28.6.15

મારું દિમાગ અને મારું દિલ મારાં મંદિરો છે-દલાઈ લામા





 



સૌમ્ય સત્યાગ્રહીની શાણી ફિલસૂફી

સમય સંકેત: દિવ્યેશ વ્યાસ
આશરે સાડા પાંચ દાયકાથી નિરાશ્રિત જીવન જીવતા હોવા છતાં તિબેટિયનોના ૧૪મા ધર્મગુરુ એવા દલાઈ લામા પ્રત્યે સમગ્ર વિશ્વમાં સહાનુભૂતિને બદલે સન્માનની ભાવના જોવા મળે છે, એ જ તેમની મહાનતાનો સૌથી મોટો પુરાવો છે. આજે સમગ્ર વિશ્વમાં ધર્મના નામે ધિક્કાર વધારે ફેલાવવામાં આવે છે ત્યારે દલાઈ લામા એક એવું વ્યક્તિત્વ છે, જે પ્રેમ, કરુણા અને માનવતાનો સંદેશ અસ્ખલિતપણે વહાવી રહ્યા છે. ધર્મને પોથીપંથી કે જડ પરંપરાવાદી બનાવવાને બદલે સતત વહેતી કરુણાની નદી જેવો રાખવા માટેની તેમની મથામણ જ સૌને તેમના પ્રત્યે માન ઉપજાવે છે. બુદ્ધનો ૭૪મો અવતાર ગણાતા દલાઈ લામાને આજે યાદ કરવાનું વિશેષ નિમિત્ત છે, તેમનો ૮૦મો જન્મદિવસ. આમ તો દલાઈ લામાનો જન્મદિવસ છઠ્ઠી જુલાઈએ આવશે, પરંતુ તિબેટિયન તારીખિયા અનુસાર પાંચમા ચંદ્ર માસનો પાંચમો દિવસ દલાઈ લામાનો જન્મદિન છે, જે આ વર્ષે ૨૧મી જૂને એટલે કે આજે છે. સમગ્ર વિશ્વમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે હંમેશાં પ્રસન્ન યોગમાં રાચતા સૌમ્ય સત્યાગ્રહી એવા દલાઈ લામાના જન્મદિવસે અનોખો સંયોગ રચી આપ્યો છે.
મહાત્મા ગાંધીના વિચારોને અનુસરનારા દલાઈ લામાને પોતાના 'રાજપાટ' પડાવી લેનારા ચીન પ્રત્યે પણ સહેજેય કડવાશ નથી, ઊલટું તેઓ ચીનને એક મહાન દેશ ગણાવવાની ઉદારતા દાખવી શકે છે, એટલું જ નહીં ભારત-ચીનની દોસ્તીને દ્વેષરહિત દિલે આવકારી શકે છે. હા, ચીનમાં લોકશાહી વ્યવસ્થા હોવી જોઈએ અને દુનિયાના દેશોએ એ માટે મથવું જોઈએ, એવું આંતરરાષ્ટ્રીય મંચો પરથી કહેવાનું સાહસ દાખવવામાં તેઓ કદી પાછા પડતા નથી.
દલાઈ લામા આજે બૌદ્ધધર્મીઓના જ નહીં કરોડો લોકોના આદર્શ-સન્માનનીય વ્યક્તિ છે. ટ્વિટર પર સૌથી લોકપ્રિય વ્યક્તિઓમાં દલાઈ લામાનો સમાવેશ થાય છે. એ જ બતાવે છે કે આજની યુવા પેઢીને તેમના વિચારો આકર્ષી રહ્યા છે. દલાઈ લામાના ૮૦મા જન્મદિનની ઉજવણીમાં આપણે ભલે ધર્મશાળા ન જઈ શકીએ, પરંંતુ તેમની ફિલસૂફી જાણીને હેપ્પી બર્થડે જરૂર મનાવી શકીએ.
પ્રસન્નતા પર બેસ્ટસેલર પુસ્તકો લખનારા દલાઈ લામા દૃઢપણે માને છે કે,
"ખુશ રહેવું આપણા જીવનનો ઉદ્દેશ છે."
જોકે, ખુશી કે પ્રસન્નતા બાબતે તેઓ બહુ સ્પષ્ટ છે.
"પ્રસન્નતા કંઈ રેડીમેઇડ મળતી ચીજ નથી, તે આપણાં પોતાનાં કાર્યોમાંથી જ સર્જાય છે."
દલાઈ લામા ખુશીની ચાવી પણ આપે છે,
 "તમે જો અન્યોનેે ખુશ જોવા માગતા હોવ તો કરુણાનો ભાવ રાખો. જો તમે પોતે પણ ખુશ રહેવા માગતા હોવ તોપણ કરુણાનો ભાવ રાખો."
દલાઈ લામાની સમગ્ર ફિલસૂફી ભગવાન બૌદ્ધની કરુણા અને મહાત્મા ગાંધીના અહિંસાના સિદ્ધાંતના પાયા પર ઊભેલી જોવા મળે છે. તેઓ કહે છે,
"બને ત્યાં સુધી દયાવાન બની રહો અને દયાવાન બની રહેવું હંમેશાં શક્ય છે."
સંગઠિત ધર્મનાં દૂષણોથી વાકેફ દલાઈ લામા ખુદ ધર્મગુરુ હોવા છતાં બિન્ધાસ્તપણે કહી શકે છે,
"તમે કોઈ એક વિશેષ શ્રદ્ધા કે ધર્મમાં આસ્થા રાખતા હોવ તો એ સારી વાત છે, બાકી તમે તેના વિના પણ જીવતા રહી શકો છો. આપણે ધર્મ અને ચિંતન વિના રહી શકીએ, માનવીય પ્રેમ વિના નહીં."
તેમણે કહ્યું છે,
"નથી મંદિરોની જરૂર કે નથી જટિલ તત્ત્વજ્ઞાાનની.
મારું દિમાગ અને મારું દિલ મારાં મંદિરો છે અને મારી ફિલસૂફી છે - કરુણા."
દુનિયાના ચોથા ક્રમના સૌથી મોટા ધર્મ એવા બૌદ્ધના ધર્મગુરુ હોવા છતાં દલાઈ લામા એમ નથી કહેતા કે મારો ધર્મ બૌદ્ધ છે, તેઓ કહે છે,
"મારો ધર્મ બહુ સરળ છે,મારો ધર્મ કરુણા છે."
દુનિયાના દરેક ધર્મ શાશ્વત માનવમૂલ્યોની જ વાત કરે છે, છતાં પણ દરેક ધર્મગુરુ માનવમૂલ્યોનો જ સંદેશ આપતા નથી. બધાય દલાઈ લામા જેવા થોડા હોય? કદાચ આજના વિશ્વની આ જ સૌથી મોટી કરુણતા છે!

__._,_.___