8.11.11

આંદામાન : તમે બની જશો દિવ્યત્વને ‘ભાળી’ ગયેલો માણસ !


એલિફન્ટ બીચ પર બોટવાળો તમારા મોંમાં સ્નોર્કલ (ભૂંગળી વડે શ્વાસ લેવાનું સાદું સાધન) ગોઠવશે. એ તમને હાથ પકડીને ધીમે ધીમે પાણીમાં લઈ જશે. 

જરાક વારમાં, જાણે અચાનક વગડો પૂરો થયા પછી શહેર શરૂ થઈ જાય એમ, 
તમે દરિયાઈ સૃષ્ટિના એક ધમધમતા શહેરમાં પહોંચી જાવ. 
ના, એમાં ઘોંઘાટ જરાય નહીં. ઘોંઘાટ છોડો, એક પણ અવાજ તમને ન સંભળાય. 
ગાઢ નીરવતા... 
તમારું શરીર આપોઆપ, બોટવાળાની દોરવણી પ્રમાણે દરિયામાં વહેતું રહે 
અને તમારી નજર સામે હોય રંગો... 
એક-બે રંગો નહીં, હજાર-બે હજાર રંગો પણ નહીં, જાણે લાખ્ખો રંગો... 
જી હા, લાખ્ખો રંગો... 
એવું લાગે જાણે રંગો કિકિયારી કરી રહ્યા છે, 
ચિલ્લાઈ રહ્યા છે, 
સહેજ પણ અવાજ કર્યા વિના. અને એ રંગો પાછા સ્થિર ન હોય.  














તમે એક ફૂટ આગળ વધો તો જાણે નવું જ જગત... 
ત્યાંથી એક ફૂટ આગળ વધો તો બીજું નવું જગત... 




ગણ્યાં ગણાય નહીં અને વીણ્યાં વિણાય નહીં એટલાં પરવાળાં, 
વનસ્પતિ, માછલી અને અન્ય જીવો... એમાંના તમામ પાછા એકદમ ખુશ લાગે. 








પોતાના રંગો દ્વારા એ જાણે પોતાના હોવાપણાની-
અસ્તિત્વની ખુશી વ્યક્ત કરી રહ્યા હોય એવું લાગે. 
‘હું છું એ જ કેટલો મોટો ઉત્સવ છે!’ એવું કહી રહ્યા હોય એવું લાગે. 




થોડી જ વારમાં, આપણે જમીન પરના જીવ (મનુષ્ય) હોવા છતાં 
જાણે આપણે પણ એ દરિયાઈ ભીડમાંના જ એક જીવ હોઈએ 
અને વર્ષોથી એ બધા સાથે અલગ છતાં એકાકાર થઈને જીવી રહ્યા હોઈએ એવું લાગે. 
દરિયામાં લહેરાતું આપણું અસ્તિત્વ પણ 
પેલા લાખ્ખો રંગોમાં એક વધારાનો રંગ ઉમેરનાર શરીર સિવાય બીજું કશું જ નથી એવું લાગે...






સોરી, શબ્દ સાવ ટૂંકા પડી રહ્યા છે, સાવ જ ટૂંકા. 
રંગ, ઉમંગ, તરંગ... આ બધાની ટોચે (વાસ્તવમાં દરિયાના તળિયે) 
તમે છેવટે એટલા શૂન્યમનસ્ક થઈ જાવ 
કે પેલો બોટવાળો તમને રંગોના એ શહેરમાંથી અચાનક ફરી વગડામાં, ફરી કાંઠે લઈ આવે 
ત્યારે તમે... તમે થોડી પળો કશું બોલી ન શકો. 
‘ઝિંદગી ન મિલેગી દોબારા’ના હૃતિકની જેમ. 


આવો અનુભવ લીધા બાદ કોઈ હૃતિકની જેમ રડી પડે તો એના પર હસવું નહીં, પ્લીઝ. 
મારા અનુભવની વાત કરું તો, મારી બોલતી બંધ થઈ ગઈ. 
મગજ એવું ઠપ્પ થઈ ગયું કે કેમેય ઝટ ચાલુ ન થાય (મારે ચાલુ કરવું પણ નહોતું). 
કાંઠા પર આડા પડેલા ઝાડના મૂળિયા પર બેઠા પછી પણ થોડી વાર સુધી તો હું કોઈ મનુષ્ય (લેખક-ફેકક, પત્રકાર-ફત્રકાર તો દૂરની વાત છે, માત્ર અને માત્ર મનુષ્ય) જેવો વિચારશીલ જીવ નહીં, બલકે દરિયામાં લહેરાતા પેલા જીવો જેવો, વિચારશૂન્ય, નૈસિર્ગક, શાંત, મૌન જીવ હોઉં એવી મારી અવસ્થા રહી.





આવા અનુભવ પછી તમે... તમે... જાણે રમેશ પારેખ બની જાવ. 
ના, એમના જેવા કવિ બની જાવ એવું હું નથી કહેતો. 
કોઈ મહારથીએ રમેશ પારેખ વિશે કહેલું કે ‘આ માણસ કશુંક ‘ભાળી’ ગયો છે.’ 
મતલબ, એણે જાણે દિવ્યત્વનો સાક્ષાત્કાર કર્યો છે. 
તો, એવો જે માણસ છે, ‘ભાળી ગયેલો માણસ’, એવા તમે બની જાવ, 
એલિફન્ટ બીચની દરિયાઈ સૃષ્ટિ ‘ભાળી’ ગયેલો માણસ...
એક વાર એ ભાળ્યા પછી વાત ત્યાં અને ત્યારે પૂરી નથી થતી.

પછી તો લાંબા સમય સુધી તમને રહી રહીને એવા ઝબકારા થાય કે 
‘આ ઇશ્વર કે પ્રકૃતિ કે જે કહો તે, એણે સૃષ્ટિમાં જે અપાર સૌંદર્ય વેર્યું છે 
એ માત્ર મનુષ્યના લાભાર્થે નથી. 
માનવી દરિયાના પેટાળમાં તો હમણાં હમણાંથી, સાધનોની સગવડો વધ્યા બાદ જતો થયો. 
પણ પેલી અફાટ સૌંદર્યની સૃષ્ટિ તો હજારો, લાખો વર્ષોથી ‘પોતાની ધૂનમાં, પોતાની મસ્તીમાં’ 
લહેરાઈ રહી છે. એ સૌંદર્યને મનુષ્ય માણે કે ન માણે, તેનાથી એ સૌંદર્યને કશો ફરક નથી પડતો.’

હેવલોકથી પાછા ફર્યા બાદ, કામે લાગી ગયા બાદ, ક્યારેક જીવનમાં કોઈ લોચો પડે, મગજ ચૂંથાય ત્યારે અચાનક પેલી દરિયાઈ સૃષ્ટિનું ર્દશ્ય મગજમાં ચમકારો કરે 
કે ‘હે ભાઈ, હે ઊંચાનીચા થતા જીવ, જરાક તો બારીની બહાર જો... 
જેમ એલિફન્ટ બીચના દરિયામાં તેમ આકાશમાં પણ 
જે અપાર રંગો દેખાય એ તો જો... 
અને જમીન પર ચારે તરફ પક્ષીઓ ગાઈ રહ્યાં છે, વૃક્ષો ડોલી રહ્યાં છે, 
પ્રાણીઓ સાહજિક જીવન જીવી રહ્યાં છે.
એ તમામ જીવોએ પણ આફતો, અગવડો વેઠવી પડતી હશે. 
છતાં, મનુષ્ય સિવાયનો ભાગ્યે જ કોઈ જીવ મનુષ્યની જેમ, ક્ષુલ્લક વાતે, 
લાંબું લાંબું વિચારીને દુ:ખી થતો હશે. 
સૃષ્ટિમાં ચોતરફ હિંસા, બીમારી, ભક્ષણ, મરણ હોવા છતાં 
છેવટે તો સૌંદર્યનું, શાંતિનું, ઉલ્લાસનું પલ્લું જ ભારે છે.’

આવા બધા ફિલોસોફિકલ વિચારો તમને આવે કે ન આવે, 
દરિયાઈ સૃષ્ટિ જોવામાં તમને ભારે માંહ્યલી મજા તો આવે જ આવે... 
એની ગેરંટી!

ટિપ્પણીઓ નથી: