24.10.13
4.7.13
મનનું સાયન્સ-દાદા વાણી
દાદા વાણી - ડીસેમ્બર 2012
આપણે મનને
ભાંગી ના નાખવું જોઈએ. મન નાવડું આ બાજુ વળે તો મોક્ષે જાય
ને આ બાજુ વળે તો સંસારમાં ભટકે.સંસારમાં ઊંધે રસ્તેય લઈ જનારું આ મન
છે અને સદરસ્તેય લઈ જનારું આ છે. માટે જ્યાં સુધી કિનારે ના
પહોંચાય ત્યાં સુધી આ મનને ભાંગી ના નાખીશ.
આ બધી ઇન્દ્રિયોના
જેવું મન પણ કામ કરી રહ્યું છે. એનો પોતાનો ધર્મ બજાવી
રહ્યું છે. આપણે મનનો ધર્મ જ પોતે લઈ લઈએ છે કે ‘હું જ કરું છું. આ મને જ વિચાર આવે છે.’ એટલે જ છે તે આ સંસાર ઊભો થાય છે. સંકલ્પ-વિકલ્પ ઊભાં થાય
છે. આત્માનો
સ્વભાવ શું? મનના ધર્મને જોયા કરે, બુદ્ધિના ધર્મને જોયા કરે, બધાના ધર્મને જોવું. કોણ કયો ધર્મ કેવી રીતે બજાવી રહ્યું છે એ જોવું, એનું નામ આત્માનો ધર્મ.
પ્રશ્નકર્તા :
મનમાં વિચારો ઘણી જાતના આવે છે. મન તદ્દન શૂન્ય તો થતું નથી. વિચારો તો
આવ્યા જ કરે છે.
દાદાશ્રી :
વિચાર એ તો એવું છે ને, આ મન છે તે તમને ઇન્ફોર્મ (જાણ) કરે છે. આ સારું છે, આ ભયવાળું છે, આ આમ છે, તેમ છે, એવું એ એનો
ધર્મ બજાવે છે. નહીં તો એ ભયની જગ્યાએ
ના ઇન્ફોર્મ કરે તો એને માટે ગુનેગાર ગણાય. એમાં જેટલું તમારે ગ્રહણ કરવા જેવું લાગે એટલું ગ્રહણ કરવું ને બીજું છોડી દેવાનું. મન તો (એનો) ધર્મ બજાવે છે.મન કેવું છે? રડારની પેઠે
કામ કરી રહ્યું છે. જે એને નજદીકમાં ભય દેખાય, તો બૂમાબૂમ કરી
મેલે. મનનો સ્વભાવ વિચાર કરવાનો છે. આપણે ના કહીએ તોય વિચાર કરે. આપણે કહીએ, ‘આવા વિચાર કેમ કરે છે ?’
ત્યારે કહે,
‘ના, મારે આવાં
વિચાર કરવા છે.’ જેમ સાસુ ખરાબ મળી હોય, તે સાસુની
અથડામણમાં ના આવવું હોય તો છેટા રહીએ, એવું મન જોડે
છેટા રહેવું. એને કહીએ, ‘તું તારી મેળે બૂમો પાડ્યા કર.’વિચારોને કહી દઈએ કે ‘તમારી વાત તમે
જાણો, અમે તમારા પક્ષમાં નથી.’ એટલે તમે ભગવાનના (આત્માના)
પક્ષમાં બેઠા.
જ્ઞાન એક જ એવી
વસ્તુ છે કે જ્ઞાનથી મન બંધાઈ જાય. ‘હું શુદ્ધાત્મા છું’ એ જ્ઞાન
ઉત્પન્ન થયા પછી મન જે કૂદાકૂદ કરતું હોય ને, તે તો આપણે
જોવાનું ને જાણવાનું. પછી એમાં ડખો રહ્યો જ નહીંને ! પછી એને મન મુશ્કેલીમાં મૂકે નહીં અને જ્ઞાન
મળ્યા પછી મન એક્ઝોસ્ટ (ખાલી) થતું જાય. મન કોઈ દહાડો
કંટ્રોલમાં રહી શકે નહીં, એ મિકેનિકલ (યાંત્રિક)
વસ્તુ છે. છતાં એ જ્ઞાનથી બંધાય એવું છે. એમ કરતું કરતું દહાડે દહાડે મન એક્ઝોસ્ટ (ખાલી) થયા કરે, એટલે છેવટે એ ખલાસ થઈ જવાનું. નવી શક્તિ મળતી
નથી, જૂની શક્તિઓ વિખરાયા કરે. તે મન પછી ખલાસ થઈ જવાનું.
પ્રશ્નકર્તા : મન અને આત્મા
એકાકાર થાય તો સંસાર, અને મન અને આત્મા બન્ને જુદા રહે તો સંસાર ખલાસ થઈ ગયો ?
દાદાશ્રી : હા, એ જ મોક્ષ. એનો
સંસાર ખલાસ થઈ ગયો, પછી આ મન છે તે ફેરફાર થઈ અને નાશ થતું જાય. (હવે આપણે) જોયા કરવાનું કે મન શું વિચાર કરે છે. મન ખરાબ વિચાર કરે, સારા વિચાર કરે તોય બસ જોયા કરવાનું નિરીક્ષણ કરવાનું છે ફક્ત. બીજું કંઈ આપણે કરવાનું નથી. વિચાર એ આપણી શક્તિ નથી. એ શક્તિને પોતાની માનવાથી જ આ સંસાર ઊભો થયો છે. મને એમ કેમ વિચાર આવે છે, એવું ના હોય
હવે આપણને. કારણ કે આપણે એના માલિક જ નથી, હતાય નહીં અને
આ જેમ છે તેમ જાણી ગયા. પછી હવે છૂટા થઈ ગયા.
મનને એવું કશું
નથી કે આમ જ બોલવું છે. તમે વાંકા થાવ તો એ વાંકું છે. એટલે નોટેડ ઇટ્સ કન્ટેન્ટસ્ (વિગતોની નોંધ કરી) એવું કહેવાનું. હા, નહીં તો કહેશે, ‘મારું માન નથી રાખતા. આ પ્રમાણે નોટેડ (નોંધ લીધી) કહેજો. તે પછી કશું
નહીં. પછી બીજી સારી વાત કરશે. કારણ કે આ શરીરમાં મન એક જ ચીજ એવી છે જે સંપૂર્ણ વિરોધાભાસી છે. દરેક રીતે વિરોધાભાસી હોય
તો મન છે. મનમાં જે ભાવો છે તે ભાવ પ્રગટ થયા વગર રહે નહીં. કારણ કે મન છે એ બોલ્યા વગર રહે નહીં. એ બોલે તો આપણે કામનું હોય
તો સાંભળવું. ના કામનું હોય તો ‘તમારી વાત ખરી છે, હવે અમે ચેતવણી લઈશું’, કહીએ. મનને ખસેડવાની જરૂર નથી, મારવાનીયે જરૂર નથી.
કોઈને મારશો અને તમે મોક્ષે જશો એ ક્યારેય નહીં બને. મનને કહીએ, ‘તું તારી મેળે જીવ.’ અમે અમારી જગ્યાએ અમારા સ્થાનમાં છીએ, તું તારા સ્થાનમાં છે.
પ્રશ્નકર્તા :
વિચારો આવતા હોય અને ગમતા હોય તો ?
દાદાશ્રી :
આપણે તો જાગૃતિ જોવા માગીએ છીએ કે બહુ વિચાર આવે પણ તે ચંદુભાઈના છે, તમારે લેવાદેવા નહીં. સારા વિચાર આવે છે, એ મન વિચાર કરે
છે ને તમે ચોંટી પડો છો કે ‘મને વિચાર આવ્યા, મને વિચાર
આવ્યા!’ ન્હોય તારા, આ તો મનના છે.
આપણે તો સારા
આવે છે કે ખોટા આવે છે, બેઉ વોસરાવી દીધું. આપણે ને એને લેવાદેવા નહીં.
વિચાર તો શું
ના આવે ? જરાક તબિયત નરમ થઈ ત્યારે કહેશે, મરી જવાશે કે શું ? એય વિચાર આવે.
આવે કે ના આવે ? એ બધા વોસરાવી
દેવાના.માંદા પડ્યા હોય ને, તો મહીં એમ ચેતવેય ખરું કે ‘મરી જવાશે તો ?’
ત્યારે આપણે કહીએ કે ‘ભાઈ, હા. અમેય હવે બરોબર રેગ્યુલર (નિયમિત) રહીશું એ બાબતમાં. હવે
બીજી વાત કરો.’ પછી મન બીજી વાત કરે. પણ આ અજ્ઞાની
મનુષ્યોનો સ્વભાવ કેવો ? મનને જે વિચાર આવ્યો તેની
મહીં તન્મયાકાર થઈ જાય. એટલે પછી આગળની વાત કહેવાની રહી ગઈ, બધું એમાં ડૂબી
મરે.
અજ્ઞાનતા શું ના કરે? તન્મયાકાર થઈ જાય. એ કહેતા પહેલા જ
તન્મયાકાર થઈ જાય.
વિચારો ખરી
રીતે વિચારો કહેવાતા જ નથી, એ છે તો એક્ઝોસ્ટ થયા કરે છે. મન એ કોઠી ફૂટે એમ ફૂટ્યા કરે છે ને મહીં જાત જાતના
ઝળકાટ થાય છે, તેને જોવાનું. પોતે જ માલ ભરેલો. મનનું બધું
જ મિનિંગલેસ છે. એ ડિસ્ચાર્જ થતી વસ્તુ છે. એમાં ચાર્જ હોય એ મિનિંગવાળું, ડિસ્ચાર્જ એ બધું મિનિંગલેસ.
પ્રશ્નકર્તા :
મન જ્યારે મિનિંગલેસ વાત પર ચઢી ગયું હોય તો શું કરવું જોઈએ ?
દાદાશ્રી :
આપણે એમાં તન્મયાકાર નહીં થવાનું. અજ્ઞાન દશામાં તન્મયાકાર થતા હતા. હવે તન્મયાકાર નહીં થવાનું.
આ અમે
સાંતાક્રુઝથી અહીં આગળ ટેક્ષીમાં આવતા હોય ને કોઈ જગ્યાએ કોઈ ગાડીઓની અથડામણ થયેલી હોય ને, તો અમારું મનેય કહે કે ‘આગળ એક્સિડન્ટ
થાય એવું છે.’ ત્યારે મેં કહ્યું,
‘ભઈ, અમે નોંધ લીધી.
તારી વાત બરોબર છે. અમારે જાગૃત રહેવું જોઈએ.’ પછી બીજો વિચાર
આવે કે ‘એવું કશું નથી કે જે તમને એક્સિડન્ટ
કરાવે.’ ત્યારે આપણે એમ કહેવું કે ‘એ અમે નોંધ કરી.’ કોઈક જગ્યાએ
એક્સિડન્ટ થયેલા હોય, એવી જગ્યાએથી જવાનું થયું તો ત્યાં મન આપણને કહેશે કે ‘એક્સિડન્ટ થશે તો ?’ તો આપણે જાણવું કે અત્યારે મન-રડાર આવું બતાડે છે. એટલે ‘હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું’ એમ આપણે શુદ્ધાત્મામાં પેસી જવું અંદર.
મન વિરોધાભાસી
છે. એમાં એક પ્રકારનું નથી. અને જે બાજુ મોઢું ફેરવી આપોને તો એ બાજુ ચાલવા જ માંડે. તમને ફેરવી આપતાં આવડવું જોઈએ. એને મારી-ઠોકીને કહીએ, ‘તું ફર, તું ફર.’ ત્યારે એ નહીં
ફરે. તમે એને ફેરવી આપો ને ! મનનો સ્વભાવ એવો છે, એને ઓળખીને કામ
લેવું પડે. એના સામા થવામાં ફાયદો નહીં.
જેનો ઉપાય ના હોય
તે બાજુ મન બંધ કરી દેવું, જગત આખુંય જ્યાં
ઉપાય નથી ત્યાં આગળ ચિતરામણ કરે છે. એકનો એક છોકરો મરી ગયો ત્યાંય બિનજરૂરી ચિતરામણ બધુંય ! ખોટ ગઈ, એનો ઉપાય કોઈ જાતનો નથી તોય બિનજરૂરી
ચિતરામણ!
કોઇને લકવો થયો
હોય તો તેને જોઇ આવીએ ને પછી વિચાર આવે કે આપણને આમ લકવો થશે તો ? એ અવળા વિચાર
કહેવાય. એને પેસવા જ ના દેવાય. મહીં કોઇ અવળો વિચાર
આવે તો તેને પેસવા જ ના દેવો, નહીં તો ઘર કરી જાય. આ ઑફિસમાં ચોર જેવો કોઇ આવે, તે એને પૂછીએ કે ‘તું કોણ છે? તારો વ્યવસાય
શો છે ?’ એને તો પેસવા જ ના
દેવાય. આ ‘આપણી’ સ્વતંત્ર રૂમમાં કોઇને પેસવા ના દેવાય. પેસવા દેવું એ જોખમકારી છે, એનાથી તો સંસાર ઊભો છે. અનંત પ્રકારના વિચાર આવે તો કહી દઇએ કે ‘ગેટ આઉટ (બહાર
નીકળો).’
પ્રશ્નકર્તા :
ઇચ્છા ના હોય છતાંયે સાંસારિક વિચાર આવતા હોય ત્યાં શું કરવાનું ?
દાદાશ્રી :
આવતા હોય તો એમને કહીએ, ‘ટાઈમ થઈ ગયો છે, ગેટ આઉટ. હવે
અમારા દવાખાનાનો ટાઈમ થઈ ગયો છે. માટે હવે તમે બહાર જતા રહો.’
પ્રશ્નકર્તા :
તમે કહો ગેટ આઉટ, તોય બનતું નથી.
દાદાશ્રી : એ
એક ફેરો ના પતે, પાંચ-પચાસ વખત, સો વખત કહો, ત્યાર પછી બંધ થઈ જાય.
ઘણા કાળનું ટેવાયેલું એકદમ જાય નહીં. આ અંદર મન ફિઝિકલ ખરું પણ એ જીવતાં જેવું છે. પાવરવાળું તો છે જ. આમ મરી ગયેલું છે, પણ આપણે કહેવાની જરૂર
એને.
દાદાશ્રી :
મનને નિરોધ કરવા તો શું કરવાનું કહ્યું છે કે ચંપે ના ચઢવા દેશો. એને વહેતું ના મૂકો. સારી લાગી હોય તોય આપણે કહીએ કે આ
તો ‘ચીજ ખરાબ છે’ એવું પાંચ વખત બોલોને, તો એ વસ્તુ નહીં અડે તમને. આ વસ્તુનો, ચીજનો સ્વભાવ એવો છે કે જો તમે ખરાબ બોલો તો અડે
નહીં. સારી બોલો તો ચોંટ્યા વગર રહે નહીં. આ જડ વસ્તુનો સ્વભાવ છે એવો. એ પણ આટલું બધું માન રાખે છે.
પ્રશ્નકર્તા :
મનનું પણ અપમાન કરવું જોઈએ કે આ (ચીજ) નથી સારી.
દાદાશ્રી : હા, તમે ઇન્સલ્ટ
કરો. પછી ખસી ગયા પછી તમારે એમ કહેવું, આપણને અડતું ના હોય ત્યાર પછી કહેવું કે ‘મેં આજ ઇન્સલ્ટ
કર્યું હતું પણ તમારી માફી માગું છું. હવે ફરી નહીં કરું ઇન્સલ્ટ.’ ફરી જમે કરી દેવડાવવું. હા, નહીં તો એ દરેક
ક્લેઈમ (દાવો) રાખે છે પોતે.
પ્રશ્નકર્તા :
એક વખતે આપે મનને મારવા માટે કીમિયો બતાવ્યો હતો કે મન કહે કે આજે (ટ્રેનમાં) થર્ડ ક્લાસમાં જવું છે, તો ફર્સ્ટ
ક્લાસમાં જવું.
દાદાશ્રી : હા, બરોબર. મનનું
ચલણ ના ચાલવા દઈએ ત્યારે મન સમજી જાય કે હવે આ સાહેબ આપણા કાબૂમાં નથી અને પછી એ જોરે નહીં કરે, જુલમ નહીં કરે.
વખતે જોર કરશે પણ જુલમ નહીં કરે. એ જાણે કે આ
કાબૂમાં છે તો ત્યાં સુધી જુલમ કરશે. માટે ગાંઠવું જ
નહીં. એ આમ કરે તો આપણે એથી ઊંચું કરવું. એનું નામ વિવેક કહેવાય.
પ્રશ્નકર્તા :
જ્ઞાની પણ મનને છેતરે ?
દાદાશ્રી :
મનને ખુશ રાખવાનું. ત્યાગીઓ શું કરે ? અડવા ના દે. એટલે પેલું
મન રિસાય પછી.આપણે એને ત્યાગ કરાવતા નથી, કશું તોફાન નથી કરાવતા.
નહીં તો બહુ ત્યાગ કરાવ્યો હોય ને ત્યારે ચિડાયેલું
હોય. હા, બહુ ચિડાયેલું હોય, આપણા બોલતા પહેલા બચકું
ભરી લે. તે ચૂંટી ખણીએ ને તે ઘડીએ બચકું ભરી લે.
કારણ કે ચિડાયેલું મન તે શું થાય? આ તો જરાય ચિડાયેલું
નથી, ઉશ્કેરાટ છે જ નહીં મનમાં. અને ઉશ્કેરેલું કૂતરું કેવું હોય? બચકું ભરી લે.
તે મનેય એવું જ છે, બળ્યું. એને ‘આ ત્યાગ થાય, આ ત્યાગ થાય’,
તે
કંટાળી જાય પછી.
પ્રશ્નકર્તા :
આ બધી ગ્રંથિઓ ઉખેડવા માટે હું શું કરું, જેથી કરીને મારી ગાંઠો
નીકળી જાય?
દાદાશ્રી : વિચારો
આવે એટલે મહીં ગ્રંથિ હોય તો જ વિચાર આવે અને વધારે વિચાર આવે
એટલે એ ગાંઠ મોટી છે. કોઈ માણસ રોજ બ્રાંડી પીતો
હોય તો એને બ્રાંડી દહાડામાં બે-ત્રણ વખત યાદ આવે એટલે આપણે જાણીએ કે ગાંઠ આવી મોટી છે. છૂટતાં છૂટતાં ઘણો વખત લાગશે. નહીં તો ગાંઠ નાની હોય ને, તો ચાર-પાંચ વિચારમાં તો ખલાસ થઈ જાય પછી. કારણ કે બંધ પડતો નથી એવી એ નિર્જરી રહી છે. એટલે ખલાસ થઈ જાય. તમને કોઈ પણ
વિચાર આવે તો એ ગ્રંથિ મહીં છે જ. એને કહીએ, ‘જય સચ્ચિદાનંદ!
આવો.’ આ સારી છે ને આ ખોટી છે, એની ભાંજગડમાં
નહીં પડવાનું. ભરેલો માલ છે એટલે એનો વિચાર આવ્યો. ગ્રંથિઓ ટાઈમ થાય
એટલે ફૂટે જ. એનો ટાઈમિંગ હોય કે અમુક ટાઈમે આ ઊગી નીકળવાની.
એટલે ફૂટે ત્યારે આપણે એની મહીં તન્મયાકાર નહીં થવું, એને જોયા કરવું. એટલે એ ગાંઠ ગઈ. અને વખતે
તન્મયાકાર થાય એવી ગાંઠ હોય એટલે એ ખાયે ખરું તો ખાનારાને પણ જોવો. એટલે એ
ગાંઠ ગઈ બધી. બનતાં સુધી સ્ટ્રોંગ (મજબૂત) રહેવું. કહીએ કે
‘એય ! ખાવાનું નહીં.’ છતાંય આમ થઈ જાય તો પછી એય જોવું. એટલે ગાંઠ બધી છૂટી જાય. હવે ગાંઠો છૂટવા
માંડશે. મન એટલે પાછલા અવતારનો માલ, તે અવતારમાં આપણે ગાંડા
હોય કે ઘેલા હોય, જેવો ભરેલો એ આ ફેરે નીકળે છે.
જગત જીતવાનું છે.
જો મન જીતે તો જગત જીતાય. મન વશનો રસ્તો શો છે કે ‘આપણે કોણ છીએ, આ બધું શું છે, શા માટે છે’, એવું થોડુંઘણું આપણને સમજાય તો મન વશ થાય. ગમે
એટલા મનના વિચાર આવતા હોય, એ જ્ઞેય છે ને હું જ્ઞાતા છું એવું
બોલે તો પરિણામ બિલકુલ શાંત થઈ જાય. જાગૃતિ તો કોને કહેવાય કે વિચાર
આવતા પહેલાં સમજાય કે આ તો જ્ઞેય છે ને હું જ્ઞાતા છું. મનના
જ્ઞાતા-દ્રષ્ટા રહેવાય ત્યાં સુધી જાગૃતિ લઈ
જવાની છે. પછી એ જાગૃતિ, જાગૃતિનું સંભાળી લે. મન વશ થઈ જાય
તો જ આ સંસારમાં જીત્યા કહેવાય, નહીં તો મન વશ ના થાય તો જીત્યા નહીં.
જ્યાં સુધી
જરૂરિયાત હોય ત્યાં સુધી મન સંસારમાં રાખે છે અને તમારી જરૂરિયાત બંધ થઈ
જાય, એટલે તમને
મોક્ષે પણ એ લઈ જાય છે. એટલે સંસાર સાગરમાં નાવડારૂપે છે
એ. તે જ્યારે તમને મોક્ષે જવું હશે ને ત્યારે કિનારા પર પહોંચાડે. કિનારે આવ્યાપછી એને છોડી દેવાનું, અલવિદા આપી
દેવાની. ઊતર્યા પછી કહીએ કે ‘જય સચ્ચિદાનંદ.’ તું ને હું
જુદા !
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)