એકલા પડી ગયા હોવાનો ડર
કેવી રીતે દૂર થાય ?
(તડકભડકઃ સૌરભ શાહ)
એકાંત જાગરણ છે અને એકલવાયાપણું ઉજાગરો છે. એક સ્વૈચ્છિક છે, બીજામાં ફરજિયાતપણું છે. આપણે બીજાની વાત કહી રહ્યા છીએ.
એકલવાયાપણું એ કોઈ ભૌતિક પરિસ્થિતિ નથી માત્ર એક માનસિક પરિસ્થિતિ છે એવું સ્વીકાર્યા પછી જ એના ઈલાજમાં આગળ વધી શકાય.
એકલા થઈ ગયાની લાગણી કામચલાઉ હોઈ શકે અને ખૂબ લાંબા સમય સુધી પણ રહી શકે. ક્યારેક આવા ગાળા લંબાતા હોય છે. કદાચ કાયમી બની જશે એવી દહેશત લાગે છે. બાળકોને હોસ્ટેલમાં ભણવા મોકલી દીધા હોય, ઘરમાંથી વહાલસોયી દીકરીને કે લાડકી બહેનને સાસરે વળાવી દીધી હોય, દીકરો પરદેશ સેટલ થઈ જાય, અંગત મિત્રની બહારગામ ટ્રાન્સફર થઈ જાય, છૂટાછેડાં લેવામાં આવે, ખૂબ જ આત્મીય સંબંધ પૂરો થઈ જાય, જેને સૌથી નજીકની માની હોય એવી મા, પુત્રી, પુત્ર, મિત્ર, પતિ, પિતા જેવી વ્યક્તિનું અવસાન થઈ જાય. આ અને આવી બીજી ઘણી પરિસ્થિતિઓ એવી હોવાની જે માણસના મનમાં શૂન્યાવકાશ સર્જે. આવા સંજોગોમાં સર્જાતી એકલવાયાપણાની લાગણીનો ગાળો ખૂબ લાંબો ચાલવાનો.
એકલવાયાપણાની લાગણી બે ચાર દિવસ માટેની હોય કે ખૂબ લાંબા ગાળા માટેની એ સતત ચાલુ રહે છે ત્યારે માણસ અંદરથી વહેરાતો જાય છે. આ લાગણી ભલભલાના પગ ઢીલા કરી નાંખે. માણસને નબળો અને આળો બનાવી દે. એકલવાયા થઈ ગયાની લાગણી માટે બાહ્ય કારણો ભલે હોય પણ આ લાગણીનો જન્મ માણસની પોતાની માનસિક્તાને કારણે થતો હોય છે.
પોતાના તમામ પુત્ર-પુત્રીઓ પરદેશ રહેતાં હોવા છતાં પત્ની સાથે કે પત્ની વિના જલસાથી હર્યું ભર્યું જીવન જીવતા સેવન્ટી પ્લસના વડીલો તમે જોયા હશે. પતિ કે પત્નીના અકાળ અવસાન પછી એ આઘાતને જીરવીને નવેસરથી પોતાનું જીવન ગોઠવીને જીવતી વ્યક્તિઓ તમે જોઈ હશે. એકલા પડી જવાની લાગણી મનમાં જન્મે ત્યારે એને એ જ સ્તરે માનસિક સ્તરે જ નાબૂદ કરવાની કોશિશ કરવી પડે. કારણ કે ભૌતિક સ્તરે તો કશું જ તમારા તાબામાં હોતું નથી. સ્વજનના મૃત્યુને કારણે એકલા થઈ ગયેલાં લોકો લાખ કોશિશ કરે, એને પાછું બોલાવી શક્તા નથી. તમને ઘરમાં એકલું ન લાગે એટલે દીકરી કે બહેનનું સાસરું છોડાવી શક્તા નથી. કોઈ બીજાની સાથે જતી રહેલી પ્રિયતમાના નવા પ્રેમીનું, લાખ ઈચ્છા હોવા છતાં તમે કશું બગાડી શક્તા નથી. ભૌતિક પરિસ્થિતિઓ પરનો તમારો કાબૂ મર્યાદિત હોવાનો. માનસિક સ્તરે જ એકલવાયાપણાનો મુકાબલો થાય.
કેવી રીતે?
સાત રીતે.
માણસમાં એકલા પડી જવાની લાગણીની સાથે જ જબરજસ્ત ભયની લાગણી જન્મે છે. હેબતાઈ જવાય એવો ધ્રાસકો, એવી ફાળ પડે છે. બહાવરા બની જવાય છે. આને કારણે કયાં તો આપણે સઘળા મિત્રો-પરિચિતોને ફોન કરીને કે મળીને આ લાગણીને ખંખેરવાનો પ્રયત્ન કરીએ અથવા એના કરતાં તદ્દન ઊંધું કરીએ- મનનાં તમામ બારી દરવાજા બંધ કરીને બધા સાથે સંપર્ક તોડી નાંખીએ. આ બેઉ અંતિમોની પરિસ્થિતિ બિનઉપયોગી પુરવાર થવાની એટલું જ નહીં, જોખમી પણ થઈ શકે. આવું કરવાથી એકલવાયાપણું દૂર થવાનું નથી. થશે તો ઉપરછલ્લું જ દૂર થશે અને જોખમી એટલા માટે કે ગમે તેની આગળ જઈને હૃદય ઠાલવી દેવાથી એ વ્યક્તિ ભવિષ્યમાં તમારો ઉપયોગ કરતી થઈ જશે. ઉપયોગ એટલે બ્લેકમેલિંગના અર્થમાં નહીં. પણ હા, સરળ અર્થમાં એને ઈમોશનલ બ્લેકમેલિંગ ગણી શકીએ.
તમારો ડર, તમારી કલ્પનામાં દેખાતી ખરાબ પરિસ્થિતિઓ તમે જ્યારે બહુ નિકટની નહીં એવી વ્યક્તિ સમક્ષ પ્રગટ કરી દો છો ત્યારે એની આગળ તમે એક નિર્બળ વ્યક્તિ તરીકે બહાર આવો છો. તમારી આ નિર્બળતાનો ઉપયોગ ભવિષ્યમાં એ પોતાના સ્વાર્થની વાત હશે ત્યારે નહીં કરે એની કોઈ ખાતરી નથી. એકલવાયા થઈ જવાની તીવ્ર લાગણીથી ઘેરાઈ જઈએ ત્યારે બહાવરા બનીને અહીં ત્યાં ભટકવાને બદલે ઘડીભર સ્થિર થઈ જવું, થંભી જવું, ટેમ્પરરી સ્થગિત થઈ જવું. કોઈ જ નિર્ણયો લેવાં નહીં. રોજિંદી જરૂરિયાત સિવાયની અન્ય પ્રવૃત્તિઓ પણ રોકી દેવી. વાહન ગતિમાં હોય ત્યારે અચાનક દિશા બદલી નાખવામાં જોખમ છે. દિશા બદલવા ગતિ ઓછી કરવી પડે. ક્યારેક થંભી જવું પડે. દિશા બદલવી જરૂરી છે કે નહીં તે નક્કી કરવા માટે પણ આટલું કરવું પડે.
એકલવાયાપણું દૂર કરવાનો સૌથી પહેલો ઈલાજ આ : દોડાદોડ કરી મૂકવાને બદલે થોડીકવાર જ્યાં છો ત્યાં, જેમ છો એમ, સ્થિર રહેવું.
૨. એકાંત પસંદ કરનાર વ્યક્તિ આત્મગૌરવ, સેલ્ફ એસ્ટીમ, જાળવી શકે. રાધર, જેનામાં ભરપૂર આત્મસન્માન હોય એ જ વ્યક્તિને એકાંત પ્યારું લાગે. પણ એકલા પડી ગયા છીએ એવું લાગે છે ત્યારે સૌ પ્રથમ ભોગ આપણા આત્મસન્માનનો લેવાય છે.
એકલવાયા હોવાની લાગણીને કારણે માણસ સેલ્ફ-એસ્ટીમ ગુમાવી બેસે છે કે પછી સેલ્ફ-એસ્ટીમ ગુમાવવાને કારણે માણસ એકલવાયો થઈ જાય છે?
વ્યક્તિ સેલ્ફ એસ્ટીમ ગુમાવતી જાય એમ ધીરેધીરે એ પોતાની જાતને બીજાઓના સંપર્કમાંથી પાછી ખેંચાતી જાય, જેથી એ બીજાઓ આગળ પોતાની જાતને દયામણી તરીકે રજૂ કરવામાંથી બચી જઈ શકે. છેવટે એ એકલી પડી જાય છે. આથી ઊલ્ટું, અન્ય કોઈપણ કારણોસર એકલવાયી થઈ ગયેલી વ્યક્તિ 'મને કોઈ ચાહતું નથી' કે 'મારી કોઈનેય પડી નથી' વગેરે લાગણીને કારણે આત્મસન્માન ગુમાવવાનું શરૂ કરી દે. એકલવાયાપણું ન સર્જાય તે માટે અથવા તો સર્જાઈ ગયેલું એકલવાયાપણું વિખેરાઈ જાય તે માટે વ્યક્તિનું આત્મગૌરવ જળવાઈ રહે તે જરૂરી છે. આત્મગૌરવ તૂટતું હોય ત્યારે એને રોકવા શું થઈ શકે?
તમારું આત્મગૌરવ તમને બીજું કોઈ ન આપી શકે. કોઈ તમને માન આપે અને તમને લાગે કે તમારી સેલ્ફ-એસ્ટીમ ઊંચી જઈ રહી છે અને કોઈ તમને અપમાનિત કરે કે તમારી ઉપેક્ષા કરે અને તમને લાગે કે તમારા આત્મગૌરવનું તળિયું દેખાઈ રહ્યું છે તો માનજો કે જિંદગીમાં તમારું આત્મસન્માન કાયમ માટે જાળવી શક્વાના નથી. તમે તમારા લાગણીતંત્રનું સુકાન બીજાના હાથમાં મૂકી દો એ પછી તમારી પોતાની દિશામાં આગળ વધી શકો એ વાત જ અશક્ય છે.
આત્મગૌરવ જળવાય એ માટે માણસને પોતાની જાતમાં શ્રદ્ધા હોવી જોઈએ અને જાતમાં શ્રદ્ધા ત્યારે બેસે જ્યારે એને પોતાની મર્યાદાઓ વિશે જાણ થઈ જાય અને ખૂબીઓ વિશે ખ્યાલ આવી જાય. એટલો ખ્યાલ આવી ગયા પછી માણસ પોતાની ખૂબીઓને વધુ ધારદાર બનાવવાના પ્રયત્નો કરતો રહે અને પોતાની મર્યાદાઓને ઓગાળવાની કોશિશમાં રત રહે તો એની આ પ્રવૃત્તિ ક્યારેય એનામાં પોતે એકલો પડી ગયો છે એવી લાગણી નહીં પ્રેરે. તો આ થયો એકલવાયાપણાની લાગણીમાંથી મુક્ત થવાનો બીજો ઉપાય. પોતાની ખૂબીઓ અને મર્યાદાઓ પ્રત્યે સભાન થઈ ખૂબીઓને વધારવાની અને મર્યાદાઓને ઘટાડવાની પ્રવૃત્તિમાં ખૂંપી જવું.
૩. જિંદગીમાં જે તબક્કે આવીને તમે ઊભા છો ત્યાં સુધી આવવામાં તમારા કેટલાક પ્લસ પોઈન્ટ્સનો ફાળો છે એ વાતમાં કોઈ શંકા નથી. આ પ્લસ પોઈન્ટ્સ કયા? આવું વિચારવાનું ભાગ્યે જ બને છે. હંમેશાં આપણને એવું શીખવવામાં આવ્યું કે આપણે જો આપણી જાતને અહોભાવથી જોતાં થઈ જઈશું તો છકી જઈશું. વાત સાચી. પણ જાતને અહોભાવથી જ જોવી એવું જરૂરી નથી, ભાવપૂર્વક પણ જોઈ શકાય ! આપણામાં કેટલાક ગુણો, કેટલીક ખાસિયતો એવાં જરૂર છે જેને કારણે આપણે એકલા રહીને પણ અડીખમ રહી શકીએ. સતત બીજાઓ પર નિર્ભર રહેવાની જરૂર નથી. બીજાના પર આધાર રાખવાથી પરતંત્ર થઈ જવાશે. તમારી આઝાદી ક્યારે કોણ છીનવી લઈ શકે એમ છે એનો વિચાર કરવાથી એકલા પડી ગયા હોવાનું દુઃખ ઓછું થઈ જશે. જો બેઉ વિકલ્પો ખરાબ હોય તો નક્કી કરો કે ક્યો વિકલ્પ ઓછો ખરાબ છેઃ એકલા પડી જવું કે પોતાની સ્વતંત્રતા ગુમાવી દેવી? તો આ થયો ત્રીજો ઈલાજ. એકલા પડી ગયા હોવાની લાગણી જન્મે ત્યારે કોઈકના પર પૂરેપૂરા ડિપેન્ડન્ટ થઈ જવાથી આવનારાં દુષ્પરિણામો વિશે વિચારવું. બંધનવાળું જીવન જીવવા કરતાં એકલવાયું જીવન જીવવું વધારે સારું.
૪. એકલવાયા થઈ જવાની લાગણી જન્મે ત્યારે એકસાથે બે વિરોધાભાસી વિચારો જન્મે ! એક, બધું જ વેરવિખેર કરી નાંખીને એકદમ ફ્રેશ શરૂઆત કરવી છે અને બે, કશું જ બદલવું નથી, કોઈ પરિવર્તનનું સાહસ કરવું નથી, જીવનમાં જૈસે થે ની પરિસ્થિતિ જાળવી રાખવી છે. એકલા પડી જઈએ છીએ ત્યારે સૌથી વધુ ઈચ્છા બધું જ બદલી નાંખવાની થાય છે. લાઈફસ્ટાઈલ, મિત્રો, વિચારો, આસપાસનું વાતાવરણ, નોકરી, ઘરનું ફર્નીચર અને ક્યારેક શહેર પણ. જાણે આપણા એકલવાયાપણાનું કારણ આ જ બધા લોકો કે આ જ બધી પરિસ્થિતિઓ કે આ જ બધી ચીજો હોય અને એ બદલાઈ જશે કે તરત એ લાગણી મટી જશે એવી ખાતરી થઈ જાય છે આ ગાળામાં અને કેટલીકવાર માણસ બધું જ વેરવિખેર કરી નાખવાનો આરંભ પણ કરી દેતો હોય છે.
આવું કરવું નુકસાનકારક પુરવાર થઈ શકે, એકલવાયા હોઈએ ત્યારે ખાસ. વર્ષોની જહેમતથી, એક-એક ઈંટ ગોઠવીને તૈયાર કરેલી ઈમારતનો એક ઝાટકે ધ્વંસ કરી નાંખવાથી શું મળશે? જે છે એ પણ ચાલ્યું જશે અને હતા એના કરતાં વધારે એકલવાયા બની જવાશે ! વગર વિચાર્યે બધું જ એક સપાટામાં ભૂંસી નાખવાની કલ્પના કરવી પણ વ્યર્થ છે. અત્યાર સુધી ઊભું કરેલું વિશ્વ આપણી માનસિક સલામતીનો એક હિસ્સો છે અને આ વિશ્વને વેરવિખેર કરી નાખવાથી એ સલામતી પણ જતી રહેવાની છે. નોકરી બદલી નાખવાથી કે ઘર બદલી નાખવાથી કે જીવનસાથી બદલી નાખવાથી તમારા એકલવાયાપણાનો ઈલાજ નથી થવાનો. કદાચ વધી જશે. બહેતર એ છે કે જે છે એમાં ફાયદાકારક અને ઉપયોગી કેટલું છે એ વિચારીને અત્યાર સુધીની કમાણીને રોળી નાખવાની લાલચ પર કાબૂ મેળવી લેવો.
આના કરતાં તદ્દન સામા છેડાની વાત પણ એટલી જ જોખમી. એકલા હોઈએ ત્યારે બધું જ જેમ છે એમ રાખવાનું મન થાય. કશું જ બદલવું નથી, પહેરેલાં કપડાં પણ નહીં, એવા વિચારો સતત તમને ખેંચ્યા કરે. આ એક બીજો અંતિમ થયો. ક્યારેક વિચારો કે લાગણીઓની બાબતમાં આવા અંતિમવાદી થવું ગમે, સારું પણ ખરું. પરંતુ દર વખતે તદ્દન સામા છેડાના અંતિમે ન પહોંચી જવાય. જેમ કે, એકલવાયા હોઈએ ત્યારે બધું જ બદલી નાખવાની વૃત્તિ જેટલી જોખમકારક થઈ શકે એટલી જ -કશું નથી બદલવું- ની જીદ હાનિકારક પુરવાર થાય.
એકલવાયા હોઈએ ત્યારે કેટલીક વખત કશુંક બદલવું પડતું હોય છે અને પોતે થોડાક બદલાવું પડતું હોય છે. પતિ કે પત્નીની ગેરહાજરી કે ગેરહયાતીને કારણે એકલવાયી થઈ ગયેલી વ્યક્તિ નવેસરથી જીવન શરૂ કરવાનું નક્કી કરે એમાં કંઈ ખોટું નથી. નિવૃત્તિ પછી ઘરમાં રહી રહીને કંટાળી ગયેલા માનસિક-શારીરિક રીતે સશક્ત એવા વડીલ કોઈ રોજગારી કે સેવાની પ્રવૃત્તિ શોધી લે એમાં કશું ખોટું નથી. વર્ષો સુધી પ્રેક્ટિસ કરીને લાખો રૂપિયા કમાઈ ચૂકેલો બાહોશ ડોકટર ૪૦-૪૫ વર્ષોથી ભરયુવાન ઉંમરે તબીબી વ્યવસાયને સંપૂર્ણપણે છોડીને ખેતી કરવા મંડી પડે તો એમાં પણ કશું ખોટું નથી. એકલવાયાપણું દૂર કરવા કેટલાંક પરિવર્તનો જરૂરી છે. આ પરિવર્તનો એવાં હોવાં જોઈએ જે અત્યાર સુધીની જિંદગીમાં તમે જે કંઈ ભૌતિક સ્તરે કે લાગણીના સ્તરે કમાયા છો તેને વેડફી ન દે. તો આ થયો એકલવાયાપણું દૂર કરવાનો ચોથો ઈલાજઃ બધું જ વેરવિખેર કરી નાખવાને બદલે માત્ર જરૂર પૂરતાં પરિવર્તનો જ કરવાં.
૫. પાંચમો ઈલાજ જે છે તે એકલવાયાપણું સર્જાય તે પહેલાંનો અર્થાત્ પ્રિવેન્ટિવ ઈલાજ છે. કેટલાક લોકો ખૂબ પ્રવૃત્તિને જીવનની સાર્થકતા સમજે છે. જ્ઞાતિસંસ્થા, સોશિયલ ગ્રૂપ, બિલ્ડિંગની સોસાયટી, નવરાત્રિ જેવા ઉત્સવોનું આયોજન, કલબની પ્રવૃત્તિઓ, ઘરમાં ઝીણામાં ઝીણી બાબતો પર ધ્યાન વગેરે. એક પણ પળ પગ વાળીને બેસી રહેવાનું એમને ગમતું નથી. એકલવાયાપણાનો એકાદવાર અહેસાસ કરી ચૂકેલી વ્યક્તિ ખાસ આવું કરવાની. આખો દિવસ સતત કામના અને નકામા માણસોથી ઘેરાયેલા રહેવું, જેના ને તેના ફોન જાતે જ રિસીવ કરવા, અગાઉથી નક્કી કર્યા વગર ધસી આવતા લોકોને પણ આવકારવા, એટલું જ નહીં, એક મુલાકાતી બેઠા હોય ત્યારે બીજા આવે તો એને પણ સાથે બેસાડી દેવા....
પણ આવા દરબારો કાયમના નથી હોતા. જ્ઞાતિની સંસ્થાનું પ્રમુખપદ કે સોશિયલ ગ્રૂપનું સેક્રેટરીપદ કે સોસાયટીનું ટ્રેઝરપદ પણ કાયમનું હોતું નથી. ભરપૂર વ્યસ્તતા પછી એમાં આવતી ઓટ એકલવાયાપણાની લાગણીને વધુ તીવ્ર બનાવી દે છે. સોળ કલાક વ્યસ્ત રહેતી વ્યક્તિ એકાએક આઠ કલાક વ્યસ્ત રહે એવી પરિસ્થિતિ સર્જાય ત્યારે એને એકલતા લાગવા માંડે છે. એને મૂંઝવણ થાય કે બાકીના આઠ કલાકનો ખાલીપો કેવી રીતે પૂરવો. એકલવાયાપણાનો પાંચમો ઈલાજ આ છેઃ ખાવાની જેમ પ્રવૃત્તિઓની બાબતમાં પણ અકરાંતિયાપણાથી દૂર રહેવું.
૬. એકલતા દૂર કરવાનો છઠ્ઠો ઉપાય જરા અટપટો છે. કારણ કે ઉપરછલ્લી રીતે, એ પાંચમા ઉપાય કરતાં વિરોધાભાસી લાગે એવો છે.
છઠ્ઠો ઉપાય છે દિમાગની પ્રવૃત્તિઓ બેસુમાર રાખવી. એમાં ગળાડૂબ રહેવું. મંડળો, કલબો, સોશિયલ ગ્રૂપો ઈત્યાદિની પ્રવૃત્તિઓ મર્યાદિત રાખવી એ બરાબર. પણ શોખના વિષયો મર્યાદિત હોવા જરૂરી નથી. જે વ્યક્તિના રસના વિષયોમાં વૈવિધ્ય હોય એવી વ્યક્તિ એકલી પડી જાય ત્યારે પણ એની પાસે આ બધી-એકલાં એકલાં કરી શકાય એવી-પ્રવૃત્તિઓ હોય છે. એક વાતનું ધ્યાન રાખવું કે અનેક વિષયોમાં રસ લીધા પછી એકાદ-બે વિષય એવા હોવા જોઈએ જેમાં તમારી સંપૂર્ણ માસ્ટરી હોય અથવા એમાં માસ્ટરી મેળવવાનું તમને મન થયા કરતું હોય. જેમાં ખૂબ ઊંડા ઊતરી જવાનું મન થાય એવા એકાદ બે વિષયો વ્યક્તિએ પોતાનામાં ખીલવવા જોઈએ. વ્યક્તિની માનસિક ક્ષિતિજો વિસ્તરેલી હોય તો એના જીવનમાં ઘનઘોર એકલતા નથી આવતી એવું નથી પણ એવી વ્યક્તિઓ એકલતાના ગાળામાં અન્ય વ્યક્તિઓ કરતાં પોતાની જાતને વધારે સારી રીતે સંભાળી શકે છે. શક્ય છે કે આવી વ્યક્તિના જીવનમાં એકલતા પ્રવેશવાના ગાળા જ ઓછા આવે.
એકલતા ઘેરી વળે તે વખતે એકની એક પ્રવૃત્તિ કરવાનો કંટાળો આવતો હોય છે. એકધારાપણાને કારણે ઘણી વખત એકલતા વધુ સજ્જડ બની જતી હોય છે. આવા વખતે એકમાંથી બીજી કે બીજીમાંથી ત્રીજી પ્રવૃત્તિમાં સરકી જવાનું આસાન બને તે માટે રસના વિષયોમાં પહેલેથી જ વૈવિધ્ય રાખવું જોઈએ. ઉંમર વધવાની સાથે સમજાતું હોય છે કે રસના વિષયોમાં વૈવિધ્ય શા માટે જરૂરી છે. કેટલાય વડીલોને તમે જોતા હશો જેમનો એટિટયુડ તમને ઘણીવાર તદ્દન સંકુચિત લાગતો હોય. દિમાગના બધાં બારણાં વાસી દીધાં હોય એવું લાગે. આમ થવાનું કારણ એ કે એમણે પોતાના રસના વિષયોને ઉંમરના શરૂઆતનાં વર્ષો દરમિયાન વધારવાની કોઈ દરકાર કરી હોતી નથી, અથવા તો ઉંમર વધવાની સાથે એમણે જાતને સમૃદ્ધ કરવાને બદલે સંકુચિત બનાવી દીધી હોય છે. એકલતા દૂર કરવાનો છઠ્ઠો રામબાણ ઈલાજઃ જેમાં રસ પડે એવાં વિષયો / ક્ષેત્રો વધારતા જવું.
૭. એકલતાને એકલી પાડી દેવાનો સાતમો અને છેલ્લો ઈલાજ વ્યવહારનો નથી. આ આધ્યાત્મિક ઈલાજ છે. રવીન્દ્રનાથ ટાગોરે લખ્યું : એકલો જાને રે… માણસ હકીકતમાં એકલો જ છે, એકલો જ રહેવાનો છે અને એકલો જ મરવાનો છે. કોઈ સાથી કે સંગી વિના. નિરંજન ભગતે ગાયું એમ જો કોઈ સાથી મળી પણ જાય ત્યારે જે સાથ સર્જાય તેને 'આપણો ઘડીક સંગ' માનવાનો. ફિઝિકલી જ નહીં મેન્ટલી પણ માણસે એકલા રહેવાની ટેવ પાડવી જોઈએ. કોઈક મળ્યું તો એટલો સમય જલસાનો, ન મળ્યું તો એટલો સમય ડબલ જલસાનો. આખરે તો આપણે એકલા જ છીએ એવું સ્વીકારી લેવાથી એકલવાયાપણામાંથી એકાંત તરફ જવાની દિશા ખુલતી દેખાશે. એકાંતના મંદિરમાં જાત સચવાઈ જતી હોય છે. એકલવાયાપણામાંથી ઉપર ઊઠેલો માણસ જ્યારે એકાંત માણવાનું શરૂ કરે છે ત્યારે જે પરિસ્થિતિ શાપરૂપ લાગતી હતી એ જ હવે દેવની ડાયરેક્ટ દીધેલી હોય એવું લાગવા માંડે છે!