દરબારો સાથે કે વારતહેવારે કણબી-પટેલના આમંત્રણથી અમે વાઢે જઈએ. ત્યાં ઊનો ઊનો ગોળ ખાઈએ. હરીફાઈ ચાલે. કોણ વધારે થાય છે ? જેને જેટલો ખાવો હોય તેટલો ખાવાની છૂટ. (તે વખતનું ગ્રામપ્રજાનું વાત્સલ્ય યાદ આવતાં આંખમાંથી આંસુની ધારા વહે છે.
કડામાં રસ ઉકળવા માંડે ને ભમરિયું પડે ત્યારે ‘કોઈક પોકારી ઉઠે ઃ ‘એ... ઈ. કડા ઘુ્રબકે પડી.’ ગોળ બનતો હોયને કડા ઘુ્રબકે પડે (ઉભરાવા માંડે) એટલે ફીણમાંથી પાતળો સુવાસિત ગરમ ગોળ છાલિયામાં જ સીધો લેવાનો. તે થોડો જ ખાવાનો હોય પણ તેની મિઠાશ અને મજા એટલે બસ અમૃત જ જોઈ લ્યો ભાઈ ! કામશ (કચરો) લેવાઈ ગઈ હોય ને સરસ બદામી ફીણ ઉભરાતા હોય ત્યારે વાંકા વળીને છાલિયા વડે કડામાંથી એ ફીણ લઈ લેવાના. જેવી અદ્ભુત તેની મિઠાશ તેવો અલૌકિક તેનો રંગ !
વાઢ કરનાર કણબી પટેલનો પોરહા ય એવો હોય. તે ગામના શેઠ, શાહુકારો, રાજપૂત-દરબારો, કાઠી દરબારો, નોકરિયાતો, અમલદારો, સગાં વહાલા, બહેનો-દીકરીઓ, ભાણેજો અને મોટિયારોને શેરડી ખાવા હોંશેહોંશે વાઢે તેડાવે. માંડવામાં ગોદડાં ને રજાઈયું પાથરીને બેસાડે. ચિચોડાને ધોઈ, શેરડીના સાંઠાની છાશ કાઢી આદુ ને લીંબુ નાખી રસના બોઘરણા તૈયાર કરાવી સૌને છાલિયાં ભરી તાણ્ય કરી કરીને પિવરાવે. પછી અશેળિયો નાખેલો ગરમ ગરમ ગોળ એરંડાના પાંદડામાં મૂકીને ખાવા આપે. ગરમ ગરમ ગોળ મેસુબ જેવો મીઠો લાગે હો ભાઈ.વાઢ ઉપર ‘રસિયો ગોળ’ પણ તૈયાર થાય. ઇલાયચી અને ભગરી ભેંસનું ઘી નાખીને બનાવેલો ગરમ રસિયો ગોળ એકવાર ચાખો તો એનો સ્વાદ તમને જીવનભર યાદ રહી જાય.
ગોળ માગવા આવેલા કોઈને નિરાશ કરવામાં આવે. ભરપેટે શેરડી ને ગોળ ખવરાવે. એ કાઠિયાવાડનો કૃષિ સંસ્કાર.
લોકગાયક રતિકુમાર કહે ‘ખાવાથી ને ખવરાવવાથી કોઈનું ખૂટી પડતું નથી. દેઈ દેવ ગણાય, રાખે ઈ રાક્ષસ કહેવાય. લોભ એ લંગોટી છે ને ઉદારતા એ ઓવરકોટ છે. આવી ઉદારતા લોકજીવનમાં હતી, એમાંય હવે તો ઓટ આવવા માંડી છે.
આવી છે કહાણી ભાઈ ચિચોડાની અને ગઢિયા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો