12.2.18

લાઇફમાં ‘બેસ્ટ’ બનવા આ ‘ બેસ્ટ’ લેખ ‘બેસ્ટ ’ ઉતાવળે વાંચો ! -સંજય છેલ





લાઇફમાં 'બેસ્ટ'  બનવું છે? તો આ ' બેસ્ટ' લેખ 'બેસ્ટ ' ઉતાવળે વાંચો !

મિજા સ્તી-સંજય છેલ

એક હોલમાં દસ-બાર ગર્ભવતી મહિલાઓ ગોળાકારમાં બેઠી છે, સાથે એમનાં -પ્રેગ્નન્ટ નથી એવા- પતિદેવો પણ છે. માતાઓનાં પેટમાંથી જે નથી જન્મ્યા એવા આવનારા બાળકોને એક વક્તા ઉપદેશનાં ગીતો, બુદ્ધિ વધારતાં ઉખાણાંઓ, જ્ઞાન-વિજ્ઞાનની વાતો ને જીવન જીવવાની જડીબુટ્ટીઓ સંભળાવી રહ્યાં છે! એક મોટાં સ્પીકરનાં મુખને માતાઓનાં મોટાં પેટ તરફ રાખીને એમાંથી જે સાઉન્ડ નીકળે એ પેટમાંનાં શિશુઓ સાંભળીને જન્મતા પહેલાં જ ઘણું બધું એડવાન્સમાં જ શીખી લે એવો આ પ્રયોગ થઈ રહ્યો છે! ના જન્મેલા બાળકોનાં મા-બાપો સાથે એક્સપર્ટ ઉર્ફ જ્ઞાનગુરૂ બેઠાં છે, જે ગર્ભમાંનાં બાળકને 'બેસ્ટ ' કઇ રીતે બનવું એનું ભાષણ આપી રહ્યાં છે. એક્સપર્ટનો દાવો છે કે જન્મતાની સાથે જ બાળક, બેસ્ટ બનીને પૃથ્વી પર અવતરશે! 

હસો નહીં. મા-કસમ, આવું એક વીડિયો ક્લીપમાં અમે જોયું!('મા કસમ' એટલે પેલી માતાઓની નહીં, અમારી માની કસમ!) આમ ને આમ ચાલશે તો એક દિવસ એવો આવશે કે માનાં પેટમાંથી જ બાળક, સૂટ-બૂટ ટાઈ પહેરીને જનરલ મેનેજરની જેમ હાથમાં લેપટોપ-ફાઈલો લઈને જન્મશે! જન્મતાં વેંત જ મા-બાપને 'ગુડ મોર્નિંગ' કહીને, ઘડિયાળ તરફ જોઈને કહેશે: 'હું મીટિંગમાં જવા લેઈટ થઇ ગયો છું, પછી મળીએ !' એ બાળક જન્મતાં જ મોટા પગારવાળી એક્ઝિક્યુટિવ જોબ કરવા માંડશે અને જોબ કરતાં કરતાં જ એમને દાંત આવશે, વાળ ઊગશે, અછબડા નીકળશે!

તમને અતિશયોક્તિ લાગશે પણ આજે બધાને બેસ્ટ જ થવું છે. કોઈને સામાન્ય, સાધારણ કે એવરેજ નથી થવું! આજકાલ તમે કોઈ પણ બુકશોપ કે પુસ્તકમેળામાં જશો તો તમને બેસ્ટ થવાનાં, કામિયાબ થવાનાં, બેસ્ટ લવર બનવાનાં પુસ્તકો કિલોના ભાવે જોવા મળશે. આવી કોલમો કે પુસ્તકોમાં શ્રેષ્ઠ જીવન જીવવાની, બેસ્ટ રીતે સમય બચાવવાની, શ્રેષ્ઠ પતિ-પત્ની કે શ્રેષ્ઠ બોસ બનવાની ટિપિકલ સલાહો ટપકાવી હોય છે. આવાં પુસ્તકોનાં કવરપેજ પર ડાહ્યા લેખકો સરસ સૂટમાં જ હોય.સૂટનો કલર સાદડીમાં પહેરાતાં કપડાં જેવો બોરિંગ સફેદ કે ગ્રે જ હોય. બેસ્ટ બનાવનારાં લેખકના વર્સ્ટ ચહેરા પર ગણતરીબાજ માણસનું બેસ્ટ સ્મિત જોવા મળે. ગોલ્ડ ફ્રેમવાળાં બેસ્ટ ચશ્મામાં એમને જોતાવેંત જ ડર લાગે કે હમણાં જ એ પુસ્તકમાંથી બહાર નીકળીને આપણને વીમાની પોલીસી વેચી મારશે!

આવી બેસ્ટ બનવાની બુક્સમાં બેસ્ટ વાત એ હોય છે કે તમને જે ખબર હોય છે એ જ એમાં લખેલું હોય અને તોયે વાંચીને સારું લાગે! જેમ કે, ટાઈમને કેમ મેનેજ કરવો? તો ઉપાય સૂચવ્યો હોય કે સવારે ઊઠીને સામેની બાલ્કનીમાં વાળ સૂકવતી છોકરીને જોવામાં સમય ના વેડફો પણ એ કિમતી સમય કસરતમાં વાપરવો!'  જો આપણે કન્યાને કે કન્યા આપણને જોવાની ના હોય તો કસરત કોના માટે કરવી? વળી ઝૂકી ઝૂકીને વાળ સુકાવતી છોકરીને નીરખવા કરતાં સવારનો બીજો
વધારે સદુપયોગ શું હોઇ શકે? એની વે, પછી લેખક દિનચર્યા વિશે આપણને શીખવશે કે તમારા મહત્ત્વનાં કામોનું લિસ્ટ બનાવો, દીવાલ પર ચોંટાડીને એને નીરખો, અને એ બધાં કામ થઈ જાય પછી ટીક માર્ક કરીને જ રાતે સૂવું! (જેથી સવારે ફરી ઊઠીને નવું લિસ્ટ બનાવી શકો અને ફરી રાતે ટીક કરીને સૂઈ શકો અને ફરી બીજે દિવસે એજ લિસ્ટ બનાવી શકો !) 

બેસ્ટ બનાવતી બુક્સમાં બીજી વિચિત્ર સલાહ એવી હોય છે કે ખુદને સંભળાય એમ તમારે મોટેથી બોલવાનું કે હું બેસ્ટ જીવન જીવીશ, બેસ્ટ પિતા બનીશ, હું બેટર પત્ની બનીશ જ! (પત્નીને અંગ્રેજીમાં 'બેટર હાફ' કહેવાય એટલે જ બેસ્ટને બદલે 'બેટર' લખ્યું છે, બીજું કાંઇ નહીં.) આમ હું બેસ્ટ, હું બેસ્ટ વારંવાર ખુદને કહેવાથી તમારો સંકલ્પ વધશે, 'ઑટો સજેશન'થી આત્માને બળ મળશે! (સાલી, અમને તો ઑટો રિક્ષા પણ સમય પર મળતી નથી, ઑટો સજેશનની ક્યાં માંડો છો?) જાતને બેસ્ટ કહેવાનો આ પોરસાઉ આઈડિયા ખોટો નથી, પણ જો 'હું બેસ્ટ છું' એવાં તમારા બરાડાઓ બીજું કોઈ સાંભળી લેશે તો બેસ્ટ બનવાની વાત ચૂલામાં નાખીને તમને મુંબઈની બેસ્ટ બસમાં બેસાડીને થાણાં પાસેનાં પાગલખાનામાં મૂકી આવશે! વળી ત્યાં પાગલખાનાંમાં પણ તમે 'બેસ્ટ' છો એમ સમજાવવાં જશો તો એ લોકો કાયમ માટે અંદર કરી દેશે !

મારા એક મિત્રને નવું-નવું નાટકમાં કામ મળ્યું ત્યારે એ સવાર સવારમાં સંવાદો પાકા કરતો હતો કે-

'સંતાન કાંઈ, કંતાન નથી કે મા-બાપ એને નીચોવી નાખે!
ડેડી, તું શું મને જાયદાદમાંથી બાદ કરીશ, હું જ તને બાપ થવામાંથી બેદખલ કરૂં છુ!'

આ સાંભળીને એનાં બાપે એને ધંધામાંથી કાઢી મૂકેલો, કારણ કે એના બાપની કંતાનની ફેકટરી હતી! 

બેસ્ટ બનાવનારી કિતાબોમાં તમે જેવાં બોર થાઓ કે તરત જ ગળે ડૂમો ભરાઈ જાય એવા પ્રસંગો ટપકી પડે! જેમ કે:

વિલિયમ બાળપણમાં રસ્તા પર બૂટપાલિશ કરતો, ત્યારે લોકો એનાં થોબડા પર પૈસા ફેંકીને જતા. એકવાર કોઈએ ડોલરનો સિક્કો ફેંક્યો, ગરીબ બાળકની આંખ પર જઈને લાગ્યો અને એ કાણિયો થઈ ગયો! પણ એ કાણિયો, હિંમત ના હાર્યો! એણે ગન ખરીદીને એક આંખ વાપરીને નિશાનબાજી શીખી, શૂટિંગની ગેમમાં નેશનલ ચૅમ્પિયન બન્યો. પછી બંદૂક અને જીતેલા મેડલોને વેચીને એણે બૂટપાલિશની નાનકડી કંપની ઊભી કરી અને આજે વિલિયમ જગતનો એક આંખવાળો એકમાત્ર સૌથી અમીર માણસ છે. કોઈએ વિલિયમને પૂછ્યું, હવે તો તમે અબજોપતિ છો તો તમે બીજી આંખ કેમ નથી મુકાવતાં? ' વિલિયમે કહ્યું: એક આંખથી હું મારા ધ્યેય પર વધુ સારી રીતે નિશાન લગાવી શકું છું!

(આ અજીબ કિસ્સો આપણો ઓરિજિનલ તુક્કો છે, પણ સોલિડ છેને?)

આપણને બેસ્ટ બનાવનારી પ્રેરક બૂકોમાં કેટલાંક જાન-ફાડુ સૂત્રો હોય છે, જેમ કે 'સપનાં જોવા માટે ઊંઘની ગોળી લેવાની જરૂર નથી પણ ઊંઘ છોડવાની જરૂર પડે છે'
(હું વાચક હોઉં તો બુકને તકિયા નીચે મૂકીને ઊંઘી જાઉં!)

અને હા, વળી 'બેસ્ટ પ્રેમી' થવા માટે તમારે પત્નીને અચાનક મકાનનાં દાદરા પર ચુંબન આપીને સરપ્રાઈઝ આપવાની સલાહ લખી હોય છે! પણ કોની પત્ની એ સાફસાફ લખ્યું નથી હોતું, એટલે ઉતાવળમાં ને ઉતાવળમાં બિચારો વાચક જો પાડોશીની વાઈફને ભૂલથી કિસ આપી બેસે તો એને થપ્પડ મળે! પાછી એ થપ્પડ પાડોશણની નહીં પણ એનાં પતિ તરફથી હોય, કારણ કે એ કહેશે, સાલા ... મારી બૈરીને કિસ ભલે કરી, પણ દાદરાં પર કિસ કરવાની એને ખોટી આદતો કેમ પાડે છે? હવે હું રોજરોજ કિસ કરવા બેસીશ કે નોકરી કરીશ?'
પેલી પાડોશણ હવે જ્યારે જ્યારે વાચકને જુવે છે ત્યારે ઉત્સાહમાં હોઠ આગળ ધરે છે ને પેલો હવે દૂર ભાગે છે!

બેસ્ટ' બનવાની પુસ્તિકાઓમાં ચાણક્ય, ફોર્ડ કંપનીનો માલિક, આઈનસ્ટાઈન, સિકંદર કે એરીસ્ટોટલ વગેરેનાં સુવાક્યો તો એ રીતે ભભરાવ્યાં હોય છે, જેમ બાસુંદી પર ચારોળી! 'ટાઈમ મેનેજમેન્ટ' પુસ્તકનાં વિમોચનમાં જ મોડો પડેલો લેખક, આપણને સમયનો ઉપયોગ કેમ કરવો એના પર ભાષણ આપે! જીવનમાં નાની નાની વાતોને જતી કરવાની સલાહ આપતો લેખક, પ્રોગ્રામ પત્યા પછી આયોજક સાથે ૫૦૦ રૂ. માટે ઝઘડતો હોય છે!

ભગવાન રામને પણ પ્રખર વિષાદમાંથી કાઢવા વશિષ્ઠ મુનીએ યોગવશિષ્ઠની રચના કરવી પડેલી તો સામાન્ય માણસનું શું ગજું? કિતાબોથી જ જો જાલિમ જીવન બદલાતાં હોત તો લેખકો, ફિલોસોફરો, વિદ્વાનો ખુદનાં જીવનમાં આટઆટલાં દુ:ખી ના હોત, અને એની સામે ગલીને નાકે પુસ્તકોને કિલોનાં ભાવે વેચનારો કો'ક રદ્દીવાળો દાઢી ખંજવાળતાં ખંજવાળતાં મસ્તીમાં જીવતો ન હોત!



ટિપ્પણીઓ નથી: