25.3.20

કળાથી અધ્યાત્મ અને અધ્યાત્મથી કળા સુધી! {તુષાર દવે)

 નરસૈંયો, કૂન ફાયાકૂન અને નાસદીય :     
કળાથી અધ્યાત્મ અને અધ્યાત્મથી કળા સુધી!
                                                              તુષાર દવે





બ્રિટિશ આર્ટિસ્ટ અને ઓથર નિક બેનટોક કહે છે કે, ‘તમે આર્ટને જીવન કે અધ્યાત્મથી અલગ ન કરી શકો. તે બન્ને એક-બીજા સાથે અવિભાજ્ય રીતે વણાયેલા છે.’

કળા પોતાના ઉચ્ચતમ સ્તરે પહોંચે ત્યારે અધ્યાત્મિકતા સાથે તાદાત્મ્ય સાધે છે અને તમે જ્યારે અધ્યાત્મિક સ્તરે ઉપર પહોંચો છો ત્યારે સમગ્ર બહ્માંડ સાથે તાદાત્મ્ય સાધો છો. તમે તમારી જાતને - ‘જીવ એ જ શિવ અને શિવ એ જ શિવ’ - એ સૂત્ર મુજબ પોતાના અસ્તિત્વને બહ્માંડના જ એક અંશ તરીકે અનુભવી શકો છો.

ભક્તિ અને સ્પિરિચ્યુઆલિટી એટલે કે અધ્યાત્મમાં આ પાયાનો ફર્ક છે. ભક્તિમાં ભાવક પરમતત્ત્વથી અલગ હોય છે અને ભક્તિના અલગ અલગ સ્વરૂપોના માધ્યમથી કશુંક પામવા કે મેળવવાની યાચના કરતો હોય છે જ્યારે અધ્યાત્મિકતામાં સાધક પોતે જ પરમતત્ત્વમાં ભળી ગયો હોય છે અને તેનામાં કશું પણ મેળવવા કે પામવાની ભાવના રહી નથી હોતી. ચિનુ મોદીના પેલા શેરની જેમ કે -

કોઈ ઇચ્છાનું મને વળગણ ન હો, 

એ ય ઇચ્છા છે, હવે એ પણ ન હો.

વિપશ્યના ના
ચાહક અને સાધક રાઈટર-એક્ટર પીયૂષ મિશ્રા પોતાની ઘણી ટોકમાં કહેતા હોય છે કે, ‘હુશ્ના મેં લાસ્ટમેં ગાઉંગા, ક્યોંકિ વો ગાને કે બાદ કુછ બોલા નહીં જાએગા...’ - ‘હુશ્ના...’* ગાયા બાદ બોલી ન શકવાનું કારણ માત્ર એ ગાયકીનો થાક નથી, પણ ગાયકી હોય કે નૃત્ય, કોઈપણ કલાકાર પોતાની કળાના ઉચ્ચતમ સ્તરે પહોંચે ત્યારે એ ધ્યાનની કક્ષાએ પહોંચી જાય છે. ઓશોનું સક્રિય ધ્યાન હોય, શ્રી શ્રી રવિશંકરની સુદર્શન ક્રિયા હોય કે વિપશ્યના, એ કર્યાં બાદ તરત જ વ્યક્તિ કંઈ જ બોલવા ઈચ્છતી નથી હોતી. મોટેભાગે તો બોલી જ નથી શકતી. ઓશો કહે છે ને કે ધ્યાન કરવાનું ન હોય, પણ ધ્યાનમાં રહેવાનું હોય એ આ.

પંડિત હરિપ્રસાદ ચૌરસિયા વાંસળી વગાડતા ચરમકક્ષાએ પહોંચ્યા હોય કે એ.આર. રહેમાન ‘કૂન ફાયાકુન’ પરફોર્મ કરતા હોય ત્યારે એમના ચહેરા પર જે જોવા મળે એ કળા અને અધ્યાત્મનો સંગમ છે.

વળી, અધ્યાત્મ અને ધર્મ બન્ને અલગ બાબતો છે. એની ભેળસેળ ગેરમાર્ગે દોરી શકે અથવા તો વ્યક્તિની આસ-પાસ કોઈ ઈલ્યુઝન સર્જી શકે. ધ્યાન અને અધ્યાત્મ એ ઈલ્યુઝનથી ઉપર ઉઠ્યાં પછીની ઘટના છે. એને શબ્દોમાં વર્ણવી ન શકાય. હા, કળામાં પરોવી જરૂર શકાય... જોકે, ‘પરોવી શકાય’ એમ કહેવું પણ સાચું નથી! એ તો આપોઆપ, અનાયાસે સર્જાતી ઘટના છે. એ કરી ન શકાય. એ થઈ જાય.

નરસિંહ મહેતની કવિતા - ‘જાગીને જોઉં તો જગત દીસે નહીં’ -ને કળા કહીશું કે અધ્યાત્મ? આ કાવ્યની પંક્તિઓ કળાના માધ્યમથી રજૂ થતું અધ્યાત્મ છે કે અધ્યાત્મિક શક્તિથી થતું કળાનું સર્જન છે? શું લાગે છે નરસૈંયાએ
લખ્યું હશે - ‘ચિત્ત-ચૈતન્ય-વિલાસ તદ્રુપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે’ ? ના, લખાઈ ગયું હશે એમ માનવું જ યોગ્ય છે.

‘કૂન ફાયાકૂન’ - આ શબ્દને ઉઠાવીને ઈર્શાદ કામિલે લખેલી અને એ.આર. રહેમાને કંપોઝ કરેલી ફિલ્મ 'રોકસ્ટાર’ની કવ્વાલી ખૂબ લોકપ્રિય છે. કૂન અરેબિક શબ્દ છે જેનો મતલબ ‘હોવું’, ‘બનવું’ કે ‘હું છું’ થાય છે. ઈસ્લામિક કથા મુજબ અલ્લાહે આ શબ્દો દ્વારા આદેશ આપીને સૃષ્ટિનું સર્જન કરેલુ. કુરાન મુજબ કૂન ફાયાકૂન એ અલ્લાહની સર્જનશક્તિનું પ્રતીક છે. એટલે જ તો એ કવ્વાલીમાં એક પંક્તિ એવી હતી કે, 'જબ કહીં પે કુછ કહીં ભી નહીં થા, વહી થા-વહી થા-વહી થા... કૂન ફાયાકુન...કૂન ફાયાકુન...’

મજાની વાત એ છે કે ઋગવેદના નાસદિય સૂક્તનો પ્રથમ મંત્ર પણ આવી જ કંઈક વાત કરે છે કે -
" नासदासीन्नो सदासीत्तदानीं नासीद्रजो नो व्योमा परो यत् । 
    किमावरीवः कुह कस्य शर्मन्नम्भः किमासीद्गहनं गभीरम् ॥ १॥"

જેનો અર્થ છે - ‘સૃષ્ટિની પહેલા સત નહોતું, અસત પણ નહોતું. આકાશ પણ નહોતું, અંતરિક્ષ પણ નહોતું. છુપાયેલું શું હતું? ક્યાં હતું? કોણે ઢાંકેલું હતું? એ સમયે તો અતળ અગમ જળ પણ ક્યાં હતું?’ ઈનશોર્ટ ત્યારે કશું જ નહોતું. જવાહરલાલ નહેરુના પુસ્તક ‘ડિસ્કવરી ઓફ ઈન્ડિયા’ પર પરથી શ્યામ બેનેગલે બનાવેલી દૂરદર્શનની સિરિયલ ‘ભારત એક ખોજ’ના ટાઈટલ સોંગમાં આ સૂક્તનો સુંદર ઉપયોગ થયો છે. (https://youtu.be/1IsB7zY6qc0) ખેર, નાસદીય સૂક્તના આગળના મંત્રોમાં પછી સૃષ્ટિના રચયિતા અને સૃષ્ટિના સર્જનનું વર્ણન આવે છે. (https://tinyurl.com/u628pvo) 'રોકસ્ટાર’ના ડિરેક્ટર ઈમ્તિયાઝ અલીએ એક ઈન્ટરવ્યૂમાં કહેલું પણ ખરું કે તેમની ટીમને ‘કૂન ફાયાકુન’ ગીતની પેલી પંક્તિની પ્રેરણા ઋગવેદના આ શ્ર્લોકમાંથી જ મળેલી.


હવે આમ જુઓ તો ’રોકસ્ટાર’ની એ કવ્વાલી કળા છે, પણ આગળ વધતા એક તબક્કે તે અધ્યાત્મના સ્તરે પહોંચી જાય છે.
નાસદિય સૂક્ત અધ્યાત્મિક વાત કરે છે પણ એ જ વાત જ્યારે રહેમાન અને કામિલની કવ્વાલીમાં પરોવાય છે અથવા એ માધ્યમથી પીરસાય છે ત્યારે તે કળા બની જાય છે. આમ જુઓ તો બન્ને અલગ છે અને એક દૃષ્ટિએ બન્નેને અલગ કરીને જોવા શક્ય જ નથી.

----------------------------

ફ્રી હિટ

હું ખરો તું ખરો, હું વિના તું નહીં, હું રહીશ ત્યાં લગી તું રહેશે.

હું જતે તું ગયો, અનિર્વાચી રહ્યો, હું વિના તું તને કોણ કહેશે?

- નરસિંહ મહેતા


* हुश्ना https://gaana.com/song/husna

ટિપ્પણીઓ નથી: