મોબાઈલ ફોન છ-બાર
મહિને બદલી નાંખો,
તો જ તમે મોર્ડન !
લાઉડમાઉથઃ સૌરભ શાહ
(સંદેશ)
એક જમાનો
હતો જ્યારે ઘડિયાળો બગડી
જતી ત્યારે એને રિપેર કરવા માટે ઘડિયાળીને ત્યાં લઈ જતા. ચશ્માંની દાંડીનો સ્ક્રૂ
નીકળી જતો તો
ચશ્માંવાળાની દુકાને જતા. રેડિયો, મિક્સર, વોશિંગ
મશીન, સાઉન્ડ
સિસ્ટમ- કશું પણ બગડી જતું
તો રિપેર કરાવવામાં
આવતું અને શર્ટ, પેન્ટ
કે ડ્રેસ
ફાટી જતાં તો સાંધીને
પહેરવામાં આવતાં. પણ એ જમાનામાં માણસના શરીરમાં કંઈ ખરાબી થતી તો એને રિપેર કરાવવા
માટે કોઈ તરત ડોક્ટર
પાસે દોડી જતું નહીં. હશે,
મટી જશે કહીને એ દર્દ
સહન કરવામાં આવતું અથવા તો કુદરતી ઉપચાર કે ઘરગથ્થુ ઉપચાર દ્વારા એનો ઈલાજ થતો.
ન છૂટકે
જ ડોકટરનો આશરો લેવામાં
આવતો.
પણ ચાઈનીઝ
માલના આજના જમાનામાં
હવે ભાગ્યે જ કોઈ ચીજને રિપેર કરાવવામાં આવે છે. યુઝ એન્ડ થ્રો. આજનું નવું સૂત્ર
છે. એની સામે શરીરમાં
મામૂલી ખરાબી પણ થઈ હોય તો તરત ડોક્ટર પાસે પહોંચી જવાની મેન્ટાલિટી ઊભી થઈ છે
: ડોન્ટ
ટેક રિસ્ક. લાંબી કોઈ
બીમારી થાય એ પહેલાં જ બતાવી દેવું સારું!
ફ્રીઝ અને
કારનાં નવાં મોડલો
બજારમાં આવે એટલે તરત જ આપણને આપણા ઘરનું ફ્રીઝ અને આપણા ઘરની ગાડી જૂનાં લાગવાં માંડે
છે.મોટરકાર એકવાર ખરીદી
લીધા પછી લાઈફ ટાઈમ એને ચલાવવાની હોય એવું અત્યારે કોઈ નથી માનતું. દર વર્ષે નહીં
તો બે-ત્રણ વર્ષ કાર
નહીં બદલીએ તો ‘ગરીબ’ ગણાઈશું
એવો ભય સતાવે. મોબાઈલ
ફોન તો છ-બાર મહિને બદલી નાંખવો જ પડે, તો
જ તમને જમાના સાથે તાલ
મિલાવી રહ્યા છો
એવી છાપ પડે અને શરદી બે
દિવસમાં ના મટી કે ત્રીજા દિવસે પણ પેટ દુઃખતું રહ્યું કે ચાર દિવસ સુધી ચાલવામાં
તકલીફ જણાઈ તો તરત
ચાલો ડોકટર પાસે.
બેઉ બાબતો
ઊંધી-ચત્તી થઈ ગઈ છે.
જેને રિપેર કર્યા વિના
આરામથી ચાલતું રહે છે તે શરીરને વારંવાર હજારો રૂપિયાના ચેકઅપ દ્વારા અને લાખો રૂપિયાથી
સારવાર દ્વારા
રિપેરિંગ શોપ કે ગેરેજ યાને કે ડોક્ટરોના નર્સિંગ હોય કે હોસ્પિટલોમાં લઈ જવાય છે. અને
જે ચીજોની ગઈ કાલ સુધી
સમારકામ દ્વારા આસાનીથી આવરદા વધી જતી હતી તેને કચરાના ડબ્બામાં નાખીને નવી ચીજો
પાછળ ચિક્કાર ખર્ચ
કરવામાં આવે છે !
આ બેઉ
બાબતો દેખાદેખીને કારણે
બદલાઈ ગઈ છે. દેખાદેખીને અંગ્રેજીમાં રૂપાળું નામ અપાયું છે- ટ્રેન્ડ.
ટ્રેન્ડ એટલે
ગાડરિયો પ્રવાહ. એમાં
ભળી જવા માટે ઝાઝી અક્કલની જરૂર રહેતી નથી. ટ્રેન્ડ બદલાયા કરતો હોય છે અને મોટાભાગના
ટ્રેન્ડ
મેન્યુફેકચરર્સની સાઝિશથી બદલાતા હોય છે. તંગ પાટલૂન, પહોળી
મોરીનાં પાટલૂન, ફરી
પાછા તંગ પાટલૂન, આવાં
તો કરોડો દાખલાઓ ફેશનની
દુનિયામાં મોજૂદ
છે. પોતાનો માલ વેચાતો
રહે એ માટે ફેશનના ટ્રેન્ડ બદલાવવામાં આવે છે. કેમેરા, ફોન, સાઉન્ડ
સિસ્ટમ,
ટીવી, ફ્રીઝ, વોશિંગ
મશીન વગેરે જેવી
વસ્તુઓમાં ડ્રાસ્ટિક ચેન્જ તો પાંચ-દસ વર્ષે જ આવતો હોય છે પણ એની
વચ્ચેના ગાળામાં
કંઈ તે કંઈ ગતકડાંના
ઉમેરા-બાદબાકી કરીને નવાં-નવાં મોડલોના નામે બજાર ઊભરાતું રહે છે અને
તમારા ખિસ્સાં
ખાલી થતાં રહે છે.
લોકો જે
કરતા હોય એવું આપણે પણ
કરવું એવી માનસિકતા સાથે જીવવામાં આપણને સલામતી લાગતી હોય છે. ગાડરિયા પ્રવાહમાં
ભળી જવાથી આપણા
માથેથી જવાબદારી હટી જતી હોય છે. કંઈક ખોટું થયું તો તરત મન જવાબ આપે છેઃ બધા
એવું જ
કરે છે,
એમાં
મારા એકલાનો થોડો વાંક
છે?
ગાડરિયા પ્રવાહમાં
કે ટ્રેન્ડમાં
ઘસડાઈ જવાથી બીજો મોટો ફાયદો એ કે સ્વતંત્રપણે વિચાર કરવાની મહેનત બચી જાય. આવું કરવું
સાચું કે ખોટું અથવા
સારું કે ખરાબ એવો નિર્ણય લેવાની શક્તિ બચી જાય. બધા જે કરતા હોય તે કરવા
માંડો એટલે
સાચા-ખોટા કે
સારા-ખરાબના સવાલોનો જવાબ મેળવવાની માથાકૂટમાંથી મુક્તિ મળી જાય.
બધાએ સંતાનોને
પ્લે ગ્રૂપમાં
નાખ્યા એટલે આપણે પણ નાખવાના. દસમા-બારમાની પરીક્ષાઓમાં ચાબૂક મારી મારીને ભણાવ્યા એટલે
આપણે પણ ભણાવવાના.
સંતાનને શું ભણવું છે એ પૂછયા વિના આજકાલ શેનો ટ્રેન્ડ ચાલે છે તે લાઈનમાં એમને ધકેલવાના.
સંતાન પોતે પણ
સ્વતંત્ર રીતે વિચારવાની શક્તિ ગુમાવી બેઠું હોય છે એટલે એ પણ પોતાના મિત્રવર્તુળમાં
કોણ કયા
ટ્રેન્ડ પાછળ ઘસડાય છે એ જોઈને તેનાં સપનાં જોતું થઈ જાય.
પછી બધાં
પરણે છે એટલે આપણે પણ
પરણવાનું,
બધાં બાળકો પેદા કરે
એટલે આપણે પણ પેદા કરવાનાં,
બધા ઈન્શ્યોરન્સ
પોલિસી કઢાવે, મેડિક્લેમ
કઢાવે એટલે આપણે
પણ કઢાવીએ
અને નિવૃત્ત થયા પછી
બધા રોજ સવારે બગીચામાં ભેગા થઈને રામાનંદ સાગરની રામાયણમાં આવતા રાવણ ની જેમ
અટ્ટહાસ્ય કરે
તે રીતે આપણે પણ લાફિંગ
કલબના બીજા બુઢિયાઓ સાથે મળીને હા,હા,હા,હા,…કરવાનું.
અને છેવટે આયુષ્ય
પૂરું કરીને
ચિતાભેગા થવાનું.
આવતી કાલથી-
કાલથી શું કામ, આજથી, અબઘડીથી-
હું નિર્ણય કરું છું
કે હું જે-જે વસ્તુઓ વાપરું છું તે બગડી જશે તો એનું સમારકામ કરાવી-કરાવીને છેવટ
સુધી વાપર્યા
કરીશ, નવાં-નવાં
મોડેલોની
માયાજાળમાં નહીં
ગૂંચવાઈ જઉં. અને હા, આ
શરીરને વારંવાર રિપેર
કરાવવાની લાલચમાંથી
પણ દૂર થઈ જઈશ. સાવ
કંઈ અટકી પડતું હશે તો જ આ શરીરને ગેરેજમાં લઈ જઈશ.
માણસ શું
વાપરે છે કે શું ખાય-પીએ
છે એનાથી નહીં પણ કેવા વિચારો ધરાવે છે અને એને વ્યવહારમાં અમલમાં મૂકીને કેવી
રીતે વર્તે છે એના આધારે
નક્કી થતું હોય છે કે એ જૂનવાણી છે કે સમયની સાથે ચાલે છે, આધુનિક વિચારો
ધરાવે છે.મારી
માનસિકતા જ મને આધુનિક કે જૂનવાણી બનાવશે, મારી
માનસિકતા પ્રમાણે
ગોઠવાયેલું મારું જીવન અને વર્તન જ મને કહેશે કે હું નવા જમાના સાથે કદમ મિલાવીને
ચાલું છું કે નહીં.
મારું ફાટેલું જિન્સ કે મારો મોબાઈલ આનું સર્ટિફિકેટ નહીં બને.