24.10.11

ફ્રોમ બોસ વિથ લવ...

ફ્રોમ બોસ વિથ લવ...

ડિયર પિલ્લઈ,
તમે આજે તમારી મમ્મીને દવાખાને બતાવવા લઇ જવાના હોવાથી રજા લીધી હતી. મેં બપોરે તમારા ઘેર ફોન કર્યો ત્યારે તમારા પૂજ્ય માતુશ્રીએ ફોન ઉપાડ્યો હતો અને અમે લોકોએ પંદર મિનીટ સુધી આડીઅવળી વાતો કરી હતી. ઘણો મળતાવડો સ્વભાવ છે એમનો. એમની પાસેથી તમે ટાઈ બાઈ પહેરીને તૈયાર થઈને કોઈ કંપનીમાં ઇન્ટરવ્યુ આપવા ગયા હશો એવી માહિતી મળી હતી. તો તમને આ જોબ સર્ચ મુબારક. અને હા, યુનિયન રેમેડીના એચઆરમાંથી  મિસ. રીતુનો ફોન આવ્યો હતો. તમારી સ્માર્ટનેસથી તો એ ઈમ્પ્રેસ હતાં, પણ તમે કરંટ સેલરી બાર હજારને બદલે સોળ હજાર કહી હતી એટલે એણે મને ક્રોસ ચેક કરવા ફોન કર્યો હતો. બાય ધ વે એ રીતુ મારી ક્લાસમેટ હતી, એમ.બી.એ.માં !
તો પિલ્લાઈ, ઓલ ધ બેસ્ટ ફોર જોબ સર્ચ.
લી. તારો બાજ નજર (હવે એક્સ) બોસ
========================================
 
ફ્રોમ : બોસ
ટુ : ઓલ કોપી કેટ્સ
ગયા મહિને આપણાં ફ્લોરના ઝેરોક્સ મશીન પરથી લગભગ આઠ હજાર કોપી ઝેરોક્સ નીકળી છે. આમ વીકલી એવરેજ બે હજાર ઝેરોક્સ થઇ. પણ મઝાની વાત એ છે કે ગયા જુલાઈ મહિનાના ત્રીજા અઠવાડિયા દરમિયાન જ્યારે હું ફોરેન ટુર પર હતો એ અઠવાડિયામાં બે વાર મશીન ગરમ થઈને બગડી ગયું હતું. અને એ અઠવાડિયામાં જ લગભગ ચાર હજાર ઝેરોક્સ નીકળી છે. આ અંગે કંપનીના હિતેચ્છુ કર્મચારીએ (એને ચમચો કહી ન બોલાવવો) મારું ધ્યાન દોર્યું છે. તો કંપનીના ઝેરોક્સ મશીનને તમારા પૂજ્ય પિતાજીની મિલકત સમજી વાપરવાનું બંધ કરવા નમ્ર વિનંતી. આ મંથ એન્ડમાં હું નવા પ્રોજેક્ટ માટે બહાર જઉં તે દરમિયાન જો આ ટ્રેન્ડ ચાલુ રહેશે તો ઈન્ટરનેટ એનેબલ્ડ  સીસી ટીવી કેમેરા મૂકતા કંપની અચકાશે નહિ, અને આમ થવાથી તમે મફત ઝેરોક્સ કાઢવા સિવાય બીજું શું શું નહિ કરી શકો તે મારે તમને કહેવાની જરૂર છે ?
લી. શેરલોક બોસ

 

 

 


17.10.11

સમય કેટલું બધું ઝૂંટવી લે છે


 
 
ગામડાં તૂટી રહ્યાં છે તે વાત નવી નથી. 
તે સત્ય જાણવા માટે સરકારી આંકડા કે નિષ્ણાતો દ્વારા કરવામાં આવતાં વિશ્લેષણની જરૂર નથી. અનેક કારણો છે, જેને લોકોના જીવન સાથે સીધો સંબંધ છે. 
જે લોકો ગામડામાં જન્મ્યા, ત્યાં જ ઊછર્યા અને પછી શહેરોમાં આવીને વસ્યા 
તેમાંના કેટલાય સંવેદનશીલ લોકોને 
એમના લોહી સાથે જોડાયેલી ગ્રામસંસ્કૃતિના થઇ રહેલા વિનાશની સ્થિતિ પીડાજનક લાગતી રહી છે. તે સંદર્ભમાં આપણા જાણીતા સર્જક મણિલાલ હ. પટેલે લખેલા નિબંધો વાંચી જવા જેવા છે. 
 
લુપ્ત થઇ રહેલાં ગામડાંની સાથે બીજું પણ કેટલું બધું લુપ્ત થઇ ગયું છે.

ગ્રામજીવનની સમગ્ર જીવનશૈલી સમયના ખપ્પરમાં હોમાઇ ગઇ છે. 
એ બધું જ એક સમયે આપણા લોહીમાં ધબકતું હતું. 
હવે શેઢો ભૂંસાઇ ગયો છે, પડસાળ ઊખડી ચૂકી છે, 
ફળિયું અને ચોતરો અને પાદરો નામશેષ થઇ ગયાં છે. 
‘ભળભાંખળું’ શબ્દની સાથે જોડાયેલો રાતના અંધકારમાંથી દિવસના અજવાળાની વચ્ચે 
ઉઘાડ પામતી પ્હો ફાટવાની વેળાનો આખો અનુભવ આપણે ખોઇ બેઠા છીએ.
મણિલાલભાઇનું ‘ભૂંસાતાં ગ્રામચિત્રો’ પુસ્તક પ્રકાશિત થયું ત્યારે મેં લખ્યું હતું તે યાદ આવે છે: ગામડું તૂટે છે ત્યારે માત્ર કોઇ સ્થળવિશેષ ભૂંસાયું હોતું નથી. 
તેની સાથે ગામડામાં માણવા મળતી ઋતુઓ, ઉત્સવો, 
લોકગીત, ફટાણાં, મામેરું-સીમંત-લગ્ન જેવા સામાજિક પ્રસંગો, 
વૃક્ષાલોક, પંખીઓ વગેરેની અવનવી સંસ્કૃતિ પણ અલોપ થઇ ગઇ છે 
તે વિશેની પીડા પણ જન્મે છે. 
તળપદના કેટલા બધા બળૂકા શબ્દો હવે ભુલાવા લાગ્યા છે. 
ગામડાના જીવનમાં જે પોતીકાપણું હતું તે હવે શહેરોમાં અનુભવવા મળતું નથી. 
જે બચ્યાં છે તે ગામડાં પણ શહેરી વાતાવરણનો ભોગ બનવા લાગ્યાં છે. 
નવી નવી શોધો, વિકાસ અને બદલાતી જીવનશૈલી આવકાર્ય છે, 
પરંતુ તે બધું જે રીતે આપણી પુરાતન અને સજીવ સંસ્કૃતિનો ભોગ લેતું રહે છે 
તે પરિસ્થિતિ જીવલેણ છે.

મારી બીજી પેઢીને પણ તે ગ્રામજીવનનો અનુભવ નથી. 
ત્રીજી પેઢી તો ભૌગોલિક રીતે માત્ર ગામડાંથી નહીં, ગુજરાતની સંસ્કૃતિથી પણ દૂર નીકળી ચૂકી છે. વાતવાતમાં એવા કેટલાય ગુજરાતી-તળપદા શબ્દોની તો વાત જ જવા દો-
મારી અને આપણી ત્રીજી પેઢીનાં સંતાનોના કાને પડે છે 
ત્યારે તેના કોઇ અર્થ એમના સુધી પહોંચતા નથી. 
હું ‘કૂવો’ કહેતાં એમના ચિત્તમાં કૂવા વિશેનું કોઇ ચિત્ર ઊભું કરી શકતો નથી.

ભાદરવો બેસે ને મારા મનમાં મારા ગામમાં ભરાતા મેળા ઊભરાવા માંડે. 
મારો નિજી અનુભવ હું એમનામાં પ્રત્યક્ષ કરી શકતો નથી. 
નવમા ધોરણમાં ભણાવાતા હિન્દીના પાઠ્યપુસ્તકનો ‘ધૂલ’ નામનો નિબંધ 
હું મારા પૌત્રને સમજાવતો હતો ત્યારે તેમાં વારંવાર આવતા ‘ગોધૂલિ’ શબ્દની આછી ઝાંય પણ 
હું તેના સુધી પહોંચાડી શક્યો નહોતો. 
થોડા દિવસો પહેલાં નવરાત્રિ ગઇ ત્યારે હું મારા મનમાં ગરબી ‘ખૂંદતો’ હતો 
અને મારા પછીની પેઢીનાં સંતાનો પશ્ચિમી વાધ્યોની તાલે ‘ડાન્સ’ કરતાં હતાં.

ઘણું બધું દેખાતું બંધ થાય અને નવું નવું દેખાવાની શરૂઆત થાય 
તેમાંથી જ કદાચ સમયનું વીતવું એટલે શું તે સત્ય સમજી શકાય છે. 
સમજાય છે કે કશુંક વિલોપાયું છે તો કશુંક નવસર્જન પણ થયું છે. 
તેમ છતાં ક્યારેક મિત્ર મણિલાલ હ. પટેલ એમના એક નબિંધમાં જેમ કરગરી ઊઠ્યા હતા તેમ કરગરી ઊઠવાનું મન તો થઇ જ આવે છે: 
‘હે આથમવા જતી વીસમી સદી, 
મને આપી શકે તો મારું ગામ-હતું એવું અસલ ગામ-પાછું આપતી જા.’10.10.11

ભૂમિતિ શિક્ષકનો પ્રેમપત્ર 

(વાતનું વતેસર)


ડો. રઈશ મનીઆર

શાળામાં રિસેસ પછી ભૂમિતિનો પિરિયડ ન રાખવો જોઈએ એટલા માટે ભૂમિતિનો પિરિયડ રિસેસ પછી રાખવામાં આવે છે!

ત્રિકોણ સમોસાં કે ગોળ બટાકાવડાં કે ચોરસ સેન્ડવિચ આત્મસાત્ કર્યા પછી ભૂમિતિમાં શીખવાનું શું બાકી રહે? એમ વિચારી વિદ્યાર્થીઓ ઊંઘી જાય છે. પછી ભૂમિતિ શિક્ષક ભૂમિતિ શીખવે છે.

ભૂમિતિનો પ્રોબ્લેમ એ છે કે એ વિદ્યાર્થીઓને પ્રેમ કરવાની ઉંમરે પ્રમેય શીખવવા માગે છે.

ભૂમિતિ ભણી વિદ્યાર્થીઓ એટલું જ શીખે છે કે કશું પણ સાબિત કરવું હોય તો ન સમજાય એ રીતે જ કરવું.

હસુભાઈ પુત્રને ભૂમિતિ શીખવી રહ્યા હતા ત્યારે જ એમને ખ્યાલ આવ્યો કે પત્નીની સરખામણીમાં એમનું જીવન પ્રમેય જેવું છે. હંમેશાં ઊંધીચત્તી રીતે કશું સાબિત જ કર્યા કરવું પડે.

જ્યારે હેમાબહેનનું જીવન પૂર્વધારણા જેવું છે. જે કહું તે માની જ લેવાનું કોઈ મગજમારી નહીં.

ભૂમિતિ ભલે નીરસ હોય પણ ભૂમિતિ શિક્ષકો ઘણી વાર રસિક હોય છે.

પ્રેમિકા જાડી થઈ ગઈ એમ કહેવાને બદલે એ કહે છે તારી લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર વેગપૂર્વક ઘટી રહ્યો છે.

તું લંબચોરસમાંથી સમબાજુ થઈ રહી છે.

આ ભાષાનો વધુ લહાવો લેવો હોય તો

કિરણભાઈ અડધિયા નામના ભૂમિતિ શિક્ષકે એમની પ્રેમિકા બિંદુબહેન વ્યાસને લખેલો પત્ર વાંચો.

પ્રિય બિન્દુ,

પ્રિયે! તને યાદ છે, તારી બર્થડે પર મેં તને શહેરના સમબાજુ ચતુષ્કોણ પર એટલે કે ચોક પર શંકુ આકારના ખાદ્ય પાત્રમાં અનિયમિત આકારનો શીતલ ઘન તરલ પદાર્થ (આઈસક્રીમ) ખવડાવ્યો હતો ત્યારે પ્રેમથી તારી તરફ તાકતાં રહેવાને બદલે એ શંકુનું ઘનફળ માપવામાં વ્યસ્ત થઈ ગયો હતો ત્યારે તું ત્રણ દિવસ સુધી રીસાઈ ગઈ હતી. અને તને મનાવવા મેં તને ગિફ્ટ બોક્સ આપતાં તારા મુખ પર ખુશીનાં અર્ધવર્તુળો રચાઈ ગયાં હતાં, પરંતુ ગિફ્ટ ખોલતાં અંદરથી ફરી એક વાર કંપાસબોક્સ નીકળતાં તું ત્રણ મહિના માટે રીસાઈ ગઈ હતી. મારા મિત્રો હવે મને સલાહ આપે છે કે ફરી વાર મોટો કંપાસ ગિફટ આપ. જેથી તું ત્રણ વર્ષ માટે અબોલા લઈ લે તો મારું પીએચડી પૂરું થાય. પણ મારું મન કહે છે પીએચડી એટલે કે પ્યાર હોને દે. પણ આ વાત મારા મિત્રોને નહીં સમજાય.

તને કેન્દ્રમાં રાખીને ચક્રાકારે ભ્રમણ કરતો હોવાથી મારા મિત્રો મને ચક્રમ કહે છે એનો મને અફસોસ નથી. ક્યારેક તારી નજીક આવવાના મારા બધા પ્રયાસો તારી સહેલીઓ જયા, વિજયા અને રજિયા જેમને સમૂહમાં હું ત્રિજ્યા તરીકે ઓળખું છું તેઓ વિફળ બનાવે છે. એનાથી પણ હું હિંમત નથી હારતો અને પરિઘ પકડી રાખું છું, તારી ઉપર લંબ બની મંડરાતો પેલો લમ્બૂ અને તને નમીનમીને તારી સાથે સ્પર્શરેખા રચવા મથતો પેલો નમન, આ બંને તને મધ્યમમાં રાખી ૯૦ અંશનો ખૂણો બનાવી બેઠા છે એ દૃશ્ય પણ સાવ સામેથી નિઃસહાય કર્ણની જેમ જોવાની હામ અત્યારે તો મારામાં છે. પણ યુકલીડના સોગંદ, જે દિવસે મારા ગુસ્સાનું ક્ષેત્રફળ મારી ધીરજની પરિમિતિ કરતાં વધી જશે ત્યારે સાવ એકલે હાથે માત્ર પરિકરને સહારે એમનો સામનો કરી એમને અનંતબિંદુ સુધી ભગાડીને જ જંપીશ.

છેલ્લા ૩ મહિના અને ૧૪ દિવસથી મારી તો જિંદગી પાઈ અને હાથાપાઈની વચ્ચે પસાર થઈ રહી છે. હું તને સાચો પ્રેમ કરું છું એવું પક્ષ સાધ્ય અને સાબિતિ સહિત પુરવાર કરવા છતાં કટાયેલા કાટકોણ જેવો તારો ભાઈ મને જોતાં જ ભારે ઘનફળવાળા પથ્થરો વડે મારી ભૂમિતિ બગાડવાની ધમકી આપે છે. એને ખબર નથી કે અગાઉ જ્યારે હું પેલી બેવફા રેખાના પ્રેમમાં હતો ત્યારે આપાતકોણની જેમ ત્રાટકેલા એના ભાઈએ મારા જમણા બાહુની અસ્થિરેખાનું વિખંડન એટલે કે ફ્રેકચર કરી મારા હાથને ત્રિકોણાકાર ઝોળીમાં મુકાવી દીધો હતો તે છતાં રેખાને બીજો બબૂચક મળી ગયો ત્યાં સુધી એના અને મારા ઘર વચ્ચેના અંતરની રોજ માપણી કરી હતી.

ભાવાર્થ એ જ કે મારો પ્રેમ પ્રમેય જેટલો પ્રેમાળ અને નિર્મેય જેટલો નિર્મળ છે. એક દિવસ જાન લઈ તારા આંગણે આવીશ. જાનમાં કોણ આવશે? ત્રિકોણ, ચતુષ્કોણ પંચકોણ, બહિષ્કોણ, અંતઃકોણ..બીજું કોણ? પાયથાગોરસની સાક્ષીએ સાત વાર વર્તુળાકાર ગતિ કરી તારી સાથે લગ્ન કરીશ, હનીમૂન પર તને જંતરમંતર લઈ જઈશ અને પછી પિરામિડ આકારના ઘરમાં આપણે સુખેથી જીવન વીતાવીશું. આપણાં બાળકો ક્ષિતિજ અને વલય ફૂટપટ્ટી અને કોણમાપક વડે ધિંગામસ્તી કરતાં હશે. કામવાળી જ્યારે નળાકાર આકારના પાત્રમાં ગોળાકાર ફળનો રસ લઈને આવશે ત્યારે એ નળાકાર પાત્રનું ઘનફળ માપવાની આદત હું ભૂલી ચૂક્યો હોઈશ.

લિખિતંગ (ખરેખર તંગ)

તને પામી સંપૂર્ણ થવા માંગતો

અડધિયા કિરણ9.10.11

તમારો એન્ટિ વાઈરસ કોણ છે? 

મુકેશ મોદી
 સ્મોલ સત્ય / કળશ /દિવ્ય ભાસ્કર


 
જ્યાં અને સૌથી મોટો ચમત્કાર તો એ છે કે ઘરે પાછા આવીને મેં કોઈ બીજાને નહીં,
પોતાને જ પાછો આવેલો જોયો.
- હિંદી કવિ કુંવર નારાયણ


જ્યાં જશો, જેટલા પ્રકારના માણસોને મળશો, જેટલી એમની વાતો સાંભળશો એટલા વાઈરસોના શિકાર જાણે-અજાણે બનતા રહેશો. એટલે સુંદર સવાર આવા અસંખ્ય વાઈરસોને કારણે તપતપતી બપોર અને ચૂંથાઈ ગયેલી સાંજમાં રૂપાંતરિત થાય છે. ઉપરની કવિતામાં કુંવર નારાયણ કહે છે એમ જેવા ગયા હતા એવા ગડીબંધ, અકબંધ ઘરે પાછા આવવાનું અશકય બની ગયું છે અને મજબૂરીની મજબૂરી એ છે કે આપણે હિમાલય જઈ શકતા નથી! રહેવાનું તો છે આ કાંતિભાઈ, શાંતિભાઈઓ, રમાબેનો અને શમાબેનોની વચ્ચે જ.

ફિલસૂફ જે. કૃષ્ણમૂર્તિ કહેતા કે you exist only in relationship. હીંચકે એકલા બેઠા છો ત્યારે તમે છો પણ તમે નથી. અને બાય ધ વે, આપણે ખરેખર એકલા હોઈએ છીએ ખરા? સવાલ જ નથી. ટોળાંઓના ટોળાંઓ શ્વસી રહ્યા હોય છે આપણા શ્વાસમાં.
હનુમાન ચાલીસા કે ધ્યાન કે યોગ કે મંદિરનો ઘંટારવ કર્યા પછી શાંતિ જેવું સાલ્લું કંઈક લાગે તો છે પણ એ શાંતિની પ્રયોગશાળા છે. ધ્યાન કરીને ઊભા થયા પછી ચા કડવી હોય તો કડવાશ વ્યાપે છે? જો હા તો ધ્યાનનો પિરિયડ પૂરો થયો અને હવે શરુ થાય છે ખરાખરીનો ખેલ.

વિશ્વ વાઈરસ શ્વસે છે, વિશ્વ વાઈરસ વહન કરે છે, વિશ્વ વાઈરસ ફેલાવે છે... અને એ વાઈરસ ભિન્ન ભિન્ન સ્વરૂપે આવે છે: ધર્મરૂપે, શિખામણોરૂપે, પુસ્તકકારે, લાગણીરૂપે... અને મજાની વાત તો એ છે કે આપણે આ વાઈરસને ચાલક ચલાણી ક્યા ઘેરની જેમ પુન: વિશ્વમાં ફેલાવીએ છીએ.
અંગ્રેજીમાં લખતા દિવંગત ભારતીય કવિ નિસિમ ઇઝેકલે લખ્યું છે એમ 'corrupted by the world, I corrupt the world.'
વિશ્વ દ્વારા હું ભ્રષ્ટ થાઉં છું અને બદલામાં ભ્રષ્ટ કરું છું વિશ્વને. ઈઝેકલનું થવું એટલે આપણું વાઈરસવાળું થવું અને વાઈરસગ્રસ્ત કરવું.

જેમ કમ્પ્યૂટરમાં વાઈરસોની ભરમાર છે એમ આપણા જીવનમાં પણ કંઈક એવું જ છે. કમ્પ્યૂટરના વાઈરસો કમ્પ્યૂટરને કરપ્ટ કરે છે, હેન્ગ કરે છે, લોચા મરાવે છે અને ક્યારેક તો સાવ ઠપ્પ.
બસ, ડિટ્ટો જ્યારે વિશ્વ અને વિશ્વના વાઈરસો આપણામાં પ્રવેશી જાય છે ત્યારે કંઈક આવું જ થાય છે. કમ્પ્યૂટરનાં ક્લિનિકો છે અને આપણાં? યહીં સે મઝે કી બાત શુરુ હોતી હૈ. આપણાં ક્લિનિકો ક્યા? પુસ્તકો? ધર્મગુરુઓ? મિત્રો? મોજ-મજાના સાધનો? સેક્સ? ઈડિયટ બોક્સ? સંસ્કારો?

કહે છે કે પુસ્તકો શ્રેષ્ઠ શાતા આપવાનું કાર્ય કરે છે. વાત આંશિક રીતે સત્યથી નજીક છે. ચવાયેલા ગુરુઓની વાતો સાંભળવા કરતાં ચવાયેલાં પુસ્તકો ઓછા વાઈરસપ્રદ છે. પણ એક પુસ્તક આમ કહેશે, બીજું તેમ. જેવો લેખક એવો એનો દ્રષ્ટિકોણ અને લેખક પણ આ વિશ્વમાં શ્વસતો જીવ છે, બાબા રણછોડદાસ!

એટલે એ પણ ઈઝેકલ કહે છે એમ corrupted by the world and corrupting the worldના વિષચક્રમાં ફસાયેલો જીવડો જ છે. કોઈ ગેરંટી નથી કે તમે વાંચેલાં પુસ્તકો કે વાંચી રહેલાં કવિઓ-લેખકો ખરેખર એન્ટિ વાઈરસનું કામ કરી રહ્યાં હોય.
નાઉ ઓવર ટુ ધર્મ એન્ડ ધર્મગુરુઓ. વાઈરસગ્રસ્ત માણસ સદીઓથી એન્ટિવાઈરસ તરીકે ધર્મમ્ શરણમ્ ગચ્છામિની દશામાં જીવ્યો છે. ત્રસ્ત અને ગ્રસ્ત કાળા માથાંના ધોળા થઈ ગયેલા વાળવાળા માનવીને લાગે છે કે ધર્મ અને ધર્મગુરુઓ એના જીવનમાં પ્રવેશેલા વાઈરસનો ખાત્મો બોલાવી દેશે... પછી એ હેન્ગ નહીં થાય અને એવું કામ કરશે એવું કામ કરશે કે નોટો અને શાંતિનો વરસાદ વરસશે.

કાર્લ માકર્સ અદ્ભુત વાત કહી ગયો. ધર્મ અફીણ છે અને તમારે સમૂહોને, સમાજોને, ભીડને એક તાંતણે ઊંઘતી રાખવી હોય, મદહોશ રાખવી હોય તો એ ટોળાઓને ધર્મરૂપી અફીણને રવાડે ચડાવી દો...
મિત્રો એન્ટિ વાઈરસ બની શકે? આ વાતમાં દમ છે. આપણી વાઈરસવાળી વાતના પરિપ્રેક્ષ્યમાં મિત્રની નવી વ્યાખ્યા કરવી પડશે. મિત્ર એ કે જે વાઈરસ ન ફેલાવે. મિત્ર એ કે જે એન્ટિ વાઈરસ ન બની શકે તો ચાલશે, પણ તમે જે છો, જેવા છો એવા સ્વીકારી તમને તમારી રીતે વાઈરસ પ્રૂફ બનવામાં મદદ કરે...

થોરોના શબ્દોમાં કહીએ તો એવા મિત્રો જે માને છે કે મિત્ર માટે સારામાં સારું એટલું જ કરી શકું કે એનો મિત્ર રહી શકું. હવે એવા મિત્રો ક્યાંથી લાવવા? અને મિત્રો એટલે મિત્રો, એમાં 'સાચા' મિત્રો એવું વિશેષણ લગાવવાની જરૂર ખરી? મિત્રો સાથેની ગોષ્ઠિમાં જાણે અજાણે એક મજબૂત એન્ટિ વાઈરસ તમે સ્વયં બનાવી રહ્યા હો છો... એવો એન્ટિ વાઈરસ કે જે તમને વિશ્વથી અને વિશ્વના વાઈરસોથી સુરક્ષિત રાખે. મિત્રો એન્ટિ વાઈરસ બની શકે છે, જો...

અને સેક્સ? કાર્લ માકર્સ માત્ર ધર્મને જ અફીણ નહોતો ગણતો... સેક્સ પણ એ જ ક્રમમાં મૂકી શકાય. છુટવા માટે, ભાગવા માટે, ભૂલી જવા માટે કાં તો દારૂ પીઓ, સંપ્રદાયવાળા કહેવાતા ધર્મ અને ધર્મવાળા કહેવાતા અધ્યાત્મ અથવા અધ્યાત્મવાળા કહેવાતા ઈશ્વરલાલને શરણે જાઓ અથવા સેક્સમાં મગન હો કે હરિ કે ગુન ગાવ...

તાત્વિક રીતે બધું એક જ છે, એક જ છે, અને એક જ છે અને ટીવી જેવો ખતરનાક વાઈરસ કોઈ નથી. એક ઇડિયટ બોક્સમાંથી સોથી વધારે વાઈરસો ચેનલો સ્વરૂપે ૨૪ બાય ૭ કલાક મારો ચલાવી રહ્યા છે. મને તો ઘણીવાર ટીવી બંધ હોય ત્યારે પણ મારા ટીવીવાળા રૂમમાં આ વાયરસો ઘૂમતા, ભટકતા, ભટકાતા, વાઈબ્રેટ થતા દેખાય છે, મચ્છરોની જેમ. આ કદાચ મારો ચિત્તભ્રમ હોઈ શકે છે પણ કરડેલા વાઈરસોના ચાંઠા તમને બતાવી શકું છું...

કૈસી મજબૂરી હૈ યે હાય! જેને આપણે એન્ટિ વાઈરસ માનીએ છીએ એ જ વાઈરસ? તમારો એન્ટિ વાઈરસ કોણ છે? કોણ છે જે તમે જેવા છો એવા સુરક્ષિત રાખી શકે? કોણ છે જે તમને અકબંધ, ગડીબંધ સાચવી શકે? સવાલો કરવા સહેલા છે અને જવાબો મેળવવા એટલા જ અઘરા. મજાની વાત તો એ છે કે મારી પાસે સવાલો છે, જવાબો નથી અને મને રેડીમેડ જવાબોમાં રસ પણ નથી.

કોણે કહ્યું હતું કે quality questions create quality life? જેણે પણ કહ્યું છે સત્ય જ કહ્યું છે. પ્રશ્નો ગુણવત્તાવાળા હશે તો જવાબો જ્યારે મળશે ત્યારે ચીલાચાલુ, આલતુ-ફાલતુ, રૂઢિઓના વાયુ વિસર્જનથી ગંધાતા નહીં જ હોય... એ હશે ગુણવત્તાસભર... એ હશે ખરું એન્ટિ વાઈરસ? તમારો એન્ટિ વાઈરસ કોણ છે?'લાસ્ટ બટ નોટ ધ લસ્ટિ: 'થ્રી ઇડિયટ્સ' ફિલ્મમાં વાઇરસ (બોમન ઇરાની) વાઇરસ છે કે એન્ટિ વાઇરસ?

6.10.11

ગુડનેસ @ આપણી ફુરસદે!


આપણે અન્ય પાસેથી મદદ કે સમયની અપેક્ષા રાખતાં હોઇએ છીએ આપણી જરૂરિયાતે 
અને આપણે અન્યને મદદ કરવા, એની પ્રત્યે ‘ગુડનેસ’ દર્શાવવા તૈયાર હોઇએ છીએ 
આપણી ફુરસદે !

આપણે અન્ય તરફ સારપ એની જરૂરિયાતે બતાવીએ છીએ 
કે આપણી ફુરસદે? 

આપણા ટાઇમ-મેનેજમેન્ટમાં, 
આપણા મિત્રો, સ્નેહીઓ માટે એની જરૂરિયાતે સમય ફાળવવાની બાબત ધ્યાનમાં લઇએ છીએ? 
એક જલ્દીથી ન પકડાય એવી માનસિકતા ડેવલપ થઇ રહી છે, 
‘આપણી ફુરસદે ગુડનેસની’. 

સાચો મિત્ર/સ્નેહી કોને ગણવો એ જો સમસ્યા હોય 
તો એ જોવું કે 
એની તમારા માટેની ગુડનેસ એની ફુરસદે છે કે તમારી જરૂરિયાતે? 


 

પોતાને ભવિષ્યમાં તિહાર જેલમાં જોતાં સાંસદો નો ઠરાવ ! જેલમાં ફોર બેડરૂમના લકઝુરિયસ ફલેટ બનશે !


લોલમ-lol - અધીર અમદાવાદી
એક સંસદ સભ્યે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે 
તિહાર જેલ અપગ્રેડેશન પ્રોજેક્ટને ટોચના નેતાઓનું સમર્થન છે 
અને વિવિધ પક્ષો દ્વારા આ અપગ્રેડેશન પ્રોજેક્ટ માટે સલાહ સૂચનો પણ આપવામાં પણ આવ્યાં છે. 
કોર્પોરેટ ગૃહોનું પીઠબળ ધરાવતાં એક પક્ષે તો તિહાર જેલને અતિ આધુનિક 
ફાઇવસ્ટાર હોટેલ કેટેગરીમાં ફેરવી નાખવા માટે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના ધોરણે કામ કરવા 
એક કોર્પોરેટ એમઓયુ કરવા તૈયાર છે એવો 'એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ' પત્ર પણ રજૂ કર્યો હતો.
આ કમિટીની સ્થાયી સલાહકાર સમિતિમાં મેમ્બર તરીકે તિહાર જેલમાં હોય 
તેવા સંસદ સભ્યનો સમાવેશ કરવાની ભલામણનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. 
અને તાત્કાલિક સર્વાનુમતે કલમાડીને આ કમિટીમાં સમાવવામાં આવ્યા હતા.

આમાં સો કરોડ સુધીનાં કૌભાંડ કરનારને ટુ બેડરૂમ
એક હજાર કરોડ સુધીનાં માટે થ્રી બેડરૂમ 
અને એક હજાર કરોડથી ઉપરના કૌભાંડકારીને ફોર બેડરૂમ ફલેટ એલોટ કરવા માટે 
જરૂરી બંધારણીય ફેરફારનો ઠરાવ ચોમાસુ સત્રમાં પસાર કરી દેવામાં આવશે.આખો લેખ વાંચવા અહીં ક્લિક કરો
    
લેખક ના બ્લોગ પર જવા અહીં ક્લિક કરો

3.10.11

શ્રાદ્ધ ના ભોજન ની કથળતી ક્વોલીટી પર એક કાગડા નો કકળાટ !

લોલમ-lol - 
સંદેશ  

તાજેતરમાં મરનાર ઘણાં ડોસા-ડોસીઓને 
પિઝાભાજીપાઉંથી લઈને પાણીપૂરી જેવી આઇટમ ભાવતી હોવાં છતાં 
અફસોસ એ વાતનો છે કે કાગવાસમાં કોઈ અમને પિઝા નથી નાખતું. 
સૌરાષ્ટ્ર તરફના અમારા મિત્રો પણ કહે છે કે કાગવાસમાં કોઈ ગાંઠિયા નાખતું નથી !

તમે નહીં માનોપણ અમારે આ બધો હિસાબ તમારા વડીલોને આપવો પડે છે.
 શ્રાદ્ધપક્ષ પતે એટલે અડધો દિવસ રજા રાખી અમે રિપોર્ટ તૈયાર કરીએ છીએ. 
એ રિપોર્ટ પહોંચે એટલે મહિના સુધી તો ઉપર ધમાચકડી મચી જાય છે !

આખો લેખ વાંચવા અહીં ક્લિક કરો
    
લેખક ના બ્લોગ પર જવા અહીં ક્લિક કરો

કાઠિયાવાડ કે ગાંઠિયાવાડ !

 મસ્તીનાં પૂર - સાંઈરામ દવે

(સંદેશ-અર્ધ સાપ્તાહિક )

                                સાંજ પડયે દોઢ કરોડના ચા-ગાંઠિયા ફાકી જતા અમે બધાય 
કોઈ પણ ડખાનું સમાધાન ચા-ગાંઠિયાથી કરીએ છીએ 
ને વળી કોઈ ચા-ગાંઠિયાનો વિવેક ન કરે તો ડખો પણ કરીએ છીએ !

મારા ગોંડલ ગામમાં ચંદુ નામે એક ભુક્કા કાઢી નાખે એવો ગાંઠિયાવાળો વસે છે. 
રોજ રાત્રે અમારા જેવા કેટલાય નિશાચરો 
અને ભ્રમણ નક્ષત્રમાં જન્મેલા અતૃપ્ત જીવોની ભૂખને ચંદુના ગાંઠિયાથી મોક્ષ મળે છે. 
ઐશ્વર્યાના પોસ્ટર પાસેથી નીકળો અને જેમ એને ટીકી ટીકીને જોવી જ પડે 
એવી જ મોહકતા ચંદુના ગાંઠિયામાં છે. 
એની રેંકડી પાસેથી નીકળો એટલે ગાંઠિયા ખાવા જ પડે ! 
આ મારી ચેલેન્જ છે અને અનુભવ પણ !

મારી તો કલ્પના છે કેઇ.સ. ૨૦૨૦માં ભારત સરકાર 
બસ્સો કરોડની ગાંઠિયાની યોજના વહેતી મૂકે તો નવાઈ નહીં. 
વિશ્વના તમામ દેશોમાં ગુજરાતના ગાંઠિયા એક્સપોર્ટ કરવા માટે 
કેબિનેટમાં ચટણીમંત્રીમરચાંમંત્રી અને ગાંઠિયા વિકાસમંત્રીની નિમણૂક થશે !

હું આપું ગામડાં બે-ચારદિલને મોજ આવે છે,
કે ચંદુ તું વણેલા ગાંઠિયા એવા બનાવે છે.


                                 આખો લેખ વાંચવા અહી ક્લિક કરો.... 

કાગડા કોમ્યુનિટીનો પિતૃપદેથી V.R.S લેવાનો નિર્ણય !

મસ્તીનાં પૂર - સાંઈરામ દવે

(સંદેશ-અર્ધ સાપ્તાહિક )

તમે માણસો કયા બેઇઝ ઉપરથી અમને પિતૃઓ ગણો છો
આ મુદ્દે અમારા પક્ષીસમાજમાં ખૂબ મોટા ઝઘડાઓ થઇ ગયા છે. 
એક તો એકેય બાજુથી તમે લોકો કાગડા જેવા લાગતા નથી. 
કાગડા હોવાનો પ્રથમ નિયમ એ છે કે જેવા અંદર હો એવા જ બહાર દેખાવું પડે
અને જે ગુણ તમે કદી આત્મસાત્ કરી શકતા નથી. 
ઊલટાનું તમે તો સફેદ કપડાં પહેરીને કાળા ધંધા આદરો છો. જે ગુણ બગલા સાથે મળતો આવે છે. 
તો આપ સર્વે મનુષ્ય સમાજને વિનંતી છે કે બગલા અથવા વાંદરાને આપ ખીર ખવડાવો ! 

 તમારા પિતૃઓની તો ખબર નથી 
પરંતુ ગયા ભાદરવે તમારી ભેળસેળવાળી ખીરથી 
અમારા ૨૧૫ જેટલા કાગડાઓ અવસાન પામીને પિતૃ થઇ ગયા !

આખો લેખ વાંચવા અહી ક્લિક કરો....