2.4.10


અહંકાર શું છે?
' હું ચંદુભાઇ છું ' અહંકાર.
જ્યાં તું નથી ત્યાં તું પોતાપણાનો આરોપ કરે છે તે અહમ.
પોતે નથી ત્યાં માની લીધું કે હું છું એનું નામ અહંકાર.
અહંકારથી જ આ બધું ઊભું થયું છે ને અહંકાર વિલય થાય એટલે મુક્તિ છે !
આ અહંકાર શેના હારુ ? જેણે અનંત અવતાર મુશ્કેલી માં મૂકી દીધા એ તો પાકો શત્રુ છે. 

અહંકાર હંમેશા પોતાનું ખોટું ના દેખાય એવો ધંધો કરે.
અહંકાર આંધળો હોય એટલે બધું ઉંધુ-છત્તું કરે. સ્વભાવથી જ આંધળો છે, સહેજ બુદ્ધિની  આંખે થોડું ઘણું જુએ છે અને બુદ્ધિ ની સલાહથી ચાલે છે. એ બુદ્ધિ જ્યાં કહે ત્યાં એની સહી કરે. બાકી આમ પોતે આંધળો છે.

મનુષ્ય થઈને પ્રાપ્ત સંસારમાં ડખો ના કરે તો સંસાર એવો સરળ ને સીધો ચાલ્યા કરે પણ આ પ્રાપ્ત સંસારમાં ડખલ કર્યા જ કરે છે. પ્રાપ્ત સંજોગોમાં સહેજ પણ ડખલ ના હોય તો ભગવાનની સત્તા રહે , તેને બદલે ડખો કરે અને પોતાની સત્તા ઉભી કરે છે. 
આપણે જે ભાવના કરીએ છીએ એનાથી આ પાપ કે પુણ્ય બંધાય છે , તો એ ભાવના કોની ? અહંકારની.

આ ગાંડો અહંકાર છે એ કેવી રીતે ખબર પડે?
દુઃખ આપે એ બધો અહંકાર ગાંડો.
જેને લોકો એક્સેપ્ટ ના કરે ને અહંકાર પોતે હું કઈક  છુ એવું માની બેઠો હોય, તે ગાંડો અહંકાર કહેવાય, કદરૂપો અહંકાર કહેવાય.
નિયમ શું છે કે જે અહંકાર વહોરી લે, તેના માથે જોખમદારી થાય. અહંકાર જે કરે તેને એનું ફળ મળે. થતું હોય એની મેળે, કર્મ ના ઉદયે રાજા બનાવ્યા એમને, પણ એ અહંકાર કરે મેં કર્યું ! કે માર પડ્યો.

જ્યાં સુધી આપણે છંછેડીએ નહીં  ત્યાં સુધી આપણા વ્યવસ્થિતમાં  કંઈ ડખો ડખલ ના થાય? 
ના, કોઈના અહંકારને આપણે કશું પણ ન કરીએ તો કોઈ કશું કરે નહીં .
વિનયમાં રહો , અવિનય નહીં કરો તો કોઈ તમારું નામ લેનાર નથી.

અહંકાર જાય ક્યારે?
કૃપાળુદેવે કહ્યું , દીઠા નહી નિજદોષ તો તરીએ કોણ ઉપાય? જ્યારથી દોષ દેખાવાના થાયને, ત્યારથી કૃપાળુદેવનો ધર્મ સમજ્યો કહેવાય. પોતાના દોષ દેખાય નહીં ત્યાં સુધી કશું સમજ્યો નથી.
બીજાના દોષ દેખાય છે તે આપણા જ દોષનો પડઘો છે.
મોટામાં મોટો આપણો જ દોષ છે. એને અહંકાર કહેવાય !

કોઈ ગાળ ભાંડે તો અહંકાર ઘવાય? અહંકાર ઘવાય તો સારૂં, ઓછું થાય એટલું. ઘવાતું ઘવાતું પડી જાયને? અહંકારનું રક્ષણ કરવા જેવું નથી. અહંકાર પોતે જ રક્ષણ કરી લે એવો છે.

અહંકાર જાય ક્યારે? અહંકાર ખોટો છે, એવું સ્વીકાર્ય બને ત્યારે. જ્યાં કકળાટ થાય ત્યાં સમજી જવું કે પોતાનો અહંકાર ખોટો છે. એટલું સમજ્યા તો તે અહંકાર જાય.
મતભેદ પડે ત્યાં આપણીજ ભૂલ છે એમ માનીશું ત્યારે જગતનો છેડો આવશે.

વ્યવહાર માં જે ખરું - ખોટું બોલવામાં આવે છે તે બધું ઈગોઈઝમ છે. કોઈનું ખોટું તો છે જ નહીં જગતમાં. બધું વિનાશી સત્ય છે, તો પછી એમાં શું પકડ પકડવાની ? કશું ખરું - ખોટું હોતું જ નથી, બધું કરેક્ટ જ છે. પછી સહુ સહુનું ડ્રોઈંગ જુદું જ હોય. એ ડ્રોઈંગ કલ્પિત છે, સાચું નથી.

જીભની, વાણી ની ભાંજગડ અને ઘડભાંજ એ શું છે?
એ અહંકાર છે પૂર્વભવનો. એ અહંકારથી જીભ ગમે તેમ આપે અને એમાં સ્પંદનોની અથડામણ ઉભી થાય. આજે તો જે દુઃખો છે તે મોટા ભાગે તો જીભના, વાણીના સ્પંદનોના જ છે.
વીતરાગ વિજ્ઞાન શું કહે છે કે ઘરનાની પ્રકૃતિ ને જીતો. જીતો એટલે?
એ બધા તમારી પર ખુબ રાજી થાય. તેથી એમને દુઃખ ના થાય , એવી રીતે જીતો.
બહાર દુનિયા જીતવાની નથી, તમારી ઘરની સાત ફાઈલો છે એને જીતો. દુનિયા જીતાયેલી જ છે.
તમારી ફાઈલ ને મુકીને નાસી છુટ્યા ને સાધુ થઇ ગયા, તો દહાડો વળે નહીં . એ ફાઈલને જીતવી પડશે. એ ફાઈલ જ તમારે માટે આવેલી છે. 

આપણે ગમે તેટલું કરીએ પણ સામો ના સુધરે તો શું કરવું?
આપણે સુધર્યા ના હોઈએ ને બીજાને સુધારવા જઈએ, એ મીનિંગલેસ છે. ત્યાં સુધી આપણા શબ્દ પણ પાછા પડે. અહંકારથી સામાને દબડાવી-કરીને કામ કરાવવા જઈએ, તો સામો વધારે બગડે. જ્યાં અહંકાર નથી , ત્યાં તેને બધા કાયમ સિન્સીયર હોય, ત્યાં રિયાલીટી હોય. અહંકાર નુકસાનકર્તા છે એવું જાણી લો ત્યારથી જ બધું કામ સરળ થાય.
વઢવું  એ મોટામાં મોટો અહંકાર છે, ગાંડો અહંકાર છે.
વઢેલું કામનું ક્યારે કહેવાય? પૂર્વગ્રહ વગર વઢે તે.   

અહંકારના બે રસ્તા કરવા જેવા છે.
જો મોક્ષે જવું હોય તો અહંકારને છોડાવવા માટે મારી પાસે [જ્ઞાની પુરુષ પાસે] આવવું જોઈએ. જે અહંકારથી મુક્ત છે ત્યાં તમને એ અહંકારથી મુક્ત કરી શકે.
જો સાંસારિક સુખો જોઈતા હોય ઓ અહંકારને સુંદર બનાવો. લોકો પસંદ કરે એવો અહંકાર જોઈએ.






    

ટિપ્પણીઓ નથી: