આ
પુસ્તકમાં જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદાશ્રીએ પાપ - પુણ્યની માન્યતા સબંધી
લંબાણથી ચર્ચા કરી છે. - See more at:
http://www.dadabhagwan.in/spiritual-media/books/gujarati/all/paap/1/#sthash.00sB1flu.dpuf
કોઈ પણ જીવમાત્રને કંઈ પણ ત્રાસ આપવો કે દુઃખ
આપવું એનાથી પાપ બંધાય. કારણ કે આંખે દેખાય એવા કે ના દેખાય એવા, દરેક જીવ
માત્રમાં ભગવાન છે. આ જગતના લોકો, દરેક
જીવમાત્ર એ ભગવાન સ્વરૂપ જ છે. આ ઝાડ છે, એમાંય જીવ
છે. જીવમાત્રને કંઈ પણ નુકસાન દેવું, એનાથી
પાપ બંધાય છે અને કોઈ પણ જીવને કંઈ પણ સુખ આપવું, એનાથી
પુણ્ય બંધાય છે. જો તમારે સુખ જોઈતું
હોય તો આ બીજા જીવોને સુખ આપો અને દુઃખ જોઈતું હોય તો દુઃખ આપો. જે અનુકૂળ આવે તે કરો, આનું
નામ પુણ્ય અને પાપ. સુખ જોઈતું હોય તો સુખ આપો, તેથી
ક્રેડિટ બંધાશે અને દુઃખ જોઈતું હોય તો દુઃખ આપો તો ડેબિટ બંધાશે. એનું ફળ તમારે ચાખવું પડશે.
પાપ-પુણ્યની બાદબાકી થતી નથી. જે વખતે
જેનો ઉદય આવે ત્યારે તે વેઠવું પડે. પુણ્યથી સુખ મળે અને પાપનાં
ફળનો ઉદય આવે ત્યારે કડવું લાગે. ફળ તો બંનેય ચાખવાં જ પડે.
આ જગતને ચલાવનારા કોણ ? પુણ્ય
ને પાપનું પરિણામ. પુણ્ય ને પાપનાં પરિણામથી આ જગત ચાલી રહ્યું છે. કોઈ ભગવાન
ચલાવતા નથી. કોઈ આમાં હાથ ઘાલતો નથી.
પ્રશ્નકર્તા : એક જણને પૈસા અને એક જણને ગરીબી એ કેવી રીતે આવે છે ?
દાદાશ્રી : આપણો આ જન્મ ઈફેક્ટ
હોય છે. ઈફેક્ટ એટલે ગયા અવતારમાં જે કોઝીઝ (કર્મો) છે તેનું આ ફળ છે. એટલે (બહુ) પુણ્યૈ હોય ત્યારે
સંજોગો બધા સારા મળી આવે. બંગલો બાંધવો હોય તો બંગલો બંધાય, મોટર મળે
! અને પાપ (ફળ આપવાના હોય ત્યારે) એ
સંજોગો ખરાબ લાવી અને બંગલો હરાજી કરાવડાવે. એટલે આપણા
જ કર્મનું ફળ છે. એમાં ભગવાનની કંઈ ડખલ છે નહીં ! યુ આર
હોલ એન્ડ સૉલ રિસ્પોન્સિબલ ઓફ યોર લાઈફ! એક લાઈફ નહીં, કેટલીયે
લાઈફ માટે ભગવાનની ડખલ છે નહીં આમાં ! વગર કામના લોકો ભગવાનની પાછળ પડ્યા છે.
આપણને
મકાનની અડચણ હોય ને કોઈ માણસ મદદ કરે અને મકાન આપણને રહેવા આપે, તો
જગતના મનુષ્યોને એની પર રાગ થાય અને જ્યારે એ મકાન લઈ લેવા ફરે તો એની પર
દ્વેષ થાય. આ રાગ-દ્વેષ છે, હવે ખરેખર તો
રાગ-દ્વેષ કરવાની જરૂર નથી, એ નિમિત્ત જ છે. એ આપનારો ને લઈ લેનારો, બન્ને
નિમિત્ત છે. તમારો પુણ્યનો ઉદય હોય ત્યારે એ આપવા માટે ભેગા થાય, પાપનો
ઉદય હોય ત્યારે લેવા માટે ભેગો થાય. એમાં કશો એનો દોષ નથી. તમારા ઉદયનો
આધાર છે. સામાનો કિંચિત્માત્ર દોષ નથી. એ નિમિત્તમાત્ર છે.
કુસંગથી પાપ પેસે !
આ
દુનિયામાં મોટામાં મોટો પુણ્યશાળી કોણ? જેને કુસંગ ના અડે. જેને પાપ કરતાં
બીક લાગે છે, એ મોટું જ્ઞાન કહેવાય !
કુસંગથી
પાપ પેસે અને પછી પાપ કૈડે. કુસંગથી
કૂથલી વધે અને કૂથલીના ડાઘા પડી જાય. આ બધાં દુઃખો
છે તે એનાં જ છે. આપણને
કોઈનુંય બોલવાનો અધિકાર શો છે ? આપણે
આપણું જોવાનું. કોઈ દુઃખી હોય કે સુખી, પણ આપણને એની સાથે શી લેવાદેવા
? આ તો
રાજા હોય તો તેની ય કૂથલી કરે. પોતાને
કશું જ લાગે-વળગે નહીં એવી પારકી વાત !
પ્રશ્નકર્તા
: મનુષ્ય એના સ્વભાવ પ્રમાણે કરતો હોય તો ય એમાં એને પુણ્ય-પાપ લાગે ?
દાદાશ્રી
: સામાને દુઃખ થાય તો પાપ લાગે. એ સ્વભાવ પ્રમાણે કરે છે, પણ એણે
સમજવું જોઈએ કે મારા સ્વભાવથી સામાને દુઃખ થાય છે. એટલે મારે એની
માફી માગી લેવી જોઈએ કે મારો સ્વભાવ વાંકો છે ને તેથી દુઃખ થયું છે તેમને, એટલે
માફી માગું છું.
કેટલાક
કહે છે કે અજાણતાં પાપ થાય તો તેનું ફળ કંઈ ના આવે. ના કેમ આવે ? અજાણતાથી
દેવતા પર હાથ મૂક એટલે ખબર પડશે કે ફળ આવે છે કે નહીં. જાણીને કરેલું પાપ અને
અજાણથી કરેલું પાપ એ બંનેય સરખાં છે. પરંતુ અજાણતા કરેલા
પાપનું ફળ અજાણતામાં અને જાણીને કરેલાં પાપનું ફળ જાણીને ભોગવવું પડે
એટલો ફેર. બસ આ
રીત છે.
કુદરતનો
નિયમ એવો છે કે તમને સમજણ હોય અગર સમજણ ના હોય, તો ય
એની અસર તો થયા વગર રહે નહીં. આ ઝાડને કાપો એટલે તમે આમાં કંઈ પાપ કે પુણ્ય
સમજતા ના હો, પણ તેથી કરીને ઝાડને દુઃખ તો
થયું જ ને ? માટે તમને પાપ લાગ્યું. તમે રેશનમાંથી કંટ્રોલની ચાર કલાક
લાઈનમાં ઊભા રહીને ખાંડની થેલી લઈને જતા હોય અને થેલીમાં કાણું હોય તો એમાંથી
ખાંડ વેરાતી હોય તો નીચે કીડીઓ એ ખાંડને લઈ જાય ને કીડીઓનું
ભલું થઈ જાય. હવે આને તમે દાન કર્યું કહેવાય. ભલે અણસમજણથી, પણ
દાન થાય છે ને ? આપણી જાણમાં નથી, છતાં
દાન થયા કરે છે ને ? અને
કીડીને સુખ પડેને ? એનાથી તમને પુણ્ય બંધાય. તેનું ફળ પણ
અજાણતામાં ભોગવાઈ જાય !
એક માણસ
સાત વર્ષ રાજ કરે છે ને બીજો એક માણસ પણ સાત વર્ષ રાજ કરે છે. પણ
આમાં એક માણસ ત્રણ વર્ષની ઉંમરે ગાદીએ બેસે છે અને દસ
વર્ષની ઉંમરે રાજ જતું રહે છે અને બીજો માણસ વીસ વર્ષની ઉંમરે ગાદીએ બેસે છે
તે સત્તાવીસ વર્ષની ઉંમરે રાજ જતું રહે છે તો કોણે રાજ સાચું ભોગવ્યું કહેવાય ? પહેલાનું છોકરમતમાં જતું રહ્યું. એટલે આ
અણસમજણથી કરેલા પુણ્યનું ફળ. આ દર્શન કરેલાં અણસમજણથી, તો એ
અણસમજણથી ફળ ભોગવે. સમજણથી કરેલાનું ફળ સમજણથી ભોગવે !
જાગ્રત
માઈન્ડથી કરેલાં પાપ જાગૃતિપૂર્વક ભોગવવાં પડે અને અજાગૃતિપૂર્વકનું પાપ
અજાગૃતિપૂર્વક ભોગવવું પડે. નાનપણમાં
ત્રણ વર્ષે મા મરી જાય તો
રડે-કરે નહીં. એને ખબરેય ના હોય. સમજતો જ નથી ત્યાં આગળ શું કરે ? અને
પચ્ચીસ વર્ષનો હોય ને તેની મા મરી જાય તો ? એટલે આ
જાણીને દુઃખ ભોગવે છે ને પેલો અજાણે ભોગવે છે.
પુણ્યથી જ પ્રાપ્ત
પૈસો !
પ્રશ્નકર્તા
: અત્યારે તો પાપી પાસે જ પૈસો છે.
દાદાશ્રી
: પાપી પાસે નથી. પુણ્ય વગર તો રૂપિયો આપણને અડે નહીં.
પણ એ પાપાનુબંધી પુણ્ય છે. પૂર્વના પુણ્યથી આજે સુખ ભોગવે છે, પણ ભયંકર પાપના અનુબંધ
બાંધે (તે) પાપાનુબંધી પુણ્ય છે. આ ભવમાં પુણ્ય ભોગવે છે અને આવતા ભવનું પાપ બાંધી
રહ્યો છે.એ પુણ્ય
જ અધોગતિમાં લઈ જાય છે.પુણ્ય ભોગવતો નથી ને અધોગતિમાં જાય છે. પુણ્યાનુબંધી પુણ્ય હોય, તે
પુણ્ય ભોગવે અને નવું પુણ્ય ઊભું થાય. પાપાનુબંધી પુણ્યની લક્ષ્મી એટલે કઈ ?
એ લક્ષ્મી આવે પછી આ કંઈથી લઈ
લેવું, કોનું લાવવું, અણહક્કનું ભોગવી
લઉં, અણહક્કનું પડાવી લેવું, એ બધા પાશવતાના વિચારો આવે. કોઈને મદદ કરવાનો
વિચાર તો નામે ય ના આવે. અને તે ય ધર્માદા કરેને તે ય નામ કાઢવા માટે, કઈ રીતે
હું નામના લઉં ? બાકી,
કોઈના દિલ ઠારે નહીં. પોતે ભોગવે છે પુણ્ય, છતાં બાંધી રહ્યો છે પાપને. એટલે આપણને એમ
લાગે કે આવાં
પાપનાં ખરાબ કર્મ કરે છે અને
ભોગવટો શી રીતે સુખનો છે ? નહીં, ભોગવે
છે એ તો પુણ્યનું છે, ખોટું નથી. કોઈ દા'ડો પાપનું ફળ સુખનો ભોગવટો ના હોય. આ
તો એની આવતી જિન્દગી ખલાસ કરી રહ્યો છે. અને પછી
કુદરત એને હેલ્પે ય આપે. કારણ કે
કુદરત એને નીચે લઈ જવાની છે, અધોગતિમાં
એટલે એને હેલ્પ આપે. અને નવો ચોર હોય
ને આજે ગજવામાં હાથ ઘાલ્યો હોય, તો એને
પકડાવી દેવડાવે કે ભઈ ના, આમાં
પડી જશે તો નીચે જતો રહેશે. નવા ચોરને પકડાવી દેવડાવે, શાથી ? ઊર્ધ્વગતિમાં
લઈ જવાનો છે અને પેલો રીઢો ચોર છે, એને જવા
દે. નીચલી ગતિમાં જાવ, બહુ માર ખાવ.
કોઈ
શેઠને બંગલો
હોય (પણ) સુખેથી બંગલે ના રહી શકે, આખો દિવસ પૈસાને માટે બહાર હોય. જ્યારે શેઠાણી
મોહબજારમાં સુંદર સાડી પાછળ હોય ને શેઠની દીકરી મોટર લઈને ફરવા નીકળી હોય.
નોકર એકલા ઘેર હોય અને આખો બંગલો ભેલાઈ જાય. લોભ-મોહમાં સમય જાય અને ભોગવી
પણ ના શકે.
એટલે બંગલા છે, મોટરો છે, વાઈફ છે, છોકરાં છે, બધું છે પણ આખો દહાડો હાય, હાય, હાય, હાય, પૈસા ક્યાંથી લાવું ? તે આખો દહાડો નર્યાં પાપ જ બાંધ્યા
કરે.લક્ષ્મી
માણસને મજૂર બનાવે છે.
લક્ષ્મી વધુ પડતી આવી એટલે પછી માણસ મજૂર જેવો થઈ જાય. આખો
દહાડો વૈતરું કર્યા જ કરતો હોય,
એને
બૈરીની ના પડેલી હોય, છોકરાંની ના પડેલી હોય, કોઈનીય ના પડેલી હોય, લક્ષ્મી એકલીની જ પડેલી હોય. એટલે લક્ષ્મી માણસને
ધીમે ધીમે મજૂર બનાવી દે અને પછી તિર્યંચ ગતિમાં લઈ જાય. કારણ કે પાપાનુબંધી પુણ્ય છેને !
મનુષ્યપણું એટલે મોક્ષે
જવાનો ટાઈમ, ત્યારે આ તો ભેળું કરવામાં પડ્યો હોય, એ પાપાનુબંધી પુણ્ય છે. એમાં પાપ જ બંધાયા કરે. એટલે એ રખડાવી મારે
એવું પુણ્ય છે.
બરફના ડુંગર છે પુણ્ય. ચોવીસે
કલાક ઓગળ્યા જ કરે નિરંતર. પણ એને પોતાને ખબર નથી કે આપણું શું થઈ
રહ્યું છે ? દિન-રાત પુણ્યૈ ઓગળ્યા જ કરે છે. આ તો
કરુણા ખાવા જેવા હાલ છે !
પ્રશ્નકર્તા
: દાદા, પણ કેટલીક વાર વ્યવહારમાં એવું બને છે કે (જે)માણસ [ અહંકાર]રાખે
છે, એને એવું મળી આવે છે.
દાદાશ્રી
: મળી આવે પણ બધા પાપ બાંધીને મળી આવે છે. એનો નિયમ
જ એવો છે, બધું તારું ખર્ચીને, તારું
કાઉન્ટર વેઈટ મૂકીને તું આ લે અને આજે હોય નહીં તો ઓવરડ્રાફ્ટ
લે. એ ઓવરડ્રાફ્ટ લઈને પછી મનુષ્યમાંથી
જાનવરમાં જ જાય છે. ઠોકાઠોક કરીને લીધેલું કામનું નહીં, આપણી
પુણ્યૈનું સહજ મળેલું હોવું જોઈએ. મનમાં ચોરીના વિચારો ખસતા નથી, જૂઠ્ઠના
વિચારો, કપટના વિચારો ખસતા નથી, પ્રપંચના
વિચારો ખસતા નથી. પછી શું, નર્યુ પાપ જ બંધાયા કરે ને ? આ તો બધું ના
હોવું જોઈએ, મળી જાય તો પણ !
પુણ્યાનુબંધી
પુણ્ય કોને કહેવાય ? કે જે આજ પુણ્ય હોય છે, મસ્ત
સુખ ભોગવતાં હોઈએ, કોઈ અડચણ પડતી ના હોય અને પછી પાછું
ધર્મનું ને ધર્મનું, આખો
દિવસ કર્યા કરે એ પુણ્યાનુબંધી પુણ્ય. જે
પુણ્યનાં (ઉદય વખતે) સારાં કર્મ કરીએ અને તેમાં સાંસારિક હેતુ ના હોય, સાંસારિક
કોઈ પણ ઈચ્છા ના હોય, તે વખતે જે પુણ્ય
બાંધીએ એ પુણ્યાનુબંધી પુણ્ય. પુણ્ય ભોગવે ને સાથે આત્મકલ્યાણ અર્થે અભ્યાસ, ક્રિયા
કરે. પુણ્ય ભોગવે ને નવું પુણ્ય બાંધે, જેથી અભ્યુદયથી મોક્ષફળ
મળે. વિચાર આવે ધર્મના ને ધર્મના, સત્સંગમાં રહેવાના જ વિચાર આવે. અને જે પુણ્યથી સુખસગવડો બહુ
ના હોય, પણ વિચારો ઊંચા આવે કે કેમ કરીને
કોઈને દુઃખ ના થાય એવું વર્તન કરું, ભલે
પોતાને થોડી અડચણ પડતી હોય, તેનો વાંધો નહીં. પણ કોઈને ઉપાધિમાં
ના મૂકું એ પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય એટલે નવા અનુબંધ પણ પુણ્યનાં
થાય.
સાચી લક્ષ્મી
એટલે સારા વિચાર થાય કે આને કેમ કરીને સુખ થાય, કેમ કરીને
આને જ્ઞાન પ્રાપ્ત થાય, ધર્મના વિચારો આવે એ સારી લક્ષ્મી
કહેવાય. પુણ્યાનુબંધી પુણ્યની લક્ષ્મી કહેવાય.
એ પુણ્યાનુબંધી એટલે પુણ્ય છે અને પાછું નવું પુણ્ય બાંધી રહ્યા છે.
વિચારો બધા સરસ છે.
પ્રશ્નકર્તા
: ક્રોધ-માન-માયા-લોભ કેવી રીતે ઘટે અને પુણ્યાનુબંધી પુણ્ય કેવી રીતે બંધાય ?
દાદાશ્રી
: પુણ્યાનુબંધી પુણ્ય કયું ? દરેક ક્રિયામાં બદલાની ઇચ્છા ના રાખે, સામાને
સુખ આપતી વખતે કોઈ પણ જાતના બદલાની ઇચ્છા ના રાખે, એનું
નામ પુણ્યાનુબંધી પુણ્ય ! પોતાની પાસે આવ્યું હોય તે પારકાને
માટે ભેલાડે એનું નામ જીવતાં આવડ્યું કહેવાય.
પુણ્યશાળી જ ભોગવી જાણે !
પુણ્યાનુબંધી
પુણ્ય કોને કહેવાય કે આખા દિવસમાં અરધો જ કલાક મહેનત
કરવી પડે. એ અરધો કલાક મહેનત કરે અને બધું કામ સરળતાથી ધીમે ધીમે ચાલ્યા
કરે.
આ જગત
તો એવું છે. એમાં ભોગવનારા ય હોય ને મહેનત કરનારા ય હોય, બધું
ભેળસેળ હોય. મહેનત કરનારા એમ જાણે કે આ હું કરું છું. એનો એમનામાં અહંકાર હોય.
જ્યારે ભોગવનારામાં એ અહંકાર ના હોય. ત્યારે આમને ભોક્તાપણાનો રસ મળે.
પેલા મહેનત કરનારાને અહંકારનો ગર્વરસ મળે.
જગતમાં જે ભોગવે
છે એ ડાહ્યો કહેવાય. બહાર નાખી દે એને ગાંડો કહેવાય ને મહેનત કર્યા કરે એ
તો મજૂર કહેવાય.
પુણ્ય
એવાં બાંધેલાં કે અજ્ઞાન તપ કરેલાં,
તેનું પુણ્ય બંધાયેલું. તેનું
ફળ આવ્યું, તેમાં લક્ષ્મી આવી. આ લક્ષ્મી
માણસને ગાંડો-ઘેલો બનાવી દે. આને સુખ જ કહેવાય કેમ ? સુખ
તો પૈસાનો વિચાર ના આવે, તેનું
નામ સુખ. જે પૈસા ખોટે રસ્તે ભેગા થયા છે તે પોતાની પાસે રહે
નહીં. આજે તો સાચું નાણું જ - સાચી મહેનતનું જ નાણું રહેતું નથી
તો ખોટું નાણું શી રીતે રહે ? એટલે પુણ્યનું
નાણું જોઈશે, જેમાં અપ્રમાણિકતા ના હોય. દાનત ચોખ્ખી હોય એવું નાણું
હોય તે સુખ આપશે. નહીં તો અત્યારે દુષમકાળનું નાણું એ ય પુણ્યનું જ કહેવાય
છે પણ પાપાનુબંધીનું પુણ્યનું, તે નર્યાં પાપ જ બંધાવે. એના કરતાં એ લક્ષ્મીજીને
કહીએ કે, 'તું આવીશ જ નહીં, એટલેથી
જ છેટી રહેજે. એમાં અમારી શોભા સારી છે ને તારી ય શોભા વધશે.'
પ્રશ્નકર્તા
: આજનો ટાઈમ એવો છે કે માણસ પોતાના બે છેડા પૂરા કરી શકતો
નથી. એ પૂરા કરવા એને સાચું-ખોટું કરવું
પડતું હોય, તો એ
કરી શકાય ?
દાદાશ્રી
: એ તો એવું છેને, કે દેવું કરીને ઘી પીધા જેવું છે. એના જેવો એ
વેપાર છે. આ
ખોટા કરેલાથી તો અત્યારે
ખૂટે
છે. પાપ (કરેલા) છે તેથી આજે ખૂટે છે. (ખૂટે છે) છતાં હવે જો સારા વિચાર આવતા હોય, તો આજે પાપ છે, છતાંય એ પુણ્ય બાંધી રહ્યો છે. પણ પાપ હોય ને
ફરી પાપ બાંધીએ એવું ના થવું જોઈએ.
આ
મનુષ્યદેહ ઉપાધિથી મુક્ત થવા માટેનો છે. ખાલી પૈસા કમાવા માટે
નથી. પૈસા કમાવા એ બુધ્ધિના ખેલ નથી કે મહેનતનું
ફળ નથી. એ તો તમે પૂર્વે પુણ્ય કરેલું છે, તેના ફળરૂપે તમને મળે છે
અને ખોટ એ પાપ કરેલું, તેના ફળરૂપે છે. પુણ્યને અને
પાપને આધીન લક્ષ્મી છે.
એટલે લક્ષ્મી જો જોઈતી હોય તો આપણે પુણ્ય-પાપનું ધ્યાન રાખવું જોઈએ.
(ઘણાં) અક્કલથી કમાતા દેખાય
છે. પણ એ અક્કલ ખરા વખતે પુણ્યૈને લઈને પ્રકાશ મારે છે. આ પુણ્યૈ ક્યાંથી આવી ? ભગવાનને
સમજીને ભજયા તેથી ? ના, ના સમજીને (સમજ્યા વગર) ભજયા તેથી. કોઈની
ઉપર ઉપકાર કર્યા, કોઈનું ભલું કર્યું, એ બધાથી
પુણ્યૈ બંધાઈ.
શ્રીમંતાઈ
શું કર્યું હોય તો આવે? કેટલી બધી લોકોને માટે હેલ્પ કરી હોય
ત્યારે લક્ષ્મી આપણે ત્યાં આવે! નહીં તો લક્ષ્મી આવે નહીં. લક્ષ્મી તો
આપવાની ઇચ્છાવાળાને ત્યાં જ આવે. જે ઘસાઈ
છૂટે છે, છેતરાય, નોબિલિટી
વાપરે, એને લક્ષ્મી આવે.
લક્ષ્મીજી
તો પુણ્યશાળી પાછળ જ ફર્યા કરે છે 'તું જો પુણ્યશાળી છો તો તરફડિયાં શું કરવા
મારે છે ? અને તું પુણ્યશાળી નથી તો પણ
તરફડિયાં શું કરવા મારે છે ?'
ખૂબ
મહેનત કરે અને ઓછામાં ઓછું મળે, એ બહુ જ થોડુંક
અમથું પુણ્ય કહેવાય. પછી શારીરિક મહેનત બહુ ના કરવી પડે અને વાણીની મહેનત
કરવી પડે, વકીલોની પેઠે, એ થોડી
વધારે પુણ્યૈ કહેવાય. વાણીની યે માથાકૂટ કરવી ના પડે, શરીરની
માથાકૂટ ના કરવી પડે, પણ માનસિક માથાકૂટથી કમાય એ વધારે
પુણ્યશાળી કહેવાય અને એનાથી યે આગળ કયું ?
સંકલ્પ કરતાંની સાથે જ તૈયાર
થઈ જાય. સંકલ્પ કર્યો એ મહેનત. સંકલ્પ કર્યો કે બે બંગલા એક ગોડાઉન - એવો સંકલ્પ કર્યો કે તૈયાર
થઈ જાય એ મહાન પુણ્યશાળી. સંકલ્પ કરે એ મહેનત, બસ.
સંકલ્પ કરવો પડે. સંકલ્પ વગર ના થાય. થોડીકેય મહેનત કંઈક જોઈએ.
એટલે આ
જગતમાં વધુમાં વધુ પુણ્યશાળી કોણ ?
જેને સહેજ વિચાર આવે, તે
નક્કી કરે ને વરસો ને વરસો સુધી વગર ઈચ્છાએ વગર
મહેનતે મળ્યા જ કરે તે. બીજા નંબરમાં ઈચ્છા થાય ને ફરી ફરી નક્કી કરે ને
સાંજે સહજ રીતે મળે તે. ત્રીજા નંબરનાને ઈચ્છા થાય ને પ્રયત્ન કરેને પ્રાપ્ત
થાય. ચોથા નંબરનાને ઈચ્છા થાય ને ભયંકર પ્રયત્ને પ્રાપ્ત થાય. પાંચમાને
ઈચ્છા થાય ને ભયંકર પ્રયત્ને પણ પ્રાપ્ત ના થાય.
રહસ્ય, બુધ્ધિના આશય તણાં...
દરેક
માણસને પોતાના ઘરમાં આનંદ આવે. ઝૂંપડાવાળાને બંગલામાં આનંદ ના આવે અને
બંગલાવાળાને ઝૂંપડામાં આનંદ ના આવે. એનું કારણ એની બુધ્ધિનો આશય. જે જેવું
બુધ્ધિના આશયમાં ભરી લાવ્યો હોય તેવું જ તેને મળે. (જેણે) જે ભોગવવાની
ઇચ્છા કરી હોય એવું બધું એને મળી આવે. માન્યામાં ના આવે એવું બધું પણ એને મળી
જાય. કારણ કે એના બુધ્ધિના આશયમાં હતું અને પુણ્ય ભેગું થાય (થયેલું હોય)
તો કોઈ એને પકડી ય ના શકે, ગમે
તેટલા ચોકીપહેરા કરો તોય ! બુધ્ધિના આશયમાં લક્ષ્મી પ્રાપ્ત કરવી છે એમ ભરી લાવ્યો (હોય) તે
એનું પુણ્ય વપરાય તો લક્ષ્મીના ઢગલે ઢગલા
થાય. બીજો બુધ્ધિના આશયમાં લક્ષ્મી પ્રાપ્ત કરવી એવું લઈને તો આવ્યો પણ
એમાં પુણ્ય કામ લાગવાને બદલે પાપફળ સામું આવ્યું તે લક્ષ્મીજી મોઢું જ ના
દેખાડે.
પુણ્યના
ચાર્જમાં જેની ઈચ્છા હોય, કે મને લક્ષ્મીની બહુ જરૂર છે, એને
લક્ષ્મી મળે. કોઈ કહેશે, મારે તો ફક્ત
ધર્મ જ જોઈએ. તો ધર્મ એકલો મળી જાય અને પૈસા ના ય હોય. એટલે એ પુણ્યનું
પાછું આપણે ટેન્ડર ભરેલું હોય કે આવું મારે જોઈએ છે, એ મળવામાં પુણ્ય
વપરાય.
કોઈ
કહેશે, 'મારે બંગલા જોઈએ, મોટરો જોઈએ, આમ જોઈએ, તેમ
જોઈએ.' તો પુણ્ય એમાં વપરાઈ જાય. તો ધર્મમાં કશું ના રહે.
અને કોઈ કહેશે, મારે ધર્મ જ જોઈએ. મોટરો ના જોઈએ. મારે
તો આવડી બે રૂમો હશે તો ય ચાલશે પણ ધર્મ જ વધારે
જોઈએ. તો એને ધર્મ વધારે હોય ને બીજું ઓછું હોય.
ધર્મ
માટે જ બુધ્ધિનો આશય બાંધવા જેવો છે. આ જડ વસ્તુઓ મોટર, બંગલા, રેડિયો
એ માટે બુધ્ધિનો આશય બાંધવા જેવો નથી. ધર્મ માટે જ - આત્મધર્મ માટે જ બુધ્ધિનો
આશય રાખો. અત્યારે તમને જે પ્રાપ્ત છે તે ભલે હો,
પણ હવે તો માત્ર આશય
ફેરવીને સંપૂર્ણ સો ટકા ધર્મ માટે જાખો.
આ
પુણ્યૈ જાગી છે તે ખાવા-પીવાનું ઘેર બેઠાં મળે છે એટલે આ
બધું ટી.વી. જોવાનું છે, નહીં તો ખાવા-પીવાનું
ઠેકાણું ના હોય તો આખો દહાડો મહેનત કરવા જાય કે ટી.વી જુએ ? પુણ્યનો સદ્ઉપયોગ તો એવો કરવો જોઈએ કે (જે) ટાઈમ
છે તે આત્મા માટે કાઢવો જોઈએ.
બે
નંબરી નાણાનું દાન...
પ્રશ્નકર્તા
: ધર્મમાં બે નંબરનો પૈસો વપરાય તો એમાંથી લોકોને પુણ્ય ઉપાર્જન થાય ખરું ?
દાદાશ્રી
: ચોક્કસ થાયને ! એને ત્યાગ કર્યોને એટલો ! પોતાની પાસે
આવેલાનો ત્યાગ કર્યોને ! પણ એમાં હેતુ પ્રમાણે પછી એ
પુણ્ય એવું થઈ જાય! આ પૈસા આપ્યા તે એક જ વસ્તુ જોવાતી નથી.
પૈસાનો ત્યાગ કર્યો એ નિર્વિવાદ. બાકી પૈસા ક્યાંથી આવ્યા, હેતુ શો, આ બધું
પ્લસ-માઈનસ થતાં જે બાકી રહેશે એ એનું.
જેમની
પાસે લક્ષ્મી વધુ છે,
પણ જોડેજોડે દાનેશ્વરી છે એ સારું છે. નહીં તો મજૂર જ કહેવાયને
!
દર્દમાં
પુણ્ય-પાપનો રોલ...
પ્રશ્નકર્તા
: મનુષ્યને રોગ થાય છે, તેનું શું કારણ ?
દાદાશ્રી
: તે પોતે ગુના કરેલા બધા, પાપ કરેલાં, તેના આ
રોગ થાય. એ દવા લો છો તે ય વ્યવસ્થિત (અગાઉથી નિર્ધારિત) હોય તો જ લેવાય, નહીં તો
લેવાય નહીં. આપણને ભેગી જ ના થાય.
પ્રશ્નકર્તા
: પતિ-પત્ની બન્ને લગભગ આખો વખત સાથે ને સાથે હોય છે, એમનો
વ્યવહાર કે એમનાં બન્નેનાં કર્મો પણ જોઈન્ટ બંધાય છે, તો
એનાં ફળ એમને કેવી રીતે ભોગવવાનાં હોય છે ?
દાદાશ્રી
:બધા જીવમાત્ર પોતાના પુણ્યનું જ ખાય છે. સહુ સહુના પોતાના
પુણ્યનું જ બધું ભોગવે છે. કોઈને કશું લેવા-દેવા ય નથી. એક કિંચિત્
વાળ પૂરતી ય ભાંજગડ નથી.તમે કરનાર કહેવાઓ અને સ્ત્રી વાંધો ના ઉઠાવે એ કર્તા
પ્રત્યે અનુમોદનાર. આ બધાને પુણ્ય મળે. પણ
કરનારને ભાગે પચાસ ટકા અને પચાસ ટકા કરાવનાર અને અનુમોદનાર એ બે જણમાં
વહેંચાઈ જાય.ઘરના
માણસો તો ધણીને કહે છે કે તમે આ બધું
ઊંધા-છતાં કરીને પૈસા લાવો (છો) તે અમારે જોઈતું નથી આવું એટલે અનુમોદના ના કરી
એટલે એનાથી મુક્ત થઈ ગયા. અને 'આવું કરજે' કહે (એ)
ભાગીદાર થઈ ગયો.
અહીં જે
જે ગુના કર્યા તેની કલમો સાથે આવશે. એ ગુનાની કમાણી અહીં જ
રહેશે અને પછી કેસ ચાલશે. કલમોના હિસાબે નવો દેહ પ્રાપ્ત કરી ફરીથી
નવેસરથી કમાણી કરીને દેવું ચૂકવવું પડશે !
સત્કાર્યો
કરે તો પુણ્યૈ બંધાય. એ ક્રેડિટ થાય, તો
મનુષ્યમાં સારે ઘેર અવતાર મળે. રાજા થાય કે વડો પ્રધાન થાય
અગર એથી ય વધારે સત્કાર્યો કર્યાં હોય તો દેવગતિમાં જાય. અને ક્રેડિટ-ડેબિટ
ઉત્પન્ન ના થયું તો મોક્ષગતિમાં જાય.
આ પાંચ
ઇન્દ્રિયવાળા મનુષ્યોને આટલું દુઃખ છે તો જેને ઓછી
ઇન્દ્રિય છે તેને કેટલું દુઃખ હશે ? આ ઝાડ-પાન ને જાનવર એ તિર્યંચ ગતિ. તે તેમને
સખત કેદની સજા છે. એક માણસને અંધારી કોટડીમાં ગોંધી રાખે ને
તેને માત્ર બે વખત ખાવાનું નાખે અને જે દુઃખનો અનુભવ થાય તેવાં અપાર
દુઃખોનો અનુભવ આ ઝાડ-પાન વગેરે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવોને થાય. અને આ નર્કગતિમાં તો ભયંકર
દુઃખ, તેનું જેમ છે તેમ વર્ણન કરું તો સાંભળતાં જ મનુષ્ય મરી જાય. ચોખા
ઉકાળે ને ઊછળે તેનાથી લાખગણું દુઃખ થાય.
એક અવતારમાં પાંચ-પાંચ વખત મરણવેદના
અને છતાં પણ મરણ ના થાય. ત્યાં દેહ પારા જેવા હોય. કારણ કે તેમને વેદવાનું
હોય, એટલે મરણ ના થાય. તેમનાં અંગેઅંગ છેદાય ને પાછાં જોડાય. વેદના
ભોગવ્યે જ છૂટકો. નર્કગતિ એટલે જન્મટીપની સજા.
સારાં
કામ કરે તો સ્વર્ગમાં જાય અને ખરાબ કામ કરે તો
નર્કમાં જાય. અને સારા-ખોટાનું મિક્ષ્ચર કરે, પણ તેમાં ઓછાં ખોટાં કરે, તે
મનુષ્યમાં આવે. આત્મજ્ઞાન
મળે એટલે કર્તાભાવ તૂટે અને કર્તાભાવ તૂટે એટલે મોક્ષ થઈ જાય.
પાપ ધોવાય, પ્રતિક્રમણથી !
પાપ
ધોવું એટલે શું ? કે પ્રતિક્રમણ કરવું. અતિક્રમણ એટલે
પાપ કહેવાય. વ્યવહારની બહાર કંઈ પણ ક્રિયા કરી એ
પાપ કહેવાય, અતિક્રમણ કહેવાય. એટલે તેનું
પ્રતિક્રમણ કરવું પડે. એટલે પછી પેલા બધાં પાપ ધોવાય, નહીં તો
પાપ ધોવાય નહીં.
પ્રશ્નકર્તા
: (કોઈ) એક બાજુ પાપ કર્યા કરે ને એક બાજુ પસ્તાવો કર્યા કરે....
દાદાશ્રી
: એવું નથી થતું. જે
માણસ પાપ કરે ને એ જો પસ્તાવો કરે તો એ
બનાવટી પસ્તાવો કરી શકતો જ નથી અને સાચો જ
પસ્તાવો હોય. પસ્તાવો સાચો હોય એટલે એની પાછળ એક
ડુંગળીનું પડ ખસે, ફરી પાછું બીજું પડ ખસે. હંમેશાં
પસ્તાવો નકામો જતો નથી.
પ્રશ્નકર્તા
: પ્રતિક્રમણ કરવાથી કદાચ નવાં પાપ બંધાય નહીં, પણ જૂનાં પાપ ભોગવવાં તો પડેને ?
દાદાશ્રી
: માફી માગવાનો
અર્થ શું કે તમે માફી માગો તો તમારા પાપનું મૂળ બળી જાય. એટલે ફરી એ
ફૂટે નહીં, પણ એનું ફળ તો ભોગવવું જ પડેને
!જૂનાં પાપ તો ભોગવ્યે જ છૂટકો છે. એ ભોગવટો
હવે ઘટે ખરો. ખૂની માણસ ખૂન કર્યા પછી ખુશ થાય
તો એનો જે દંડ બાર મહિનાનો થવાનો હોય, તો તે ત્રણ વર્ષનો થઈ જાય અને
ખૂની માણસ ખૂન કર્યા પછી પસ્તાવો કરે તો બાર મહિનાનો જે દંડ થવાનો હોય તે છ
મહિનાનો થઈ જાય.
કોઈ
પણ ખોટું કાર્ય કરીને પછી ખુશ થશો તો તે કાર્ય ત્રણગણું
ફળ આપશે. કાર્ય કર્યા પછી પસ્તાવો કરશો કે ખોટું કાર્ય કર્યું તો દંડ
ઘટી જાય.
એ માટે
મેં પાછો રસ્તો કહ્યો છે કે ત્રણ મંત્રો ભેગા બોલજો
તો ય ભોગવટાનું ફળ હલકું કરી આપશે. કોઈ માણસને દોઢ મણનું વજન માથે હોય, પણ એને એકદમ કોઈ વસ્તુ જોવાની આવી ગઈ તો એનું દુઃખ ભૂલી જાય, વજન છે
છતાં એને દુઃખ ઓછું લાગે. એવું આ ત્રિમંત્રો છે ને, એ
બોલવાથી પેલું વજન જ લાગે નહીં. ભગવાનની ભક્તિ કરતાં સંસારમાં વિઘ્ન ન આવે એટલા
માટે ભગવાને ત્રણ મંત્રો આપેલા. (૧) નવકાર
મંત્ર (૨) ૐ નમો ભગવતે વાસુદેવાય (૩) ૐ નમઃ શિવાય. આ મંત્રો એ હેલ્પિંગ વસ્તુ
છે.
પ્રશ્નકર્તા
: અમે ખેડૂત રહ્યા, તે તમાકુનો
પાક પકવીએ ત્યારે અમારે ઉપરથી દરેક છોડની કૂંપળ એટલે એની ડોક તોડી જ નાખવી
પડે. એનું પાપ તો લાગે જ ને ? તો આ પાપનું નિવારણ કેવી રીતના કરવું ?
દાદાશ્રી
: એ તો મહીં મનમાં એમ થવું જોઈએ કે બળ્યો આ ધંધો, ક્યાંથી
ભાગે આવ્યો ? બસ એટલું જ. મનમાં આ ધંધો ક્યાંથી
ભાગમાં આવ્યો, એવો પશ્ચાતાપ થવો જોઈએ.
આવું ના કરવું જોઈએ, એવું મનમાં થવું જોઈએ, બસ.
પ્રશ્નકર્તા
: પણ આ પાપ તો થવાનું જ ને ?
દાદાશ્રી
: એ તો છે જ. એ તમારે જોવાનું નહીં. થયા કરે છે એ પાપ
જોવાનું નહીં. આ નહીં થવું જોઈએ એવું તમારે નક્કી
કરવાનું. નિશ્ચય કરવો જોઈએ. આ ધંધો ક્યાં મળ્યો ?
બીજો સારો મળ્યો હોત તો
આપણે આવું કરત નહીં. પશ્ચાતાપ થવો જોઈએ કે આ ક્યાંથી
આવ્યું મારે ભાગે.
પ્રશ્નકર્તા
: કપાસમાં દવા છાંટવી પડે છે તો શું કરવું ? એમાં હિંસા તો થાય જ ને ?
દાદાશ્રી
: ના છૂટકે જે જે કાર્ય કરવું પડે, તે
પ્રતિક્રમણ કરવાની શરતે કરવું.
પ્રશ્નકર્તા : પુણ્ય અને ધર્મમાં શું ફેર છે ?
દાદાશ્રી : પુણ્ય એ વ્યવહાર ધર્મ છે, સાચો ધર્મ
નથી. વ્યવહાર ધર્મ એટલે પોતાને સુખી થવા માટે. પુણ્ય એટલે ક્રેડિટ.
આપણે સુખી થવાય, ક્રેડિટ હોય તો આપણે નિરાંતે રહીએ અને તો સારી રીતે ધર્મ
થાય. અને પાપ એટલે ડેબીટ. પુણ્ય ના હોય, ક્રેડિટ
ના હોય તો આપણે ધર્મ કરીએ શી રીતે ? ક્રેડિટ હોય તો એક બાજુ
શાંતિ રહે, તો આપણે ધર્મ કરી શકીએ.
પ્રશ્નકર્તા : તો ધર્મ કોને
કહેવાય ?
દાદાશ્રી
: ધર્મ એટલે આત્મધર્મ. આત્માનો પોતાનો ધર્મ. પાપ અને પુણ્ય બેઉ અહંકારનો ધર્મ છે.
અહંકાર હોય ત્યાં સુધી પાપ અને પુણ્ય હોય. અહંકાર જાય એટલે પાપ અને
પુણ્ય જાય, તો આત્મધર્મ
થાય. અહંકાર જાય અને 'હું' જે છું એ
રીયલાઈઝ
(ભાન) થાય તો થઈ રહ્યું, પછી કર્મ બંધાય નહીં. પછી જજ
હોય તો ય કર્મ ના બંધાય. દાનેશ્વરી
હોય તો ય કર્મ ના બંધાય. સાધુ હોય તો ય કર્મ ના બંધાય અને કસાઈ હોય તો ય કર્મ ના
બંધાય.