12.11.12

જાણીને છેતરાવાની કળા (અક્રમ વિજ્ઞાન / દાદાવાણી )જાણીને છેતરાવાની કળા 


બુદ્ધિનું ચલણ આવે તો બુદ્ધિ બોસ (ઉપરી) થઈ બેસે,  અને જો જાણીજોઈને છેતરાય, તો બુદ્ધિ જાણે કે આ મારું ચલણ નથી રહ્યું. નહીં તો બુદ્ધિ જાણીજોઈને છેતરાવા ના દે. એ પ્રોટેક્શન (રક્ષણ) ખોળી જ કાઢે. પણ આપણે જાણીજોઈને છેતરાઈએ એટલે બુદ્ધિ ટાઢી પડી જાય, ‘યસ મેન’ (હાજી હા કરનાર) થઈ જાય પછી, અંડરહેન્ડ તરીકે રહે. બુદ્ધિને નોકર બનાવી દો, બોસ નહીં. એક મહિના સુધી છેતરાય છેતરાય કરે તો ધીમે ધીમે બુદ્ધિનું ચલણ ઓછું થઈ જાય.મારું ચલણ નથી બુદ્ધિ એમ કહે પછી. જાણીને છેતરાઓ.

બુદ્ધિ હોય ત્યાં સુધી મૂળ સ્વરૂપ ઉત્પન્ન થાય નહીં. જ્યારે બુદ્ધિ ખલાસ થઈ જાય, બુદ્ધિનો એક સેન્ટ ના હોય, ત્યારે એ મૂળ સ્વરૂપ ઉત્પન્ન થાય.

સમજીને છેતરાવા જેવો કોઈ પરમાર્થ નથી. જ્ઞાની છેતરાય ક્યાં ? જાણીબૂઝીને.તમે કોઈ દહાડો જાણીબૂઝીને છેતરાયા હતા ? જાણીબૂઝીને છેતરાય એ મોટામાં મોટું મહાવ્રત કહેવાય છે આ દુષમકાળનું. જાણીજોઈને છેતરાવું એના જેવું મહાવ્રત કોઈ નથી આ કાળમાં ! બહુ પુણ્ય હોય તો આપણને છેતરાવાનું મળે ! આ કાળમાં જ છેતરનારા મળ્યા. પહેલા તો આપણે બાધા રાખીએ તોય છેતરનારા નહોતા મળતા.

માનીને માન આપી,
લોભિયાથી છેતરાય,
સર્વનો અહમ્ પોષી
વીતરાગ ચાલી જાય

સર્વનો અહમ્ પોષીને વીતરાગ ચાલ્યા જાય ! એનો બિચારાનો અહમ્ પોષાય અને આપણો છૂટકારો થઈ ગયોને ! નહીં તોય રૂપિયા કંઈ ઠેઠ આવવાના છે ? એના કરતાં અહીં એમ ને એમ છેતરાઈને લોકોને લઈ લેવા દોને ! નહીં તો પાછળ લોક વારસદાર થશે ! એટલે છેતરાવા દો ને ! 

છેતરનાર હોય એનેય અસંતોષ ના થાય, હું અપમાન કરું તો મને પકડી રાખે લોકો બધા. જે તે રસ્તે આ લોકોને માન આપીને, તાન આપીને, પૈસા આપીને પણ અહીં આ છે તે સહી કરો. આ બધું અહીં જ પડી રહેવાનું. નહીં આપો તો છેવટે લઈ લેશે મારીઠોકીને. લઈ લે કે ના લઈ લે ? તો તે ઘડીએ માબાપ કહેવું તેના કરતા પહેલેથી માબાપ કહોને! પણ શું થાય ? કર્મમાં વાંધા લખેલા હોયને, તે છૂટે નહીં. 

આ દુનિયામાંથી કશું જ લઈ જવાનું નથી, તો પછી આપણે સામાને શું કામ રાજી ના રાખીએ ? ‘સર્વનો અહમ્ પોષી વીતરાગ ચાલી જાય.આ અહમ્ ના પોષીએ તો આ લોકો આપણને આગળ જવા જ ના દે ! અમારું આ બાકી રહ્યું, અમારું આ બાકી રહ્યુંએમ કહીને અટકાવે. આગળ જવા દે કોઈ ? અરે, ફાધર-મધર પણ ના જવા દે ને ! સમભાવે નિકાલ કરવાથી પેલી બાજુ કચકચ કરવામાં બુદ્ધિનો ઉપયોગ જ ના વપરાય. ઉપયોગને જ તાળા વાગી જાય.

છેતરાવું બંધન નથી, છેતરાવું તો એ ચોખ્ખા જ થાય છે. હા, છેતરાવા દેવાનું. છેતરાવા માટે જ આ જગત છે. છેતરાઈ જશો તો આ ચોખ્ખા થશે, નહીં તો ચોખ્ખા શી રીતે થશો ? લોક પોતે ગંદવાડો વેઠીને સામાને ચોખ્ખો કરી આપે છે.

આપણે જાણીએ કે આ છેતરવાનો છે તોય એને એમ ચા-પાણી કરીએ, જમાડીએ પછી છેતરાઈએ. હું તો એવી રીતે જ છેતરાયેલો છું અને એ રીતે મને લોકોએ મુક્ત કર્યો છે. એમના થકી, એમની ઓળખાણ થકી.

ખરી રીતે છેતરનારા એ જ છેતરાય છે ને ! છેતરાયેલો અનુભવને પામે છે, ઘડાય છે. જેટલું ખોટું નાણું હોય, તેટલું જ લૂંટાઈ જાય ને સાચું નાણું હોય, તો તેનો સદ્ઉપયોગ થાય ! જેટલું ડિસાઈડેડ (નક્કી) છે એટલું જ થશે. અન્ડિસાઈડેડ (અનિર્ણિત) કશું થવાનું નથી. તમારી પાસેથી કોઈ લાભ લઈ શકે નહીં.આ મને છેતરી ગયોતેમ બોલ્યો તે ભયંકર કર્મ બાંધે, એના કરતાં બે ધોલ મારી લે તો ઓછું કર્મ બંધાય. એ તો જ્યારે છેતરાવાનો કાળ ઉત્પન્ન થાય, આપણા કર્મનો ઉદય થાય ત્યારે જ છેતરાઇએ. એમાં સામાનો શો દોષ ? એણે તો ઊલટું આપણું કર્મ ખપાવી આપ્યું. એ તો નિમિત્ત છે. છેતરી ગયા તે ગેરકાયદેસર હોય છે ?

માણસને કોઈ છેતરી જાય તો છેતરનારો એની આત્મશક્તિ એને આપી દે છે અને એની આ શક્તિ એ પોતે લઈ લે છે. એટલે સૂક્ષ્મમાં અપાઈ રહ્યું છે બધું. એટલે હું છેતરાવા જ માંગતોતો. છેતરાઈને તો આ કમાણી થઈ છે મારી. આમ તો વેચાતું લેવા જઈએ, તો આપે નહીં કોઈ એટલે આ રીતે વેચાઈને લઈ લઈએ.

વડોદરા આવું ત્યારે આજુબાજુવાળા કોઈ કહેશે, ‘અમારું ગંજી પહેરણ લાવજો, અમારું આ લાવજો. મારો સ્વભાવ કેવો ? જેની લારી આગળ ઊભો રહ્યો અને પૂછ્યું એટલે એને ત્યાંથી જ લેવાનું. પછી વધતું-ઓછું હોય તોય  નભાવી લેવાનું. કારણ કે એને દુઃખ ના થાય એટલા માટે એને ત્યાંથી જ લેવાનું. અને જે લોકોએ વસ્તુઓ મંગાવેલી, તે લોકો સાત જગ્યાએ પૂછી પૂછીને, બધાંને અપમાન કરી કરીને પણ લઈ આવે. એટલે હું જાણું કે આ લોકો મારા કરતાં બે આને ફેર લાવે એવા છે. એટલે હું બે આના એ અને એક આનો વધારાનો, એમ કરીને ત્રણ આના બાદ કરીને હું પેલાને રકમ કહું. બાર આના આપ્યા હોય તો નવ આના મેં આપ્યા છેએવું એને કહું.

છેતરાવાની જગ્યા, ચીજો અહીં પડી રહેવાની છે અને વગર કામના વેર બાંધવા નકામા આ લોકોની જોડે. તમે છેતરાજો પણ કોઇનેય છેતરશો નહીં. નાનપણથી મારો પ્રિન્સિપલ’ (સિદ્ધાંત) એ હતો કે સમજીને છેતરાવું. (પૈસા તો) કાલે આવી મળે. આ બધા સંબંધો બગાડવા એ તો ભયંકર ગુનો છે.

અમે માકણને જાણીજોઈને કૈડવા દેતા હતા, એને પાછો તો ના કઢાય બિચારાને ! આપણી હોટલમાં આવ્યો ને જમ્યા વગર જાય ? મારી હોટલ (પુદગલ) એવી છે કે આ હોટલમાં કોઈને દુઃખ આપવાનું નહીં. એ અમારો ધંધો છે. હવે એ ફળ શું આપે ? માકણમાં રહેલા વીતરાગ અમારી મહીં રહેલા વીતરાગને ફોન કરે કે આવા દાતા કોઈ જોયા નથી, માટે આમને છેલ્લામાં છેલ્લું પદ આપો.આ માકણ હોય છે તે લોકો ઊંઘે છે ત્યારે જમી જ લે છે. પણ અમે શું કર્યું કે જાગતા જમી લેવા દો. લોકો ઊંઘતા જમવા દે છે અને અમે જાગતા જમવા દઈએ છીએ અને પાછું એને મારવા-કરવાની વાત જ નહીં. આમ હાથમાં તરત આવે, પણ અમે એને પાછું પગ ઉપર મૂકી દઈએ. જો કે હવે મારી પથારીમાં માકણ આવતા જ નથી, બિચારાનો હિસાબ પૂરો થઈ ગયો છે. જો હિસાબ અધૂરો રાખીએ તો હિસાબ કાચો રહે.અને માકણ બિચારા જમવા આવે છે, ત્યારે અહીં કંઈ ડબ્બો લઈને નથી આવતા. એ ખાય એટલું જ, પણ જોડે ટિફિન કશું લઈ જવાનું નહીં. ટિફિન ભરી જતા હશે ? પણ એ જમે એટલું બધું કે બિચારાને આમ હાથ અડાડે તો પેટ ફૂટી જાય એનું, તે મરી જાય બિચારો ! ને આપણો હાથ પાછો ગંધાય !!

પ્રાજ્ઞ સરળતા જોઇએ, સમજણપૂર્વકની સરળતા. સમજીને છેતરાય એ પ્રાજ્ઞ સરળતા કહેવાય. ત્યારે મોક્ષે જવું (હોય) તો આવું જોઈશે, સમજીને છેતરાવું.
સરળતા એટલે બીજા કહે કે તરત માની લે, ભલે છેતરાવાનું થાય. એક છેતરશે, બે છેતરશે, પાંચ છેતરશે પણ સાચો માણસ પછી ત્યાં મળશે એને ! નહીં તો સાચો મળે જ નહીં ને ! સીસ્ટમસારી છેને ? છેતરાય, એ તો આપણા પ્રારબ્ધમાં લખ્યું હશે તો છેતરશે, નહીં તો શી રીતે છેતરશે ? એટલે છેતરાતાં છેતરાતાં આગળ જશો તો પેલું સાચું મળી આવશે.

છેતરાતાં છેતરાતાં કામ સારું થશે અને જે છેતરાવા ના રહ્યા એ તો ભટકી ભટકીને મરી જશે, તોય ઠેકાણું નહીં પડે. કારણ કે વિશ્વાસ જ ના બેસે ને ! શંકાશીલ થયા એનો ક્યારે પાર આવે ? ‘છેતરાઈને શીખો. એ મને બહુ ગમેલું અને ગાંધીજીએ એમાં મને હેલ્પ કરી. ગાંધીજી કહે છે, ‘હું તો માણસ જાત ઉપર વિશ્વાસુ છું. છેતરાવાની જ મજા માણું છુંકહે છે. શું કહે છે ? છેતરાશો નહીં તો તમને મહાન પુરુષ મળશે નહીં. છેતરાવાનું જે બંધ કરી દે, કોરો-ચોખ્ખો રહે છે, તે ચોખ્ખો ત્યાં આગળ લાકડામાં જતો રહેશે. લાકડામાં ચોખ્ખો જ જતો રહે ને? માટે સો-સો જગ્યાએ છેતરાયા પણ એક માણસ એવો મળી આવશે કે તારું કામ નીકળી જશે.

સમજીને છેતરાવા જેવી પ્રગતિ આ જગતમાં કોઈ પણ નથી. આ સિદ્ધાંત બહુ ઊંચો છે. મનુષ્યજાતિ પરનો વિશ્વાસ એ તો બહુ ઊંચી વસ્તુ છે.

 જ્ઞાની પુરુષનું તો આજે આ ખોળિયું છે ને કાલે આ પરપોટો ફૂટી જશે તો શું કંઇ મોક્ષમાર્ગ રખડી મર્યો છે ? ત્યારે કહે, ‘ના, જો આટલી શરતો હશે કે જેને મોક્ષ સિવાય બીજી અન્ય કોઇપણ જાતની કામના નથી અને જેને પોતે જાણીજોઇને છેતરાવું છે એવાં કેટલાંક લક્ષણો એના પોતાનામાં હશે ને તો એનો મોક્ષ કોઇ રોકનારો નથી; એમ ને એમ એકલો ને એકલો, જ્ઞાની સિવાય બે અવતારી થઇને એ મોક્ષે ચાલ્યો જશે !

મારે મોક્ષે જવું છે, મારે અહીં આગળ પૈસા ભેગા કરવા નથી આવ્યો. પાછું એમેય જાણું કે નિયમના આધીન છેતરે છે કે અનિયમથી ? ત્યારે કહે, નિયમને આધીન.

આ દુનિયામાં જે છેતરાય, જાણીજોઇને છેતરાય, એના જેવો પાકો આ જગતમાં કોઇ છે નહીં ને જે જાણીબૂઝીને છેતરાયેલા તે વીતરાગ થયેલા.માટે જેને હજી પણ વીતરાગ થવું હોય તે જાણીબૂઝીને છેતરાજો.

જગતથી છેતરાઇને પણ મોક્ષે ચાલ્યા જવા જેવું છે. વખત ખરાબ આવી રહ્યો છે. બ્યાશી હજાર વર્ષ સુધી તો માણસને ઊંચું જોવાનો વખત નહીં મળવાનો. એટલા ભયંકર દુઃખોમાં, યાતનામાં રહેશે બધા માણસ, માણસ થશે તોય.તેથી અમે કહીએ ને ચેતો, ચેતો, ચેતો. જે જાણીબૂઝીને છેતરાય તે મોક્ષનો અધિકારી !