15.2.09

બાળક બની રહો, વહી શકાય તેટલું વહો

બાળક બની રહો. ગણતરી ન કરો.
સામે જે સ્થિતિ છે તેનો બાળકની જેમ સ્વીકાર કરો.
એમ ન કરી શકો તો ન કરો. પણ મુંઝાવ-ગુંગળાવ નહિ.
ચાલતા રહો.
ચાલતાં-ચાલતાં પડો તો રડો .
રડવામાં નાનમ કેવી?
રડતાં-રડતાં આસપાસ જુઓ.કોઇ ઉભા કરવા ન આવે તો કંઇ નહીં. હાથ ના લંબાવે તો ય શું?

રડવાનું ભુલી જઇને જાતે ઉભા થાઓ અને ફરી ચાલવા માંડો.
આ બધું ભલે સ્થિર દેખાય પણ કશું સ્થિર નથીને શાશ્વત પણ નથી.
બધું... હા બધું જ. આ હું, તમે અને આપણે સૌ અસ્થાયી, અસ્થિર અને ગતીશીલ છીએ.
સઘળું સરતું રહે છે.
આપણે પણ એ સઘળાની સાથે મોજથી ચાલીએ, ગતિશીલ રહીએ, પાછળ ન રહી જઇએ.
પાછળ રહી જનારના મનમાં અસંતોષ અને ઇર્ષા જન્મે છે.
ચાલી ન શકો તો આનંદથી ઉભા રહો.
આજે ઉગેલો સૂર્ય આજે જ આથમી જવાનો છે, પછી એ સુખનો હોય કે દુ:ખનો.
બધું સતત વહી રહ્યું છે, દુ:ખ પણ.
આ ચલ અને અચલ સઘળું વહી રહ્યું છે.કોઇ સ્થલમાં વહે છે તો કોઇ સમયમાં.
તમે પણ મારી માફક વહો છો, પ્રવાહ વચ્ચે અને સાથે.
એક સ્થળે ખોડાઇને ઉભા રહેવાની જીદ શા માટે?
તમે પુછશો- વહેવાની પણ જીદ શા માટે?
વાત સાચી છે : જીદ ન કરો. ખોડાયું તે ઉથલી પડવાનું. તરશે તે તણાશે. તો શું કરવું?
મનને ગમે તે કરો. વહેતા પ્રવાહની સાથે વહી શકાય તેટલું વહો.

[ડૉ. રમેશ ર. દવેની વાર્તા 'ત્યાં જ ઉભી છું આજ લગી' નો રઘુવીર ચૌધરીએ 'વિશેષ'- દિવ્ય ભાસ્કરમાં કરાવેલા આસ્વાદમાંથી]