26.3.20

મૂર્ખ બનતી હૈ દુનિયા, મૂર્ખ બનાનેવાલા ચાહિયે! (અભિમન્યુ મોદી)


મૂર્ખ બનતી હૈ દુનિયા,
મૂર્ખ બનાનેવાલા ચાહિયે!
અભિમન્યુ મોદી

મૂરખાઓની કમી નથી. હવે તો મૂરખ બનાવનારાઓની પણ કમી નથી. કદાચ અત્યારે જગત એ જ દિશામાં આગળ વધી રહ્યું છે જ્યાંથી મૂરખ બનાવવાની કોઈને કોઈ જડીબુટ્ટી મળી જાય. એકસાથે કરોડો લોકોને મૂરખ બનાવી ન શકાય એ માત્ર માન્યતા છે. એકસાથે લાખો-કરોડો લોકોને મૂરખ બનાવવાની પ્રથા તો સદીઓ પહેલાથી શરૂ થઈ ગઈ છે. અત્યારે  ઇન્ટર-કનેક્ટેડ જમાનામાં તો પ્રજાનો સમૂહ સમૂહ મટીને ટોળું બની ગયો છે અને ટોળાને ટોપી પહેરાવવી બહુ સહેલી હોય છે. જરૂર પડે થોડા કોન્ફિડન્સની. આત્મવિશ્ર્વાસ ફેક હોય તો પણ ચાલે કિન્તુ સ્કીમ મજેદાર હોવી જોઈએ.


દુનિયાને સમજવી હોય તો એક વાત યાદ રાખવી. પબ્લિકને એક ભગવાનની અને અલૌકિક શક્તિની જરૂર પડવાની જ. એ જ રીતે આધુનિક વિશ્ર્વની પ્રજાને મૂરખ બનાવનારાઓ માટે પણ ચાહત રહેવાની જ.


મૂરખ બનાવવામાં એટલે મજા આવે કે મૂરખ બનાવનારને એવો અહેસાસ થાય કે પરિસ્થિતિ એના કંટ્રોલમાં છે અને એ જેમ નચાવે એમ બધા નાચે છે. પણ લોકોને મૂરખ બનવાની કેમ મજા આવે છે એ સંશોધનનો વિષય છે. ટૂથપેસ્ટની જાહેરાતથી લઈને બે દેશો વચ્ચેના યુદ્ધ સુધીના બનાવોમાં એકસાથે મોટી સંખ્યામાં લોકોને ઉલ્લુ બનાવવામાં આવે છે. રાજનેતાઓની હત્યાથી લઈને મોટા મોટા એક્સિડેન્ટમાં વાસ્તવમાં શું થયું એ ક્યારેય ખબર જ નથી પડતી. મૂરખાઓને કારણે આ દુનિયા આ રીતે ચાલે છે. અબજો ડૉલરોનો ધંધો મૂર્ખવાદ ઉપર ચાલે છે. તકવાદી લોકો મૂર્ખતાની ગળથુથી લોકોને પીવડાવી શકે તેની ફિરાકમાં છે.


નોસ્ત્રાડેમસ પહેલો એવો હોશિયાર હતો જે આજ સુધી બધાને મૂરખ બનાવે રાખે છે. નાઈન ઇલેવનના રોજ વર્લ્ડ ટ્રેડ સેન્ટર ધરાશાયી થયું ત્યારે નોસ્ત્રાડેમસની ભવિષ્યવાણી કરતી પંક્તિઓ બહુ ગાજી હતી. થોડા મહિનાઓ પછી વાત બહાર આવી કે એ તો કોઈ કોલેજીયન યુવાને ટ્રીક કરી હતી જેથી સમજાવી શકાય કે લોકોને મૂરખ બનાવવા કેટલા સહેલા છે.


આપણી અમુક ન્યુઝ ચેનલો પણ એ જ ધંધો કરે છે. રાવણનું શબ ગોતી આવે, રામસેતુના અવશેષો લઈ આવે, એલિયન સાથે ઇન્ટરવ્યૂ ગોઠવી આપે, વડા પ્રધાન મોદીના પાછલા જન્મની કહાનીઓ કરે, ગણપતિની મૂર્તિને દૂધ પીવડાવવા લાગી જાય કે દરિયાના પાણીને મીઠું કરી નાખે. મજાની વાત એ છે કે આ પ્રકારના ધુપ્પલો જોવાના પબ્લિક પૈસા આપે છે. જાણે રેસ લાગી હોય કે શ્રેષ્ઠ મૂર્ખશિરોમણી કોણ?


હમણાં એક ફિલ્મે સિનેમા ઇતિહાસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા. ટાઇટેનિક જેવી કલાસ ફિલ્મનો રેકોર્ડ પણ તોડ્યો. 'એવેન્જર્સ એન્ડગેમ'એ  આખી દુનિયાને બેવકૂફ બનાવી. છેલ્લી વીસ મિનિટની સામાન્ય ફાઇટ બતાવીને અબજો ડૉલર ઉસેટી લીધા અને લોકોના ઇમોશન સાથે રમી લીધું. એ ફિલ્મ થિએટરોમાંથી ઊતરી એને આટલો સમય થયો  છતાં હજુ સુધી તેની એક પણ કલીપ કે એના કોઈ મીમ વાઇરલ થયા નથી,  જે એ વાતની સાબિતી છે કે ફિલ્મમાં કઈ જ હતું નહીં. પણ લોકોએ જાતને મૂરખ બનાવવાના ત્રણસો-પાંચસો રૂપિયા આપ્યા અને આવી નબળી ફિલ્મનું મફતમાં પ્રમોશન કરી આપ્યું. જુઓે, બધા સ્વેચ્છાએ કેવી રીતે મૂર્ખાનંદનો તાજ પહેરી લે છે.


ફૂડ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ. એમાં તો ઘણાં ઉદાહરણો મળે. પણ પહેલી વાત એ કે અનલિમિટેડ બ્રન્ચ/ડિનરના ક્ન્સેપ્ટે દરેક દેશની હેલ્થ સિસ્ટમ ઉપર કરોડોનો બોજો વધાર્યો છે. ડાયાબિટીસ, બીપી, મેદસ્વિતા, અસ્થમા, કિડની ફેઇલ્યોર વગેરેનું પ્રમાણ ભયંકર રીતે વધ્યું છે. કરોડો લોકો વ્યસન પાળે અને બીજા કરોડો લોકો આવા ફૂડ જોઈન્ટમાં જઈને પોતાની હેલ્થ બગાડે. મેકડોનાલ્ડસનું ઉદાહરણ લઈએ. યુટ્યુબમાં એવી ડોક્યુમેન્ટરી છે કે એક માણસે ફક્ત છ મહિના મેકડોનાલ્ડસનું ફૂડ સતત આરોગ્યું અને તેની તબિયત સાવ લથડી ગઈ. તેની ઉમર અચાનક વધી ગઈ. વાળ ખરવા લાગ્યા, કિડની ગઈ અને બીજું ઘણું બધું. લોકો જાણે છે કે ફાસ્ટફૂડની ઘણી ચેઇનમાં મળતાં પાંઉ કે બ્રેડ મેંદાને બદલે કેમિકલ/પ્લાસ્ટિકના હોય છે. તો પણ ડ્રાઈવ-થ્રુની લાઈનમાં કલાકો ઊભા રહેશે અને એ ટેસ્ટલેસ બર્ગર સાથે સેલ્ફી લેશે. ફક્ત એક બ્રાન્ડની વાત નથી, લગભગ દરેક ઇન્ટરનેશનલ બ્રાન્ડ સામૂહિકપણે ઉલ્લુ બનાવવાનો ધંધો કરે જ છે.


સેઇમ વે, સોશ્યલ મીડિયાની વાત કરવી પડે. એક કડવી હકીકત એ છે કે કોઈ પણ માણસનો કોઈ પણ ડેટા પ્રાઇવેટ રહેતો નથી. પ્રાઇવસી ઇઝ મીથ. એ માત્ર પોકળ માન્યતા છે. ફેસબુકે તો અબજો ડૉલરનો દંડ ભર્યો છે એના નિયમો તોડવા માટે. કંપનીઓને આપણો ડેટા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વેચવામાં આવતો હોય છે. ગુગલના અલગોરીધમના બહુ બધા ઉપયોગ થાય છે. આપણને શું ગમે છે, આપણે કેટલા ટાઈમે ઘરની બહાર ફરવા જઈએ છીએ, કેટલું અને ક્યાંથી ખરીદીએ છીએ, આપણા ધાર્મિક અને રાજકીય વિચારો કેવા છે, આપણા દિમાગમાં કેટલી ગંદકી ભરેલી છે એવું બધું જ અમુક લોકો જાણે છે અથવા તો ધારે તો જાણી શકે છે. છેલ્લાં પંદર વર્ષમાં એંશી ટકા ગુનેગારો મોબાઇલ ફોન કે નેટવર્કને કારણે પકડાયા છે. આ બધું આપણે જાણીએ છીએ, કઈ અજાણી વાત નથી તો પણ આપણે કરીએ છીએ. જે થવું હોય એ થાય એ આપણો અભિગમ છે. કોઈ પણ એપ્લિકેશન કે વેબસાઈટમાં લોગ-ઇન થતા પહેલા બતાવવામાં આવતી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સનું જે ખાનું હોય છે અને જે આપણે વાંચ્યા વિના એક્સેપ્ટ કરી લઈએ છીએ તે હકીકતમાં આપણી અનન્ય મૂર્ખતાનું પ્રમાણપત્ર છે જેની ઉપર આપણે સ્વેચ્છાએ સાઈન કરી આપીએ છીએ.


ચોકલેટની જાહેરાત એવું કહે કે પ્રેગ્નન્સી રિઝલ્ટ પોઝિટિવ આવે એ માટે ડૉક્ટર પાસે જતા પહેલા અમારી ચોકલેટ ખાઈ જાઓ અને કોઈ ટ્રાવેલ્સવાળો એમ કહે કે રક્ષાબંધન ઉપર તમારી બેનને આ ગિફ્ટ આપો. મારે મારો તહેવાર કેમ ઉજવવો, મારા કુટુંબીજનોને ભેટ શું આપવી, ફર્સ્ટ નાઈટના કઈ ખરીદી કરવી, દોસ્તો સાથે હોલિડે ક્યાં વિતાવવો, બાળક જન્મે એ પહેલા એને કઈ બ્રાન્ડની ટેવ પાડવી એ બધું બધું જ અમુક લોકો નક્કી કરી આપે છે. એ બધાને આપણી સંસ્કૃતિમાં ઘૂસી જઈ એને અપસાઈડ ડાઉન કરી નાખવી છે અને એની ઉપર પોતાના તાજમહેલ ચણી લેવા છે. હવે તો જૂના સ્મારકો કે સ્ટેડિયમના નામો પણ બદલાઈ જાય છે. ઇતિહાસ સાથે વ્યવસ્થિત છેડખાની કરવામાં આવે છે. બે સંપ્રદાયના લોકો બાખડી પડે છે. કુછ ભી કુછ ભી ચાલ્યા કરે છે અને પબ્લિકને એમાં મજા આવે છે. કારણ કે મૂરખ બનવા માટે મહેનત કરવી પડતી નથી હોતી અને પબ્લિકને બે છેડા ભેગા કરવા સિવાય બીજા કશામાં રસ નથી.


જોકે આપણે હવે તો મૂરખ બનવાની આદત નાખી દેવી જોઈએ. અવાજ ઉઠાવવાની નિયત અને હિમ્મત ન હોય તથા પોતાની મૌલિકતાને ચુપકીદીથી દાટી દીધી હોય ત્યાં મૂરખાઓના મોટાને મોટા ફાલ જ નીકળે. જય મુરખેશ્ર્વર દાદા!

ટિપ્પણીઓ નથી: