7.11.11

ગણપતિબાપા સાથે એક મુલાકાત

પ્રભુ બોલ્યા,  
તારી સોસાયટીવાળા સસ્તા મહારાજ ઊંચકી લાવ્યા છે તે ‘સ’ના બદલે ‘શ’ બોલે છે. 
 ‘કરું તમારી શેવા’ એમ બોલે છે ત્યારે મને ખરેખર ડર લાગે છે કે 
હવે એ અસ્ત્રો લઈ મારી શેવ કરી નાખશે. 

કાલે જ મારા જે ભાવિક ભક્તે મારી સ્થાપના કરી એને હું મનોમન આશીર્વાદ આપતો હતો. 
ત્યાં જ એનાં મમ્મીએ બાળકને કહ્યું, “લોર્ડ ગણેશાને પ્રે કરી લો. બ્લેસિંગ્સ લઈ લો.” 
બાળકે માથું નમાવ્યું. મેં આશીર્વાદ આપવા માટે હાથ લાંબો કર્યો ત્યાં જ ખબર પડી 
કે બાળક બ્લેસિંગ માટે નહીં પણ લાડુ લેવા માટે નમ્યો હતો. 
લાડુ ખાતાં ખાતાં બાળકે પપ્પાને પૂછયું, “પપ્પા, ખરેખર કોઈનું માથું આવું હોય?” 
 પપ્પા બોલ્યા, “બેટા, આ તો રિલિજિયસ સિમ્બોલ છે.” 
બાળક બોલ્યો, “અચ્છા, હું તો સમજેલો કે આ સ્ટેટસ સિમ્બોલ છે.” 
પપ્પા લાડવો ઉપાડવા ગયા ત્યાં જ મમ્મી તાડુકી, 
“રહેવા દો, કાલે બ્લડ સુગર કરાવવાનું છે.”
આટલું બોલતાં ગણપતિબાપાને ડૂમો ભરાયો, 
 પછી આગળ એ ભક્તાણીએ શું કહ્યું ખબર છે? 
 મને બતાવીને, ટુ બી પ્રિસાઇઝ મારું પેટ બતાવી, પોતાના પતિને કહ્યું કે, 
“આપણે આમના જેવા નથી થવાનું સમજ્યા!”


મૂર્તિકારે જ્યારે મને રચ્યો ત્યારે મેં કહ્યું કે ધન્ય છે તારી ભક્તિ! 
તેં માટીમાંથી શ્રદ્ધાપૂર્વક-ભાવપૂર્વક મને અવતાર્યો.
એ બોલ્યો,”પ્રભુ, તમે પાછલું અડધું સાચું બોલ્યા, 
 મૂર્તિ રચવાના ધંધામાં શ્રદ્ધા જેવું તો ખાસ પોસાય નહીં, પણ ભાવ સારો મળે છે. 

આમ પણ એ બહેનને ત્યાં તો મને રોજ ધ્રાસકા પડે છે. 
એક તો એમના નોકરનું નામ પણ ગણેશ છે.
જોકે, નોકરને એ ગણેશ અને મને એ ગણેશા કહે છે. 
મારા નામની આવી દુર્દશા સાંભળી મારા મોંથી નીકળી ગયું, “હે રામ!’ 
 તો ભગવાન રામ ત્યાં જ રામા સ્વરૂપે પ્રગટ થઈ બોલ્યા, 
“આ લોકોએ મને ય રામમાંથી રામા બનાવી નાખ્યો તો તું તો બચ્ચું છે.”

(વાતનું વતેસર)

ટિપ્પણીઓ નથી: