જો મરવાનું જ હોય
તો અમને વનવગડામાં મરવું છે
ધૂળવાળી ધરતીને અડીઅડીને મરવું છે અમારે
ઇન્ટ્રાવિનસ નીડલને બદલે
વાંસના રોપા શરીરે ભોંકાતા હોય
આસપાસ સગાંસંબંધી નહીં
ચાર-છ ખિસકોલી હોય
તો ગમશે
બામણોના મુખે થતા પંદરમા અધ્યાયના પઠનને નહીં
ઝાડઝાંખરમાંથી સરી જતા પવનને સાંભળતાં સાંભળતાં
મરવું છે અમારે
બપોરના પરસેવાયુક્ત આલસ્યમાં
કે રાતની ભેંકારતામાં
મરવાની મજા ન આવે
બ્રાહ્મમુરત હોય
અને આંખે ઓસનાં આંસુ બંધાતાં હોય
તો છેટેના ગામનો કૂકડો ગ્રીવામાંથી કેકા કાઢે ને
એવી સરળતાથી પ્રાણ કાઢીને આપી દઈએ
પણ આવું બધું કહીશું તો માનશે કોણ?
વ્યવહારકુશળ સજ્જનો છૂપું હસશે
પંડિતો ઠપકારશે કે વત્સ,
મરવા જેવી ચીજમાં સ્થળ અને સમયની આસક્તિ રાખો છો?
તો હવે ગઝલ સ્વરૂપે કહી જોઈએ
પ્રાસના વિશ્વાસ સાથે
છંદના પ્રબંધ સાથે
કદાચ અમારી વાત કોઈ સિરિયસલી સાંભળે...
પરોઢે પહેલા કલરવમાં મને ચુપચાપ મરવા દો
ઉષાના મંગલોત્સવમાં મને ચુપચાપ મરવા દો
શિયાળામાં પડ્યા રહી ઓસભીની લાલ માટી પર
અહીં તરણાના નીરવમાં મને ચુપચાપ મરવા દો
જુઓ ત્યાં પગલીઓ મૂકી પવન પર ચકલીઓ ચાલી
હવાથી ખરતા પગરવમાં મને ચુપચાપ મરવા દો
પવનની પ્યાલી અડક્યાથી તૃણોના ઓષ્ઠ પલળ્યા છે
આ ઝાકળભીના આસવમાં મને ચુપચાપ મરવા દો
આ રાની ઘાસની વચ્ચે, આ રાની ઘાસની માફક
અસલ વગડાઉ વૈભવમાં મને ચુપચાપ મરવા દો
~ ઉદયન ઠક્કર
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો