9.2.17

અતિથી માથે પડ: - દિલીપ રાવલ


અતિથી માથે પડ !
હસ તું હરદમ - દિલીપ રાવલ

ઈન્ટરકોમની રિંગ વાગી અને સિક્યોરિટી વાળો કહે...
'સરજી કઉનું જટકીયા પરિવાર મીલને આયે રહે'
મેં કહ્યું,
'તો મીલો... મીલો તમ તમારે.!'
સામે બે ત્રણ સેકંડનો પોઝ જાય છે. પછી સિક્યુરિટીવાળો વોચમેન બોલે છે.
'અરે હમ મીલકે કા કરેંગે આપસે મીલને આયે રહે ! કહો તો છોડત હૈ વરના રવાના કરત હૈ.'


મન તો બહુ થયું કે 'રવાના કરી દે' આવું કહી દઉં, પણ મા બાપે આપેલા સંસ્કાર આડા આવ્યા અને 'અતિથિ દેવો ભવ:'ની પેલી ઉક્તિ પાછી યાદ આવી.
એટલે મેં કહ્યું, 'ભેજો ઉનકો... બોલના લીફટકે બાજુવાલા ફ્લેટ હૈ છે માલે પે.' 'ઠીક હૈ સાહબ...'

મારી પત્ની પન્નાની નાનપણની ફ્રેન્ડ ઉત્પત્તિ એના પતિ જતીન જાટકીયા અને પુત્ર ભદ્રાયુ સાથે મારા ઘરે જમવા આવવાના છે અને પન્ના એમને 'ખડા ડોસા' ખવડાવવાની છે.  'ખડા ડોસા' શું હશે? રામજાણે... 'પન્ના, આ લોકો આવી ગયા છે.' આવો ટહુકો કરીને મેં મારા વાળ સરખા કર્યા. પન્ના ખુશ થતી થતી અંદરથી આવી અને ગાવા લાગી.

'બચપન કે દિન ભુલા ન દેના... આજ હંસે કલ રૂલા ન દેના...
બચપનકે દિન ભી કયા દિન થે... ઉડતે ફિરતે તીતલી બનકે બચપન...
મેરે બચપન તું જા જા જવાની કો લે આ.
જા વે જા... તૈનું રબ દા પાસ્તા... જા વે જા તૈનું રબ દા પાસ્તા... 

'રબ દા વાસ્તા...' નું આ બાઈએ 'પાસ્તા' કરી નાંખ્યું
! હશે. આપણે શું ? આવી વિચારધારા ચાલતી હતી ત્યાં તો પન્ના અંદરથી નાના નાના છોલેલાં કાંદા મૂકેલા બહુ બધા પડીયા એક ટ્રેમાં સજાવીને લઈ આવી અને ઘરની બહાર નીકળીને લીફ્ટથી મારા મેઈનડોર સુધીના રસ્તામાં બેઉ સાઈડ પર એ પાડિયા ગોઠવવા લાગી. આ શું ...?
અને જે રિઝન મળ્યું એ સાંભળીને મારું બ્રહ્માંડ ફરીથી હલી ગયું.


ઉત્પત્તિ
ને સ્કૂલ ડેઝમાં કાંદા બહુ ભાવતા એટલે ડબ્બામાં કાંદા લઈ આવતી. માત્ર કાંદા અને કાચ્ચા કાંદા ખાતી. બાળપણમાં જાંબુ, કરમદા, આમલી કે ગટાગટ એવું બધું ખાધાનું યાદ છે... લીલી વરીયાળી પણ ક્યાંક ક્યાંક સ્મરણમાં છે, પણ કાંદા...? કાચ્ચા કાંદા ને એ પણ નકરા કાંદા કોઈ ખાય ? ઉત્પત્તિ ખાય...
એક વાર ઈતિહાસના પિરિયડમાં શિવાજી મહારાજે અફઝલ ખાનને કઈ રીતે માર્યો એનો પાઠ 'જોષી સર' ભણાવી રહ્યા'તા અને બધાંની આંખમાં પાણી હતા, ઈન્ક્લુડિંગ 'જોષી સર' ! જોષી સરને એ વાતનું આશ્ર્ચર્ય હતું કે   'વિર-રસ' ના પાઠના પઠનમાં 'કરુણ-રસ' સાંભળતા હોય એમ બધાંની આંખમાં પાણી કેમ છે? શાને માટે છે? પછી રહસ્યોદ્ઘાટન થયું કે 'રીસેસ પડે' એ પહેલાં જ કકડીને ભૂખ લાગી ગઈ એટલે
ઉત્પત્તિ બેંચની નીચે બેસીને, ડબ્બો ખોલીને કાચ્ચો કાંદો ખાઈ રહી'તી !

અને
એટલે
પન્ના
એ લીફ્ટથી લઈને અમારા મેઈનડોર સુધી કાંદા ગોઠવી દીધા હતા. નોર્મલી કોઈના સ્વાગતમાં આપણે ફૂલો બિછાવીએ... વરસાવીએ. અહીંયા કંઈ નહિ ને કાંદા! પાછી ગાતી જાય "બહારો કાંદા પથરાવો... મેરા મહેદોસ્ત આયા હૈ... મેરા મહેદોસ્ત આયા હૈ... આ મહેદોસ્ત શું એવો બાળસહજ પ્રશ્ર્ન મને પણ થયો તો પન્ના કહે... મહેબૂબ કી જગહ મહેદોસ્ત... વો ગજલ કા મીટર સાચવને કે લિયે ઐસા કરના પડતા હૈ !

પછી મારો હાથ પકડીને ખેંચીને મને અંદર તાણી ગઈ : 'કિતને સાલોં કે બાદ મીલુંગી ઉસે... ફોન પે બાંતે હોતી હૈં...
ચહેરા યાદ નહીં... ફરિયાદ નહીં. આઝાદ નહીં... અમદાવાદ નહીં. '
બોલીને ખડા ડોસાની તૈયારી કરવા એ અંદર જતી રહી. દસેક મિનિટ વિતી ગઈ. પણ ન તો બારણે ટકોરા પડ્યા કે તો બેલ વાગી.

 મારાથી રહેવાયું નહી અને સિક્યુરિટીવાળાને ઈન્ટરકોમ લગાવીને પૂછ્યું તો ખબર પડી કે એ લોકો તો ક્યારના મારા ફ્લેટમાં આવવા નીકળી ગયા. ને મને ધ્રાસ્કો પડ્યો. નીકળી ગયા તો ગયા ક્યાં? અહિંયા નથી પહોંચ્યા તો ક્યાં પહોંચી ગયા હશે?


હું રોકિંગ ચેરમાં વિચારો
ને અને ચેરને ઠેસ મારતો ગોઠવાઈ ગયો. પંદર વીસ મિનિટ થઈ ગઈ. મને આટલો અજંપો થઈ રહ્યો છે અને પન્નાનું રુંવાડું યે ફરકતું નથી? મેં પન્નાને કહ્યું 'તારી ફ્રેન્ડને ફોન લગાવ...'
પન્ના :  'પહોંચ જાયેગી... આપ ચિંતા મત કરો બાબુ... કંહી રૂક ગઈ હોગી બીચમે... આપકી ફીક્રકો ધુએ મેં ઉડા દો... મૈં અભી અગરબત્તી લાતી હું.'
આટલું બોલીને રફીનું ગીત પોતાના 'શારદા' જેવા અવાજોમાં ગાતી ગાતી એ જતી રહી : 'હર ફ્રીક્ર કો ધુંએમેં ઉડા'તા ચલા ગયા... મેં જિંદગીકા સાથ નીભાતા ચલા ગયા...


હું ફરી પાછો વિચારોમાં ગરકાવ થઈ ગયો. 'બીચમેં કહી રૂક ગઈ હોગી!' એટલે...? સિક્યુરિટી કેબિનથી મારા ફ્લેટ સુધી પંહોચવામાં મેક્સિમમ પાંચ મિનિટ લાગે. લીફ્ટનો દરવાજો કોઈએ ખુલ્લો રાખી દીધો હોય તો બીજી ત્રણ મિનિટ એડ થાય... પણ આટલી બધી વાર!? અને જે રીતનો આ પરિવાર છે એ ક્યાંય પણ રોકાય નહીં એ જ બધાંના હિતમાં છે !

ત્યાં અંદરથી 'મુત્તુકોડી કવ્વાડી હડા... આપડી પોડે પોડે પોડે... જેવા બે ત્રણ મદ્રાસી ગીત ગાતી ગાતી હાથમાં પ્લેટ અને એમાં વાળીને ઊભો કરેલો ઢોસો લઈને પન્ના આવી.
નોર્મલી આડો પીરસાતો ડોસો એણે ઊભો કરી દીધો. અને નામ આપ્યું 'ખડા ડોસા' ! ઢોસો મદ્રાસી વાનગી એટલે સાઉથના ગીતો ગાવાના... છોલે ભતુરે બનાવે ત્યારે, 'યે દેશ હૈ વિર જવાનોકા અલબેલોંકા મસ્તાનોકા' અને દાળઢોકળી બનાવે ત્યારે 'મારો હાથ ઝાલીને લઈ જશે, મુજ શત્રુઓ જ સ્વજન સુધી' ! અને બોલતી જાય... 'જીસ પ્રદેશકાં મંજન હો. (એ વ્યંજન કહેવા માગે છે) ઉસી પ્રદેશકા ગાના ગાઓ તો માહોલ બનતા હૈ...'

ત્યાં તો દરવાજે બેલ વાગ્યો. કી-હોલમાંથી જોયું તો એકદમ વિખરાયેલા વાળવાળા, ઘાંઘા થઈ ગયેલા મારા પાડોશી પંચાતનું પોટલું મંગળભાઈ. મેં દરવાજો ખોલ્યો અને એમને પૂછ્યું "શું થયું મંગળભાઈ ? કેમ આમ બઘવાઈ ગયેલા લાગો છો?" પછી ખબર પડી. 'લિફટ કે બાજુવાલા ફલેટ' આવું સિક્યુરિટીવાળાએ કહીને મોકલેલા પન્નાના પરોણા લિફટની ડાબી બાજુના અમારા ફલેટને બદલે જમણામાં જતા રહ્યા અને મંગળના મગજની બધી નસો ખેંચી નાખી ! ત્રણે ભૂખ્યા થયા'તા તે મંગળનું કિચન વાપરીને બટાટાની કાતળી કરીને પણ ખાઈ લીધી. મંગળ ખૂબ સમજાવતો રહ્યો કે હું "રાવલ નથી 'મંગળ' છું..મારી વાઈફ પન્ના નથી -અરે મારી વાઈફ જ નથી ! " તો પણ એ લોકો મંગળનું માન્યા નહિ અને પન્ના "ભૌ કરવા" ક્યાંક છુપાઈ ગઈ હશે એવું વિચારીને આખું ઘર ફેંદી નાખ્યું. મેં  મંગળની માફી માગી ને એમને ત્યાંથી ઉત્પત્તિ પરિવારને બોલાવવા ત્યાં પહોંચ્યો. મારી ઓળખાણ આપતાં જ જીન્સ અને ટોપ પહેરેલી બૉયકટ વાળવાળી પૌરુષસભર અવાજવાળી એ સ્ત્રી મને જીજાજી જીજાજી કરતી વળગી પડી... મેં એને આજીજી પર આજીજી કરી તો પણ એ જીજાજીને છોડતી જ નહોતી !  એનો સ્ત્રૈણ અવાજવાળો પતિ જતીન જાટકિયા હાથ જોડીને આંખોથી મારી માફી માંગતો હોય એમ લાગ્યું. એના અત્યંત પાતળા, હાડપિંજર જેવા દીકરા ભદ્રાયુએ મને નમસ્તે કર્યું પછી આ લશ્કરને હું મારે ઘરે લઈ આવ્યો.

અમેરિકા શોધ્યા બાદ કોલંબસની આંખોમાં જે ચમક, જે તેજલિસોટો સર્જાયો હશે એવો જ ઉત્સાહ ઉત્પત્તિની આંખમાં
મારા મેઈનડોર સુધીના રસ્તામાં બેઉ સાઈડ પર ગોઠવેલા કાંદા જોઈને વર્તાયો, કાંદા ઊંચકીને તરત જ એ ચાવવા માંડી. એ બધાની પાછળ હું મારા ફલેટમાં  ડરતાં ડરતાં પ્રવેશ્યો. મનમાં ફડકો હતો કે પન્ના ક્યાંય સંતાઈ ન ગઈ હોય તો સારું...પેલું "ભૌ " કરવા માટે ! જો એવું થયું તો મારા ફલેટની દશા પણ મંગળના ફલેટની જેમ બગડી જશે. મેં મનોમન જલારામ બાપાને યાદ કર્યા. ત્યાં તો બેડરૂમમાંથી પન્ના પ્રગટી. ક્યાંકથી કોઈકનું માંગી લાવેલું સ્કૂલનું પીનાફોર્મ, અંદર વ્હાઈટ શર્ટ, બૂટ મોજાં અને અદ્ધર વાળેલા લાલ રિબિન નાખેલા બે ચોટલા વાળેલી પન્નાએ બે હાથ ફેલાવીને લગભગ રા...ડ પાડી, "ઉત્તુડી...!" સામે બાહુપાશ ફેલાવીને ઉત્પત્તિએ "પન્નુડી... !" નો પોકાર કર્યો, અને દસ ફૂટના અંતરમાં પણ બન્ને સ્લો મોશનની એક્ટિંગ કરતાં કરતાં હીરો-હિરોઈનની જેમ એકબીજાની સામે દોડીને ભેટ્યા, ગોળ ગોળ ફર્યા અને પછી અચાનક હાથ જોડીને આંખ બંધ કરીને ચોરસ સ્વરમાં ગાવા માંડ્યા. (સૂરમાં હોય તો 'કોરસ'... નહિ તો 'ચોરસ' જ).

મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો
શિશુને ઉરમાં લ્યો લ્યો દયામય,મંગલ મંદિર ખોલો...

ફરી એક વાર મારી નજર જતીન જાટકિયા પર પડી અને ફરી એક વાર એણે લાચારીભરી આંખથી મારી માફી માંગી. મારા મનમાં એના માટે એક જ ભાવ જાગ્યો; 'સહાનુભૂતિનો'!

ત્યાં તો પેલો, ઉત્પત્તિનો રાજકુમાર ભદ્રાયુ આવ્યો અને મને કહે
"અંકલ, ફું હું તમારું વોફરૂમ યુઝ કરી ફકું?"
મને કંઈ સમજાયું  નહિ તો ય એમનેમ હા પાડી અને એ દોડીને બાથરૂમ તરફ ગયો. જતીન જાટકિયાએ સ્પષ્ટીકરણ કર્યું , " અમારા ભદ્રાયુને સ...શ... અને ષનો પ્રોબ્લેમ છે. (જે નોર્મલી મોટા ભાગના ગુજરાતીઓને હોય છે) અમારો ભદ્રાયુ સ...શ... અને ષની જગ્યાએ હંમેશાં 'ફ' બોલે છે. એટલે તમારે ફમજી જવાનું...! "

ત્યાં તો વોફરૂમમાંથી (આઈ મીન વૉશરૂમમાંથી) વીર ભદ્રાયુ બહાર આવીને કહેવા લાગ્યો, "થેંક્ યુ ફો મચ અંકલ તમારું વોફરૂમ ફુપર્બ છે. ફુ મફત ટાઈલ્ફ લગાડી છે. અંદર બેફી રહેવાનું જ મન થાય. તમારો ટેફ્ટ ફોલિડ છે !"

હું જતીનની સામે જોઉં ત્યાં તો ભદ્રાયુએ પન્નાને પૂછ્યું "માફી ફીકિંગ રોપ છે?"
મને કાંઈ પલ્લે પડ્યું નહી- શેની માફી માંગે છે આ ?
પછી ફોડ પડ્યો કે એ કહેવા માંગી રહ્યો છે. "માસી, સ્કીપિંગ રોપ છે?
  મેં ખભા ઉલાળ્યા પણ પન્ના 'અભી લાઈ મેરા બચ્ચા... ડેરા સચ્ચા... બહોત અચ્છા...' બોલતી બોલતી અંદર દોડી ગઈ. મને પન્નાના આ કાફિયામાં એકનો ઉમેરો કરવાનું મન થયું... 'અકલ કા કચ્ચા.'

"હું પણ હમણાં આવી... તમે જીજાજીને કંપની આપો. સાઢુભાઈ, સાઢુભાઈ વાતે વળગો" આવું કંઈ ઘોઘરા અવાજે બોલીને પન્નાના નકશેદમ પર 'ઉત્ત્પત્તી' પણ સરકી ગઈ. હું અને મારો પરાણે બની બેઠેલો સાઢુભાઈ સોફા પર ગોઠવાયા કે એણે  શરૂ કર્યું . "બોલો બીજું?

અરે, હજુ પહેલાના આઘાતમાંથી બહાર નથી આવ્યો ત્યાં બીજું શું હોય? (આવું હું માત્ર વિચારું છું અને કહું છું)
 "ના તમે ફરમાવો. "
અને એ સ્રૈણ અવાજવાળો પુરુષ શરૂ થઈ ગયો. "આપણી તો ચાર ટેક્સીઓ ફરે છે સાહેબ મુંબઈમાં... પણ આપણી ટેક્સી એટલે આપણી ટેક્સી... સાહેબ પેસેન્જરની સગવડ માટે આપણે એક માટલું પણ ટેક્સીમાં રાખ્યું છે. સાથે એક પવાલું અને પિત્તળનો ડોયો... આપણે તો ટેક્સીમાં 'ભલે પધાર્યા'નું પગલૂછણિયું પણ રાખ્યું છે. આપણી ટેક્સી એટલે આપણે આપણી ટેક્સી... સાહેબ... એકોએક દેવી દેવતાના ફોટા ટેક્સીમાં રાખ્યા છે... શંકર ભગવાન, ગણપતિ બાપા, જલારામ બાપા, સાંઈબાબા, અંબે મા, સીતારામ, બાપા સીતારામ, ખોડિયાર મા, મેલડી મા, રાંદલ મા, સત્યનારાયણ ભગવાન... અને ઈશુ ખ્રિસ્ત અને ગુરુનાનક પણ છે અને 'મક્કા મદીના'નો ફોટો પણ છે. આપણે માટે બધાં સરખા... સાહેબ. આપણી ટેક્સી એટલે આપણી ટેક્સી...

મને થયું,  'ભલે પધાર્યા'ના પગલૂછણિયા, માટલું, ડોયો, તેત્રીસ કરોડ દેવતાઓમાંથી અમુક પર્સન્ટેજ ભગવાનના ફોટા... આ બધા પછી પેસેન્જરને બેસવા માટે જગ્યા કયાં બચતી હશે ? મારા વિચારોને વેગ મળે એ પહેલાં તો જતીનીયાએ આગળ ચલાવ્યું...  "અરે સાહેબ, પેસેન્જર જેવો દરવાજો ખોલે એટલે આપણે એના સ્વાગતમાં એના મોઢામાં એક ગોળનું દડબું મૂકીએ અને ગાઈએ..." આટલું બોલીને શમશાદ બેગમનો અવાજ બેસી ગયો હોય એવા અવાજમાં
ગાવા માંડ્યો .

"કેસરીયા બાલમા હો જી..
પધારો મા....રે દેશ.. 
પધારો મા........રે દેશ...
'મા' અને 'રે' ને એટલું તાણીને ગાતો હતો કે મને થયું કે આને કોઇ 'મારે' નહિ તો સારું.

ભદ્રાયુને દોરડા આપ્યા કે ઉત્ત્પત્તી શરૂ થઇ ગઈ. 'અમારો ભદુ એક્સરસાઈઝ નિયમિત કરે... ટાઈમ થાય એટલે શરૂ જ થઈ જાય. અમારો ભદુ એટલે અમારો ભદુ...'
ભદ્રાયુ દોરડા કૂદવા માંડ્યો અને એની આગળ પાછળ ઊભા રહીને જતીન, ઉત્ત્પત્તી અને પન્ના જાતજાતની સેલ્ફીઓ લઈને આ યાદગાર ક્ષણને કચકડે કંડારવા માંડ્યા. હું મનોમન ભગવાનને પ્રાર્થના કરતો હતો કે આ લપ જલદી જાય તો સારું. ત્યાં સરોવરમાસાનો ઉપરના ફલેટમાંથી ઇન્ટરકોમ આવ્યો. "રાવલ સાહેબ, તમારે ત્યાં જે મહેમાન આવ્યા છે ને એના ખટારાએ મારી ગાડીને ઘસરકો કર્યો છે. ડંટીંગ પેંટિંગના પાંત્રીસસો રૂપિયા મોકલી આપજો નહીં તો તમારી ગાડી પર તવેથો ઘસી નાખીશ...!









ટિપ્પણીઓ નથી: