31.3.20

પ્રસન્નતાપૂર્વકનો ત્યાગ (જયેશ ઠકરાર)


પ્રસન્નતાપૂર્વકનો ત્યાગ જિંદગીને સાત્વિક આનંદથી ભીંજવી દે છે. ‘ચીકનસૂપ ફોર ધ સોલ’માં ડેન ક્લાર્કે એક અદભૂત પ્રસંગનું વર્ણન કર્યુ છે. આ પ્રસંગમા એટલી પ્રેરણા રહેલી છે કે તે જીવન પ્રત્યેની દ્રષ્ટિને બદલી દેવા પૂરતો છે :

એક વાર હું અને મારા પિતા સરકસની ટિકીટો માટે કતારમા ઊભા હતા. અમારી આગળ ઊભેલા પરિવારને હું ક્યારેય નહી ભૂલું. તેમાં આઠ બાળકો હતાં. દેખાવે જ તે આર્થિક રીતે સામાન્ય પરંતુ વાણી-વર્તનમાં સુઘડ લાગતાં હતાં. બે-બેની જોડીમાં મા-બાપની પાછળ ઊભેલાં આ બાળકોમા સરકસ માટે જબરો ઉત્સાહ હોય તેમ તે જોકર, હાથી અને સરકસને લગતી સાંભળેલી વાત કરતા હતા. તેમના કૂમળા ચહેરા ઉપર ચમક દેખાતી હતી. માતા-પિતા પણ ગરિમાપૂર્વક ઊભા હતા. પત્નીએ પતિનો હાથ પકડી રાખ્યો હતો. ટિકીટબારીએ પિતાએ કહ્યુ ”બાળકો માટેની આઠ અને પૂખ્ત વયના માટેની બે ટિકીટ આપો, આજે તો મારે મારા પરિવારને સરકસ બતાવવું છે.” ટીકીટબારીએ બેઠેલા માણસે કુલ ટિકીટની રકમનો આંકડો કહ્યો તે સાંભળીને પત્નીના હાથમાથી પતિનો હાથ છૂટી ગયો. પતિના કંપતા હોઠ બોલ્યા ”કેટલા કહ્યા?” અંદરથી ફરી એ જ રકમ કહેવામા આવી. એટલા નાણા પુરુષ પાસે ન હતા, પણ એ વાત તે પોતાની પાછળ ઉત્સુકતાથી ઊભેલા બાળકોને કેવી રીતે કહે ? પિતા પાસે નાણા નથી એ કેમ કહેવું?

આ જોઈને મારા પિતાએ ખિસ્સામા હાથ નાખી વીસ ડોલરની નોટ કાઢી અને જમીન પર પડવા દીધી (પૈસાદાર તો અમે પણ ન હતા) પછી મારા પિતાએ સહેજ નીચે નમી, એમણે જ પાડેલી નોટ લઈ પેલા માણસને કહ્યુ ‘જૂઓ ભાઈ, આ તમારા ખિસ્સામાથી પડી ગઈ છે.’

પેલો પુરૂષ સમજી ગયો.  તે કોઈની પાસે મદદ માંગે એવો કે સ્વીકારે એવો ન હતો, પણ આ રીતે મદદ કરીને દિલ તોડી નાખનારી અને મૂંઝવણભરી સ્થિતિનો આ રીતે હલ કાઢનારની લાગણીને તે સમજી શક્યો. તેણે મારા પિતાની આંખોમા જોયુ, મારા પિતાના હાથને પોતાના બન્ને હાથમાં લઈ દબાવ્યો. તે ૨૦ ડોલર હાથમાં લઈ એટલું જ બોલ્યો ”થેન્ક યુ, થેન્ક યૂ સર- મારો પરિવાર અને હું આ વાત ક્યારેય નહીં ભૂલીએ.” હું અને મારા પિતા સરકસ જોયા વિના પાછા ફર્યા, અમે સરકસ ગુમાવ્યું પરંતુ અનેકગણો આનંદ લઈને આવ્યા હતા.

ઉતરાયણના પર્વ ઉપર ગાયોને લીલું ખવડાવવાથી લઈ ભાતભાતના વસ્ત્રો, દ્રવ્યો આપવા માટે ”દિવ્ય ભાવના”નો દરિયો ઉમટે છે. વર્ષના આ એક દિવસ પછી ભૂલી જવાય છે કે ‘સ્વેચ્છાએ આપવું’ એ કુરદત દ્વારા અપાતો નિર્ભેળ બોધપાઠ છે. હમણા ગુજરાતના એક યુવકનું આકસ્મિક નિધન થયા બાદ પરિવારે તેના અંગોનું દાન કર્યુ. એક તરફ આ યુવકની અંતિમયાત્રા નીકળતી હતી ને બીજી તરફ બીજા વ્યક્તિના શરીરમા તેનું હ્રદય ધબકતુ હતુ.. આપવા માટે ઘણું છે.

રસ્તે જતી એમ્બ્યુલન્સને જોઈ સદભાવના બે શબ્દો બોલવા કે પંખી માટેના કુંડામાં બે ગ્લાસ પાણી નાખવા એ કાંઈ મુશ્કેલ કામ નથી ! રસ્તે હડધૂત થતા કોઈ જરૂરતમંદને બે રૂપિયાનો સિક્કો તો અનેક લોકો ફેંકી દે છે પણ તેને નમસ્તે કરી જરા સરખું સન્માન આપવાથી તેનો ચહેરો ઝળકી ઉઠે છે.

” Be Kind whenever possible, it is always possible ” દલાઈ લામા કહે છે કે કુદરત એક જ ધર્મ શીખવે છે – દયાભાવ… અમેરિકાના ૪૦ અબજોપતિએ પોતાની આધી સંપત્તિ દાનમા આપવાની જાહેરાત કરી છે. મૃત્યુ પછીની આ દાનપ્રતિજ્ઞામાં બિલ ગેટ્સ અને તેમનાં પત્નીની સાથે અનેક ધનકૂબેરો જોડાઈ રહ્યા છે. ઈથોપિયાથી લઈ આફ્રિકાના અત્યંત ગરીબ દેશોમાં ભૂખમરાથી પિડાતા માસૂમોને હેલિકોપ્ટરમાથી ફૂડ પેકેટ અપાય ત્યારે દેનાર કે લેનાર બંને એકબીજાથી અજાણ હોય છે. અન્યાયપ્રધાન વિશ્વમાં તેનાથી અસમતોલનને દુર કરવા " આર્ટ ઓફ ગીવીંગ" બહુ જરૂરી છે. વિશ્વની ત્રીજા ભાગની સંપત્તિ ૧ ટકા લોકો પાસે છે જ્યારે પ૦ ટકા વસ્તી વિશ્વની માત્ર ૪.૩ ટકા સંપત્તિથી ચલાવે છે. આ અસમતુલા દાન થકી જ દુર થઈ શકે.

કુદરત હંમેશા આપે છે – વૃક્ષો કપાય છે છતા વૃક્ષો છાંયો આપે, બળતણ આપે, ફળો આપે – અને કશુંયે બોલે પણ નહી !

ફિલ્મ 'પાપ' માં કુદરતના ખોળે રહેલી યુવતી જોન અબ્રાહમને કહે છે…

खोलो, खोलो अपनी आँखें 
और गौर से सुनो 
देने को तो बहोत कुछ है, 
पर अपना सा कुछ देना चाहती  हूँ  |
एक बूंद सूरज की, 
एक कतरा आसमान का  
कोयल की आधी कूक, 
और कुछ सपने ज़गमागते |
अच्छा लगे तो और मांगो 
आसमान से आइना , 
एक डिब्बी तितलियों की  
एक चम्मच नदी की धार  
और एक मुट्ठी जिंदगी 
देने को तो बहोत कुछ है ...     

બેન્જામિન ફ્રેન્કલીનનુ બાળપણ ગરીબીમા વીતેલું. મુશ્કેલીના દિવસોમાં તેણે મિત્ર પાસેથી ર૦ ડોલર ઉછીના લીધેલા. આ રકમ સગવડ થઈ ગયા પછી તે પરત આપવા ગયા ત્યારે મિત્રે રકમ લેવાની ના પાડતા કહ્યું, ‘તમને મૂશ્કેલીના સમયે આ વીસ ડોલરની મેં મદદ કરી હતી એ જ રીતે તમે પણ આટલી રકમમાથી કોઈ જરૂરિયાતવાળાને મદદરૂપ થજો અને એ વ્યક્તિ રકમ પરત આપવા આવે ત્યારે તે ન લેતા આ રીતે મારી જેમ જ તેને કહેજો.’

ઉતરાયણના પર્વ ઉપર પોતે પતંગ ઉડાવવાની સાથે ભૂલકાને જો પતંગ ઉડાડવા દેશો તો એની મજા અદભૂત હશે !

Zoom In
 
कौन कहेता है कि दूरियाँ किलोमीटरों से नापी जाती है 
खुद से मिलनेमें भी कभी उम्र गुज़र जाती है 

Zoom Out
 

सच बात मन लीजिए चेहरे पे धुल है

इलज़ाम आइनों पे लगाना फ़िज़ूल है

30.3.20

...એમ કંઈ વગર બેસણે કોઈને ત્યાં પહોંચી ના જવાય! (અશોક દવે)



 (શોવે)

 

 

પ્રશ્ન : દવે સાહેબ. આપે આપના જીવિત જીવન દરમ્યાન લાખો- કરોડો બેસણામાં ઉપસ્થિત રહીને મરનારની શોભાઓમાં અભિવૃદ્ધિઓ કરી છે. અને એક લોકવાયકા મુજબ, આપની ઉપસ્થિતિ માત્રથી અનેક બેસણાં ઝળહળી ઊઠ્યા છે. સામે, આપને પણ આવો મોકો આપવા માંગતા લાખો ભાવકોને કૃપા કરીને પ્રવર્તમાન બેસણા પદ્ધતિ ઉપર કોઈ પ્રકાશ પાડશો?

 
જવાબ : એક સ્પષ્ટતા, હું કોઈના બેસણામાં મરનારની કે હજી સુધી નહિ મરનારની શોભામાં અભિવૃદ્ધિઓ કરવા નથી જતો. બીજી સ્પષ્ટતા (કેટલી થઈ? જવાબ : બે થઈ. - જવાબ પૂરો.), કે બેસણાંમાં જવું મારો ધંધો કે હૉબી નથી, એટલે લાખો- કરોડો બેસણામાં મારા ઉપસ્થિત રહેવાની વાત સમજાતી નથી. ત્રીજી સ્પષ્ટતા : સંબંધ ગમે તેવો નજીકનો હોય, કોઈના બેસણાં આપણે ઝળહળાવી આપવાના ન હોય. જૂના કાઠીયાવાડી લગ્નોમાં માથે પૅટ્રોમેક્સ મૂકીને વરઘોડાને ઝળહળતો બનાવાતો, એવી પૅટ્રોમેક્સો માથે મૂકીને હું બેસણામાં જતો નથી. હા, જસ્ટ હવાફેર માટે હું કોઈ પણ બેસણામાં ગયો હોઉ, ત્યાં મારા જવાથી કોઈને આનંદ થયો હોવાનું મેં નોંઘ્યું નથી. જેના નામનું એ બેસણું ગોઠવાયું હોય, એનો ફૂલ ચઢાવેલો ફોટો ય કદી મને જોઈને ગેલમાં આવી ગયો નથી. હું પણ મારા ભાવકોની લાગણી સમજી શકું છું, એટલે કવચિત એમને પણ આવો મોકો આપીશ.


પ્રશ્ન : સર. આપને પેલો પ્રકાશ પાડવાનો બાકી છે...
 

જવાબ : જી. પ્રકાશને પાડવો મને ખૂબ ગમે. અમે સ્કૂલમાં હતા, ત્યારે ય એ બહુ લેંચુ મારતો હતો. ખુરશી ખેંચી લઈને મેં એને ઘણીવાર પાડ્યો છે. એ પછી આઇ- થિન્ક... સને ૧૯૬૯-ની વસંત કે શિશિર ઋતુ પછી ગુજરાતી સાહિત્યમાં, ‘પ્રકાશ પાડવો’ એ શબ્દપ્રયોગ મશહૂર થયો.


પ્રશ્ન : અત્યારે પાડશો?
 

જવાબ : જરૂર. બેસણું આપણે ત્યાં એક ઉત્સવ મનાયું છે. ખોળિયું બદલવાની પ્રક્રિયાને આપણે ‘બેસણાં’ જેવા રસઝરતા ઉત્સવનું નામ આપી શકીએ. યૂ સી... અમે મહાપુરુષો કદી મરતા નથી. કાં તો પંચમહાભૂતોમાં વિલીન થઈ જઈએ છીએ, કાં તો પરમધામમાં જઈએ છીએ ને કાં તો ખોળીયું બદલીયે છીએ. ઍક્ચ્યુઅલી, અમે મરતા નથી.


પ્રશ્ન : તો શું મૃત્યુને ઉત્સવ કહી શકાય.
 

જવાબ : બાપાનું રાજ ચાલે છે...’ પણ અમારા સાહિત્યકારો એને ‘ખોળીયું બદલવાના ઉત્સવ તરીકે ઓળખાવીને ‘ઉત્સવ’ શબ્દને સોગીયો બનાવી દીધો છે. શું કોઈ લેખક-કવિ ઉકલી જાય, એને ઉત્સવ ગણીને ડાધુઓ હાથમાં દોણીને બદલે સ્કાઉટવાળા વાપરે છે એવા લૅઝીમ, બૅન્ડવાજા, લાંબા પિપુડાં અને ઢોલ-નગારાં વગાડતા સ્મશાનયાત્રા કાઢે છે? અમારા જેવી મૃત્યુની મશ્કરી કોઈ નથી કરતું!


પ્રશ્ન : ઓહ... આપે કેવો ઝળહળતો પ્રકાશ પાડી આપ્યો! હવે અમારા ઉત્સુક ભાવકોને પ્રવર્તમાન બેસણાં- પદ્ધતિ વિશે કાંઈ કહેશો?
 

જવાબ : સંસ્થા જાણવા શું માંગે છે?


પ્રશ્ન : તગારૂ....! આઇ મીન, આજકાલ બેસણાંની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો નોંધાયો છે. માણસો મરે છે, એના કરતાં બેસણાં વધારે થાય છે. આમ થવાથી કેટલાક વ્યસ્ત ભાવકો કાં તો એકને બદલે બીજા બેસણામાં જઈ આવે છે ને કાં તો પાર્ટી હજી મરી જ ન હોય, છતાં એને ઘેર ધોળા હાડલા પહેરીને પહોંચી જવાના દાખલા બને છે. આ સંદર્ભે આપની સલાહની જરૂર છે.
 

જવાબ : મૃત વ્યક્તિઓને તો હું શી સલાહ આપી શકું...? આ---


પ્રશ્ન : અરે બાપા, સલાહ મૃત વ્યક્તિઓએ નથી માંગી... બેસણામાં જતા ભાવકોને આપવાની છે...
 

જવાબ : શરીરમાં ઉમંગ, મનમાં તરંગ અને સમાજમાં સગપણ ગમે તેટલા હોય, પાર્ટી હજી ઉકલી જ ન હોય, તો એના બેસણામાં જવું અપરાધ છે. આમ કરવાથી ઘણીવાર જીવિત વ્યક્તિઓના મનમાં મૃત્યુનો અને ઉપર ઑલરેડી પહોંચી ગયેલી વ્યક્તિઓના હૈયામાં અહીં પાછા આવવાના વિચારોનો સંચાર થાય છે.


પ્રશ્ન : અપરાધ...? આને આપ અપરાધ કઈ રીતે કહી શકો? કોઈએ ભૂલમાં ખોટા સમાચાર આપ્યા અથવા સમજો ને... ભૂલમાં ભળતા નામના બેસણે પહોંચી ગયા, તો ઇરાદો કાંઈ ખરાબ ન હોય... આને ભૂલ ચોક્કસ કહેવાય.
 

જવાબ : મિત્ર, અયોગ્ય સ્થળે, જીવિત વ્યક્તિના બેસણામાં પહોંચી ગયા પછી, સૌજન્ય ખાતર પણ કહેવું કે, ‘‘ભ’ઈ, સૉરી, અમને ખોટી માહિતી મળી હતી. જીજુભાઈ જીવતા છે, એ જ હજી અમારા તો માનવામાં આવતું નથી. પણ હવે... થોડું તમે જતું કરો ને થોડું અમે જતું કરીએ. આટલે સુધી આયા છીએ તો બેસણું ગોઠવી નાંખો ને...! અમે ક્યાં ફરીફરી અહીં મણિનગર સુધી લાંબા થવાના છીએ...!’’ એવું તો ના જ કહેવાય ને? કહો તો પણ શું એ લોકો તમને ઑબ્લાઇજ કરે ખરા? ખોટી અપેક્ષાઓ જ જીવનને રૂંધે છે. આપણું જીવન જ નહિ, ઉપર ઑલરેડી પહોંચી ગયેલાઓના જીવન પણ રૂંધે છે.


પ્રશ્ન : ઉપર પહોંચી ગયેલાઓના...??? સર. એ લોકોને તો જીવન જેવું ક્યાં કાંઈ હોય છે?
 

જવાબ : અરે બાપા, એમના કૅસોમાં જીવન નહિ તો મૃત્યુઓ રૂંધાય... મારો મૂળ સંદેશો પકડો ને...? શબ્દોની ક્યાં ---


પ્રશ્ન : આપે ગયા બુધવારના લેખમાં ‘ખોટા બેસણામાં પહોંચી ગયા પછી’ શું કરવું, તેનું ભાવિ ડાધુઓને સુપેરે માર્ગદર્શન આપ્યું હતું. આપને તો આવું ઘણી વખત થતું હશે, નહિ?
 

જવાબ : હા, ક્યારેક બેસણાંની જાહેરાતોમાં નામ વાંચવાની ગરબડને કારણે આવું થવું સંભવિત છે. ઘણીવાર આવી જાહેરખબરોમાં ફોટો અને બેસણું પુરુષનું છપાયું હોવા છતાં, મારાથી બાજુમાં બેસનારને કહેવાઈ જાય છે કે, ‘‘માજી બહુ ધરમ-પરાયણ હતા, નહિ?’’ સાંભળીને પેલાને હેડકી નહિ, પણ મોટો હેડકો ઉપડી આવે છે. આ મારી અક્ષમ્ય ભૂલ કહેવાય. ભાવકે કદાપિ મૃત વ્યક્તિનું જાતીય- પરિવર્તન કરી નાંખવું ન જોઈએ. મરતા પહેલા સંપૂર્ણ પુરુષ લાગતા હૃષ્ટપૃષ્ટ જીજુભાઈ મર્યા પછી સીધા ‘માજી’ કેવી રીતે થઈ ગયા?’’ એનો એને હેડકો ઉપડ્યો હતો. પણ એવી ભૂલ કર્યા પછી મારી જેમ વાળી લેતા પણ આવડવું જોઈએ.


પ્રશ્ન : શું ગુજરી જનાર વ્યક્તિ પાસે આપણે હજાર- દસ હજાર લેવાના બાકી હોય, તો બેસણાંને બહાને તેના ઘરવાળાઓ પાસે ઉઘરાણી કરી શકાય?
 

જવાબ : ઘરમાં આવો ઉધારીયો ડોહો પેદા કરવા બદલ, અગરબત્તીવાળા ફોટાની આજુબાજુમાં બેઠેલા એના તમામ ફેમિલી- મેમ્બરોને ગોળીએ ને ગોળીએ ફૂંકી મારવા જોઈએ. પણ આપણી બાના સંસ્કાર સારા હોવાથી આપણે એવું કરતા નથી. (જો કે, ઘણાની તો બાઓ પણ કરૂબાજ હોય છે!) પણ... સમયસૂચકતા વાપરીને ખરખરા ભેગી આપણી વાત એ લોકોના કાને નાખી દેવી. મરતા પહેલા ડોહો એની કીડની ય આપણા નામે કરતો ગયો હોતો નથી. પણ, ડોહા પાસેથી આપણે જેટલા કઢાવવાના બાકી હોય, તેના કરતા ચારગણી રકમ કહેવી, ‘‘જીજુભાઈ માયાળુ બહુ, અમારે ત્યાં તો કાયમ ચોળાફળી ખાવા આવતા. પીળી ચટણી એમને બહુ ભાવે... (જરા હસી પડતાં બોલવું) હંહહહ... હજી ગયા મહિને જ મારી પાસેથી બાવી હજાર લઈ ગયા’તા.. કહે કે, સોમવારે મોકલાવી દઈશ....’’... પણ (આ વખતે જરા દર્દભર્યું હસવું) હંહહહ... એમ કાંઈ કોઈ જનાર પાછું આવ્યું છે, ભાઈ?’’


પ્રશ્ન : મતલબ.. આવો ઠૂઠવો મૂકવાથી... આપણી અઢી હજાર પાછા આવી જાય?
 

જવાબ : એ તો મારા ય નથી આયા... પણ ડોહો ઘરવાળાઓને સારા સંસ્કાર આલતો ગયો હોય તો કમ-સે-કમ... પાંચ હજાર તો પાછા આવે ને? આપણે તો વકરો એટલો નફો જ છે ને?


પ્રશ્ન : સર... આપના સ્વ. પિતાશ્રી પહેલા એસ.ટી.માં નોકરી કરતા હતા...?
 

જવાબ : હા. કેમ?


પ્રશ્ન : ના. ખાસ કાંઈ નહિ, પણ ઓકે ઓકે જવા દો ને... સાડા પાંચ હજાર ક્યાં કંઈ મોટી રકમ છે.. એ તો---

જવાબ : (અહીં લખી ન શકાય પણ તમને આવડે છે, તે બધી ગાળો મનમાં વાંચીને લેખ પૂરો થયેલ ગણવો.)

મોહ : પ્રકૃતિનું વશીકરણ (ભાણદેવ)

ઉપનિષદ અમૃત - ભાણદેવ

મોહની ઘટનામાં શારીરિક અને માનસિક, એમ બંને ભૂમિકા પર પ્રક્રિયા થાય છે.
જ્યારે અંધ આવેગનું આક્રમણ થાય ત્યારે શરીરની અંત:સ્ત્રાવી ગ્રંથિઓ એક વિશિષ્ટ પ્રકારનો સ્ત્રાવ છોડે છે. આ સ્ત્રાવ લોહીમાં ભળે છે. લોહીમાં ભળીને તે મગજ સુધી પહોંચે છે. આ સ્ત્રાવમાં એક એવો ગુણધર્મ છે કે જે મગજના વિવેક સંબંધી કેન્દ્રને શિથિલ કરી નાખે છે, અને આવેગના કેન્દ્રને ઉત્તેજિત કરે છે. જેમ દારૂ વિવેકને મંદ અને આવેગને ઉત્તેજિત કરે છે, તેમ આ અંત:સ્ત્રાવી રસ પણ દારૂનું જ કાર્ય કરે છે.

શારીરિક પાસાંની જેમ મોહનું માનસિક પાસું પણ છે. અંધ આવેગો પોતાના તીવ્ર મનોમય વેગ દ્વારા વિવેકને દાબી દે છે આવેગરૂપી આંધીથી વિવેકનો પ્રકાશ ઝાંખો પડી જાય છે. આમ શારીરિક અને મનોમય, બંને ભૂમિકા પર મોહની ઘટના સાથે થાય છે, તેથી મોહનું જોર વધુ પ્રબળ બને છે.

અંધ આવેગનો ભોગ પૂરો થાય એટલે મૂર્છાની શારીરિક માનસિક પ્રક્રિયા બંધ પડે છે. કારણકે તેનું કાર્ય તત્કાલ પૂરતું હોય છે. આમ બને એટલે વ્યક્તિ પુન: વિવેક પ્રાપ્ત કરે છે, પરંતુ ઘણું મોડું થયું હોય છે.

મોહની પ્રક્રિયાનો એક ભાગ એ પણ છે કે વિષયમાં જે ન હોય તેવાં સૌંદર્ય,આનંદ, આકર્ષકતા આદિ તત્ત્વોનું તેમાં કાલ્પનિક આરોપણ કરવામાં આવે છે. આ આરોપિત આકર્ષકતા તત્કાલીન હોય છે, અને વિષયભોગ પછી તુરત ચાલી જાય છે તેથી જ ભોગ્ય વસ્તુ ભોગ પહેલાં જેટલી સુંદર અને આકર્ષક લાગે છે, તેટલી સુંદર અને આકર્ષક તે પછી લાગતી નથી. તેથી જ અંધ આવેગનો દરેક ભોગ નિરાશા જ આપે છે. આ ઘટના પણ મોહ ની પ્રક્રિયાનો જ ભાગ છે.


આમ મોહ ની ઘટના પ્રકૃતિ દ્વારા પ્રયોજાતો એક વશીકરણ કીમિયો છે, પ્રકૃતિની સંમોહન વિદ્યા છે. મોહ માનવને ભોગમાં ધકેલે છે,અને ભોગમાં જકડી રાખે છે.

કામના કેમ કદી તૃપ્ત થતી નથી

કોઇ ઘડામાં તળિયે કાણું હોય, અને ઉપરથી સતત પાણી રેડવામાં આવે તો પણ તે કદી ભરાતો નથી. તેવો કાણો ઘડો સદા ખાલી જ રહે છે, એવું  કામના નું છે કે તે કદી તૃપ્ત થતી નથી. કામનાના સ્વરૂપમાં એવું શું છે કે તે કદી તૃપ્ત થતી નથી?

કામના સર્વદા સુખની કામના હોય છે, દુ:ખની કામના કોઇ સેવતું નથી. કુંતાજીની વાત જુદી છે! આમ કામના એટલે સુખની કામના. સુખની કામનાના સ્વરૂપને સમજવા માટે આપણે સુખનાં સ્વરૂપને સમજવું જોઇએ.

આનંદ એટલે સ્વરૂપનો આનંદ. સ્વરૂપત: આત્મા સચ્ચિદાનંદ છે, તેથી આત્મા સ્વરૂપત: આનંદપૂર્ણ છે. આત્મા વિષયોના ભોગ દ્વારા જે પામે તે આનંદ નથી. આત્મા પોતાના સ્વરૂપમાં અવસ્થિત હોય ત્યારે સ્વરૂપત: જે છે તે આનંદ છે. દુ:ખ એટલે આનંદનો અભાવ. જ્યારે ચિત્તમાં આત્માના આનંદનો અંશ કે પ્રતિબિંબ પહોંચે નહીં ત્યારે ચિત્તમાં એક પ્રકારની વ્યાકુળતા ઊઠે છે. આ વ્યાકુળતા તે જ દુ:ખ છે. આત્માના આનંદના અભાવમાં ચિત્ત જે ખાલીપો અનુભવે છે. તે જ દુ:ખનો અનુભવ છે. સુખ એટલે આત્માના આનંદનું ચિત્તમાં પડેલું પ્રતિબિંબ. જ્યારે વ્યક્તિ અનુકૂળ વિષયનો ઉપભોગ કરે છે, ત્યારે તેનું ચિત્ત તે ભોગમાં તન્મય થઇ જાય છે. આ તન્મયતાને કારણે ચિત્ત ક્ષણવાર વૃત્તિમુક્ત બની જાય છે. વિષયભોગની તન્મયતા ચિત્તને થોડી ક્ષણો માટે વૃત્તિમુક્ત બનાવી દે છે. ચિત્તની વૃત્તિમુક્ત અવસ્થા દરમિયાન ચિત્તમાં પડેલું આત્માના આનંદનું પ્રતિબિંબ તે જ સુખ છે. આમ સુખ પ્રત્યે અને તેથી વિષયોપભોગ પ્રત્યે અપાર આકર્ષણ રહે છે, તેનું કારણ એ છે કે સુખમાં આત્માના આનંદનું પ્રતિબિંબ પડે છે જેનું પ્રતિબિંબ પણ આટલું તીવ્ર આકર્ષક હોય, તે આત્માનંદ કેટલો ઉન્નત, કેટલો પ્રેમાસ્પદ અને મહાન હશે! તૈત્તિરીયોપનિષદની બ્રહ્માનંદવલ્લીના આઠમા અનુવાકમાં આનંદની મીમાંસા કરવામાં આવી છે. ઋષિ કહે છે કે એક સર્વોચ્ચ માનુષ આનંદ કરતાં બ્રહ્માનંદ (આત્માનંદ) ૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ગણો વધુ તીવ્ર આનંદ છે. માનુષ આનંદ એટલે પૃથ્વી પરનું સર્વોચ્ચ સુખ અને બ્રહ્માનંદ એટલે આત્માનો સ્વરૂપગત આનંદ. આમ સુખ એટલે  આત્માનંદનું ક્ષણિક અને આંશિક પ્રતિબિંબ. આનંદ એટલે સ્વરૂપગત આનંદ. દુ:ખ એટલે આનંદનો અભાવ.

સુખ એટલે આનંદનો આભાસ.

સુખની શોધ વસ્તુત: સુખની શોધ નથી, આત્માનંદની શોધ છે. દુ:ખમુક્તિનો પ્રયત્ન પણ વસ્તુત: આત્માનંદની પ્રાપ્તિ માટેની નિષેધાત્મક વ્યાકુળતા છે. દુ:ખમાં પ્રતિકૂળ પરિસ્થિતિમાંથી મુક્ત થઇને આત્માનંદ સુધી પહોંચવાનો પ્રયત્ન છે. સુખમાં વિષયોના ભોગ દ્વારા આત્માનંદ પામવાનો પ્રયત્ન છે. પરંતુ વિષયોના ભોગ દ્વારા આત્માનંદ મળી શકે? પ્રતિબિંબમાં બિંબને શોધવાના, પામવાના પ્રયત્નો સહસ્ત્રવર્ષ સુધી અગણિતવાર કરીએ તો પણ તે મળી શકે? મહારાજ યયાતિએ તેવો પ્રયત્ન કર્યો છે. મહારાજ યયાતિએ જ નહીં, પૃથ્વી પર કરોડો, અબજો મનુષ્યોએ તેવો પ્રયત્ન કરી જોયો છે કોઇનો પ્રયત્ન સફળ થયો નથી. કરોડો માનવો કરોડો વર્ષો સુધી કરોડોવાર પ્રયત્ન કરે તો પણ વિષયના ઉપભોગમાં આત્માનંદને પામી શકાય તેમ નથી. યયાતિ મહારાજ તો એક દૃષ્ટાંતરૂપ છે, પ્રતિનિધિરૂપ છે. આ પૃથ્વી કરોડો યયાતિઓથી ભરેલી છે.  વિષયાનંદનો પ્રારંભ પણ છે, અને તેથી અંત પણ છે. વિષયાનંદ માત્ર ભોગકાળમાં અનુભવાય છે. વિષયાનંદ બ્રહ્માનંદની જેમ શાશ્ર્વત નથી, પણ ક્ષણિક છે.

બ્રહ્માનંદમાં ભોક્તા, ભોગ અને ભોગ્ય-ની ત્રિપુટી નથી. આત્મા કોઇ પણ ભોગસામગ્રી કે ભોગ વિના સ્વરૂપત: જ આનંદપૂર્ણ છે. વિષયાનંદમાં ભોક્તા, ભોગ અને ભોગ્યની ત્રિપુટી હોય જ છે. સ્થૂળ કે સૂક્ષ્મ, કોઇ પણ ભોગ સામગ્રી વિના વિષયાનંદ નિષ્પન્ન થતો જ નથી.
બ્રહ્માનંદ અસલ છે, તે અન્ય કોઇ આનંદનું પરિણામ કે પ્રતિબિંબ નથી. વિષયાનંદ પ્રતિબિંબ છે, આભાસ છે. વિષયાનંદ બ્રહ્માનંદનું પ્રતિબિંબ કે આભાસ છે. બ્રહ્માનંદ એકસ્વરૂપ છે બ્રહ્માનંદના પ્રકારો ન હોઇ શકે વિષયાનંદ અનેકવિધ છે, બહુરૂપી છે ભોગસામગ્રીને અનુરૂપ વિષયાનંદનું સ્વરૂપ હોય છે.બ્રહ્માનંદમાં થોડો, વધુ, ઘટતો, વધતો તેવી કક્ષા હોતી નથી. વિષયાનંદ થોડો, વધુ, ઘટતો કે વધતો હોય છે. વિષયાનંદ સતત સમરૂપ નથી, સતત પરિવર્તનશીલ છે. બ્રહ્માનંદ પૂર્ણ છે, વિષયાનંદ આંશિક છે.બ્રહ્માનંદને પરિણામે બ્રહ્માનંદ જ છે. વિષયાનંદને પરિણામે દુ:ખ આવે છે.બ્રહ્માનંદ સદા સફળ અને સદા કૃતાર્થ જ હોય છે. વિષયાનંદ સદા નિષ્ફળ અને સદા અકૃતાર્થ જ હોય છે, તેથી વિષયાનંદને અંતે નિરાશા જ હાથ લાગે છે. બ્રહ્માનંદ અને વિષયાનંદ સહોદર નથી. બંનેનું સ્વરૂપ જ ભિન્ન છે, પોત જ ભિન્ન છે. બંને વચ્ચે માત્ર પ્રમાણની જ ભિન્નતા નથી, સ્વરૂપની ભિન્નતા પણ છે.સ્વરૂપની સમજ સ્પષ્ટ બને, તે હેતુથી આ તુલના કરી છે, વસ્તુત: બ્રહ્માનંદ અને વિષયાનંદની તુલના જ ન હોય.

ઇચ્છામુક્તિનો માર્ગ

ઇચ્છાઓ-કામનાઓની તૃપ્તિ શક્ય જ નથી, તેથી આપણી પાસે એક જ વિકલ્પ છે- ઇચ્છાઓમાંથી મુક્તિ. તેથી હવે આપણી પાસે પ્રશ્ર્ન છે કે ઇચ્છામુક્તિનો માર્ગ કયો? ઉપાય શું?

મહારાજ યયાતિની અનુભવગાથામાં આ પ્રશ્ર્નનો ઉત્તર છે :- ચિત્તને વિષયોમાંથી પાછું વાળીને પરબ્રહ્મ પરમાત્મામાં જોડવું. પ્રતિબિંબ છોડીને બિંબ તરફ પાછા વળવું, આભાસ છોડીને અસલ તરફ પાછા ફરવું, ભોગ છોડીને ભગવાન તરફ પાછા ફરવું, તે જ ઇચ્છામુક્તિનો એક માત્ર માર્ગ છે. જેને ભોગ દ્વારા કદી તૃપ્ત ન કરી શકાય તે કામનાનો ત્યાગ કરવો તે જ માર્ગ છે, તે જ ઉપાય છે. અને કામનાઓના ત્યાગનો ઉપાય છે. ચિત્ત ને ભોગોમાંથી પાછું વાળીને ભગવાનમાં જોડવું. જેણે અસલી સૂર્યને જોયો તે જળમાં પ્રતિબિંબિત સૂર્ય પ્રત્યે આકર્ષિત થશે નહીં.

કામનાઓના ત્યાગનો ઉપાય ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં બતાવે છે, તે પણ આજ છે :
"જીવ વિષયોના ભોગનો ત્યાગ કરે તો તેના વિષયો ટળી જાય છે, પરંતુ વિષયોમાં રસ રહી જાય છે. પરબ્રહ્મ પરમાત્માના દર્શનથી આ રસ પણ ટળી જાય છે. "
અહીં ભગવાન શ્રી કૃષ્ણ કામનાઓના ત્યાગ માટે બે ઉપાયો દર્શાવે છે

૧. વિષયભોગનો ત્યાગ કરવો, મનોમય ભોગ અર્થાત વિષયચિંતનનો પણ ત્યાગ કરવો. વિષયોના ભોગનો ત્યાગ, તે કામનાઓના ત્યાગનું એક અનિવાર્ય સોપાન છે. વિષયોના ભોગ અને ચિંતન ચાલુ રાખીને વિષયોની કામનાઓનો ત્યાગ કોઇ કરી શકે નહીં.

૨. ચિત્તને પરમાત્મામાં જોડવું. વિષયો અને વિષયોની આત્યંતિક નિવૃત્તિ તો પરમાત્માને પામવાથી જ (પરં દૃષ્ટવા) થાય છે. પરમ રસને પામવાથી જે ક્ષુલ્લક રસો ટળી જાય, હીરાને પામવાથી જેમ કોડીઓ છૂટી જાય તેમ પરમને પામવાથી વિષયોની કામનાઓ પણ ટળી જાય છે.

મહારાજ યયાતિ દીર્ઘ અનુભવને અંતે અને પરિતાપ પૂર્વક કહે છે -

"
વિષયોના ભોગથી નિરાશા અને પરિતાપ સિવાય કંઇ મળતું નથી તેથી, હે મનુના પુત્રો! વિષયોના ભોગથી વિરામ પામો અને સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મામાં તમારા ચિત્તને જોડો."

મહારાજ યયાતિની અનુભવગાથા દ્વારા ભગવાન વ્યાસનો આ સંદેશ છે.

ઉપસંહાર

ભોગ દ્વારા યોગમાં જવાની ભ્રામક વિચારધારા પણ વાતાવરણમમાં વહેતી થઇ છે. ભોગોને ભોગવીને ભોગમાંથી મુક્ત થવાની કલ્પના પણ ઘણાંના મનમાં હોય છે. ભોગમાર્ગને ઉચિત ઠરાવવાની યુક્તિઓ ચાર્વાકથી આજ સુધી અનવરતસ્વરૂપે અપાતી જ રહી છે. વર્તમાનકાળમાં તો ભોગવાદનો પુરસ્કાર કરવાની જાણે દોડ જ શરૂ થઇ છે. આ સમયે ભગવાન વ્યાસનું આ દર્શન અને મહારાજ યયાતિની અનુભવગાથા આપણને સૌને ઉચિત દિશાનિર્દેશ આપે છે.
સત્ય કદી જૂનું થતું નથી. યુગધર્મ બદલાય છે, પરંતુ સનાતન સત્ય કદી બદલાતાં નથી. ભોગની વ્યર્થતા અને યોગની સાર્થકતા, તે યુગધર્મ નથી, પણ સનાતન સત્ય છે.આ જ સત્ય મહારાજ ભર્તુહરિએ વૈરાગ્ય શતકમાં પણ અભિવ્યક્ત કર્યું છે

"
ભોગો ભોગવાયા નથી, અમે જ ભોગવાઇ ગયા છીએ. તપ તપાયું નથી, અમે જ તપ્ત થઇ ગયા છીએ. કાળ પસાર થયો નથી, અમે જ કાળના પ્રવાહમાં પસાર થઇ ગયા છીએ. તૃષ્ણા ર્જીણ થઇ નથી, પણ અમે જ ર્જીણ થઇ ગયા છીએ."

દીર્ઘકાલીન અને અગણિત ભોગોને અંતે શું હાથમાં લાગે છે,તે વિશે મહારાજ યયાતિએ જે કહ્યું છે, તે જ હકીકત મહારાજ ભર્તુહરિ પણ કહી રહ્યા છે.જે બીજાના અનુભવ દ્વારા સમજી શકે, તે ડાહ્યો માનવ છે, જે પોતાના અનુભવ દ્વારા સમજી શકે તે સામાન્ય માનવ છે, પરંતુ જે પોતાના કે અન્યના કોઇના અનુભવ દ્વારા સમજી ન શકે તે મૂર્ખ માનવ છે.


(નવમ સ્કંધ પરિપૂર્ણ)