20.10.16

દીપક સોલીયા -‘નકલી હું’થી ખરડાયેલું ન હોય એ અસ્તિત્વ વધુ રૂપાળું હોય છે



‪#‎એકવાતનીસોવાત‬

દીપક સોલીયા


અમિતાભે એક વાર બ્લોગ પર લખેલું કે એમનો પરિવાર બહાર જવા નીકળે ત્યારે એક વિશિષ્ટ દૃશ્ય જોવા મળે. બાકી બધાં લોકો કારમાં ગોઠવાઈ ગયાં હોય અને ડ્રાઈવરે કાર ચાલુ કરી દીધી હોય ત્યારે છેલ્લી ઘડીએ જયા-ઐશ્વર્યા ઘરના દરવાજા પાસે ઊભાં ઊભાં સર્વન્ટ્સને સૂચનાઓ આપવાનું શરૂ કરે. એ સૂચનાઓ લાંબી ચાલે. કામો ચીંધવાનું એ કામ અગાઉ થઈ શકે તેવું હોવા છતાં, છેલ્લી ઘડીએ જ બધાં કામ યાદ આવે.

આ માત્ર જયા-ઐશ્વર્યાની જ ખાસિયત નથી. બધાં પરિવારો-યુગલોમાં આવી નાનીનાની સાંસારિક ખૂબીઓ હોવાની. અમારી વાત કરું તો મારી પત્ની સોમથી શુક્ર એક પર્સ વાપરે અને શનિ-રવિની રજામાં બીજું પર્સ વાપરે. ઓફિસના પર્સ અને રજાના પર્સ વચ્ચે સામગ્રીઓની હેરફેર સતત ચાલતી રહે. પછી કોઈ વસ્તુની જરૂર પડે અને પર્સમાં એ ન જડે ત્યારે યાદ આવે કે એ ચીજ તો બીજા પર્સમાં રહી ગઈ.

જેમ પત્નીના પર્સમાં વસ્તુઓનું ટર્નઓવર અટકે નહીં એમ સામેના છેડે મારી કૅરી બેગ (ખભે ઉંચકવાની બેગ) એટલે જાણે બ્લેક હોલ. એમાં વસ્તુ અંદર ગઈ એટલે ગઈ, પછી એ ઝટ બહાર ન આવે. બિલ ભરાઈ ગયાં પછી પણ અંદર પડ્યાં રહે, લેખ લખાઈ ગયા પછી પણ લેખ માટેના કટિંગ્ઝ અંદર પડ્યાં રહે, જૂનાં છાપાં-મેગેઝિન્સ પણ એમાં અડીંગો જમાવે. ક્યારેક પાણીની બોટલ અને થોડો નાસ્તો પણ એમાં ઉમેરાય. આવામાં, ક્યારેક બહારગામ ફરવા ગયા હોઈએ અને હોટેલ નજીક થોડું ચાલવા માટે નીકળવાનું હોય એ વખતે પણ હું ખભા પર મારી ભારેખમ કેરી બેગ ભરાવું ત્યારે પત્ની હળવેકથી કહે, 'થોડી વાર માટે પણ તને કૂલી બન્યા વિના નહીં ફાવે?' જવાબમાં મારી દલીલ આ પ્રકારની હોય, 'જો યાર, હું બહાર નીકળું ત્યારે ખભા પર આ બોજ ન હોય તો મને એવું લાગે જાણે હું શર્ટ વિના, માત્ર ગંજીભેર બહાર નીકળ્યો છું. ભાર વિના મને અધુરું-અધુરું લાગે.'

આ માત્ર દીપક સોલિયાની જ ખાસિયત નથી. ભાર વિના ખાલી ખાલી લાગવું, બોજ વિના અધૂરપ લાગવી એ એક સાર્વત્રિક અનુભવ છે. આપણે સૌ આપણી ઓળખોથી ભરેલો થેલો ખભે ઊંચકીને ફરીએ છીએ. ઓળખના થેલામાં અનેક સામગ્રી હોય, જે મુખ્યત્વે આ પ્રકારની હોય છેઃ
મારો સામાજિક હોદ્દો કેવો છે?
લોકો મને પ્રેમ કરે છે કે નહીં?
મારી આવક કેટલી છે?
મારું ઘર કેવડું છે?
મારી નોકરી કેવી છે?
હું સફળ છું કે નિષ્ફળ?
હું સબળો છું કે નબળો?

આ તો કેટલીક મુખ્ય ચીજો કહી. બાકી આ ઉપરાંત જ્ઞાતિ-ધરમ-દેશના ગૌરવ ઉપરાંત બીજી આવી અસંખ્ય ચીજો ઓળખના થેલામાં ભરેલી પડી હોય.
એમાંથી અલગઅલગ સમયે અને અલગઅલગ સ્થળે ઓળખના અલગઅલગ પાસાં માથું ઊંચકે. જેમ કે, એક કિશોરી માટે ચહેરા પરની ચમક કે ઓઇલી સ્કિન કે વધારે પડતાં ખીલ ઓળખનો સૌથી મુખ્ય હિસ્સો બની રહે એ શક્ય છે. પુરુષ જુવાનીમાં પૈસા અને મોંઘી કારના જોરે પોતાને 'સિદ્ધ-પુરુષ' ગણે, પણ પૈસા મેળવી લીધા પછી મોટી ઉંમરે નામના, એવોર્ડ્સ, સમારંભના પ્રમુખ બનવું, સ્ટેજ પર જઈને શાલો ઓઢવી... આ બધું 'સિદ્ધ-પુરુષ' બનવા માટે એને વધુ મહત્ત્વનું લાગવા માંડે. આ સમય-સમયનો પ્રભાવ છે. એ જ રીતે, સ્થળનો પણ પ્રભાવ પડે. એક દલિત જ્યારે પોતાના નાનકડા ગામમાં ફરતો હોય ત્યારે દલિત હોવાની એની સભાનતા વધુ તીવ્ર રહેવાની, પણ શહેરમાં પોતાના દલિતપણા વિશે એ ઓછો સભાન રહેવાનો. અમેરિકામાં નવોસવો ગયેલો સવર્ણ ભારતીય આસપાસના ગોરા લોકોથી સહેજ ઉતરતો હોવા વિશે (અથવા કમસે કમ ગોરાઓ એને સહેજ ઉતરતો ગણી શકે એ શક્યતા વિશે) સભાન રહેવાનો. ટૂંકમાં, ઓળખનો ખેલ સતત બદલાતો રહે. તે એ હદે કે આપણો આત્મવિશ્વાસ (ઓળખ પરનો ભરોસો) કપડાં-જૂતાંના જોરે નાચે. કપડાં-જૂતાં સારાં પહેર્યાં હોય તો જાત પર ભરોસો વધે. કપડાં-જૂતાં ખરાબ પહેર્યાં હોય તો જાત પરનો ભરોસો ઘટે.

બીજી રીતે કહું તો, એક છબિ છે. એ છબિ આપણું મન દોરે છે. એ છબિમાં અનેક રંગ હોય છે. એ રંગો વત્તેઓછે અંશે બદલાતા રહે. ક્યારેક નોકરી છૂટી જાય, છૂટાછેડા થાય, સંતાનનું અવસાન થાય, મોટો વિશ્વાસઘાત થાય, માણસ અચાનક અમીરમાંથી ગરીબ બની જાય... આવી બધી ઘટનાઓને કારણે આપણી સ્વછબિમાં મોટા ફેરફારો થાય એ શક્ય છે. બાકી, મોટે ભાગે માણસ આખી જિંદગી પોતાના વિશેની એક બ્રોડ આઉટલાઈન, બહોળી આકૃતિ દોરી રાખે અને એને વળગી રહેવા મથે.

આ આખો મામલો ફક્ત વિચારોનો ખેલ છે. એ વાત સાચી છે કે વિચાર બેઝિકલી બહુ ઉપયોગી છે અને વિચાર વિના આપણું ગાડું અટકી પડે, પણ એનો મતલબ એ નથી કે 'માણસ એટલે વિચાર'. તાજું જન્મેલું બાળક ભાગ્યે જ કશું વિચારતું હોય તો પણ એનું એક મસ્ત મજાનું અસ્તિત્વ હોય છે. એ ટચુકડું બાળક પોતે પોતાની મોજમાં હોય છે એ તો ઠીક, એ માતા-પિતાને અને એને તેડનાર લગભગ બધા જ લોકોને ખૂબ આનંદ આપે છે. આવું આ મસ્ત મજાનું બાળક વિચારી નથી રહ્યું, એની અંદર 'નકલી હું'એ દોરેલી પેલી છબિ નથી તો શું એ બાળકનું કોઈ અસ્તિત્વ જ નથી? ના, અસ્તિત્વ છે જ. ઉલટાનું, એ અસ્તિત્વ હજુ 'નકલી હું'થી ખરડાયેલું ન હોવાને લીધે વધુ રૂપાળું હોય છે.

ટૂંકમાં, આપણે વિચારીએ નહીં ત્યારે પણ આપણે હોઈએ છીએ. આપણા મનમાં આપણા વિશેની કોઈ સ્વછબિ ન હોય તો પણ આપણે હોઈએ જ છીએ. રાત્રે આપણે સૂઈ ગયા હોઈએ અને સપનાંરૂપે પણ વિચાર સક્રિય ન હોય ત્યારે સુધ્ધાં આપણે તો હોઈએ જ છીએ. મુદ્દો આ છે. વિચાર દ્વારા દોરાયેલું આપણું જે ચિત્ર છે એ નકલી છે, ધારણા છે, કલ્પના છે. એ કલ્પના આપણા સમગ્ર અસ્તિત્વ પર જિંદગીભર છવાયેલી રહે એ ન ચાલે. એ કલ્પનાને ક્યારેક સામે બેસાડીને કહેવું પડે કે હે છબિ, તું એક કલ્પના છે એની મને ખબર છે.

બસ, આટલું જ કરી જુઓ. હું એમ નથી કહેતો કે સ્વછબિ હોવી જ ન જોઈએ કે એને તોડીફોડીને ફેંકી દો. ના, એવી મારામારી કરવાની કશી જરૂર નથી. કામ સાવ આસાન છે. ફક્ત આ વિશે વિચારી જુઓ, જાગૃત બનો. એ જાગૃતિ પછી આપોઆપ, આપણને ખબર પણ ન પડે એ રીતે ઘણું બધું કામ કરી શકે, ઘણો બધો ભાર ઉતારી શકે. ટ્રાય તો કરો. લાગ્યું તો તીર, નહીંતર ખાજો ખીર (ક્રમશઃ)





ટિપ્પણીઓ નથી: