માલિક બનવાને બદલે મુગ્ધતાથી આનંદ માણો.
અનુભૂતિઓ અને આત્મનિરીક્ષણ બાબતે ક્રેઝી બનો.
સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા
ચિહ્નો કોઈ વિરામના એમાં મળ્યાં નહિ,
કોણે લખી આ જિંદગીને વ્યાકરણ વિના!
(ઉદયન ઠક્કર)
કયામત સે કયામત તક.
યાદ છે, હિન્દી સિનેમાની તાસીર બદલાવી દેનારી આ ફિલ્મ? બ્લોકબસ્ટર હતી. એ ફિલ્મનું દિગ્દર્શન કરેલું મન્સૂર ખાને. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર દાયકાઓ રાજ કરનારા દિગ્ગજોમાં એક નાસિર હુસેનનો યુવાન દીકરો. આમીરનો કઝીન. મન્સૂરને પૈસાની કમી હતી નહિ. અને અનલાઈક ફિલ્મી કિડ્સ, એ અમેરિકામાં એમ.આઈ.ટી.માં સાયન્સ ભણેલો !
પણ વર્ષો પહેલા મન્સૂર ખાને ફિલ્મ ઈન્ડસ્ટ્રી જ નહિ, મુંબઈ શહેર પણ છોડી દીધું ! મન્સૂર વર્ષોથી તામિલનાડુના હિલ સ્ટેશન કૂન્નૂરમાં એના બેકગ્રાઉન્ડના પ્રમાણમાં નાનકડા રળિયામણા મકાનમાં પરિવાર સાથે રહે છે, અને ખેતી કરે છે ! નીલગિરિની પર્વતમાળા પાસે ચીઝ બનાવે છે. એક નાનકડું પુસ્તક 'થર્ડ કર્વ' બનાવીને વિદ્યાર્થીઓમાં વહેંચ્યું હતું. જેમાં ચમકદમક અને માત્ર આર્થિક વિકાસ પાછળની આંધળી દોટ સામે સાયન્ટિફીક સમીક્ષા સાથે લાલબત્તી હતી. મન્સૂર કહે છે કે ''ફિલ્મોમાં ક્યાંક મને લાગ્યું હતું કે હું સેકન્ડહેન્ડ બની ગયો છું. કોઈના આઇડિયાથી ઈન્સ્પાયર થાઉં છું કે પછી અન્ય કોઈ (પ્રેક્ષકો-વિતરકો-સ્ટાર્સ)ને કેવું લાગશે એ વિચાર્યા કરું છું. પણ પ્રકૃતિ સાથે ખેતી કરવી એ ફર્સ્ટહેન્ડ એક્ટિવિટી છે. ઓરિજીનલ ક્રિએટીવિટી. બધો આનંદ મૂકીને ઉતરેલી કઢી જેવા મોં રાખી ફકીર બની જવું એમ નહિ. પણ સુખસગવડોથી જીવતાં જીવતાં એટલું ધ્યાન જાગૃત બનીને ગાંધીજીની જેમ રાખવું કે આપણી તૃષ્ણા બેહિસાબ, બેસુમાર છે. પણ આ ધરતી, પર્યાવરણ જે આપે છે એ મર્યાદિત છે!''
એકચ્યુઅલી મહાવીર સ્વામીએ આવી જ વાત કરેલી કંઈક.
એક ડિફરન્ટ મોડર્ન પરસ્પેક્ટિવથી વિચારો.
મહેલોમાં રહેતા કસાયેલા શરીરવાળા યોદ્ધા રાજપુત્ર મહાવીર 'બી વન વિથ નેચર' થવા માટે ચૂપચાપ બધું રજવાડું છોડી એક્ઝિટ લઈ ગયા. નેચરલ મીન્સ નેચરલ, એટલે વસ્ત્રો પણ નહિ, આભૂષણોનો ઠાઠઠઠારો નહિ. જીવદયા અને અહિંસા એટલે કે ઓછામાં ઓછું મેળવવાનું. કશુંક છીનવી લેવું કે – જરૂરથી વધુ ભોગવવું એ ય હિંસા છે. કુદરતના કાનૂનમાં ક્યાંય પરિગ્રહ એટલે કબજો, સંગ્રહ, માલિકીભાવનું પઝેશન પ્લસ ગ્રીડ નથી. માટે અપરિગ્રહમાં રહેવાનું. કોઈ જીવજંતુને પણ નડવાનું નહિ. કોઈ યંત્રના ઉપયોગ વિના (જેમ કે પૈડાંવાળો રથ) કે પશુની એનર્જી (જેમ કે, ઘોડો-બળદ) ચૂસ્યા વિના માત્ર ચાલીને જ જેટલો થાય એટલો વિહાર કરવાનો. સૂર્યાસ્ત ઢળે ને પંખીઓ જેમ માળામાં આવીને સૂઈ જ જાય એમ અંધારું થાય એટલે ભોજન એ પહેલાં જ કરીને જંપી જવાનું. અજવાળાં સમયે ઉઠી જવા માટે! એન્વાયર્નમેન્ટ કન્સર્નની રીતે કહો તો મિનિમમ રિસોર્સીઝ એટલે મિનિમમ ફૂટપ્રિન્ટસ. સ્પિરિચ્યુઅલ એંગલથી કહો તો ઓછામાં ઓછું કર્મબંધન.
હિન્દુ ઋષિઓ આ લાઈફ સ્ટાઈલને બ્રહ્મચર્ય કહેતા. જી ના. આ શબ્દને કમરની નીચે આવેલા પ્રજનનઅંગની તાળાબંધી સાથે કોઈ સંબંધ નથી. મહાભારતમાં એકથી વધુ સ્ત્રીઓના પ્રિયતમ કૃષ્ણ પણ પોતાને બ્રહ્મચારી ગણાવે છે. ઉપનિષદ મુજબ બ્રહ્મચર્ય એટલે નેચરલ ઈકો ફ્રેન્ડલી લાઈફ સ્ટાઈલ. ખપ પૂરતું જ લેવાનું. સહજભાવે જીવવાનું. જે મનમાં હોય એ પારદર્શકતાથી પ્રગટ કરવાનું. સમય-સંજોગો સાથે વધુ પડતા પ્રતિકારનો સ્ટ્રેસ ભોગવ્યા વિના પાણીની જેમ રંગ-ગંધ-આકારહીન બનીને વહેતા જવાનું. ઉમળકો થાય અને પરસ્પરની સંમતિ હોય તો પ્રેમ-સમાગમ પણ ! બ્રહ્મચર્ય એટલે બ્રહ્મ (અદ્રશ્ય ચૈતન્ય / પ્રાકૃતિક પ્રાણઊર્જા)ના ઈશારે એને અનુકૂળ થઈ જીવવું તે !
ભારતીય સાધુ જીવનમાં એટલે જ એક જગ્યાએ જ પડયા પાથર્યા રહેવાની ના હતી. સાધુ તો ચલતા ભલા. એને ભિક્ષા માંગવાનો અધિકાર હતો. કારણ કે, પેટની રોટી તો જીવન ટકાવવા જોઈએ. પણ એમાં વધુ પડતો રસ કે મનગમતી પસંદની ફરમાઈશ ભળવા લાગે તો એ ભોગવવા કોઈની ગુલામી કરવી પડે. અને એમાં આત્માની સ્વતંત્રતા રહે નહિ. જો સતત બીજા પર આધારિત જ રહેવાનું થાય, તો લાલસા વધતી જાય. એને સારું લગાડવા માટે આપણે ખોટું કરતાં શીખવું પડે. તો ચિત્ત નિર્ભયપણે મૌલિક વિચારો કરી ન શકે. તો અંદરની સંવેદનશીલતા ગૂંગળાઈ જાય. ફીલિંગ શુદ્ધ ન રહે. શિશુસુલભ યાને ચાઈલ્ડલાઈક વિસ્મય ખોવાઈ જાય. અને તો નેચર સાથેની, પરમ સાથેની મૌન કનેક્ટિવિટીના સિગ્નલ ખોરવાઈ જાય.
માટે અપેક્ષા વિના અજાણ્યા પાસેથી રેન્ડમ ભિક્ષા લેવાની. એમાં વાસી બાજરાનો રોટલો ય મળે અને તાજી મીઠાઈના ચોસલાં. જે મળે તે હરિ ઈચ્છા કરી જીવન કૃષ્ણાર્પણ કરતાં રહેવાનું. ભોગવવાનું ખરું, પણ માંગવાનું નહિ. ઈશ્વરના ઈશારે જીવન છોડી દેવાનું. એ આંગળી પકડીને ચલાવે કે વ્હાલથી તેડીને ખભે બેસાડે. જે ગમે જગદ્ગુરુદેવ જગદીશને...
આવતીકાલની ફિકર કરવાવાળો ભગવાન છે. નદીના જળમાં ડૂબકી મારીને ન્હાવ, બાલટી ભરીને ઘેર લઈ જાવ, ખોબો ભરીને પીવો - પણ આખી નદી ઘરની તિજોરીમાં સમાશે? બધું જ પાણી કોઈ રોકેટોક નહિ તો ય પી શકાશે ?
એમ આ અનંત વિરાટમાં જે મળ્યું એની મોજ માણતાંમાણતાં બાકીની લીલા મુગ્ધભાવે નિહાળ્યા કરવાની. આ વૃત્તિ કેળવાય તો કપડાના રંગ બદલાવી દીક્ષા લેવાની જરૃર નથી. પોતાનું કર્મ હસતાં હસતાં કરતાં જવાનું. ફિકર કરશે નરસિંહનો શામળિયો, મોરારિબાપુનો રામ, કબીરનો માલિક, સેઈન્ટ વેલેન્ટાઈનનો જીસસ, જલાલુદ્દીન રૃમીનો અલ્લાહ, સમ્રાટ અશોકનો બુદ્ધ!
પ્રેક્ટિકલી, તદ્દન સૂફી-સાધુ ન થઈ શકાય એ ય સ્વાભાવિક છે. પણ થોડા હોશમાં તો જીવી શકાય ને ? બહારના કોલાહલને મ્યૂટ કરીને નિરાંતની નવીનતા માણવાનો સમય તો કાઢી શકાય ને ? ભક્તિ- બંદગીના નામે વૈભવી ઉત્સવો કરવાને બદલે થોડુંક પ્રભુના પયગંબર બાળકોની નવી પેઢી માટે, આસપાસની સૃષ્ટિ માટે તો કરી શકાય ને !
પણ એ માટે ઘેટાંની જેમ જ્ઞાતિ , ધર્મ, રાજકીય પક્ષો કે પૈસા માટે કંપનીઓને ત્યાં ગીરવે મૂકેલું ચાપલૂસ મગજ છોડાવવું પડે. પુનરપિ જન્મમ્, પુનરપિ મરણમ્ જેવો આ ચકરાવો ફર્યા જ કરે છે. આખી જિંદગી શું પેટ્રોલ પંપે ફ્યુઅલ પુરાવવામાં અને રેસ્ટોરાંના ટેબલ પર આપેલા ઓર્ડરની વેઇટ કરવામાં જ પૂરી કરવાની છે ? નવી કાર, નવો બંગલો, નવો મોબાઇલ, નવી પાર્ટી, નવો ડ્રેસ, નવા ઘરેણાં બસ એના સપનાની પાછળ હાંફળી ખુલ્લી જીભમાંથી લાળ ટપકાવતા દોડયા કરવું એ જ લાઇફ છે?
સ્ટોપ. એન્ડ થિંક. બધાં વ્હાઇટ કોલર જોબ / પ્રેસ્ટિજની કઠપૂતળીઓ થતા જાય છે. આપણે કોઈ મહાન લડાઈ નથી લડવી. ધર્મ - જ્ઞાતિ , સંસ્કૃતિ ને પરંપરાના છૂટકિયા અહંકાર માટે ટોળામાં ભેગા થઈ નારાબાજી કે ભાંગફોડ કરવી એને આપણે વીરતા માનીએ છીએ. આપણી લાઇફમાં ઢળતી સાંજની એકલતા જોડે રૂટિન બોરિંગનેસને લીધે આવતા ડિપ્રેશનનો કંટાળો આપણે મહારોગની કંગાળ પીડા માનીએ છીએ. આપણે ઉછરીએ છીએ બસ ટી.વી. મોબાઇલના હાથમાં. ઉપર-ઉપરથી સિવિલાઇઝ્ડ દેખાતી સોસાયટીમાં અંદરથી તો બધા ભૂખ્યા રાની પશુ છે. હિંસામાંથી એમને કિક લાગે છે ! ગાંધી એમને ડલ લાગે છે અને જો આ વિષચક્ર સામે વિપ્લવ કરવા જાવ, તો વિદ્રોહને ઉપરવાળા તો ઠીક, નીચેવાળા જ ખતમ કરી નાખશે. કારણ કે, એમનું મૃગજળિયું ઘેન સચ્ચાઈના તાપમાં વીખેરાઈ જાય, એ એમને ગમતું નથી ! એટલે 'મારે સામો પ્રહાર કરી મળતા બદલાનો આનંદ નથી જોતો, પણ સામાને બદલવાના પરિવર્તનનો સંતોષ જોઈએ છે.' એવું માની જીવતા ગાંધીએ મરવું પડે છે, હડધૂત થવું પડે છે.
૧૯૯૯માં એક ફિલ્મ આવેલી 'ઇન્સ્ટિન્ક્ટ'. લાજવાબ, અદભુત ફિલ્મ હતી. ફિલ્મ પૂરી થાય ને વિચારો શરૂ થાય એવી ! એક અમેરિકન નૃવંશશાસ્ત્રી જંગલોનો અભ્યાસ કરવા આફ્રિકા જાય છે. વર્ષો સુધી ગાયબ થઈ જાય છે. મળે છે ત્યારે એક ગોરિલ્લાના જૂથ સાથે રહેતો હોય છે અને માણસોના ખૂન કરી નાખે છે (પછીથી પ્રગટ થાય છે રહસ્ય કે જેમના ખૂન થયા એ ગેરકાનૂની શિકારીઓ હતા) બાદમાં એ તદ્દન મૌન થઈ જાય છે. એક કરિયર બનાવવા માટે ઉત્સાહી એવો મનોવિજ્ઞાની એમનો લીગલ રિસર્ચ કરી ફેમસ થઈ જવાની ઝંખનાથી પરમિશન લઈને આવે છે...
એન્થની હોપકિન્સે જેનું પાત્ર બેનમૂન રીતે ભજવેલું એવો જંગલી પાગલ ગણાયેલો વૃદ્ધ પ્રોફેસર કહે છે કે, 'આ દુનિયા ટેકર્સે ભ્રષ્ટ કરી છે. યુગો પહેલાં પૃથ્વી પર જીવન શરૂ થયું ત્યારે માણસ જંગલી પ્રાણીઓ જોડે રહેતો હતો, એટલે આટલી પ્રગતિ કરી શક્યો. એ મૂળિયાના જોરે ! હજારો વર્ષો પહેલાં હન્ટર્સને પ્લાન્ટર્સ હતા એ ખતરારૂપ નહોતા. કારણ કે એ જરૂર પૂરતો જ શિકાર કરતા કે વાવેતર કરતા. પોતાની જરૂરિયાતથી આગળ એમની કોઈ મહત્ત્વકાંક્ષા નહોતી. માટે એ લડતા, પણ કોઈ (રાજ્ય કે ધર્મ ખાતર) યુદ્ધ કરી બીજાને લડાવતા નહિ. એમની હિંસા પોતાના સર્વાઇવલ, ડિફેન્સ પૂરતી હતી. શિકાર કે ખેતી પણ પોતાની ભૂખ મિટાવવા માટે.
પણ પછી આવ્યા ટેકર્સ. જે માનવજાતના બની બેઠેલા ભગવાનો થઈ ગયા, ધરતીની માલિકી એમણે બથાવી પાડી. એ ટેકર્સ એટલે વેપારી વૃત્તિવાળા. ઓથોરિટી જમાવવામાં આનંદ આવે તેવા. એમણે બધું બગાડી નાખ્યું. હું કેમેરા લઈને ગોરિલાઓ પાસે જતો તો એ ભડકતા. કારણ કે એમને મશીન સામે વાંધો હતો. પછી એમણે મને એમનો ગણી લીધો. માણસોએ નુકસાન પહોંચાડયું ને પોતાના ચુકાદા આપી મને ગુનેગાર ઠેરવ્યો પણ પ્રાણીઓએ સાચવીને રાખ્યો. એ આક્રમણ કરતા, પણ સ્વરક્ષણ અને ભક્ષણ પૂરતું. એમની ઇચ્છાઓ અસંખ્ય નહોતી, જિંદગી સિમ્પલ હતી. પ્રકૃતિ એમનું ઘર હતું પ્રોપર્ટી નહોતી, એટલે એ મારું ધ્યાન રાખતા એમાં મને ફેમિલીનો મીનિંગ સમજાયો. કોઈ કશું બોલે નહિ, પણ આપણી સામે કાળજીથી જોવે એ એમની હાજરીનો ખામોશ અહેસાસ છે અને એને જ કહેવાય સ્વજન!''
રોમાંચક ઘટનાઓ વચ્ચે મિસ્ટર નેચર જેવા પ્રોફેસર પેલા યુવા સાઇકિયાટ્રિસ્ટને સમજાવે છે કે, માણસની મૂળભત નબળાઈ છે : કન્ટ્રોલ. દરેકને બીજા પર કાબૂ મેળવીને ગ્રેટ કે રિચ બની જવું છે. એમાંથી ખટપટ, જૂઠ, ઇર્ષા, અપરાધ જન્મે છે. ફ્રીડમના ડ્રીમ જોતો માણસ પણ બીજાને કન્ટ્રોલ કરવા મથતો રહે છે! કારની સ્પીડ કે એસીનુ ટેમ્પરેચર કે ટીવીનું વોલ્યુમ- બધા કંટ્રોલ આંગળીના ટેરવે રાખી એ પોતાને 'બોસ' સમજે છે. પછી એના આ લોભને થોભ નથી એટલે એને 'ડ્રીમ ઓફ ફ્રીડમ' ગમતું નથી.
ડાયરેક્ટર 'ઇન્સ્ટિંક્ટ'માં બે-ત્રણ અગત્યની વાતો વાર્તામાં ગૂંથીને આપણને કહે છે.
એક, આઝાદી અસંભવ નથી પણ સામે દેખાતી વાડને ઓળંગીને વાઇલ્ડ કૂદકો મારવાની આગ અંદર ભભૂકવી જોઈએ. અને એ પોતાની અંદરથી ઉઠવી જોઈએ. પારકી સલાહને લીધે ખુદનું જીવન જીવી ન શકાય.
બે, આપણે બધા જ કોઈને કોઈ ઇલ્યુઝન (ભ્રમણા)ના ગુલામ છીએ. બહાર જે મહોરું પહેરીએ તે, અંદરથી ચાલાક, ગણત્રીબાજ છીએ. કોઈને કેવું લાગશે એ વિચારીને જાતને અને સામેવાળાને છેતરીએ છીએ. બધું પ્રોગ્રામ્ડ કેલ્ક્યુલેશન છે. સફળતા માટે જીહજૂરી, ઘૂસણખોરી, પંચાત, કૂથલી, કોને શું સારું લાગશે જેનાથી આપણને કશોક ફાયદો થાય એમ માનીને સતત જીવવાના નામે માત્ર જીવવાનું નાટક જ કરતા રહીએ છીએ! યસ, આપણી અંદરના અસલી અવાજને ઘોંટીને આપણે સમાજ, ધર્મ, પરંપરા, દેશના ચોકઠામાં જાતને ફિટ કરીએ છીએ.
માનો કે થોડે અંશે એ અનિવાર્ય ગણો તો ય એટલિસ્ટ, એવું થાય છે એનું અંદરથી ભાન તો હોવું જોઈએ ને?
તો થોડુંક ટોલરન્સ આવશે. બીજાનો સ્વીકાર થશે.
રીડર બિરાદરોને થશે કે તો શું મન્સૂર કે મહાવીરને જેમ બધું છોડી જંગલમાં કે પહાડો પર જતા રહીએ? વેલ, એ ય ત્યારે થાય જ્યારે એ બંનેની જેમ સુખસગવડોથી પહેલા પૂરા ધરાઈ ગયા હો. (બંને સંપન્ન પરિવારના ફરજંદ હતા !) અંદર અધૂરપ હશે, તો આવું પલાયન બનાવટી ને તકલાદી નીવડશે.
બુદ્ધના મધ્યમ માર્ગે એવું કહી શકાય કે 'ફેક નીડ્સ'થી દૂર રહો.
જીવન મસ્તીથી રસભરપૂર માણો પણ કોઈના માર્કેટિંગ રોબોટ બનીને નહિ. ખુદની મરજીથી.
મોંઘી કાર લો, તો ય જરૂર વગર એ વાપર્યા ન કરો. પગે ચાલવાની કે કોઈકના બાઇકની પાછળ બેસી જવાની સાહજિકતા કેળવો.
ફોર્માલિટી ઘટાડશો, તો નોબિલીટી વધશે!
બહુ બધો સંગ્રહ-પરિગ્રહ ન કરો.
તબીબી- શૈક્ષણિક- પારિવારિક જરૂરિયાતોથી વધુ પ્લાનિંગ ન કરો.
સેક્સ, ડાન્સ, મ્યુઝિક, એન્ટરટેઇનમેન્ટ, ટ્રાવેલિંગ બધું જ માણો, પણ ડિટેચ્ડ રહીને.ગીતામાં કહ્યું છે, એમ મમત્વના એટેચમેન્ટને ઘટાડીને.
આપણી પહેલાં ય આ ભોગવિલાસ હતા, ને આપણા પછી ય રહેશે. માટે મુગ્ધતાથી આનંદ માણો પણ એના માલિક બનવામાં જીવન બરબાદ ન કરો.
વસ્તુઓ કે વ્યક્તિઓને બદલે અનુભૂતિઓ અને આત્મનિરીક્ષણ બાબતે ક્રેઝી બનીએ.
એક્ચ્યુઅલી ફ્રીડમ બાબતે આપણે કોન્ફિડન્ટ નથી ડરપોક છીએ. લિવ ધેટ સેફ્ટી મોડ.
રિમેમ્બર, પૈસો કમાવો પડશે આવું લખવા- વિચારવા- ફિલ્મ બનાવવા- બૂક છપાવવા- જીવવા માટે ય. પણ પૈસો જેટલો વાપર્યો એટલો જ આપણો છે. સાચવ્યો એ તો પારકો છે. આપણે ખોટા કેરટેકર તરીકે એના લોહીઉકાળા કરતા રહ્યા !
તમને અંદરથી અફસોસ છે કે કશુંક ખરેખર ગમતું હતું એ કરવાનું રહી ગયું !
મરતા પહેલા એ કરવું છે?
તો ક્યારે મરવાનું થશે, એની ગેરન્ટી નથી.
સ્ટાર્ટ ઇટ ટુડે!
ફાસ્ટ ફોરવર્ડ :
'પ્રેમનો વિરુદ્ધાર્થી શબ્દ શું?'
પ્રેમનો વિરુદ્ધાર્થી શબ્દ છે ભય !
(ગાંધીજીના ગ્રાન્ડ ડોટર તારા ગાંધી ભટ્ટાચાર્યજી)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો