29.3.13

પશ્યન્તિની પેલે પાર-જાતુષ જોષી


વૃક્ષ છે વૃક્ષ કંઈ એમ હારે નહિ ....

 કૃષ્ણ દવે 
(કાવ્ય સંગ્રહ:પ્રહાર)

 

નીરખ ત્યાં મરુસ્થલે સહજ ઊગી શકે વૃક્ષ, પણ કોઈનાયે સહારે નહિ,
એ મહાપ્રલયના અર્થ ભેદી ઊભું, વૃક્ષ છે વૃક્ષ કંઈ એમ હારે નહિ ....   

 


ટોચ પર કે પછી ગહન ઊંડાણમાં ,મૃદુલ માટી અગર લોહ પાષાણમાં,
બાળના પ્રથમ કો હાસ્ય જેવું ઊગી, વિકસવું તો સ્વયમ્ વૃક્ષના પ્રાણમાં...
આપણે ભેદ તોડી શક્યા ના હજુ, ભેદ તોડી ઊગે એ વૃક્ષનું ગજું,
લક્ષ્ય ની પાર પ્હોંચી જતું તે છતાં,એ કદી કોઈ પણ લક્ષ્ય ધારે નહિ.... 
                                                  વૃક્ષ છે વૃક્ષ કંઈ એમ હારે નહિ ....    



 

બુદ્ધ થઈ એ વળી પર્ણ ત્યાગી શકે, વાદ્ય થઈ કુંપળે એ જ વાગી શકે,
બંધ આંખે નિહાળી વળી વિશ્વને,  કો મહર્ષિ સમું એ જ જાગી શકે ...
આપણે આપણામાં જ શું શોધીએ? ચાલને વૃક્ષના અર્થ સંશોધીએ,
એ વસે એ શ્વસે સાવ ખુલ્લા મને, આપણી જેમ કંઈ બંધ દ્વારે નહિ... 
       વૃક્ષ છે વૃક્ષ કંઈ એમ હારે નહિ ....   
 

 
એક એવો હવે વૃક્ષનો દેશ હો , વૃક્ષના શ્વાસ હો વૃક્ષનો વેશ હો,
 પર્ણની ઝાલરે વૃક્ષની આરતી, વૃક્ષના મંદિરે વૃક્ષ સંદેશ હો....
આપણે આપણી જાત પણ ના સહી, વૃક્ષને વૃક્ષની કોઈ સીમા નહિ,
આપણે આપણામાં જ આ વૃક્ષને વાવીએ, તે પછી કંઈ વધારે નહિ....   
                                              વૃક્ષ છે વૃક્ષ કંઈ એમ હારે નહિ ....