7.8.19

તમારી આ બાબત મને બહુ ગમે છે! (રામ મોરી)


રામ મોરી





‘’ગમવું’’.  
આ ઘટના એ સૃષ્ટિમાં મળેલું સૌથી મોટું વરદાન છે.  કોઈ આપણને બહુ ગમે કે કોઈ આપણને બહુ ગમાડે એ બંને ઘટના ડિવાઈન છે.  ગમતી વ્યક્તિ વીશે વિચારતા હોઈએ ત્યારે ચહેરા પર આપોઆપ સ્મિત આવી જાય. 

કોઈ આપણને ખરેખર બહુ જ ગમતું હોય ત્યારે એની સાથે જોડાયેલી બધી જ ઘટનાઓ, બધી જ બાબતો  ગમવા લાગે.  ગમતી વ્યક્તિ સાથે વાત કરીએ, એને મળીએ કે એના ફોટોસ જોઈએ ત્યારે આપણા શરીરમાં એક નવી ચેતના દોડવા લાગે. બધું ટેન્શન ભૂલી જવાય છે. તાજગી અનુભવાય છે. 

ગમતી વ્યક્તિ જ્યારે આપણી સાથે હોય ત્યારે એક અલગ જ પ્રકારના વ્રાઈબેશન્સ આપણે અનુભવી શકતા હોઈએ છીએ.....

એક મિનિટ.

પણ આપણે અહીં ગમતી વ્યક્તિની વાત નથી કરવાના. 
તો? 

આપણે તો એ બધાની વાત કરવાના છીએ જે આપણને ગમે તો છે પણ આપણે એમને ક્યારેય કહી શક્યા નથી કે તમે મને ગમો છો કે તમારી આ બાબત મને ગમે છે કે પછી તમે આ જે કંઈ કરો છો એ મને બહુ ગમે છે!

આંખ બંધ કરીને એકવાર વિચારો. 
તમારી આસપાસ તમારી સાથે જોડાયેલા એવા કેટલાય લોકો છે જેની ઘણી બધી એવી બાબતો છે જે તમને ગમે છે પણ તમે કદાચ એને આજ સુધી કહ્યું જ નથી. 

કોઈ તમને દરરોજ ડ્રોપ કરે છે કે લીફ્ટ આપે છે એને તમે કહ્યું છે કે તું મને દરરોજ આ રીતે મુકી જાય છે કે લઈ જાય છે એ મને બહુ ગમે છે ? 

દરરોજ ટિફિનમાં ભૂલ્યા વગર ત્રણ પ્રકારના સલાડ કે પાપડ મુકતી પત્નીને ક્યારેય કીધું છે કે તું આ રીતે દરરોજ અલગ અલગ વેરીએશનના સલાડ મુકે છે તો મને એ ગમે છે ? 

પપ્પાને કીધું છે કે પપ્પા હું તમારી પાસેથી બે હજાર માંગુ ને હંમેશા તમે મારી ડિમાન્ડ ઉપર પાંચસો ઉમરીને આપો છો એ મને ગમે છે.  


મમ્મીને કીધું છે કે મમ્મી, તું મને દરરોજ આ રીતે ગરમા ગરમ રોટલીઓ આપે છે કે મારા માટે હાથરૂમાલને મોજા શોધી રાખે છે એ મને બહુ ગમે છે. 

તમારા રસોઈ બનાવતા મહારાજ કે રસોઈ બનાવનાર વ્યક્તિને વ્યક્તિગત રીતે મળીને તમારા હાથની રસોઈ મને બહુ ભાવે છે એવું કહ્યું છે ક્યારેય? 

તમને ઓફિસ કે ઘરે સહીસલામત પહોંચાડનાર ડ્રાઈવરનો આભાર માન્યો છે?  

તમારો જીદ કરતો કોઈ ભાઈબંધ હશે જેના પર જાહેરમાં તમે ઘણીવાર અકળાયા હશો પણ એને તમે ક્યારેય કીધું છે તે તું જીદ કરે છેને એ મને બહુ ગમે છે.  

તમારા નાના મોટા ભાઈ બહેન સાથે તમારી લડાઈ સતત ચાલતી હશે પણ તમે એમને ક્યારેય કહ્યું છે કે એ લડાઈ તમને બહુ ગમે છે!

હવે કેટલાક વિદ્વાનો કહેશે કે અરે ભાઈ, ઘરના અને આપણા લોકોને એવું તો વળી શું કહેવાનું કે આ ગમે છે ને આ નથી ગમતું! વેલ, એમની સામે દલીલ નહીં જ કરું એમને પ્રણામ. પણ એ સિવાય પણ કોઈના મનમાં આ સવાલ ઉભો થાય કે એવું કેમ કહેવું જોઈએ તો એનો જવાબ બહુ રસપ્રદ છે. 

જ્યારે તમને ખબર પડે કે તમારા જીવન સાથે જોડાયેલી કોઈ એક બાબત બીજાને બહુ ગમે છે ત્યાર પછી આપોઆપ એ બાબતની માવજત અનાયાસે તમારાથી વધી જવાની. મેં એક ઝેન કથા ક્યાંક વાંચેલી. એક માણસ આત્મહત્યા કરવા નીકળેલો અને રસ્તામાં એક અજાણ્યો માણસ એને મળ્યો. એ માણસે કહ્યું કે હું દરરોજ તમને આ રસ્તેથી પસાર થતાં જોઉં છું અને તમે જે ઝડપે ચાલીને જતા હો છો એ જોઈને મને બહું સારું લાગે છે. તમારી ચાલવાની ઝડપ મને ગમે છે. આત્મહત્યા કરવા જતો માણસ આ સાંભળીને અટકી ગયો. એને થયું કે યાર જીવન એટલું પણ નકામું નથી. આ જીવનમાં એવું પણ કોઈક છે જેને મારા જીવન સાથે જોડાયેલી કોઈ એક બાબત ગમી હોય અને એ માણસે આત્મહત્યાનો વિચાર માંડી વાળ્યો.


આ ઝેન કથા જ્યારે વાંચેલી ત્યારે પણ બહુ ગમેલી અને આજે પણ એટલી જ ગમે છે. તમે તમારા લોકોને જ્યારે ગમતી વાત કરશો, સામાવાળાની જીંદગીની એવી બાબતો જે તમને બહુ ગમે છે એ બાબતે ખુલીને ચર્ચા કરશો તો શું ખબર સામાવાળાને જીંદગી જીવવાનું કોઈ બહુ મોટું કારણ મળી જાય. 

એક પ્રયત્ન કરી જોજો. 

તમારી સાથે જોડાયેલી કોઈ વ્યક્તિનો હાથ પકડીને એમની બાજુમાં બેસીને એમને કહેજો કે તમારી આ બાબત મને ખૂબ ગમે છે. તમે જોજો એના ચહેરાના રંગો. તમને આખી વાત રૂબરુ સમજાઈ જશે.

જીવનમાં દરેક સમયે દરેક લોકો સુખી નથી તો દરેક લોકો દુ:ખી પણ નથી જ. 
લોકો ટકી જાય છે એકબીજાના ઈમોશન્સના આધારે. 
માણસો જીંદગી જીવી જાય છે જીવનમાં મળતા અમુક કોમ્પ્લિમેન્ટસના આધારે. આપણે ખોટા વખાણ નથી જોઈતા પણ હુંફ તો જોઈએ જ. કોઈ આપણને ગમાડે છે એ જીવન દ્વારા મળેલી સૌથી મોટી ભેટ છે. કોઈને ગમાડવું કે કોઈ ગમે એ ખરેખર ગુનો નથી અને ત્યાં સુધી ગુનો નથી જ્યાં સુધી એમાં બીજા કોઈનું અહિત ન થતું હોય. બાકી જીવન સુંદર છે જો કોઈને ગમાડી શકો, તમે પણ સુંદર છો જો તમને કોઈ કારણ વગર પણ ગમે છે. કોઈને ગમાડવા માટે બહુ બધા કારણોની જરૂર નથી ને ગમાડવા માટે કારણ જોઈએ તો એ ગમાડવું નહીં છેતરવું ને છેતરાવવું છે. 

ગમો ને બીજાને ગમવા દો!

ટિપ્પણીઓ નથી: