈલેક્ટ્રોનિક સાધનો વેચવાની સેલ્સ ગર્લની નોકરી ! અંગ્રેજી બોલતી સાંભળીને જ્હોન જીવર્ગિસ સાહેબે પૂછેલું, "ક્યાં ભણી છે ? મારી સ્કૂલ, એ.જી. હાઈસ્કૂલનું નામ સાંભળીને એમને આશ્ર્ચર્ય થયેલું કારણ કે મારું બારમાં ધોરણ સુધીનું શિક્ષણ ગુજરાતી માધ્યમમાં થયું. 

ગુજરાતી મીડિયમમાં ભણાવવાનો મારા પિતાનો આગ્રહ...કોલેજમાં હતી ત્યારે મને લાગતું કે મારા પિતાએ ભૂલ કરી છે. બારમું ધોરણ પાસ કરીને સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં એડમિશન લીધું ત્યારે ઈંગ્લિશ મીડિયમમાં-અંગ્રેજી લિટરેચર સાથે ભણવાનું શરૂ તો કર્યું પણ ટપ્પો પડે તો ને ? મારી સાથે ભણતાં મોટાભાગના એમની સ્કૂલમાં સેક્સપિયર, ટી.એસ. ઈલિયટ, એમેલી બ્રોન્ટે, વર્જિનિયા વુલ્ફ ભણીને આવેલા...મને મેઘાણી, ઉમાશંકર, બક્ષી અને જયંત ખત્રી સમજાય, સાહિર સમજાય, ગાલિબ સમજાય પણ આમાનું કઈ સમજાય નહીં ! એક દિવસ પ્રોફેસર આબિદ શમ્સીએ મળવા બોલાવી. એમણે કહ્યું, "ભાષાથી ભાગીશ તો ભાષા ભૂત થઈને વળગશે. દોસ્તી કર...અંગ્રેજી કોઈ ડરામણી ભાષા નથી. બહુ રસપ્રદ છે. એનો ઈતિહાસ, એનું સાહિત્ય પણ સમજવા જેવું છે. એમણે અંગત રસ લેવા માંડ્યો. કલ્ફેસ્ટના નાટકોથી શરૂ કરીને અંગ્રેજી વાંચન અને બીજી બધી બાબતોમાં એમણે મને ખૂબ હિંમત આપી. ફેશનેબલ કોલેજ અને હું એક મયમવર્ગીય પત્રકારની દીકરી...શરૂઆતમાં જે લઘુતાગ્રંથિ લાગતી હતી એ ધીમે-ધીમે ઓછી થવા લાગી...

ગુજરાતી મીડિયમ વિશે આપણે ત્યાં એક વિચિત્ર પ્રકારની માન્યતા છે, હજી છે ! ગુજરાતી મીડિયમમાં ભણેલું બાળક બહુ પ્રગતિ ન કરી શકે, ઈન્ટરનેશનલ લેવલ ઉપર પાછું ફરે, અંગ્રેજી ન આવડે તો કારકિર્દી જોખમાય, આવી બધી માન્યતાઓ સાથે ઘણાં માતા-પિતા આજે પણ જીવે છે. પચાસ વર્ષે મને એક વાત સમજાય છે કે આજે જે કંઈ છું એનું બહુ મોટું શ્રેય મારે મારા ગુજરાતી માધ્યમને અને મારી પ્રાથમિક શાળાને આપવું પડે !

મારી પ્રાથમિક શાળાનું નામ ચંદુલાલ નાણાવટી ક્ન્યા વિનય મંદિર. નાણાવટી હોસ્પિટલના આગળના ભાગમાં, વિલે પાર્લેમાં આ સ્કૂલ આજે પણ છે, હવે ગુજરાતી મીડિયમ નથી. અમારું પ્રગતિપત્રક-રિપોર્ટકાર્ડ નહતું, રિપોર્ટ રજીસ્ટર હતું. ક્લાસમાં છોકરાંઓ સાથે કંઈ રીતે વર્તે છે. મ્યુઝિક, ગાર્ડનિંગ, સ્પોર્ટ્સમાં રસ લે છે કે નહીં, ત્યાંથી શરૂ કરીને ઘેરથી લાવેલી રોટલી, શાળામાંથી મળતા શાક સાથે પૂરી કરે છે કે નહીં...એટલી ઝીણી વિગતો અમારા પ્રગતિપત્રકમાં વાલી સુધી પહોંચાડવામાં આવતી. આજે મારા વાચકો અને ભાવકો મને જે 'બોલ્ડનેસ' માટે બિરદાવે છે એનો પાયો કદાચ મારી એ શાળામાં નંખાયો. 


આપણાં મોરલ્સ, આપણાં સત્યો અને આપણું ચારિત્ર્ય કોણ ઘડે છે ? માતા-પિતા ? દાદા-દાદી ? શિક્ષક ? બાકીના બધા કરે છે માટે આપણે પણ કરવું, કરી શકાય એવા ઢીલા પડતા જતા મોરલ્સના આ જગતમાં ટટ્ટાર ઊભા રહીને, સત્યની આંખમાં આંખ નાંખીને ડર્યા વગર, આપણી ભૂલો, આપણી નબળાઈઓ, આપણાં ગેરવર્તનો પણ સ્વીકારી શકાય-સ્વીકારવા જોઈએ એવું કોણે શીખવ્યું, એવું હું મારી જાતને પૂછું છું ક્યારેક ! આ સવાલની સાથે જ યાદ આવે છે, મધુરીબેન શાહ. "ચંદુલાલ નાણાવટી
ક્ન્યા વિનય મંદિર (વિલે પાર્લે)ના પ્રિન્સિપાલ. ગોરો નમણો ચહેરો.

દસ વર્ષની એક છોકરી બસમાં ટિકિટ નથી લેતી. એની ઉંમર અને સાઈઝ જોઈને એને કોઈ પૂછતું પણ નથી. પહેલીવાર ભૂલી ગયેલી, ખીસ્સામાંથી નીકળેલા પચાસ પૈસા જ્યારે ચોકલેટ ખાવા માટે ઉપયોગમાં આવ્યા ત્યારે બીજીવાર ચાલાકી સુઝી ને ત્રીજીવાર ગુનો કરતા 'હોશિયાર' હોવાનો ગર્વ થયો. લગભગ દોઢએક મહિના પછી એમણે મને મળવા બોલાવી, "તુ ટિકિટ નથી લેતી એની કંડક્ટરને ખબર નથી પડતી પણ તને તો પડે છે ને ? એમણે હસીને પૂછેલું, "સાચું એટલે નહીં કરવાનું કે બીજા પીઠ થાબડે. સાચુ કરવાથી આપણને સારું લાગે એમણે કહેલું. નમણો, ગોરો ચહેરો અને આંખોનો એ સ્નેહ મારા મનમાં એટલો ઊંડો ઊતરી ગયો કે આજે પણ કઈક ખોટુ કરવા જાઉં તો એ બે આંખો મને પૂછે છે, "સામેનાને ખબર નહીં પડે...પણ તું તો જાણે છે ને ? મધુરીબહેનને આજે પણ જોઉં તો મને લાગે કે એમની આંખોમાંથી વરસતો સ્નેહ અને ચહેરા પરનું સ્મિત મને પૂછે છે, "ખોટું નથી કરતી ને ? પરિસ્થિતિ અને પ્રશ્ર્નો સામે હથિયાર નાંખી તો નથી દેતી ને ? એમને જવાબ આપી શકું એવું જીવવાનો પ્રયત્ન આજ લગી કરી રહી છું, આજીવન કરીશ!

પચાસ વર્ષમાં કેટલું જીવાયું હોય...કેટલું લખી શકાય...પણ આજે જ્યારે પાછી ફરીને જોઉં છું ત્યારે એક વિચાર આવે છે કે જે જીવી ગયા એ જ સત્ય ! મોટાભાગના લોકો એ લખે છે જે જીવવા માગતા હતા, એ નહીં કે જે સાચે જ જીવી ગયા. આજે પાંચ દાયકાના પ્રવાસ પછી વિચારું છું તો સવાલ થાય છે કે જે જીવાયું તે બધું લખાવું જોઈએ ? આપણી સાથે કેટલાય લોકો જીવ્યા હોય છે. એમનો સ્નેહ, એમનો તિરસ્કાર, એમની સમજ-અણસમજ-ગેરસમજ, એમના વર્તન-ગેરવર્તન, શબ્દ અને સ્પર્શ જીવ્યા હોય છે આપણી સાથે. આપણે તો આપણાં જીવનની ક્તિાબ ખોલી શકીએ પણ એના અમુક પાનાઓ પર બીજા લોકોએ પોતાની સહી કરી હોય છે. આ સહી એમણે શ્રદ્ધાથી, વિશ્ર્વાસથી, સ્નેહથી, સમજદારીથી, નિ:સ્વાર્થથી કરી હોય ત્યારે એ બધા હસ્તાક્ષરોને બજારમાં મૂકી દેવાનો અધિકાર હોય છે આપણને ? 

મારા પિતા દિગંત ઓઝા...એક પ્રખર, નીડર, સત્યનિષ્ઠ પત્રકાર હતા. એમણે મને ઘણું શીખવ્યું. શબ્દોથી કે સલાહ આપીને નહીં. ભાષણ આપીને કે ઉપદેશ આપીને નહીં. એમના વર્તનથી-એમના વ્યવહારથી. હું આજે જે કંઈ છું એમાં એમને જોઈને મળેલા કેટલાક બોધપાઠ પણ મારા વ્યક્તિત્વનો હિસ્સો છે જ !

મારી બંને ફોઈ મને 'બહાદુર' કહીને મારી મજાક ઉડાવે ક્યારેક...ક્યારેક મારા મિત્રો મને કહે, "આંખમાં પાણી આવે એ નબળાઈની નિશાની નથી હો ! કોણ જાણે કેમ, હું ફિલ્મ જોતાં રડી શકું, કવિતા વાંચતાં કે વાર્તા-નવલકથાના પાનાં ઉપર કંઈક એવું વાંચુ તો રડવું આવી જાય ...પણ, મુશ્કેલ પરિસ્થિતિમાં, નબળી ક્ષણોમાં, પ્રશ્ર્નમાં, સમસ્યામાં રડી પડવું એ મને મરવા જેવું લાગે છે ! ખાસ કરીને, કોઈની સામે રડવું તો મને એટલું બધું શરમજનક લાગે કે...

મારો પરિવાર, પૈતૃક પરિવાર જરા જુદા પ્રકારનો છે. જે મોટાભાગના લોકો માટે અસ્વાભાવિક કે આશ્ર્ચર્યજનક છે. એ અમારા સૌ માટે સ્વાભાવિક છે...દીકરીના ઉછેરમાં કે એના વ્યક્તિત્વમાં જે બાબતો સમાજમાં આજે પણ આઘાતજનક લાગે એવી બાબતોને અમે સહજતાથી સ્વીકારી છે, ક્યારેક આવકારી છે.

મારા કાકા ઘણી મોટી ઉંમરે પરણ્યા, મારા કાકી મરાઠી છે. મારા એક ફુવા પણ મરાઠી છે. મારા મોટા ફુવા આઈ.સી.આઈ.સી.આઈ. જેવી બેન્કની નોકરી સ્વેચ્છાએ છોડીને ગરીબ બાળકોના શિક્ષણ અને સામાજિક ઉત્થાનનું કામ કરે છે ! મારા ફોઈનો દિકરો પંજાબી અને સાઉથ ઈન્ડિયન માતા-પિતાની દીકરીને પરણ્યો છે, મારા ફોઈની દીકરી ગુજરાતી વૈષ્ણવને પરણી છે...અમે બધા નેશનલ ઈન્ટીગ્રેશનના માણસો છીએ, એમ કહું તો ખોટું નહીં. અમારો પરિવાર ભેગો થાય ત્યારે અમે ઉંમરનો બાધ ભૂલીને 'જલસા' કરીએ છીએ ! મારો મેટરનલ, મા તરફનો પરિવાર હવે વિખરાઈ ગયો છે. બાળપણમાં મોસાળ જતા ત્યારે આંબાવાડીયા અને ચીકુવાડીની સ્મૃતિ હજી અકબંધ છે. હવે, મારા મામાઓ નથી, મા નથી, ભાઈ-બહેનો દેશ-વિદેશમાં વિસ્તર્યા છે. ખાસ મળવાનું થતું નથી...વિસ્તરેલો, વિખરાયેલો અને વહેંચાયેલો પરિવાર હોવા છતાં અમે સૌ ઈમોશનલી કનેક્ટેડ છીએ. મારા પૈતૃક પરિવાર સાથે હું વધારે જોડાયેલી છું...એમની સાથે નિયમિત મળવાનું થાય છે. પચાસમી વર્ષગાંઠે કોઈ પાર્ટી નથી...કોઈ સેલિબ્રેશન નથી...

માત્ર પાછી ફરીને એક નજર નાખું છું ત્યારે દેખાય છે એક એવો ઉછેર જે આજથી પચાસ વર્ષ પહેલા મને મળ્યો, જે આજે પણ ગુજરાતી ઘરોમાં, ગુજરાતી દીકરીઓને મળતો નથી !

મારું સ્વાતંત્ર્ય અકબંધ રહે એવી રીતે મને ભૂલો કરવાનો અધિકાર મળ્યો, એના પરિણામ ભોગવવાની જવાબદારી પણ મને શીખવવામાં આવી...
મારામાં જે કંઈ સારું છે એ મારા માતા-પિતા, શિક્ષકો, મિત્રો અને બીજા ઘણાં લોકોએ ટીપે-ટીપે મારામાં ઉમેરેલું અત્તર છે, મારામાં જે કંઈ ખોટું છે એ મારી નબળાઈઓ, અણઆવડત, ગેરસમજ, રાગ, દ્વેષ, મોહ અને અહંકારનો કચરો છે. બહારની કોઈ વ્યક્તિ આપણી ભીતર કચરો ફેંકી શક્તી નથી, આપણી અંદરની તમામ ખોટી ચીજો આપણે જાતે જ ઊભી કરીએ છીએ. અને એ માટે આપણે જાતે જ જવાબદાર હોઈએ છીએ. આ સત્ય મને પચાસ વર્ષે સમજાઈ રહ્યું છે.

આજે, એ નાનકડી, તોફાની, જબરી અને બહાદુર છોકરી પચાસ વર્ષની થઈ છે. લોકો એને કાજલ ઓઝા વૈદ્યના નામે ઓળખે છે, વાંચે છે, ચાહે છે, આવકારે છે, સ્વીકારે છે ત્યારે હું એ સૌના પ્રદાનને મારા વ્યક્તિત્વમાંથી છૂટું પાડીને જોઈ નથી શક્તી પણ એ સૌનો આભાર માનું છું જેમણે મને આ વ્યક્તિત્વ અને અસ્તિત્વ આપ્યું







ટિપ્પણીઓ નથી: