1.2.18

ખરેખરો ખરખરો



ખરેખરો ખરખરો!
મસ્તરામની મસ્તી
મિલન ત્રિવેદી

ફોન રણક્યો અને ચૂનિયાએ 'ભારે કરી' જેવા શબ્દો અને નિસાસા સાથે ખાલી એટલું જ કહ્યું,
'પહોંચો'.

હવે ક્યાં પહોંચું અને કોણ ગયું એ તો ચૂનિયાના ઘેર જઈને જ ખબર પડે. સફેદ કપડાં પહેરીને મારતા સ્કૂટરે ચૂનિયાને ઘેર ગયો ત્યારે ચૂનિયાએ ફોડ પડ્યો કે મારી પાછળની શેરીમાં રહેતા તેના ફુઆ ગુજરી ગયા છે ! નનામી બાંધતા કોઈને ન આવડે એટલે ફરજિયાત ચૂનિયાની રાહ જોવાવાની જ હતી. ચૂનિયો અમારો 'બાંધવામાં' પાંચમાં પુછાય એવો! એટલે ભાવ ખાવા માટે પણ ચૂનિયો સમય તો લગાડે જ. આખી જિંદગી જે ફુઆને ફૈબા પણ બાંધીને રાખી નહોતા શક્યા તેને ચૂનિયો આજે બાંધવાનો હતો !!!

જેવા અમે પહોંચ્યા એવો જ ચૂનિયાએ સવાલ કર્યો ક્યાં છે ફુઆ?
આટલું સાંભળતા જ તો રોવાનો અવાજ તેજ થઈ ગયો અને ઘણા બધા એક સાથે બોલ્યા કે 'ફુઆ તો ગયા'.
ચૂનિયો ગુસ્સે થઈ ગયો અને બોલ્યો કે ફુઆની બોડી ક્યાં છે ?
જેવી ખબર પડી કે બોડી ઘરની અંદર છે એ સાથે જ ચૂનિયાએ રોફ ઝાડવાનું શરૂ કર્યું :
"અંદર મુકાય?
"બહારના રૂમને સાફ કરાવો. "
"સામાન હજી ખાલી નથી કર્યો? "
"કાઢો સોફા બહાર અને અહિંયા વચ્ચોવચ છાણનું લીપણ કરો."
"ચાલો કામે લાગો."
"સૂતરની આંટી કોણ લાવ્યું છે?"
"ફૂલહાર આવી ગયા?ન આવ્યા હોય તો ફટાફટ મંગાવી લો."

 
આટલી સૂચનાઓ આપી પછી એમ બોલતાં બોલતાં એણે ફૈબાને પણ બહાર કાઢ્યા કે "બંધાશે એટલે તમને બોલાવીશ. હું નથી ઇચ્છતો કે ફુઆ બંધાતા બંધાતા બીવે !"
ફૈબા વીલા મોઢે ઊભા થતા થતા બોલતા ગયા કે 'જિંદગીમાં પહેલી વાર બંધાય છે તે અમને જોવાનું મન ન થાય?'

મારે તો મૂક પ્રેક્ષક બનીને ખાલી જોતું જ રહેવાનું હતું. આમ પણ લગ્ન થઈ ગયા હોય એટલે સાક્ષી ભાવ કેળવતા શીખી જ ગયા હોઈએ ! ત્યાં તો એક-બે વડીલો દરવાજા પાસે જ ફસડાઈ પડ્યા. મને થયું, બહુ અંગત હશે.... ત્યાં તો એમાંથી એક બોલ્યા, " એમના ભેગા અમને પણ મોકલવાની વ્યવસ્થા કરી છે કે શું? આમ આંગણામાં પાણી ઢોળાય?"

મેં વડીલોને ઊભા કર્યા અને ફૈબા પાસે લઈ ગયો. ત્યાં એમણે ઠૂઠવો મૂક્યો. બહાર જે રીતે પડ્યા હતા એનો ગુસ્સો જાણે તાત્કાલિક દુ:ખમાં પરિવર્તિત થયો હોય એમ બોલ્યા, " બહુ કરી, શું થયું હતું? અમને વાત પણ ન કરી? આ તો આવતી કાલે નાનકીના સાસરામાં લગન છે તો આવી શકાયું. એક પંથ દો કાજ બાકી હવે આપણાથી મુસાફરી ક્યાં થાય છે !"

અચાનક જ ફૈબાનો એક બહારગામ રહેતો ભત્રીજો હાજર થયો અને ફૈબા પાસે બેઠો. ફૈબાની દૃષ્ટિ પડતા જ એ બોલ્યો,
"મઝામાં?"
વાતાવરણ સ્તબ્ધ થઈ ગયું !!!
ભત્રીજાને પણ કંઈક ખોટું થઈ ગયાની ગંધ આવી ગઈ. એ ફુઆની બોડી તરફ વળ્યો અને વાત વાળી...
"હમણા જ ફુઆ બેઠાં થશે એવું લાગે છે...!"

આધેડ વયના એક દંપતીએ એન્ટ્રી મારી અને ચારે તરફની દીવાલ જોવા લાગ્યા. છેવટે સ્વિચ બોર્ડ આગળ આંખો સ્થિર કરી વડીલ બોલ્યા, "સંયુક્તા, મોબાઇલ અહિંયા ચાર્જ કરવા મૂકી દો. હું ખરખરો કરી લઉં ત્યાં સુધી તમે મોબાઇલનું ધ્યાન રાખો પછી હું ધ્યાન રાખીશ અને તમે જઈ આવજો."

આ દંપતીના વારાફરતી ખરખરામાં મને એક વસ્તુ ખબર પડી કે આ દંપતીએ ઘણાને ઉપર મોકલ્યા હશે. ખૂબ જ સારા શબ્દોમાં બંનેએ ખરખરો કર્યો. બસ, વચ્ચે-વચ્ચે એકબીજાને પૂછી લેતા હતા કે કેટલા ટકા ચાર્જ થયો? જેવો મોબાઇલ ૧૦૦% ચાર્જ થયો કે બન્ને ક્યાં સરકી ગયા એ ખબર જ ન પડી!

લગભગ બધા જ આવી ગયા હતા, બપોરના જમણવારની વ્યવસ્થા થઈ ગઈ હતી, ફુઆ બંધાઈ ગયા હતા, કોણ કેવી રીતે, કોની ગાડીમાં જશે એ બધી જ વ્યવસ્થાઓ ગોઠવાઈ ગઈ હતી એટલે સર્વાનુમતે નક્કી થયું કે હવે ફુઆને કાઢી જવામાં વાંધો નથી! મને એમ કે હવે હેમખેમ પૂરું થશે પણ પહેલા પગ બહાર કાઢવા કે માથું એ માટે ચર્ચાઓ શરૂ થઈ. ફુઆ જો સાંભળતા હોત તો ચાલતા સ્મશાને પહોંચી ગયા હોત ! અને બોલતા પણ ગયા હોત કે 'હું પહોંચું છું તમે નક્કી કરીને નીકળજો!'

છેલ્લે આડા કાઢવાનું નક્કી કરી અમે રવાના થયા. રસ્તામાં ફરી એકવાર અગ્નિદાહ કે પછી ઇલેક્ટ્રિક દાહ નક્કી કરવાની ચર્ચા શરૂ થઈ ! ચૂનિયાએ ફુઆની ઇચ્છા અગ્નિદાહની હતી એ જણાવ્યું પણ  ઘેર પાછા ફરવા ઉતાવળિયા થયેલા એક સગાએ ઉતાવળે જાહેર કર્યું કે 'અઠવાડિયા પહેલા જ ફુઆનો ફોન હતો અને મને કીધું હતું કે ઇલેક્ટ્રિક સ્મશાન સારું!' લગભગ ૨૦ માણસોએ 'મને પણ કહેતા હતાં' શબ્દો સાથે સાથ પુરાવ્યો..!

ટિપ્પણીઓ નથી: