6.8.19

તો નક્કી તમે મિસ કરો છો કોઈને ! (ડૉ.નિમિત્ત ઓઝા)



મિસ કરવાની મોસમ!
ડૉ. નિમિત્ત ઓઝા





સામે બેઠેલી અને તમારી જ સાથે વાત કરતી વ્યક્તિને તમારે એવું કહેવું પડે છે કે, ‘સોરી, શું કીધું તમે ? મારું ધ્યાન નહોતું’....?

તમે કોઈની સાથે વાત કરતા કરતા અચાનક અટકી જાઓ છો ?
 
વાત વાતમાં કોઈ સંદર્ભો નીકળી આવે તો 
કોઈના વિચારોમાં ખોવાઈ જાઓ છો ?
 
સાંજ પડે ને તમે ઉદાસ થઈ જાવ છો 
પેલા ડૂબતા સૂરજને જોઈને ?
તો નક્કી તમે મિસ કરો છો કોઈને !

કોફી શોપના ખૂણાના ટેબલ પર બેઠેલા કોઈ યુગલને જોઈને 
દુઃખી થવાને બદલે રાજી થવાનું,
લોંગ ડ્રાઈવ પર એકલા જવાનું 
અને બાજુની સીટ પર કોઈને ધારી લેવાનું...
 
એક કોફીના બે ભાગ કરીને બંને કપ પોતે પી જવાના,
એક રોમેન્ટિક સોંગ વાગતું હોય ત્યારે કોઈને યાદ કરવાના.
 
જે જગ્યા પર એની સાથે મુલાકાત થઈ’તી, 
એ જગ્યા પર રાતે એકલા જવાનું.
જૂના દિવસો યાદ કરીને, યાદોનું અજવાળું કરવાનું.
 
એની સાથે સંકળાયેલી વ્યક્તિઓને કારણ વગર ફોન કરવાના,
એના DP, સ્ટેટ્સ અને ફેસબુક અપડેટ્સ વારંવાર ચેક કરવાના.
 
જે રસ્તા પર એનું ઘર છે, એ જ રસ્તા પરથી 
કારણ વગર પસાર થવાનું.
બેસૂરા અને ફાટેલા અવાજ સાથે 
એને ગમતું ગીત ગાવાનું.
 
તમે સાવ નવરા બેઠા હો ત્યારે 
ટાઈમપાસ કરો છો રોઈને ?
 
તો નક્કી તમે મિસ કરો છો કોઈને !


એની ગેરહાજરીમાં ક્યારેક એવા પણ વિચાર આવે
કે સમય, શહેર કે કોફી નથી શેર કરી શક્તા તો શું ?
આ આકાશ તો શેર કરીએ છીએ !
રોજ રાતે આપણે એવા ચંદ્રને જોઈએ છીએ,
જે ચંદ્ર એને જોતો હોય છે...
 
દૂર થયા પછી પણ એનાથી વધારે સારો કો-ઇન્સીડન્સ 
બીજો કયો હોઈ શકે,
કે અંધારું બંનેને એકસાથે નડે છે,
કોઈ અફસોસ નથી જો બંનેની રાત અને સવાર 
એક સાથે પડે છે.
 
મોબાઈલની સ્ક્રીન પર આંગળી ફેરવ્યા કરો છો 
એના જુના ફોટાઓ જોઈને ?

તો નક્કી તમે મિસ કરો છો કોઈને !


કોઈ એના વિશે પૂછે પણ નહીં, 
અને છતાં એની વાત કાઢો છો.
એની સાથે વિતાવેલી કેટલીય પળો હસતા હસતા 
તમે સતત કોઈને કીધા કરો છો.
એને ગમતા રેસ્ટોરન્ટમાં જઈને 
જે ટેબલ પર એની સાથે બેસતા,
એ જ ટેબલ પર બેસવાનો આગ્રહ રાખો છો.
ન ભાવતું હોવા છતાં પણ એની ફેવરીટ ડીશ મંગાવી 
થોડું થોડું ચાખો છો.
 
દરિયા કિનારે ભીની રેત પર ચાલતા ચાલતા 
એના પગલાઓ શોધો છો.
વાંકા વળી એના નામનો પહેલો અક્ષર 
તમારી આંગળીએથી લખો છો.
પછી દરિયાના પાણી તમારા પગને અડે,
ત્યારે એના હાથને ઝંખો છો.
 
કેટલાય એન્ગલથી સેલ્ફીઓ પાડી, 
મોકલવાનું મન થાય છે તમને કોઈને ?
 
તો નક્કી તમે મિસ કરો છો કોઈને !

 
એની સાથે ગાળેલો સમય 
ભૂતકાળમાં આપણે કરેલું શ્રેષ્ઠ ઇન્વેસ્ટમેન્ટ છે, 
જે અત્યારે યાદોના રીટર્ન્સ આપી રહ્યું છે. 
એ આજીવન ચાલતું રહેશે અને આપણને સમૃદ્ધ કરતું રહેશે. 

કોઈને સારી રીતે યાદ કરવા માટે પણ એને માફ કરી દેવા જરૂરી છે. 

સમય અને સંજોગોએ કરેલા અન્યાયનો બદલો 
ગમતી વ્યક્તિ સાથે લેવાનો કોઈ જ ફાયદો નથી. 

જે કાંઈપણ થયું એમાં એનો કોઈ જ વાંક નહોતો, 
એવી ઉદારતા રાખીને તમે માફ કરી દો કોઈને, 
તો તમે ખરેખર મિસ કરો છો કોઈને...


ડૉ. નિમિત્ત ઓઝા

ટિપ્પણીઓ નથી: