10.11.16

મધુ રાય : પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપાથી



 



મધુ રાય :
પરમાત્માની અસીમ કૃપાથી 


આચાવળાઈ, વાયડાઈ ને રોમાન્સથી થરથરતો લેખ લખાય છે ત્યારે અમેરિકાના પૂર્વકિનારે સત્તર માળની તુરંગની ભીતર સ્વૈચ્છિક નજરકેદ છે ગગનવાલા. આજે છે અમેરિકાનાં છેલ્લાં 100 વરસનો વિક્રમભંજક સૌથી ઠંડોગાર અવળચંડો વેલેન્ટાઇન્સ ડે, ધગધગતા રોમાન્સનો દિવસ, ઊર્મિના ઉદધિનો અવસર, દિલ કેરાં અરમાન જાહેર કરવાનું જશન ને ગોપિત પ્રેમના ઇજહારનો ચાન્નસ. સખીના હાથમાં હાથ નાખી ડિનર પર લઈ જવાની ડેટનો શિરસ્તો માઇનસ વન ડિગ્રી ફેરહિટમાં સટાક ઊડીને કાગડો બની જાય છે ને કોઈ નટખટ કન્યા મેસેજ મોકલે છે કે અંકલ, આજે ખજૂર ખાજો તો કહી શકશો કે તમને 'ડેટ' મળી છે.

નઠારા લોકો કહે છે કે વેલેન્ટાઇન ફેલેન્ટાઇન નથ્થિંગ! ડબલ્યુટીએચ! ખજૂર જાય જહન્નુમમાં.
બે માસ ખાલી રહેલા ઘરમાં દાણાદૂણીના ડબ્બાનાં તળિયાં દેખાય છે, ફ્રીઝમાં સબડી રહેલાં શાકના અવશેષ હાંસી કરે છે, એલએમએઓ! આગબંબાનું પાણી આગને અડકે તે પહેલાં બરફ બની જાય છે. કન્સ્ટ્રક્શન કામ તાત્કાલિક સ્થગિત છે, કેમ કે ધસમસતા પવનમાં ઊંચી ઊંચી ક્રેઇનો પેપર કપની જેમ ફંગોળાઈ જાય છે. એક અઠવાડિયાથી ટાઢના કાયર ગગનવાલા ઘરની બહાર નીકળ્યા નથી. ક્યોંકિ રૂંછાળો રશિયન કોટ ને મૂછાળા ચાઇનીઝ ટોપાની બુકાની બાંધી બહાર નીકળો તો હૃદયમાં મદનનાં બાણને બદલે ગાલ ઉપર શિશિરની બર્છી જેવા કાપા પડે છે.

હિમડંખથી તમારું નાક ખરી પડવાની વોર્નિંગ સંભળાય છે. રસ્તે વેરાયેલા સ્નોને ઉસેડી ખસેડવા શહેર સુધરાઈની ટેન્કો ધસી રહી છે તમારી છાતી ઉપર. તમારા રોમાન્ટિક કાનમાં ઉત્તર ધ્રુવ ઉપરથી પુરપાટ ગતિથી સૂ સૂ કરતો વંટોળિયો સાંય સાંય કરે છે ને જામી ગયેલા સ્નોની લીસી સપાટી ઉપર તમારી સમતુલા ડગમગે છે, હલો રોમિયો! સન 1916માં થીજી ગયેલાં તરસ્યાં જુવાન હૈયાંનાં ડાકલાં ખીખી કરે છે, એલએમએઓ! તમે આજ સુધી જેને કહી નથી શક્યા તે–તે ક્રૂર પ્રેમિકાઓને છાનાછાના આઈહાર્ટયુના સંદેશ મોકલવા જાઓ ત્યાં આંતરડાં ઉર્દૂ અવાજે ખાવા ધાન માગે છે.

નાસિકામાં ઉષ્ણ પ્રણયના શ્વાસને બદલે ગળે છે પારદર્શક પાણી ને ગગનવાલા ટીવી ખોલી પોલિટિકલ ડાગલાઓની ડિબેટોના વિશ્લેષણ તરફ દોરવાય છે. ક્લિક ક્લિક ક્લિક, જૂઠા, ધુતારા ને કપટી લોકોનાં પાજી દ્વિઅર્થી વચનો ને પોલિટિકલ પંડિતોનાં ડાહ્યાંડમરાં વિશ્લેષણો, અને હલો! તે વચનો ને વિશ્લેષણોની વચ્ચે વચ્ચે તમારી બાબરી માટે લોશન ને બ્લડપ્રેશર માટે કોશન ને ખાવાપીવાસૂવા ને ચાહવા માટેની વિજ્ઞાપન અને સ્ક્રીનની નીચે લીટી લીટી વાવાઝોડાના, સાત ફીટ સ્નોની આગાહીના ને પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપાના સંદેશા સરકે છે, તમારી મખૌલ કરતા મરકતાં મરકતાં.

પણ દિલ એટલે દિલ છે, યારો! આવા ગોઝારા કુદરતી તોફાનના દિવસે પણ દિલવાલા અમેરિકનોએ મિલિયન્સ ઓફ ડોલર્સનાં વેલેન્ટાઇન કાર્ડ્ઝ ખરીદ્યાં છે ને બિલિયન્સ ઓફ ડોલર્સની ચોકલેટથી પ્રણયસંગીને રીઝવવાના છે, કેમ કે દિલ મીન્સ ટ્રિલિયન્સ ઓફ ડોલર્સ, યાહ? નઠારા લોકો કહે છે કે વેલેન્ટાઇન ફેલેન્ટાઇન નથ્થિંગ! લુચ્ચા વેપારીઓએ પોતાનાં કાર્ડ ને ચોકલેટ ફોકલેટ વેચાય તે માટે ઊભો કરેલો આ બનાવટી તહેવાર છે ને પાકિસ્તાનના મુલ્લાં કહે છે કે આ વેસ્ટમાંથી આયાત કરેલો શયતાની ત્યોહાર છે; ને ભારતીય સન્સક્રિતિના સંરક્ષકો પોકારે છે કે વેદોં મેં કહીં વેલેન્ટાઇન્સ ડે નહીં હૈ.

પરંતુ ટાઇમ મેગેઝિન કહે છે કે આજે ભલે કોમર્શિયલ નુસખો બની ગયો હોય, પણ દરઅસલ વેલેન્ટાઇન્સ ડેમાં વજૂદ છે. ચૌસર નામે કવિની કવિતામાં આવે છે કે 14મી સદીમાં 14મી ફેબ્રુઆરીનો દિવસ પંખીઓના પ્લે–મેટ્સ પસંદ કરવાનો દિવસ હતો. પંખીઓના એક્સટેન્શનથી બન્યો હશે પ્રેમીપંખીડાંના પ્રણયનો દિવસ, નો? એન્ડ 17મી સદીમાં શેક્સપિયરે 'હેમલેટ' નાટકમાં ઓફિલિયાની સુરાહીદાર ગરદનમાંથી ગીતના બોલ નીકળે છે: કલ હૈ વેલેન્ટાઇન્સ ડે, જાનુ, મૈં આઉંગી બનઠન કે શામ ઢલે, વેલેન્ટાઇન બનકે તુમ્હારી ખિડકી કે તલે. સમથિંગ લાઇક ધેટ.


તો પછી આ વરસે અમ્રિકામાં કુદરતનો આવો કુહર કેમ મચ્યો છે? વ્હાય? યુ નોવ વ્હોટ? ઇન્ડિયા ને પાકિસ્તાનના જુવાનિયાં આવી નાપાક હરકતોમાં ફેસબુક ઉપર છવાઈ ગયા છે, તેની આ તો કુદરતની પનિશમેન્ટ છે. જય ખજૂર!

__._,_.___





ટિપ્પણીઓ નથી: