10.10.11

ભૂમિતિ શિક્ષકનો પ્રેમપત્ર 

(વાતનું વતેસર)


ડો. રઈશ મનીઆર

શાળામાં રિસેસ પછી ભૂમિતિનો પિરિયડ ન રાખવો જોઈએ એટલા માટે ભૂમિતિનો પિરિયડ રિસેસ પછી રાખવામાં આવે છે!

ત્રિકોણ સમોસાં કે ગોળ બટાકાવડાં કે ચોરસ સેન્ડવિચ આત્મસાત્ કર્યા પછી ભૂમિતિમાં શીખવાનું શું બાકી રહે? એમ વિચારી વિદ્યાર્થીઓ ઊંઘી જાય છે. પછી ભૂમિતિ શિક્ષક ભૂમિતિ શીખવે છે.

ભૂમિતિનો પ્રોબ્લેમ એ છે કે એ વિદ્યાર્થીઓને પ્રેમ કરવાની ઉંમરે પ્રમેય શીખવવા માગે છે.

ભૂમિતિ ભણી વિદ્યાર્થીઓ એટલું જ શીખે છે કે કશું પણ સાબિત કરવું હોય તો ન સમજાય એ રીતે જ કરવું.

હસુભાઈ પુત્રને ભૂમિતિ શીખવી રહ્યા હતા ત્યારે જ એમને ખ્યાલ આવ્યો કે પત્નીની સરખામણીમાં એમનું જીવન પ્રમેય જેવું છે. હંમેશાં ઊંધીચત્તી રીતે કશું સાબિત જ કર્યા કરવું પડે.

જ્યારે હેમાબહેનનું જીવન પૂર્વધારણા જેવું છે. જે કહું તે માની જ લેવાનું કોઈ મગજમારી નહીં.

ભૂમિતિ ભલે નીરસ હોય પણ ભૂમિતિ શિક્ષકો ઘણી વાર રસિક હોય છે.

પ્રેમિકા જાડી થઈ ગઈ એમ કહેવાને બદલે એ કહે છે તારી લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર વેગપૂર્વક ઘટી રહ્યો છે.

તું લંબચોરસમાંથી સમબાજુ થઈ રહી છે.

આ ભાષાનો વધુ લહાવો લેવો હોય તો

કિરણભાઈ અડધિયા નામના ભૂમિતિ શિક્ષકે એમની પ્રેમિકા બિંદુબહેન વ્યાસને લખેલો પત્ર વાંચો.

પ્રિય બિન્દુ,

પ્રિયે! તને યાદ છે, તારી બર્થડે પર મેં તને શહેરના સમબાજુ ચતુષ્કોણ પર એટલે કે ચોક પર શંકુ આકારના ખાદ્ય પાત્રમાં અનિયમિત આકારનો શીતલ ઘન તરલ પદાર્થ (આઈસક્રીમ) ખવડાવ્યો હતો ત્યારે પ્રેમથી તારી તરફ તાકતાં રહેવાને બદલે એ શંકુનું ઘનફળ માપવામાં વ્યસ્ત થઈ ગયો હતો ત્યારે તું ત્રણ દિવસ સુધી રીસાઈ ગઈ હતી. અને તને મનાવવા મેં તને ગિફ્ટ બોક્સ આપતાં તારા મુખ પર ખુશીનાં અર્ધવર્તુળો રચાઈ ગયાં હતાં, પરંતુ ગિફ્ટ ખોલતાં અંદરથી ફરી એક વાર કંપાસબોક્સ નીકળતાં તું ત્રણ મહિના માટે રીસાઈ ગઈ હતી. મારા મિત્રો હવે મને સલાહ આપે છે કે ફરી વાર મોટો કંપાસ ગિફટ આપ. જેથી તું ત્રણ વર્ષ માટે અબોલા લઈ લે તો મારું પીએચડી પૂરું થાય. પણ મારું મન કહે છે પીએચડી એટલે કે પ્યાર હોને દે. પણ આ વાત મારા મિત્રોને નહીં સમજાય.

તને કેન્દ્રમાં રાખીને ચક્રાકારે ભ્રમણ કરતો હોવાથી મારા મિત્રો મને ચક્રમ કહે છે એનો મને અફસોસ નથી. ક્યારેક તારી નજીક આવવાના મારા બધા પ્રયાસો તારી સહેલીઓ જયા, વિજયા અને રજિયા જેમને સમૂહમાં હું ત્રિજ્યા તરીકે ઓળખું છું તેઓ વિફળ બનાવે છે. એનાથી પણ હું હિંમત નથી હારતો અને પરિઘ પકડી રાખું છું, તારી ઉપર લંબ બની મંડરાતો પેલો લમ્બૂ અને તને નમીનમીને તારી સાથે સ્પર્શરેખા રચવા મથતો પેલો નમન, આ બંને તને મધ્યમમાં રાખી ૯૦ અંશનો ખૂણો બનાવી બેઠા છે એ દૃશ્ય પણ સાવ સામેથી નિઃસહાય કર્ણની જેમ જોવાની હામ અત્યારે તો મારામાં છે. પણ યુકલીડના સોગંદ, જે દિવસે મારા ગુસ્સાનું ક્ષેત્રફળ મારી ધીરજની પરિમિતિ કરતાં વધી જશે ત્યારે સાવ એકલે હાથે માત્ર પરિકરને સહારે એમનો સામનો કરી એમને અનંતબિંદુ સુધી ભગાડીને જ જંપીશ.

છેલ્લા ૩ મહિના અને ૧૪ દિવસથી મારી તો જિંદગી પાઈ અને હાથાપાઈની વચ્ચે પસાર થઈ રહી છે. હું તને સાચો પ્રેમ કરું છું એવું પક્ષ સાધ્ય અને સાબિતિ સહિત પુરવાર કરવા છતાં કટાયેલા કાટકોણ જેવો તારો ભાઈ મને જોતાં જ ભારે ઘનફળવાળા પથ્થરો વડે મારી ભૂમિતિ બગાડવાની ધમકી આપે છે. એને ખબર નથી કે અગાઉ જ્યારે હું પેલી બેવફા રેખાના પ્રેમમાં હતો ત્યારે આપાતકોણની જેમ ત્રાટકેલા એના ભાઈએ મારા જમણા બાહુની અસ્થિરેખાનું વિખંડન એટલે કે ફ્રેકચર કરી મારા હાથને ત્રિકોણાકાર ઝોળીમાં મુકાવી દીધો હતો તે છતાં રેખાને બીજો બબૂચક મળી ગયો ત્યાં સુધી એના અને મારા ઘર વચ્ચેના અંતરની રોજ માપણી કરી હતી.

ભાવાર્થ એ જ કે મારો પ્રેમ પ્રમેય જેટલો પ્રેમાળ અને નિર્મેય જેટલો નિર્મળ છે. એક દિવસ જાન લઈ તારા આંગણે આવીશ. જાનમાં કોણ આવશે? ત્રિકોણ, ચતુષ્કોણ પંચકોણ, બહિષ્કોણ, અંતઃકોણ..બીજું કોણ? પાયથાગોરસની સાક્ષીએ સાત વાર વર્તુળાકાર ગતિ કરી તારી સાથે લગ્ન કરીશ, હનીમૂન પર તને જંતરમંતર લઈ જઈશ અને પછી પિરામિડ આકારના ઘરમાં આપણે સુખેથી જીવન વીતાવીશું. આપણાં બાળકો ક્ષિતિજ અને વલય ફૂટપટ્ટી અને કોણમાપક વડે ધિંગામસ્તી કરતાં હશે. કામવાળી જ્યારે નળાકાર આકારના પાત્રમાં ગોળાકાર ફળનો રસ લઈને આવશે ત્યારે એ નળાકાર પાત્રનું ઘનફળ માપવાની આદત હું ભૂલી ચૂક્યો હોઈશ.

લિખિતંગ (ખરેખર તંગ)

તને પામી સંપૂર્ણ થવા માંગતો

અડધિયા કિરણ



ટિપ્પણીઓ નથી: