30.3.20

હું, એક આજન્મ પ્રેરકકર્તા! (રતિલાલ બોરીસાગર)


રતિલાલ બોરીસાગર

હું શાળામાં ભણતો ત્યારે વ્યાકરણમાં મને ‘પ્રેરક રચના’નું પ્રકરણ ખૂબ ગમતું. કર્તા અમુક ક્રિયા કરવા કોઈને પ્રેરે ત્યારે બનતી વાક્યરચનાને ‘પ્રેરક રચના’ કહે છે. અન્યને ક્રિયા કરવા પ્રેરતો કર્તા ‘પ્રેરક કર્તા’ કહેવાય અને પ્રેરક કર્તા દ્વારા ક્રિયા કરવા પ્રેરાતો કર્તા ‘પ્રેરિત કર્તા’ કહેવાય. ‘હું કપડાં ધોઉં છું.’ એ મૂળરચના કહેવાય, જ્યારે ‘હું ધોબી પાસે કપડાં ધોવરાવું છું’, એ પ્રેરક રચના કહેવાય અને મારા વડે કપડાં ધોવા માટે પ્રેરાતો ધોબી, ‘પ્રેરિત કર્તા' કહેવાય. આ મુદ્દામાં મને ખૂબ રસ પડતો. આનું કારણ મને એ વખતે નહોતું સમજાતું, પણ આજે બરાબર સમજાય છે !
આજે આ આખી વાતનો વિચાર કરું છું ત્યારે મને લાગે છે કે હું પોતે ‘પ્રેરક કર્તા’ના ગુણો લઈને જન્મ્યો છું. કોઈ પણ ક્રિયા જાતે કરવાને બદલે અન્યને એ ક્રિયા કરવા માટે પ્રેરવાની વૃત્તિને શક્તિ મારામાં જન્મથી જ પ્રબળ છે. મારું કોઈ પણ કામ મારી જાતે કરવાનું મને ક્યારેય ગમ્યું નથી. હું નાનો હતો ત્યારે કાકાસાહેબ કાલેલકરની જેમ મને પણ કોઈક ખવડાવે તો ખાવામાં બહુ મજા પડતી.
મને ખવડાવવા માટે હું મારી બહેન કે મારી બાને  પ્રેરતો; એટલું જ નહીં, જરૂર પડ્યે મજબૂર પણ કરતો. કાકાસાહેબે ‘સ્મરણયાત્રા’માં એવું નોંધ્યું છે કે મોટી ઉંમરના છોકરાને (પોતાને) કોઈક ખવડાવે તે જોઈ બીજા તેમની મશ્કરી કરતા, ને આ મશ્કરીને લીધે તેઓ પોતે પણ શરમાતા; પણ હું આ બાબતમાં વધુ ઉચ્ચ ભૂમિકાએ હતો ! કાકાસાહેબને મોટેરાંઓ ‘આટલો મોટો ઘોડા જેવો થયો છે, ને પોતાને હાથે જમતો નથી.’ એમ કહી ઉપાલંભ આપતાં. મારાં કુટુંબીજનો ‘આવડો મોટો ઢાંઢા (બળદ) જેવડો થયો છે, તોયે હાથે ખાતો નથી.’ એમ કહેતાં. ઘોડાને બદલે ઢાંઢા સાથે મારી તુલના કરવામાં આવતી તે પરથી તમે સમજી શકશો કે મારા વડીલોની ટીકા વધુ અનુદાર હતી. આમ છતાં, હું કંઈ કાકાસાહેબની જેમ શરમાતો નહીં. પ્રેરક કર્તાઓએ લોકનિંદાની પરવા ન કરવી જોઈએ એવું હું કેવળ અંત:પ્રેરણાથી સમજી ગયેલો...
જોકે વડીલોના કડક અને દુરાગ્રહભર્યા વલણને કારણે ધીમે ધીમે મારે આ ટેવનો પરિત્યાગ કરવો પડેલો. પણ આ સંસ્કાર છેક નિર્મૂળ તો ન જ થયા. એટલે લગ્ન પછી મારા મોંમાં કોળિયા આપી પતિપ્રેમનું જ્વલંત દષ્ટાંત પૂરું પાડવા મેં પત્નીને પ્રેરવા પ્રયાસ કરેલો. પ્રારંભમાં હું થોડો સફળ પણ થયો. પરંતુ, પછી પત્ની ને એવો વહેમ ગયો કે હું પ્રેમને કારણે નહીં, પણ આળસને કારણે એની પાસે આમ કરાવું છું, અને થોડા જ વખતમાં ખાવાની બાબતમાં મારે ફરી સ્વાવલંબી બની જવું પડ્યું.

દાઢી ઊગવાની શરૂ થયા પછી ઘણાં વરસ સુધી હું વાળંદને પ્રેરિત કર્તા બનાવતો; એટલું જ નહીં, કોઈ મિત્રને સાથે લઈ દાઢી કરાવવા ગયો હોઉં તો દાઢીના પૈસા ચૂકવવા માટે પણ એ મિત્રને જ પ્રેરણા આપતો ! પણ હવે દાઢીના ભાવ અત્યંત વધી ગયા છે અને પૈસા આપવાની બાબતમાં 'પ્રેરિત-કર્તા' થવાની ભાવનાવાળા ઉદારચરિત મનુષ્યોની સંખ્યા દિનપ્રતિદિન ઘટતી જાય છે એટલે હવે મારી દાઢી હું જાતે જ કરું છું. અલબત્ત, પાણી ગરમ કરવા મૂકવું, હજામતનાં ઉપકરણો શોધી આપવાં વગેરે પૂર્વક્રિયાઓ માટે અને બ્રશ ધોવું, બ્લેડ સાફ કરવી, અરીસો કબાટમાં પાછો મૂકી દેવો વગેરે ઉત્તરક્રિયાઓ માટે હું પત્નીને અખૂટ પ્રેરણા આપતો રહું છું. લગ્નજીવનના પ્રારંભમાં મેં પત્નીને સમજાવેલું કે ‘જો, નિત્ય ઊઠીને દાઢી કરવી એ મારો ધર્મ છે, ને એ માટે પાણી ગરમ કરી દેવું, હું છાપું વાંચતો બેઠો હોઉં ત્યાં ગરમ પાણી ને હજામતનાં ઉપકરણો મૂકી જવાં, દાઢી પૂરી થઈ ગયા પછી એ ઉપકરણોને સ્વચ્છ કરી યથાસ્થાને રાખી દેવાં તે હે ભાર્યા ! તારો સહધર્મ છે. આ સહધર્મનું પાલન કરી તું ‘સહધર્મચારિણી’ તરીકેનું તારું પદ શોભાવ.’ પણ  શરૂઆતમાં પત્નીને મારા શબ્દોમાંથી જેટલી પ્રેરણા મળતી તેટલી હવે નથી મળતી !
છાપું હું જાતે વાંચું છું ખરો, પણ છાપું હું જાતે શોધી શકતો નથી. સૌપ્રથમ હું છાપું વાંચવા માટે પાટ પર બિરાજમાન થાઉં છું અને પછી મને છાપું પૂરું પાડવા માટે જે કોઈ સુલભ હોય તેને પ્રેરું છું. આ પ્રેરિત કર્તાનું કામ માત્ર છાપું આપવાથી પૂર્ણ થતું નથી; એણે ચશ્માં લાવી આપવાનું કર્મ પણ કરવાનું હોય છે. આ ચશ્માં પણ સહેલાઈથી મળે તેવું કદી બનતું નથી. એટલે એ રીતે મારા પ્રેરિત કર્તાઓનું કામ ઘણું અઘરું હોય છે. મારી કોઈ પણ વસ્તુઓને જ્યાં છેલ્લો ઉપયોગ કર્યો હોય ત્યાં જ હું છોડી દેતો હોઉં છું. ‘દરેક ગુનેગાર એની નિશાની છોડતો જાય છે’ આ સિદ્ધાંત પર ગુનાસંશોધનનું શાસ્ત્ર રચાયું છે. સારું છે કે મારામાં ગુનો કરવાની વૃત્તિ ને શક્તિ (ખાસ કરીને શક્તિ) નથી, નહિતર હું તો ગુનો કર્યા પછીની દસમી મિનિટે પકડાઈ જાઉં ! રસોડામાં છાપું વાંચતાં-વાંચતાં ચા પીધી હોય તો ચાના કપરકાબીની સાથે છાપું પણ ત્યાં જ મૂકતો આવ્યો હોઉં! ચા પીધા પછી નાહવા ગયો હોઉં તો છાપા માટે ઉપયોગમાં લીધેલાં ચશ્માં બાથરૂમમાં મૂકી દીધાં હોય ! સવારે ઊઠીને દૂર જોવાનાં ચશ્માં મારી નજીક લાવવા હું કોઈને પ્રેરું છું ત્યારે રાત્રે છેલ્લે હું ક્યાં બેઠો હતો તેવો પ્રશ્ર મને અચૂક પૂછવામાં આવે છે. મને જો એ બરાબર યાદ હોય (જોકે એવું ભાગ્યે જ બનતું હોય છે. મને યાદ કરાવવા માટે પણ મારે કોઈ પ્રેરિત કર્તાની સહાય લેવી પડતી હોય છે!), છેલ્લે હું ક્યાં હતો તે સ્થળ વિષે આધારભૂત માહિતી ઉપલબ્ધ હોય, તો ચશ્માં ત્યાંથી અચૂક મળી આવતાં હોય છે. એકવાર રાત્રે મળવા આવેલા સ્નેહીજનને વિદાય આપવા નીચે સુધી ગયેલો ને એમની સાથે વાત કરતાં-કરતાં મે ચશ્માં કાઢ્યાંને બાજુ પર પડેલા સ્કૂટરની સાઇડકારમાં મૂક્યાં, ને પછી ત્યાં જ રહી ગયાં. બીજે દિવસે મારા તમામ પ્રેરિત કર્તાઓએ એમની તમામ શક્તિ કામે લગાડવા છતાં એ ચશ્માં જડેલાં નહીં. સોસાયટીના બોર્ડ ઉપર ‘ચશ્માં જડ્યાં છે’ એવી જાહેરાત વાંચી અમારો નોકર નાનજી એે ચશ્માં લઈ આવેલો. સીતાને પગે લાગતી વખતે એમનાં ઝાંઝરને રોજ જોવાને કારણે, સીતાના હરણ પછી એમનાં ઘરેણાં મળી આવ્યાં ત્યારે ‘આ ઝાંઝર તો સીતાનાં’ એમ લક્ષ્મણે ઓળખી બતાવ્યાં હતાં તેમ મારાં ચશ્માં, મારી પેન, મારો ટુવાલ વગેરેને ઓળખવામાં મને વાર લાગે છે, પણ મારા પ્રેરિત કર્તાઓ મારી વસ્તુઓ તરત ઓળખી કાઢે છે!

પેન્ટ પહેરતી વખતે પાયજામો અંગ પરથી સરકીને જે અવસ્થામાં પૃથ્વી પર પડ્યો હોય તે અવસ્થામાં જ મૂકીને હું ચાલતો થાઉં છું. હું બહારથી ઘેર આવું છું ત્યારે ચંપલ કે બૂટ બારણાં પાસે જ કાઢી નાખું છું. બારણાં પાસે જ બૂટ-ચંપલ મૂકવાનો કબાટ કરાવ્યો છે. પણ કબાટ જેમ મેં જાતે નથી બનાવ્યો, પણ સુથારને એ કબાટ કરવા માટે મેં પ્રેર્યો હતો તેમ બૂટ-ચંપલ મૂકવાનું કામ હું જાતે નથી કરતો. હવે તો મારા પ્રેરિત કર્તાઓમાં ગુણદૃષ્ટિનો વિકાસ થયો છે. બૂટ-ચંપલ પહેરવા-કાઢવાનું કામ તો હું જાતે જ કરી લઉં છું તે સ્થિતિ પણ એમને સૌને ઘણી આશ્ર્વાસનરૂપ લાગે છે!

હું નાહું છું જાતે જ. પણ પાણી ગરમ કરવા મૂકવું, પાણી બાથરૂમમાં પહોંચતું કરવું, સાબુ મૂકવો, ટુવાલ મૂકવો વગેરે તમામ આનુષંગિક ધર્મો મારા પ્રેરિત કર્તાઓને ફાળે આવે છે. લગ્નજીવનના પ્રારંભમાં પત્ની 'પ્રેમથી નવડાવવા' ઉપરાંત પાણીથી પણ નવડાવી આપે તેવો લોભ મને થયેલો. પતિને અંઘોળ કરાવતી પત્નીનાં કેટલાંક રસિક વર્ણનો લોકસાહિત્યમાં છે. મેં એ તરફ પત્નીનું ધ્યાન પણ દોરેલું. પણ પત્નીમાં સહૃદયતાનો એટલો બધો વિકાસ નહોતો થયો એટલે એણે મારી વાત ગંભીરતાથી ન લીધી. પરિણામે પ્રેમની કેટલીક ઉત્તમ ક્ષણો અમે ખોઈ એમ મને લાગે છે!

એકવાર એક પરિસંવાદમાં હાજરી આપવા જવાનું થયેલું ત્યારે, ટુવાલ જાતે લઈને બાથરૂમમાં જવાની ટેવ પડી ન હોવાને કારણે ટુવાલ લીધા વગર જ હું નાહવા જતો રહ્યો. સ્નાનવિધિ પત્યા પછી મને આ ગમખ્વાર બીનાનો ખ્યાલ આવ્યો. દ્રૌપદીની પ્રાર્થના સાંભળીને પ્રભુએ એને માટે વસ્ત્રોનો ઢગલો કરી દીધો હતો. પણ હું એટલી જ આર્દ્રતાથી પ્રાર્થના કરું તોય પ્રભુ મને એક ટુવાલ પૂરો પાડે તેવી શક્યતા નહોતી એટલે જે પેન્ટ પહેરીને બાથરૂમમાં ગયો હતો તે ફરી ચડાવ્યું, ને લૂછ્યા વિનાના શરીરે હું બાથરૂમમાંથી બહાર આવ્યો. વાદળની ઘટા જેવા વાળમાંથી જલબિંદુઓ ટપકી રહ્યાં હોય તેવી સદ્યસ્નાતા સુંદરીને જોઈ કવિઓ તરત કાવ્ય રચવા બેસી જવાના. પણ આખા શરીરે પાણી નીતરી રહ્યું હોય તેવા સદ્યસ્નાત પુરુષને જોઈને તો ત્યાં હાજર રહેલા કવિમિત્રોએ મશ્કરી જ કરી! ઘેર આવીને મેં પત્નીને આ વાત કરી ત્યારે એણે હવે ટુવાલ જાતે બાથરૂમમાં મૂકવાની ટેવ પાડવા સૂચવ્યું. પણ મેં એને કહ્યું, ‘એના કરતાં તને લીધા વગર હવે પરિસંવાદમાં જઈશ જ નહીં. એટલે ટુવાલ યાદ કરવાનો પ્રશ્ર્ન મને નડશે નહિ. વળી, આનાથી એક વધારાનો લાભ પણ થશે. આપણે આ ઉંમરે પણ એકબીજાથી વિખૂટા પડી શકતાં નથી એવો ખ્યાલ સૌને બંધાશે!’

મારા પ્રેરિત કર્તાઓ ખાસ કરીને મારી પત્ની મારાં કામો કરી કરીને કંટાળે છે ત્યારે હું એને સમજાવું છું, ‘જો પ્રિય વ્યક્તિનું કામ સદભાગી  હોય તેને જ કરવા મળે. હું તને આ લહાવો કેટલી ઉદારતાથી પૂરો પાડું છું ! તું એનો યથાશક્ય લાભ ઉઠાવી ધન્ય બન !’ પણ મારે કહેવું જોઈએ કે આવી ધન્યતા માટે પત્નીએ ક્યારેય બહુ ઉત્સાહ દાખવ્યો નથી. ઊલટું, આવતા જન્મમાં આવો લહાવો અન્ય કોઈને મળે તેવી પ્રાર્થના પણ હવે એણે કરવા માંડી છે!

મારાં કાર્યો માટેના અન્ય પ્રેરિત કર્તાઓએ પણ હવે હું પ્રેરક કર્તા મટીને સ્વયંકર્તા થાઉં તેવી ભાવના સેવવા માંડી છે. આ ભાવના ધીમે ધીમે દુરાગ્રહમાં પલટાઈ જશે એવી મને ભીતિ છે. ‘હું આળસુ છું’ એવો અનુદાર આક્ષેપ પણ મારાં કેટલાક સ્વજનો કરે છે. પણ ખરું પૂછો તો હું આળસુ નથી. આ જગતને વિશે મારું અવતરણ મહાન કાર્યો માટે થયું છે એમ મને લાગે છે એટલે ક્ષુલ્લક કામોમાં સમય વેડફી દઈને હું ઈશ્ર્વરના આયોજનને વિફળ બનાવવા નથી માગતો.
હું એવા લોકોને ઓળખું છું કે જેઓ પોતાનાં કામો જાતે જ કરી લેવાનો આગ્રહ રાખે છે. પણ આવો આગ્રહ એ મોહ છે. આવા મોહથી અલિપ્ત એવો હું જીવનની ઉચ્ચ ભૂમિકાએ છું એમ માનવું ઘટે. મારાં કામો હું કરું તો જ થાય તેવું માનવું એ એક પ્રકારનો અહંકાર છે. ‘હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જ્યમ શ્ર્વાન તાણે’ એમ નરસિંહ મહેતાએ કહ્યું છે. હું આ ‘અજ્ઞાનતા’થી પર છું એ જાણી સૌને આનંદ થવો જોઈએ. 
જોકે બહુ વિચાર કરતાં મને એવું પણ લાગ્યું છે કે હું જેમ આજન્મ પ્રેરક કર્તા છું તેમ અનેક મનુષ્યો પ્રેરિત કર્તાઓ તરીકે જન્મે છે. આવાં મનુષ્યો બીજાનાં કામો કરવામાં એક પ્રકારની ધન્યતા અનુભવે છે. આવાં મનુષ્યોની ભાવના એળે ન જાય તે માટે પણ મારે પ્રેરક કર્તા તરીકેની મારી ભૂમિકા મારે જીવનભર નિભાવવી જોઈએ એમ મને લાગે છે !

मेरी आवाज़ ही पहचान है, गर याद रहे ! (જય વસાવડા)




'યાત્રીગણ કૃપયા ધ્યાન દેં, પ્લેટફોર્મ નંબર તીન સે જાને વાલી સાબરમતી એક્સપ્રેસ....'

ભારતીય રેલમાં જે કોઇએ સફર કરી હોય, એમના કાને આ સ્પષ્ટ રણકાવાળો નારીસ્વર પડયો જ હોય.


કોનો છે એ અવાજ? ખબર છે ?  



એ અવાજ હતો સરલા ચૌધરીનો. સરલા મૂળ રેલવે કર્મચારીની દીકરી. એનાઉન્સરની ભરતીમાં એપ્લાય કર્યું ને જોબ મળી ગઈ. ૧૯૯૧માં એનો અવાજ આખા ભારતમાં ગુંજવા લાગ્યો ! યાત્રીગણ કૃપયા ધ્યાન દેં...



એ અવાજનું હવે ત્રણ દસકા પછી રિપ્લેસમેન્ટ થવાનું છે. નવો અવાજ છે હરીશ ભીમાણીનો. વર્સેટાઇલ અને ક્રિએટિવ ગુજરાતી એવા હરીશભાઇ ભાષા-ઉચ્ચારશુદ્ધિના સ્વયં તજજ્ઞ છે. હમણા સુધી જેટ એરવેઝમાં એમનો અવાજ ગુંજતો. હવે રેલવેમાં સંભળાશે. પણ જનમાનસમાં એમનો અવાજ અંકિત થયો છે 'મહાભારત'ના 'સમય' તરીકે ! કેવળ અવાજથી જ એમણે જેનો ચહેરો કલ્પી ન શકાય એવું અદ્રશ્ય સૂત્રધારનું પાત્ર ઊભું કરી દીધું હતું !



વોઇસ. આવાઝ. ધ્વનિ. 

ફિંગર પ્રિન્ટ જેવી જ અલાયદી વોઇસપ્રિન્ટ હોય છે, દરેકની. 

કોઇનો ઘેરો, કોઇનો તીણો, કોઇનો કઠોર, કોઇનો મૃદુ, કોઇનો બોદો, કોઇનો રણકદાર. 


તલત મહેમૂદ કે હેમંત કુમારના અવાજ રેશમી મખમલી જ લાગે. જગજીતસિંહના સિલ્કી વોઇસની જેમ. કિશોરકુમાર પહાડી ગુંજારવનો રણકો. કિશોરના એ બેઝ વોઇસ સામે રેન્જ વધુ હોવા છતાં મોહમ્મદ રફી પાતળા લાગે. મુકેશનો અવાજ તીણો-ગૂંગણો સહેજ.પંડિત ભીમસેન જોશી કે પંડિત જસરાજ આંખ મીંચોને ઓળખાઇ જાય. રાજન-સાજન મિશ્રા કે પરવીન સુલતાના પણ. શાસ્ત્રીય ભારતીય સંગીતની પરંપરા જ આલાપતા આરોહ અવરોહથી સ્વરપેટી સ્ટ્રોંગ કરવાની રહી છે.  


ગુજરાતના ગઢવીઓ પાસે તો ગિફ્ટેડ વોઇસ હોય છે, પેઢી દર પેઢી. આદિત્ય ગઢવીની યુવા ઉંમરના પ્રમાણમાં અવાજ કેવો હિમાલયની ગિરિકંદરા જેવો ! ભજનનો નારાયણ સ્વામીની જેમ આગવી ભાત પાડતો અવાજ હેમંત ચૌહાણનો અને દિવાળીબહેન ભીલનો. ગોંડલના લોકમેળામાં એન્કરિંગમાં સાવ અલગ લહેકાનો એક અવાજ સંભળાતો એ પણ દિમાગમાં છપાઇ ગયો છે.

ઓશો રજનીશનો સ્થિર સ્વર, પાતળો છતાં વજનદાર ને અસરદાર અવાજ. જાણે સંમોહનમાં ખેંચી જાય. રઝા મુરાદ, સુરેશ ઓબેરોયનો છે એવો ડીપ વોઇસ ઈમ્પ્રેસીવ જ લાગે. પણ અમિતાભ પાસે ૭૮ વર્ષેય એ અવાજમાં ઈમોશન્સ પૂરવાનો કેળવેલો કસબ છે.  ખરજનો કહેવાય એવો - બ્રોન્ઝ વોઇસ ઓમ પુરી, અમરીશ પુરીનો, પુરૂષોત્તમ રૂપાલાનો.
 
વોકલ કોડ્સનો પણ ઓવરયુઝ થતા અવાજ તરડાઇ જાય. સ્વરપેટી પર મસા થાય. ગરમ-ઠંડા પાણીના નેપકીન ગળે મૂકવા પડે. નાસ લેવો પડે. ફરજીયાત મૌન પાળવું પડે. ગાયનું ઘી પીવું પડે. કોઇ ગરમ પાણીથી, કોઇ તીખુંતળેલું ચટપટું ખાવાનું ટાળીને, કોઇ મૌનથી અવાજ જાળવે.એક ગુજરાતી ડોકટર અમેરિકાના ન્યૂયોર્કમાં છે, નામે નવીન મહેતા - જ્યાં માઇકલ જેકસન જેવી ગ્લોબલ સેલિબ્રિટીઝ પણ વોઇસબોક્સ ચેક કરાવવા આવે !

અવાજનો આકાર કેવો હોય ? અંધ વ્યક્તિઓ રૂપાની ઘંટડી જેવો અવાજ સાંભળીને કેવા રૂપની કલ્પના કરતા હશે ? કોઇને સતત રેડિયો કે માઇક પર સાંભળો પછી લૂક કેવો કલ્પી શકો એનો? ફોન પર માદક લાગતા અવાજો સાંભળીને છલનામાં છેતરાવું આજકાલનું નથી.  રૂપાની ઘંટડી જેવા અવાજનું જેવું કામણ હોય, એવું ઘણી વાર રૂપનું ન યે હોય.



ક્યારેક અવાજનો ટોન એવા મિજાજનો પરિચય કરાવે કે અણગમો થાય. બીએસએનએલમાં એક શુષ્ક અવાજમાં 'આપ કતાર મેં હૈ. કૃપયા પ્રતીક્ષા કરે !' બોલાતું. કોરો અવાજ. ન પૉઝ, ન કોઇ ફીલિંગ.

ફોર્માલિટીની દુનિયામાં આમે ય 'પ્રેસ વન ફોર કન્ફર્મેશન' જેવા રેકોર્ડેડ અવાજો ખાસ લાગણીહીન રાખવામાં આવે છે. હોસ્પિટલના ફિક્કાં સૂપ ને બાફેલી દૂધી જેવા. સ્વાદહીન. અસરહીન.



પણ જરા યાદ કરો. 

આપણી જીંદગીમાં કેટલાક અવાજોની ય મેમરીઝ હશે. 

અગરબત્તીને સીધુંસામાન વેચતી શેરીઓમાં ફરતી રેંકડીનો હાલો પૂજાપા લેવાનો સાદ પાડતો અવાજ, માગણ બહેનનો છે કંઇ વધ્યુંઘટયુંની ટહેલ નાખતો અવાજ, ભભૂત ચોળેલ અલગારી જોગંદરનો ઘુઘવાતા મોજાં જેવો અલખ નિરંજનનો અવાજ, ભંગારવાળા ને શાકવાળાનો, નટબજાણિયા અને સરાણીયાનો, 'અમ કાઢું કે ભમ કાઢું' કહી છોકરાં ભેગા કરતાં મદારીનો, સીસોટી જેવા અવાજે કઠપૂતળીના ખેલ કરતા માણીગરનો, દૂર મધરાતે અંધકાર ચીરીને આવતા કોઇ ભજનના પિયાલાનો, પાડોશમાં તોફાની બારકસોને ખીજાતા ખાટલે બેઠેલા ડોશીમાનો, ક્લાસમાં તીણા સાદે ખીજાઇને ચીસ નાખતા શિક્ષિકાનો, ઊંચા સાદે સૂચના આપતા કડક આચાર્યનો, શરમાતા નોટ માંગતી કોઇ સહાધ્યાયી છોકરીનો, ખભે હાથ મૂકીને મેળામાં ખડખડાટ હસતા કોઇ ભેરૂનો આ અવાજો યાદ કરો એટલે મનમાં ટૂંટિયું વાળીને પડેલા કેટલાય દ્રશ્યો યાદ આવી જાય. કેટલાય ચહેરા તરવરી જાય ! આજે ય નોંધજો સવારે કેટલા અવાજો આપણને જગાડે છે. દૂધથી છાપાના, બાળકોના કલબલાટના, પંખીઓના ટહુકાના, ઘરકામની ઉતાવળના.. પોઢેલા બાળકને સ્કૂલે જવા ઊઠાડતો , આદેશમાં ય વ્હાલ ભેળવતો માનો અવાજ, મોટા અવાજે કોઇ પ્રાર્થના બોલતા પપ્પાનો અવાજનાના શિશુના રડવા ને ખિલખિલ હસવાનો અવાજઅને અચાનક જ ઝબકી ઊઠો એવો, કાનમાં ક્લોઝઅપમાં સંભળાતો,  વિદાય લઇ ગયેલા સ્વજનનો ભણકારા સમ અવાજ !


ઘણી વાર બને છે કે તમને મંચ પર / યુટયુબ પર સાંભળ્યા છે’ – એવું કહીને પાછળથી અચાનક કોઇ ખભે હાથ મૂકે. જેને ઓળખાણ ચહેરાની નથી, બસ વૉઇસની છે ! ટીવી પરના વૉઇસ અમુક ફેમિલી મેમ્બર્સ જેવા લાગે છે. હિન્દીના કેટલાય ગુમનામ, ફેસલેસ ડબીંગ આર્ટિસ્ટ્સ છે, જેનો અવાજ આપણે કાયમી ધોરણે  સાંભળ્યા કરીએ છીએપણ ઓળખાતા નથી. ભારતમાં એક 'વૉઇસ મેજીશ્યન' છે. ચેતન શશીતાલ. ચેતન શશીતાલે સેંકડો સિરિયલ્સમાં ડબિંગ કર્યા છે. એડમાં સેલિબ્રિટીઝના અવાજો કાઢ્યા છે. જાહેરખબરમાં સંભળાતો સચીનનો અવાજ એનો જ. ડિઝનીની ડકટેલ્સ અને ટેલસ્પીનમાં એ બલ્લુ ધ બેઅરથી હ્યુઇ, ડયુઇ જેવા અવાજો ય કાઢે. 

ઉંમર મુજબ, ગળામાં ઊંચાનીચા થતા હૈડિયા મુજબ અવાજ બદલાતા રહે છે. પણ આઇન્સ્ટાઇનના કહેવા મુજબ , ધ્વનિતરંગો મરતાં નથી. કોઇ જૈન સાધુના કંઠે પડઘાયેલો ઉપસગ્ગાહાર મંત્ર હજુ ય બ્રહ્માંડની કંદરામાં ક્યાંક હશે, કોઇ રૂપલે મઢેલી રાતે પ્રાણપ્રિયાએ પિયુ સાથે કરેલો પ્રેમાલાપ તરંગો બનીને કોઇ મોગરાની કળીને આજે ય તરંગિત કરી ખીલવતો હશે. કેટલાક અવાજો અલોપ થઇ ગયા પછી મજબૂત બની જતા હોય છે. 

ધ્વનિસાઉન્ડઅવાજને પામવા માટે નીરવ શાંતિ જોઇએ, અને બંધ આંખો ય ! બહારનો ઘોંઘાટ સ્વીચ ઓફ થાય તો અંદરનો આપણો અવાજ સંભળાય. અવાજ પણ આંગળીની જેમ સ્પર્શી શકે છે. સાક્ષીભાવ રાખો તો આપણા અંદરના અવાજોનો કોલાહલ સંભળાય. ક્રોધનો અવાજ, જોશનો અવાજ, ખડખડાટ હાસ્યનો અવાજ, ડૂમો ભરેલો અવાજ. આપણો અવાજ પણ મિજાજ મુજબ કેવો બદલાતો હોય છે. ફોન પર અવાજ અલગ સંભળાય અને ઇન પર્સન અલગ. અવાજમાં ઠંડીગાર ઉપેક્ષા કે હુંફાળી આત્મીયતા. જે ચાહો એ ભેળવી શકો.

સત્તાવાહી અને કોન્ફિડન્ટ વોઇસથી ઘણીવાર વગર ચાવીએ દરવાજાના તાળા ખુલે છે. આજીજી કરતાં રડમસ અવાજો કચડાઇ જાય છે. અવાજ આનંદનો ને દર્દનો હોય, મદદનો અને નફરતનો હોય. અવાજથી થાય પોકાર. અવાજથી જમાવાય અધિકાર. મોટી ઉંમરે શૂન્ય થતી આંખો અને થોથવાતા અવાજમાં સંભળાય છે, મોતના પડછાયા. ઘાંટો, ચીસ, ડૂસકું, બરાડા, બૂચકારા, છણકા, નિ:સાસા, લલકાર, ઉંહકારા, ઢમકાં, ખોંખારા, લપકારા, સબડકા, ચૂમ્માચાટી વગેરે અક્ષરો-શબ્દો-ભાષા વગરના અવાજો છે. આગ અને વરસાદને, પવન અને પથ્થરને અવાજો હોય છે. ભમરાં અને તમરાંને ય. 

આવાઝ દો હમ કો, હમ ખો ગયે,’ તમે કોને માટે ગાઇ શકો ?  
અથવા દેખ લો આવાઝ દેકર, પાસ અપને પાઓગેકોણ તમારા માટે ગાઇ શકે ?

પડઘાના, ભીડના, એકાંતના  બિલવતા અવાજો વચ્ચે.
તમને કોના અવાજમાં તમારું  નામ સાંભળવું ગમે, હેં ?

ઝિંગ થિંગ


જુનીપુરાણી  અરુણની ઓળખઅમે અકારણ  જુદાં ગણાયા
અમારે  મન તો ન કોઇ જુદું, શું કરીએ પામ્યા અવાજ જુદો
(રાજેન્દ્ર શુકલ)