8.11.16

અશોક દવે - આજે કોનો હૅપી બર્થ ડે છે...?



અશોક દવે :
આજે કોનો હૅપી બર્થ ડે છે...?

 

બર્થ-ડે પાર્ટીઓનું તો કેવું છે કે ,  બર્થ-ડે પાર્ટીઓનું તો એવું જ હોય છે !

જમવાનું કીધું હોય એટલે તો જવું પડે જ ! અને ગયા પછી જમીને જ આવવું પડે. જમવું જરૂરી એટલા માટે છે કે , 
આપણા પર્સનલ કોઇ જાતના ઉમંગ-ઉલ્લાસ વગર ₹  ૫૦૦/-થી માંડીને  ₹ ૧ , ૦૦૦/-ની ગિફ્ટ રૅપરમાં વીંટાળીને લઇ ગયા હોઇએ , 
આપણા પોતાના કપડાં ઉપર મોંઘા ભાવના ફ્રેન્ચ-પરફ્યૂમો છાંટયા હોય , 
સોસાયટીવાળા આપણને જોઇ શકે ,  એ માટે ગાડીમાં બેસતા વારો વધારે લગાડી હોય , ( વાઇફોઝની વાત થાય છે ! - સ્પષ્ટતા પૂરી)
માણસને બદલે ભૂત થયા હોત તો વહેલા પહોંચત ,  એવા વિચારો   આવે એટલો રાક્ષસી ટ્રાફિક-જામ દર બબ્બે કીલોમીટરે.
ગાડીનું એ.સી. ચાલુ ન રાખો તો ફ્રેન્ચ-પરફ્યૂમને બદલે ઘાસલેટ છાંટીને નીકળ્યા હો ,  એવી વાસ મારે !
અને બસ્સો-અઢી સોનું પેટ્રોલ બાળ્યું હોય ,  એ બધું વસૂલ તો કરવું પડે !
આ કારણે ગયા પછી જમ્યા વિના પાછું ન અવાય ! 

આમ જોવા જાઓ તો પાર્ટીમાં ન જાઓ ને બહાર હોટેલમાં જમી લો તો બે જણનું   ₹  ૫૦૦-૭૦૦માં પતી જાય ,  પણ પાર્ટીમાં ગયા વિના કોઇનું ચાલ્યું છે?  એ પોતે રહેતા હોય બોપલમાં ને આપણે મણીનગરમાં ,  એટલે હોટલે ય બોપલવાળી રાખી હોય ,  એમાં આપણે એવા સિવાઇ જઇએ કે ,  એક બંગલો બોપલમાં ય રાખી લેવો સસ્તો પડે ! આના કરતા કોકના બેસણામાં જઇ આવવું સારૂં પડે! કોઇ ખર્ચો તો નહિ ને એક જ એરીયામાં બે-ત્રણ બેસણાં પતાવવાના હોય તો બહુ સસ્તાં પડે ! બર્થ-ડે પાર્ટીઓ એક જ એરીયામાં હોય ને બે પતાવવાની હોય તો ઉપરથી મોંઘી પડે...
જમવાનું એકમાં ને ગિફ્ટો બે ય માં ! સુઉં કિયો છો  ?

તમે જોઇ જુઓ કે ,  બર્થ-ડે પાર્ટીઓ આપણી પાસે કેટલું જુઠ્ઠું કરાવે છે ! ગાડીમાંથી ઉતરતી વખતે ગમે તેવો મૂડ હોય ,  પણ હૉટલના ગૅટ પર પહોંચતા મોંઢા ઉપર ખડખડાટ હસવાનું મહોરૂં પહેરી લેવાનું...! સાલું કઇ કમાણી ઉપર એના બર્થ-ડે ઉપર આપણને આટલી ખુશી થતી હોય... ?  એમને મળતા વ્હેંત કારણ વગરની   ' જોક્સો '  મારવાની ,  એ તો જુદું ! એના કરતા ય એની ફાલતુ જોક ઉપર આપણે હસવું પડે ,  એ હવે નથી પોસાતું... ભાઇ... નથી પોસાતું !

પાર્ટીમાં પહોંચી ગયા પછી ય ક્યાં સુખ હોય છે   ?  આપણી માફક દરેક પાર્ટીમાં પહોંચી જનારા ત્યાં હોય જ... આમંત્રણ ભલે ને નામનું મળ્યું હોય ! એમની સાથે પાછી દેશની સુરક્ષાની વાતો કરવાની તેમ જ મોદીએ શું કરવું જોઇએ ,  એની સલાહ પેલી પાર્ટીને આપણે આપવાની ! આપણું ધ્યાન વૅલકમ-ડ્રિન્ક્સ પીતી એની વાઇફ પર હોય ,  જેને ગુલાબી રંગની મૂછો ચોંટી હોય ! (સૌજન્ય ખાતરે ય... આપણાથી એ મૂછો કાઢી ય ન અપાય !... આમાં તો બન્નેની બાઓ ખીજાય !)

એક બાજુ બડી જોરોં કી ભૂખ લાગી હોય ને એ લોકો જમવાનું સ્ટાર્ટ કરતા ન હોય ,  કારણ કે હજી કૅક કાપવાની બાકી હોય ! કૅકો કપાવાના પાછા ટાઇમિંગો કોઇ ના હોય... એ તો મન થાય ત્યારે કપાય. આપણા જીવો અને પેટો અધ્ધર પહોંચ્યા હોય છતાં એ લોકોના મનો ના થાય.

આપણે હોટેલની બારી પાસે અદબ વાળીને ઊભા રહી રહીને કેટલું ઊભા રહીએ   ?  બહાર જોવામાં ય નીચે પાણી-પુરીની લારીવાળો દેખાતો હોય !

એ પછી ઘંટ વગાડીને કેક કાપવાની જાહેરાત થાય. હોળી પ્રગટાવવાની હોય ,  એની પહેલા ભક્તજનો એની આજુબાજુ ગરબાના આકારે ગોઠવાઇ જાય છે. બરોબર એ જ આકારે હૅપી બર્થ ડેની પાર્ટીમાં કૅકની આજુબાજુ આપણા   ' દેસીઓ '  ભક્તિભાવથી ગોઠવાઇ જાય છે.   એક તો ,  નાના છોકરાઓની જેમ મોંઢા ઉપર બાઘડા પહેરીને પાર્ટીમાં લેવા-દેવા વગરના બધા હસહસ કરતા હોય ,  એમાં બર્થ-ડે કોની છે ,  એની ખબર ન પડે. કારણ કોઇને ખબર નથી ,  પણ ફૂંકો મારવાની હોય ,  એની પહેલા લેવાદેવા વગરની લાઇટો ઑફ કરી દેવામાં આવે છે અને અંધારા ઘોરમાં ફોટોગ્રાફર બર્થ-ડે બૉયને   ' સ્માઇલ પ્લીઝ ' ની બૂમો પાડતો રહે... તારી ભલી થાય ચમના... તું તારે આડેધડ ફોટા પાડે રાખ ને... સૅલ્ફીના જમાનામાં તારા ફોટા જોવા કોઇ નવરૂં નથી ! સાલો છપ્પન વરસનો ઢાંઢો થયો હોય તો ય કહેવાય   ' બર્થ-ડે બોય ' !  જન્મદિવસ એની બાનો હોય તો એને   ' બર્થ-ડે બા '  કહેવાય   ?

મને ખબર નહિ કેમ ,  પણ કોઇની બર્થ-ડે પાર્ટીમાં ફૂંક મારેલી કૅક ખાવી ગમતી નથી. જેની બર્થ-ડે હોય ,  એણે સળગતી મીણબત્તીઓ હોલવવા થૂંક ન ઊડે ,  એ  રીતે મસ્સમોટી ફૂંક મારવાની હોય છે. એમાં ફૂંકે-ફૂંકે ફેર પડે.... ઘણાની મીણબત્તીઓ ત્યાંની ત્યાં ઊભી હોય ને કૅક સામેની ભીંતે  જઇને ચોંટે ,  એવી તોતિંગ ફૂંકો મારી હોય !

નાનું બાળક હોય તો હજી સમજ્યા. પણ ભરચક તમાકુ ખાનાર કે બીડીઓ પીનારાની બર્થ-ડે પાર્ટી હોય ,  એ પણ કૅક ઉપર ફૂંકો મારીને થૂંકો ઊડાડતો મીણબત્તાઓ હોલવે ,  એ તો ક્યાંથી સહન થાય   ?  કબડ્ડી-કબડ્ડી રમતો હો. ,  એમ આપણને કૅક ખવડાવવા ધસી આવેલો હાથ ધોયા વગરનો ચમનો સીધો આપણા મોંઢામાં નાંખે ,  એ ય મારાથી સહન ન થાય ! મને હજી આંખે પૂરતું દેખાય છે અને પ્લેટમાંથી મારી જાતે હું કૅક લઇ શકું એમ છું ,  છતાં , '' આઆઆ...આઆ ,  ચલો મોંઢું ખોલો જોઇએ... ચલો ,  આઆઆઆ...! ''  એમ પરાણે આખા પાર્ટામાં બધાના મોંઢા ખોલાવીને છેલ્લે એવા એંઠા હાથે આપણી પાસે આવ્યો હોય...  આપણાથી પાછી બહુ નાઓ ય ના પડાય ,  નહિ તો ઉત્સાહમાં આપણા નાકમાં કૅક પરોવી આવે !

પણ પાર્ટીનો મોટ્ટો મજો   ' હૅપી બર્થ ડે ટુ યૂ '  ગાવાનો... આઇ મીન સાંભળવાનો ,  આઇ મીન જોવાનો આવે છે. ગીત અંગ્રેજીમાં હોવા છતાં રામદેવ પીરનો હેલો ગાતા હોય ,  એવા સાદે એકસામટા તાળીઓ વગાડતા શરૂ થાય. એકે યની તાળી બીજા સાથે મેળની ન હોય ,  જાણે તીનપત્તીના પત્તાં ચીપતા હોય કે જયઆદ્યાશક્તિની આરતી ગાતા હોય એવી તાળીઓ સાથે કોઇ મેળ વગરનું   ' હૅપી બર્થ ડે ટુ યૂ... '  ગાવામાં જોડાય. ખરા ભરાઇ જાય ,  બર્થ-ડે બૉયનું નામ આવે ત્યારે ! કોકનો એ ડોહો મામો થતો હોય ,  કોકનો સસરો ,  કોકનો હજી આ ઉંમરે ય જમાઇ થતો હોય અને બાકીના માટે એ આજે ય   ' કાળીદાસભાઇ '  જ હોય અને આવા કાળીદાસભાઇને બર્થ-ડે સૉન્ગમાં બેસાડવામાં ભલભલા ભરાઇ જાય છે. ન સૂરનું ઠેકાણું રહે ,  ન પ્રાસનું કે ન આખા નામનું ! હવે આ ઉંમરે ડોહાના નામની આગળ   ' ડીયર '  લગાડવાની ક્યાં જરૂરત હતી ,  પરિણામે બર્થ-ડે સૉન્ગ ત્યાં જ પડતું મૂકીને કૅક ખવાઇ જાય!

સાચું પૂછો તો કૅક આપણા દેશની રીતરસમ નથી.કાપાકાપી આપણું કલ્ચર નથી. આપણા એકે ય તહેવાર કે પૂજનવિધિમાં છરી-ચપ્પા આવતા નથી.... અને ન જ રહેવાતું હોય તો કૅકને બદલે આખું છોડીયાવાળું નારીયેળ કાપવાનું રાખો ને !



ટિપ્પણીઓ નથી: