સદ્દભાવ, સહકાર, શાંતિથી કામ લેનારો જ ફાવશે
કાંતિ ભટ્ટ
આ દુનિયામાં ગુણિયલોની જબ્બર મેજોરિટી છે, છેતરનારા બહુ ઓછા છે.
એટલે તમારી જીવનનૈયાને બીજા ઉપર ભરોસો અને વિશ્વાસ રાખીને જ ચલાવજો.
એકાદ વખત છેતરાશો તે તમારો પ્રારબ્ધ હશે.
શેખ સાદીએ માનવીને કળિયુગમાં શાંતિથી જીવવા આપેલી બે શિખામણો આજે યાદ કરાવું છું. 'ચિંથડે કા નિરાદર મત કરો, કયોં કિ ઉસને ભી કિસી સમય કિસી કી લાજ રખ્ખી થી.' બીજી શિખામણ હતી- બે વાત માનસિક દુર્બળતા પ્રગટ કરે છે- એક તો બોલી નાખવાનું હોય ત્યારે ચૂપ રહેવું અને બીજું ચૂપ રહેવાના અવસર પર બકબક કરવું. ખમી ખાવું એ શ્રેષ્ઠ ગુણ છે.
આજે મારે અમેરિકાના મહાન ફિલસૂફ, આર્ષર્દષ્ટા અને કવિ મેકસ એહરમેનની એક અત્યંત ઉપયોગી કવિતા ટાંકવી છે, ડેસિડરાટા શબ્દ લેટિન ભાષાનો છે. લેટિનમાં 'ડેસિડરા ટમ' શબ્દ છે. અથૉત્, આ કળિયુગમાં સૌથી અનિવાર્ય હોય તેવો માનવીને શાંતિથી જીવવાનો મંત્ર.
'હે માનવ, તારી આજુબાજુ સતત ઘોંઘાટ હશે.
માણસ ઘાંઘો થઈને કે રઘવાયો થઈને દોડતો હશે,
પણ તને તેના ઘાંઘાપણા કે રઘવાટનો ચેપ લાગવા દઈશ નહીં.
તારે ભાગે જે ફરજ આવી હોય તેને શાંતિથી બજાવજે.
હા! ખોટા અન્યાયને સહન ન કરતો,
પરંતુ એક મંત્ર રાખજે
કે તું બધા સાથે પ્રેમથી વર્તીશ,
સહકારથી વર્તીશ,
કોઈ પૂર્વગ્રહ રાખીશ નહીં.
તારું પોતાનું સત્ય હોય, તને જે યોગ્ય લાગતી વાત હોય તે જરૂર તું કહેજે
પણ ઝનૂનથી કે ઊંચા અવાજે નહીં.
અવાજને ઊંચો કરવા જઈશ તો અસ્પષ્ટ થઈ જઈશ.
એટલે શાંતિથી તારી વાત કરજે
પણ સાથેસાથે સામા માણસની વાત પણ શાંતિથી સાંભળજે.
બની શકે ત્યાં સુધી
બહુ ઘોંઘાટિયો, ઝઘડાળુ કે આક્રમક માણસ હોય
તેનાથી દૂર રહેજે.'
યાદ રાખો કે તમે તમારી જાતને બીજા સાથે સરખાવ્યા ન કરો. જો તમે બીજા સાથે તમારી સરખામણી કર્યા કરશો તો તમારામાં કડવાશ આવશે અને તમે દંભી બની જશો. કારણ કે ઈશ્વરે હંમેશાં તમારા કરતાં ઊંચા અને નીચા માનવો પણ સજર્યા છે. એટલે તમે જે છો તેમાં સંતોષ માનીને, ખાસ તો તમે જે સિદ્ધિ મેળવી છે તેમાં સંતુષ્ટ રહો. તમારી પોતાની કેરિયરને ઊજળી કરવામાં તમામ સમય આપો.
એ વાત સાચી કે દુનિયામાં દગાબાજી છે. લોકો ટ્રિકથી બિઝનેસમાં ફસાવે છે પણ દુનિયામાં ગુણિયલોની જબ્બર મેજોરિટી છે. છેતરનારા બહુ ઓછા છે. એટલે તમારી જીવનનૈયાને બીજા ઉપર ભરોસો અને વિશ્વાસ રાખીને જ ચલાવજો. એકાદ વખત છેતરાશો તે તમારો પ્રારબ્ધ હશે.બીજાઓ ટ્રિકરી કરી જાય તો તમે પણ તેના જેવા નહીં થતા. ધેર આર સો મેની પીપલ હૂ હેવ હાઈ આઈડિયલ્સ. તમારી જ જેવા ઊંચા આદર્શો રાખનારા બીજા અગણિત છે. માત્ર તમે જ આદર્શ પાળનારા છો તેવું ન માનતા. દુનિયામાં ઘણા હીરો છે પણ-બી યોર સેલ્ફ. તમે, તમે છો. તમારું વ્યક્તિત્વ અનુપમ રાખજો. કોઈ ખોટો દેખાડો કે દંભ ન કરતા.
જેવો પ્રેમ મળે તેવો સ્વીકારી લેજો. કોઈના પ્રેમમાં શંકા નહીં કરતા. પ્રેમમાં દ્વેષ કે અદેખાઈ ન કરતા. પ્રેમમાં મોનોપોલી નહીં ચાલે. પ્રેમ એ એક અમર હરિયાળી છે. આ જિંદગી તો સતત સંઘર્ષ અને ઘણી વખત સુક્કા રણ જેવી બની રહેશે ત્યારે પ્રેમ એક જ તમને રણમાં લીલી-મીઠી વીરડી બનશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો